સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ શું કહે છે?

જુગાર

જુગાર

અમુક લોકો જુગારને મનોરંજન તરીકે જુએ છે, જ્યારે અમુક એને ખતરનાક ગણે છે.

શું જુગાર રમવું ખોટું છે?

લોકો શું કહે છે?

કાયદેસર રીતે રમાતા જુગારને ઘણા લોકો મનોરંજન ગણે છે. કાયદેસર રીતે રમાતા જુગારની અમુક રીતોમાંની એક, સરકાર તરફથી લોટરીની યોજના છે. એ યોજનાથી મળતા પૈસાનો ઉપયોગ જનતાના લાભ માટેના કાર્યક્રમોમાં થાય છે.

બાઇબલ શું કહે છે?

બાઇબલ જુગાર વિશે કંઈ ખાસ જણાવતું નથી. તેમ છતાં, એમાં માર્ગદર્શન આપતા ઘણા સિદ્ધાંતો છે. એનાથી ખબર પડે છે કે, જુગાર વિશે ઈશ્વરના વિચારો કેવા છે.

જુગારમાં બીજી વ્યક્તિના હારેલા પૈસા તમે જીતો છો. એ બાઇબલની ચેતવણી વિરુદ્ધ છે, જે જણાવે છે: “સર્વ પ્રકારના લોભથી દૂર રહો.” (લુક ૧૨:૧૫) હકીકતમાં, લોભ વ્યક્તિને જુગાર રમવા ઉશ્કેરે છે. જુગારની સંસ્થાઓ મોટા જેકપોટની જાહેરાત કરતા હોય છે. પરંતુ, લોકોને જીતવાની કેટલી તક છે એ વિશે તેઓ ખરું જણાવતા નથી. કારણ કે, તેઓ જાણે છે કે પૈસાદાર બનવાના સપના જોનારાઓ કેસિનોમાં ચોક્કસ ઘણા પૈસા દાવ પર લગાવશે. વ્યક્તિને લોભથી દૂર રહેવા મદદ કરવાને બદલે જુગાર રાતોરાત પૈસાદાર બનવાની ઇચ્છાને ભડકાવે છે.

જુગાર સ્વાર્થને લીધે રમવામાં આવે છે. એક વ્યક્તિના હારેલા પૈસા બીજી વ્યક્તિ જીતે છે. જોકે, બાઇબલ ઉત્તેજન આપે છે: “કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.” (૧ કોરીંથી ૧૦:૨૪) ઈશ્વરની એક આજ્ઞા જણાવે છે કે, “તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.” (નિર્ગમન ૨૦:૧૭) જુગારી જીતવાની આશા રાખે છે ત્યારે, તે વિચારે છે કે બીજાઓ પૈસા હારે જેથી તેને લાભ થાય.

નસીબને આશીર્વાદ આપતું રહસ્યમય બળ તરીકે જોવાની બાઇબલ મના કરે છે. દાખલા તરીકે, પ્રાચીન ઈસ્રાએલમાં અમુક લોકોએ ઈશ્વરમાં ભરોસો બતાવ્યો નહિ. તેઓએ “સૌભાગ્ય [નસીબ] દેવીને માટે ભાણું” પીરસવાનું શરૂ કર્યું. “સૌભાગ્ય [નસીબ] દેવી” પ્રત્યેની તેઓની ભક્તિ શું ઈશ્વરે માન્ય કરી? ના, ઈશ્વરે તેઓને કહ્યું: “મારી દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે તમે કર્યું, ને જે હું ચાહતો નહોતો તે તમે પસંદ કર્યું.”—યશાયા ૬૫:૧૧, ૧૨.

એ સાચું છે કે, અમુક દેશોમાં કાયદેસર રીતે રમાતા જુગારથી મળતા પૈસાનો ઉપયોગ શિક્ષણ આપવામાં, દેશના આર્થિક સુધારા અને જનતા માટેના કાર્યક્રમોમાં થાય છે. ભલે આ પૈસાનો ઉપયોગ સારા કામ માટે થતો હોય પણ, એ કઈ રીતે આવ્યા એને નજરઅંદાજ ન કરી શકાય. એ પૈસા એવાં કાર્યો દ્વારા આવે છે, જે લોકોને લોભ અને સ્વાર્થી ઇચ્છાઓ રાખવા ભડકાવે છે. એનાથી વગર મહેનતે બધું મળી જાય એવો વિચાર લોકોના મનમાં આવે છે.

“તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.”નિર્ગમન ૨૦:૧૭.

જુગાર રમવાથી જુગારી પર કઈ ખરાબ અસર પડે છે?

બાઇબલ શું કહે છે?

બાઇબલ ચેતવણી આપે છે કે ‘ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે અને માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.’ (૧ તીમોથી ૬:૯) જુગારનું મૂળ લોભ છે. લોભ રાખવાથી બહુ નુકશાન થાય છે. એટલે, બાઇબલમાં મનાઈ કરેલાં કામોમાં “લોભ”નો પણ સમાવેશ થાય છે.—એફેસી ૫:૩.

જુગારનો મુખ્ય ધ્યેય રાતોરાત પૈસાદાર બનવાનો હોય છે. આમ, જુગાર પૈસાને પ્રેમ કરવાનું ઉત્તેજન આપે છે. બાઇબલ પૈસાના લોભને “સઘળા પ્રકારનાં પાપનું મૂળ” કહે છે. પૈસાના પ્રેમની વ્યક્તિના જીવન પર એટલી અસર થાય છે કે, તે ચિંતામાં ડૂબી જઈ શકે. ઉપરાંત, ઈશ્વર પરથી તેની શ્રદ્ધા ઓછી થઈ શકે. બાઇબલ જણાવે છે કે, પૈસાનો લોભ કરવાના ફાંદામાં ફસાયા છે તેઓએ જાણે ‘ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.’—૧ તીમોથી ૬:૧૦.

લોભી વ્યક્તિને સંતોષ મળતો નથી. પોતાની પાસે પુષ્કળ પૈસા હોવા છતાં તે ખુશ થતી નથી. તેમ જ, લોભથી તેની ખુશી છીનવાઈ જાય છે. “રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો ભાવિક સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ.”—સભાશિક્ષક ૫:૧૦.

લાખો લોકો જેઓ જુગાર રમવાના ફાંદામાં ફસાયા છે, તેઓ જુગારના બંધાણી બની ગયા છે. આ તકલીફ ચારેબાજુ ફેલાયેલી છે. એક ન્યૂઝપેપરમાં ભારતના એક કેસિનોના મેનેજરે કહ્યું કે, તેના કેસિનોમાં આવતા ૭૦ ટકા લોકો જુગારના બંધાણી બની ગયા છે.

એક કહેવત છે કે લોભ “કરવાથી સમૃદ્ધ થઈ શકાય, પણ તેની સાથે શાપ આવે છે.” (નીતિવચનો ૨૦:૨૧, IBSI) જુગાર રમવાથી વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે કે પછી નાદાર થઈ જાય છે. ઘણા લોકોએ એના કારણે નોકરી, મિત્રતા અને લગ્નજીવન ગુમાવ્યા છે. બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડીને વ્યક્તિ પોતાના જીવન અને ખુશીઓ પર જુગારથી થતી ખોટી અસરને ટાળી શકે છે. (g૧૫-E ૦૩)

‘ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે અને માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.’૧ તીમોથી ૬:૯.