આનો રચનાર કોણ?
ઘોડાના પગ
એવું કહેવાય છે કે ઘોડો (ઇક્કસ કૅબેલસ) કલાકના ૫૦ કિ.મી.ની ઝડપે દોડી શકે છે. જોકે, એમ કરવામાં ઘોડાના શરીરમાં ઘણી પ્રક્રિયા થાય છે, તોય એની બહુ ઓછી તાકાત ખર્ચાય છે. એ કઈ રીતે બની શકે? એનું રહસ્ય ઘોડાના પગમાં છે.
ઘોડાની તેજ દોડ વિશે જરા કલ્પના કરો. દોડતી વખતે ઘોડાના પગ જ્યારે જમીન પર પડે છે, ત્યારે તેનાં રબર જેવા સ્નાયુ-રજ્જુઓ શક્તિ શોષે છે. અને સ્પ્રિંગની જેમ ખેંચાઈને પાછા વળે છે. એનાથી ઘોડાને આગળ દોડવા વેગ મળે છે.
જ્યારે ઘોડો પૂર ઝડપે દોડે છે ત્યારે એના પગમાં વારંવાર કંપન આવે છે, જેનાથી એના રજ્જુને નુકસાન થઈ શકે. જોકે, પગના સ્નાયુઓ કંપન ઓછું કરવા અવરોધક તરીકે કામ કરે છે. સંશોધકો આ પ્રકારનાં બંધારણને “બહુ ઊંચી કક્ષાની સ્નાયુ-રજ્જુ રચના” તરીકે ઓળખાવે છે, કે જે ઝડપ અને તાકાત બંને આપે છે.
એન્જિનિયરો ચાર પગ ધરાવતો રૉબોટ બનાવવા માટે, ઘોડાના પગની રચનાની નકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, એક લૅબોરેટરીના કહેવા પ્રમાણે ઘોડાના પગની રચના એટલી જટિલ છે કે હાલનાં સાધન-સામગ્રી અને એન્જિનિયરિંગ જ્ઞાન વડે એની નકલ કરવી સહેલું નથી.—બાયોમિમૅટિક રૉબોટિક્સ લૅબોરેટરી, મૅસચ્યૂસિટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅક્નોલૉજી.
વિચારવા જેવું: શું ઘોડાના પગનું બંધારણ પોતાની મેળે આવ્યું કે પછી એનો કોઈ રચનાર છે? (g14-E 10)