કડવી વાતો કઈ રીતે ટાળી શકીએ?
કુટુંબ માટે મદદ | લગ્નજીવન
કડવી વાતો કઈ રીતે ટાળી શકીએ?
મુશ્કેલી
જ્યારે પણ કોઈ મતભેદ ઊભા થાય, ત્યારે તમે અને તમારા લગ્નસાથી એકબીજાની વાતમાં વાંધા-વચકાં કાઢવા બેસી જાઓ છો. તમારા લગ્નજીવનમાં આજકાલ કડવી વાતો વધી ગઈ હોવાથી, તમને લાગે છે કે આ રીતે વાતચીત કરવી “સામાન્ય” કહેવાય.
જો તમારા લગ્નજીવનમાં આમ થઈ રહ્યું હોય, તો તમે એને અટકાવી શકો છો. પહેલા તો, તમારે તકરારનાં કારણો જાણવાની અને જીવનમાં સુધારો કરવાથી તમને કેવો લાભ થશે, એ વિચારવાની જરૂર છે.
એવું શા માટે બને છે?
કુટુંબમાં ઉછેર. ઘણા પતિ-પત્ની એવા કુટુંબમાં મોટા થયા હોય છે, જ્યાં કડવી વાણીનો વપરાશ સામાન્ય હોય. પોતાનાં માબાપ પાસેથી સાંભળી હોય એવી કઠોર ભાષા કદાચ એક અથવા બંને જણ પોતાના લગ્નજીવનમાં પણ વાપરે.
મનોરંજનની અસર. ફિલ્મો અને ટીવી કાર્યક્રમોમાં અપમાનજનક વાતોને કોમેડી તરીકે રજૂ કરવામાં આવે છે. એનાથી જોનારા પર એવી અસર પડે છે કે આવી વાણી બોલવામાં કંઈ ખોટું નથી. અરે, એ તો મજાક કહેવાય.
સમાજ. કેટલાક સમાજમાં એવું શીખવવામાં આવે છે કે “ખરો મર્દ” સ્ત્રીને મુઠ્ઠીમાં રાખે છે. અથવા સ્ત્રીઓએ આકરો સ્વભાવ રાખવો જોઈએ, જેથી પોતે કમજોર ન દેખાય. તકરાર થાય ત્યારે જો લગ્નસાથી આવું વિચારતા હશે, તો એકબીજાને સાથીદાર નહિ પણ દુશ્મન ગણશે. ઘા પર મલમ લગાડતા શબ્દો વાપરવાને બદલે, એવી વાણી વાપરશે કે જાણે ઘા પર મીઠું ભભરાવતા હોય.
ભલે ગમે તે કારણ હોય, કડવી વાણી છૂટાછેડા તરફ દોરી જઈ શકે. ઉપરાંત, એનાથી તબિયત પર પણ ખરાબ અસર થઈ શકે. અમુક લોકો કહે છે, તલવાર કરતાં કડવા શબ્દો વધારે ધારદાર હોય છે. દાખલા તરીકે, પતિનો માર અને કડવી વાણી સહન કરનાર એક પત્ની જણાવે છે: “માર કરતાં અપમાન સહન કરવું મારા માટે વધારે કઠિન છે.”
જો કડવી વાણીને લીધે તમારા સંબંધોમાં તિરાડ પડી હોય, તો તમે શું કરી શકો?
તમે શું કરી શકો?
બીજાની લાગણી સમજો. કલ્પના કરો કે તમારા લગ્નસાથી સાથે તમે જેવી વાણી વાપરો છો, એવી જ તે તમારી સાથે વાપરે તો તમને કેવું લાગશે. જો શક્ય હોય, તો તમારા લગ્નસાથીને તમારી વાણી કડવી લાગી હોય એવા ખાસ પ્રસંગને યાદ કરો. તમે શું કહ્યું હતું એ વિશે વિચારવાને બદલે, વિચારો કે તમારા લગ્નસાથીને એ સાંભળીને કેવું લાગ્યું હશે. કડવી વાણીને બદલે સારા શબ્દો કઈ રીતે વાપરવા એનો વિચાર કરો. બાઇબલ કહે છે: “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.”—નીતિવચનો ૧૫:૧.
સારાં યુગલોને અનુસરો. જો ખરાબ દાખલાને લીધે તમે અને તમારા લગ્નસાથી બરાબર વાત કરતા ન હો, તો સારા દાખલાઓ પર ધ્યાન આપો. એકબીજા સાથે સારી રીતે વાતચીત કરતા યુગલોનું અનુકરણ કરો.—બાઇબલ સિદ્ધાંત: ફિલિપી ૩:૧૭.
જૂની લાગણીઓને પાછી જીવંત બનાવો. કડવી વાણી મોટા ભાગે જીભમાંથી નહિ, પણ દિલમાંથી નીકળે છે. એટલે, તમારા લગ્નસાથી વિશે સારા વિચારો અને લાગણીઓ કેળવવા પ્રયત્ન કરો. યાદ કરો કે, એવી કઈ પ્રવૃત્તિઓ છે, જેનો તમે બંને સાથે મળીને આનંદ માણતા હતા? જૂના ફોટા જુઓ. કેવી કેવી બાબતોથી તમે હસી પડતા? કયા ગુણોને લીધે તમે બંને એકબીજાની નજીક આવ્યા હતા?—બાઇબલ સિદ્ધાંત: લુક ૬:૪૫.
પોતાની લાગણીઓ જણાવો. લગ્નસાથીને જેમતેમ બોલવાને બદલે, તમને કેવું લાગ્યું એ જણાવો. દાખલા તરીકે, “મને જણાવ્યા વિના જ્યારે તું કોઈ પ્લાન બનાવે છે, ત્યારે મને લાગે છે કે તને મારા વિચારોની કદર નથી.” આવા શબ્દો વાપરશો તો સારાં પરિણામ આવશે. પણ આવા શબ્દો ન વાપરવા જોઈએ: “તું તો એવો જ છે, દરેક વખતે મને જણાવ્યા વિના પ્લાન બનાવી લે છે.”—બાઇબલ સિદ્ધાંત: કોલોસી ૪:૬.
ક્યારે અટકવું એનું ધ્યાન રાખો. જો કોઈનો પણ ગુસ્સો વધતો જતો હોય અને વાત કાબૂ બહાર જવા લાગે તો સારું થશે કે એ સમયે ચર્ચા અટકાવી દો. મોટા ભાગે ચર્ચાને શાંતિથી હાથ ધરવાનો પ્રયત્ન કરો. પણ જો વાત વણસી જાય તો ત્યાંથી ચાલ્યા જવામાં કંઈ ખોટું નથી.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૭:૧૪. ◼ (g13-E 04)
[પાન ૪ પર ચિત્ર]
[પાન ૪ પર ચિત્ર]
[પાન ૫ પર બ્લર્બ]
કડવી વાણી મોટા ભાગે જીભમાંથી નહિ, પણ દિલમાંથી નીકળે છે
[પાન ૫ પર બોક્સ]
મહત્ત્વની કલમો
“પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.”—એફેસી ૫:૨૮.
“સ્ત્રી પોતાના પતિનું માન રાખે.”—એફેસી ૫:૩૩.
‘તમારામાંથી બોલાચાલી અને સર્વ પ્રકારની નિંદા સદંતર કાઢી નાખો.’—એફેસી ૪:૩૧, સંપૂર્ણ.
[પાન ૫ પર બોક્સ]
‘નિંદા’ શાને કહેવાય?
‘તમારામાંથી બોલાચાલી અને સર્વ પ્રકારની નિંદા સદંતર કાઢી નાખજો.’ (એફેસી ૪:૩૧, સંપૂર્ણ) ‘બોલાચાલી’ અને ‘નિંદા’ વચ્ચે પાઊલે કેમ ફરક બતાવ્યો? ‘બોલાચાલી’ (ગ્રીકમાં, ક્રાવિગે) માટે વપરાયેલા મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય કે, ઊંચા અવાજે બોલવું. જ્યારે ‘નિંદા’ (ગ્રીકમાં, વલાસ્ફીમીઆ) એટલે કે ખરાબ વાત. એનો શું અર્થ થાય? નિંદાનો અર્થ હંમેશાં બૂમબરાડા પાડવા થતો નથી. હકીકતમાં, ભલે નીચા અવાજે કહેવામાં આવી હોય, પરંતુ કોઈ પણ ધિક્કારવાળી, ઉતારી પાડતી કે અપમાન કરતી વાત નિંદા ગણાય.