સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સોશિયલ નેટવર્કિંગ સોશિયલ નેટવર્કિંગ વિષે મહત્ત્વના ચાર સવાલો

સોશિયલ નેટવર્કિંગ સોશિયલ નેટવર્કિંગ વિષે મહત્ત્વના ચાર સવાલો

સોશિયલ નેટવર્કિંગ સોશિયલ નેટવર્કિંગ વિષે મહત્ત્વના ચાર સવાલો

ઇન્ટરનેટની જેમ સોશિયલ નેટવર્કિંગના પણ જોખમો રહેલાં છે. * એ ધ્યાનમાં રાખીને હવે પછી આપેલા પ્રશ્નોનો વિચાર કરો.

૧ સોશિયલ નેટવર્કિંગ મારી પ્રાઇવસીને કેવી રીતે અસર કરે છે?

“બહુ બોલવામાં અપરાધ થવાની સંભાવના વધારે હોય છે, પણ બોલવામાં સંયમ જાળવવામાં શાણપણ છે.” —નીતિવચનો ૧૦:૧૯.

તમારે શું જાણવું જોઈએ. સાઇટ ઉપર તમારી માહિતી, ફોટાઓ, મિત્રોએ લખેલા મૅસેજ અને તમે લખેલી કોમેન્ટ્‌સ હોય છે. જો ધ્યાન નહિ રાખો, તો તમારી ઘણી માહિતી બીજાઓ આગળ ખુલ્લી પડી શકે. દાખલા તરીકે, કદાચ તમે લખેલી માહિતી આ બધું જણાવતી હોય શકે: તમે ક્યાં રહો છો, ઘરે ક્યારે હોવ છો અથવા ક્યારે નથી હોતા, ક્યાં કામ કરો છે કે કઈ સ્કૂલમાં છો. તમે સાઇટ પર ઘરનું ઍડ્રેસ પણ મૂક્યું હોઈ શકે. પછી ફક્ત એટલું જ લખો કે ‘અમે કાલે વૅકેશન પર જઈએ છીએ!’ તો, ચોરને માટે એટલી માહિતી પૂરતી છે કે કોને ત્યાં અને ક્યારે ચોરી કરવી.

સાઇટ પર મૂકેલી બીજી માહિતી, જેમ કે તમારું ઈમેઈલ ઍડ્રેસ, તમારી જન્મ તારીખ, કે ફોન નંબરનો દુરુપયોગ કરીને કોઈ તમને હેરાન-પરેશાન કરી શકે. અથવા તમારી આઇડેન્ટિટીનો કોઈ ખોટો ઉપયોગ કરી શકે. આવું હોવા છતાં ઘણા લોકો પોતાની માહિતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મૂકતા હોય છે.

લોકો ઘણી વાર ભૂલી જતા હોય છે કે એક વાર ઇન્ટરનેટ પર માહિતી મૂકી દો, પછી એ ખાનગી રહેતી નથી. સાઇટ ઉપર જો તમારી માહિતી “ફક્ત મિત્રો” જ જોઈ શકે, એવું સેટિંગ રાખ્યું તોપણ, એ માહિતી બહુ સુરક્ષિત રહેતી નથી. કારણ કે એ માહિતીનો મિત્રો કેવો ઉપયોગ કરશે એના પર તેઓનો કાબૂ રહેતો નથી. હકીકતમાં, સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર તમે જે કંઈ મૂકો એ ખાનગી રહેતું નથી. લોકો એ સહેલાઈથી જોઈ શકે છે.

તમે શું કરી શકો. સોશિયલ નેટવર્કિંગ સાઇટના પ્રાઇવસી સેટિંગ શું છે, એ સારી રીતે જાણો અને એનો સારો ઉપયોગ કરો. તમે જે લોકોને ઓળખો છો અને ભરોસો કરો છો, એવા મિત્રો જ તમારી કૉમેન્ટ કે ફોટા જોઈ શકે એવું સેટિંગ્સ કરો.

ભૂલશો નહિ કે તમારા ધાર્યા કરતાં પણ વધારે લોકો તમારી માહિતી મેળવી શકે છે. નિયમિત રીતે પેજને ચેક કરતા રહો અને પોતાને પૂછો: ‘મેં એવી તો કોઈ માહિતી નથી મૂકીને, જેનો દુરુપયોગ કરીને કોઈ મારા સુધી પહોંચી જાય કે મારી આઇડેન્ટીટી ચોરી લે?’ તમારા મિત્રોને પણ એવી કોઈ કૉમેન્ટ લખશો નહિ, જેના લીધે તમારી અથવા બીજાઓની પ્રાઇવસી જોખમમાં મૂકાય. (નીતિવચનો ૧૧:૧૩) તમારે જો કોઈ ખાનગી બાબત જણાવવી પડે, તો એ માટે બીજી કોઈ રીત વાપરો. કૅમરન નામની બહેન જણાવે છે કે ‘ફોન પર વાત કરવી એ વધારી સારી રીતે છે, કેમ કે એનાથી તમારી માહિતી ખાનગી રહે છે.’

ભૂલશો નહીં. કિમ નામની બહેન કહે છે: ‘સોશિયલ નેટવર્ક પર તમે જે કંઈ કરો એ સમજી-વિચારીને કરો. તમે જ્યાં સુધી એમ કરશો ત્યાં સુધી તમારી પ્રાઇવસી ખતરામાં નહિ આવે.’

૨ સોશિયલ નેટવર્કિંગ મારા સમયને કેવી રીતે અસર કરે છે?

જે અગત્યનું છે, “તે તમે પારખી લો.” —ફિલિપી ૧:⁠૧૦.

તમારે શું જાણવું જોઈએ. સોશિયલ નેટવર્કિંગ તમારો ઘણો સમય ખાઈ જઈ શકે અને મહત્ત્વના કામો બાજુ પર રહી જઈ શકે. કૅય નામની બહેન જણાવે છે કે ‘સોશિયલ નેટવર્ક પર જેટલા વધારે મિત્રો હશે, એટલો વધારે સમય વેડફાઈ જશે. તેમ જ, તમે એના ગુલામ બની જશો.’ જેઓ આવી સાઇટ્‌સના બંધાણી હતા, તેઓ શું કહે છે એનો વિચાર કરો.

‘ભલે તમને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ગમતી ન હોય તોપણ, એનાથી છૂટવું આસાન નથી. તમારું મન ત્યાં જ ચોંટ્યું રહે છે.’—એલીસ.

‘સાઇટ ઉપર ઘણી બાબતો હોય છે. જેમ કે ગેમ્સ, ટેસ્ટ, મ્યુઝિક ફેન પેઇજીસ. એ ઉપરાંત, દોસ્તોના પેજ ચેક કરવા.’—બ્લેઇન.

‘એ જાણે વમળ જેવું છે, તમને ખબર પણ ન પડે એ રીતે અંદરને અંદર ખેંચી જાય. પણ જ્યારે મમ્મી આવીને બૂમ પાડે કે આ કામ કેમ નથી થયું ત્યારે, ભાન આવે.’—એનલીઝ.

‘હું બસ એ જ રાહ જોતી કે ક્યારે સ્કૂલ પતે અને ઘરે દોડી જવું. એ જોવા કે મિત્રોએ મારા પોસ્ટ પર શું લખ્યું છે. પછી એના જવાબો લખવા પડતા અને નવા અપલોડ થયેલા બધા જ ફોટા પણ જોવા પડતા. ઓનલાઇન હોઉં ત્યારે મારો મૂડ બગડી જતો અને કોઈ મને ડિસ્ટર્બ કરે એ જરાય ગમતું નહિ. હું એવા અમુક લોકોને જાણું છું, જેઓ હરવખત ઓનલાઇન રહે છે. જ્યારે તેઓ બીજાના ઘરે જાય ત્યારે પણ, તેઓ ઓનલાઇન જ હોય છે. અરે, આપણી અક્કલ કામ ન કરે એવા સમય સુધી તેઓ ઓનલાઇન રહે છે!’—મેગન.

તમે શું કરી શકો. સમય બહુ કિંમતી છે એને બરબાદ કરવો પોસાય નહિ. તો કેમ નહિ કે જેમ પૈસા માટે બજેટ બનાવો, તેમ સમય માટે પણ કરો? સૌથી પહેલા, એ નક્કી કરો કે કેટલો સમય ઓનલાઇન રહેવું તમારા માટે વાજબી કહેવાશે. પછી, એક મહિના સુધી જુઓ કે તમે કેટલો સમય ઓનલાઇન વિતાવો છો અને તમારા નિર્ણયને કેટલી હદે વળગી રહ્યા છો. જરૂર લાગે ત્યાં સુધારો કરો.

તમે માતા-પિતા હો અને તમારું બાળક વધારે પડતો સમય સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વિતાવતું હોય તો, એની પાછાળનું કારણ જાણવા પ્રયત્ન કરો. દાખલા તરીકે, નેન્સી ઈ. વિલઅર્ડ પોતાનાં પુસ્તકમાં લખે છે કે એવી સાઇટનો ઉપયોગ કરવાથી ચિંતા, તણાવ આવી શકે અને સ્વમાન ઘટી જઈ શકે. તેમણે લખ્યું કે ‘ઘણા બાળકોને પોતાના સોશિયલ સ્ટેટસની બહુ ચિંતા હોય છે. સોશિયલ નેટવર્ક પર કેટલા મિત્રો છે અને તેઓ સાથે કેટલો સમય વિતાવવામાં આવે છે, આના પરથી જો યુવાનો પોતાનું સ્ટેટસ માપતા હોય, તો એ તેઓને એના ગુલામ બની જવા પ્રોત્સાહન આપે છે.’—સાયબર-સેફ કીડ્‌સ, સાયબર-સેવ્વી ટીન્સ.

કુટુંબીજનો સાથે સમય પસાર કરવો એ વધારે મહત્ત્વનું છે. એટલે સોશિયલ નેટવર્કિંગ કે એના જેવી બીજી ઇન્ટરનેટ સાઇટને વચ્ચે આવવા દેવી ન જોઈએ. ડૉન ટૅપસ્કોટ નામના લેખક પોતાનાં પુસ્તક ગ્રોન અપ ડીજીટલમાં જણાવે છે: ‘ઇન્ટરનેટની એક કડવી હકીકત એ છે કે એના દ્વારા દૂર રહેતા સગાં-સ્નેહીઓ સાથે સંપર્ક કરવો સહેલું છે. પરંતુ, એના લીધે એક જ ઘરમાં રહેતા કુટુંબીજનોની વચ્ચે અંતર વધી જાય છે.’

ભૂલશો નહીં. એમિલી નામની છોકરી કહે છે: ‘મને લાગે છે કે લોકો સાથે સંપર્કમાં રહેવા માટે સોશિયલ નેટવર્કિંગ ખૂબ જ સારી રીત છે. પરંતુ, બીજી બાબતોની જેમ આમાં પણ તમારે યાદ રાખવું જોઈએ કે ક્યારે એને સ્ટોપ કરવું.’

૩ સોશિયલ નેટવર્કિંગ મારી શાખને કેવી રીતે અસર કરે છે?

“ભલું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઈચ્છવાજોગ છે.”—નીતિવચનો ૨૨:૧.

તમારે શું જાણવું જોઈએ. સોશિયલ નેટવર્ક પર લખવાથી તમારી જે શાખ ઊભી થાય, એ મિટાવી મુશ્કેલ બની શકે. (નીતિવચનો ૨૦:૧૧; માથ્થી ૭:૧૭) ઘણા લોકોને એ જોખમ દેખાતું નથી. રાકૅલ નામની યુવતી કહે છે: ‘એવું જોવા મળ્યું છે કે જ્યારે લોકો સોશિયલ નેટવર્ક પર હોય, ત્યારે સૂઝ-બૂઝ ગુમાવી દે છે. તેઓ એવી વાતો કહેશે જે સામાન્ય રીતે નથી કહેતા. અમુકને ભાન રહેતું નથી કે એક ખરાબ કૉમેન્ટથી તેઓનું નામ બદનામ થઈ શકે.’

સોશિયલ નેટવર્ક પર એક વાર તમારું નામ ખરાબ થઈ જાય તો, એનું પરિણામ વર્ષો સુધી ભોગવવું પડી શકે. ગ્રોન અપ ડિજિટલ પુસ્તક જણાવે છે: ‘સોશિયલ નેટવર્કિંગ સાઇટ વાપરતા લોકો પોતાની જોબ ગુમાવી રહ્યા છે, એના કિસ્સા સાંભળવામાં આવે છે. અથવા તેઓએ મૂકેલા પોસ્ટને લીધે નવી જોબ હાથમાંથી જતી રહે છે.’

તમે શું કરી શકો. તમારું સોશિયલ નેટવર્કનું પેજ જુઓ અને બીજાઓને એ જોઈને કેવું લાગશે, એ વિચારો. આ સવાલ પર વિચાર કરો: ‘શું હું લોકોની નજરમાં ખરેખર આવો દેખાવા માંગું છું? સાઇટ પરના મારા ફોટા જોઈને, બીજાઓ મને કેવો ગણશે? શું તેઓ મને ‘ફ્લર્ટી’ કે ચાલુ ગણશે? કે પછી ‘સેક્સી’? શું ‘પાર્ટીઓનો રસિયો’ કહેશે? જો આમ હોય, તો જ્યારે હું નવી જોબ માટે અપ્લાય કરું, ત્યારે મારા નવા બૉસ મારું પેજ જોઈને આવું વિચારે, એવું હું ચાહું છું? શું મારા ફોટાઓમાં મારા સંસ્કારો દેખાઈ આવે છે?’

તમે યુવાન હો, તો પોતાને આ પૂછો: ‘મારા માતા પિતા, ટીચર અથવા કોઈ મોટી વ્યક્તિ મારું પેજ જુએ તો, તેઓ શું વિચારશે? તેઓ એ જોશે અને વાંચશે તો, શું મારે નીચું જોવું પડશે?’

ભૂલશો નહીં. પોતાની શાખની વાત આવે ત્યારે, પ્રેરિત પાઊલના આ શબ્દો યાદ રાખજો: ‘જે કંઈ વાવશો, એ જ લણશો.’—ગલાતી ૬:⁠૭.

૪ સોશિયલ નેટવર્કિંગ મારી દોસ્તી પર કેવી અસર કરે છે?

“જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચનો ૧૩:૨૦.

તમારે શું જાણવું જોઈએ. તમારા દોસ્તોની અસર તમારા વિચારો અને કાર્યો પર પડે છે. (૧ કોરીંથી ૧૫:૩૩) તેથી, સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તમે કોને ફ્રેન્ડ બનાવશો, એ વિચારવું જોઈએ. અમુક લોકો તો ઢગલાબંધ અજાણ્યાઓની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારી લે છે. બીજા કેટલાકને જાણવા મળ્યું કે તેઓના ફ્રેન્ડ લીસ્ટમાં બધા જ લોકો કંઈ સારા નથી હોતા. અમુક યુવાનો શું કહે છે, એનો વિચાર કરો:

‘જ્યારે કોઈ ફલાણા-ઢીકણાંની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારી લે છે, ત્યારે સામે ચાલીને મુશ્કેલી નોતરે છે.’—એનલીઝ.

‘હું ઘણાને જાણું છું, જેઓ ફ્રેન્ડ બનાવવા ન ચાહતા હોય તોપણ, લોકોને ફ્રેન્ડ લિસ્ટમાં ઍડ કરે છે, જેથી કોઈને ખોટું ન લાગે.’—લીએન.

‘એ જાણે રૂબરૂ મળવા જેવું છે. તેથી, તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા દોસ્તો કોણ છે.’—ઍલેક્સ.

તમે શું કરી શકો. તમે નક્કી કરો કે કેવા અને કેટલા દોસ્ત બનાવશો. જેમ કે, અમુકે પહેલેથી વિચારી લીધું છે કે કેવા અને કેટલા દોસ્તો બનાવશે. *

‘હું ફક્ત એવા લોકોને ફ્રેન્ડ તરીકે ઍડ કરું છું, જેઓને સારી રીતે ઓળખતી હોઉં, નહિ કે જેઓને ખાલી જાણતી હોઉં.’—જીન.

‘હું જેઓને લાંબા સમયથી ઓળખતી હોઉં, તેઓને જ દોસ્ત બનાવું છું. અજાણ્યા લોકોને કદી પણ ઍડ કરતી નથી.’—મોનિક્‌.

‘હું એવા લોકોને મારા દોસ્ત બનાવું છું, જેઓને સારી રીતે ઓળખું છું અને જેઓના સંસ્કારો મારા જેવા છે.’—રૅય.

‘હું જેને ઓળખતી ન હોઉં તેની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો, એને ના જ પાડી દઉં છું. એમાં જરાય આનાકાની કરતી નથી. જેઓને હું રૂબરૂ મળતી હોઉં, તેઓ સાથે જ ઓનલાઇન દોસ્તી રાખું છું.’—મેરી.

‘કોઈ મિત્ર એવા ફોટો મૂકે અથવા કોઈ કૉમેન્ટ લખે જે મારા ધોરણો વિરુદ્ધ હોય તો, એ ફ્રેન્ડને મારા લિસ્ટમાંથી કાઢી નાખતા મને જરાય ખોટું લાગતું નથી.’—કીમ.

‘જ્યારે મારું સોશિયલ નેટવર્ક એકાઉન્ટ હતું, ત્યારે હું એના પ્રાઇવસી સેટિંગ પર ખૂબ ધ્યાન રાખતી. મારા ફોટા કે કૉમેન્ટ ફક્ત મારા ફ્રેન્ડ્‌સ જોઈ શકે એવું સેટિંગ રાખતી, નહિ કે તેઓના ફ્રેન્ડ્‌સ પણ જોઈ શકે. મેં એમ કર્યું હતું, કારણ કે હું જાણતી ન હતી કે મારા ફ્રેન્ડ્‌સના ફ્રેન્ડ્‌સ સારા છે કે નહિ.’—હૅધર.

ભૂલશો નહીં. ડૉ. ગ્વેન શરગીન ઑકીફે પોતાના પુસ્તક સાયબરસેફમાં લખે છે: ‘સૌથી સારી સલાહ એ છે કે તમારે ફક્ત એવા જ દોસ્તો ઓનલાઇન બનાવવા જોઈએ, જેઓને તમે સારી રીતે ઓળખતા હો અને રૂબરૂ મળતા હો.’ * (g12-E 02)

[ફુટનોટ્‌સ]

^ સજાગ બનો! સોશિયલ નેટવર્કિંગ વાપરવાનું ઉત્તેજન નથી આપતું કે મના નથી કરતું. ઇન્ટરનેટ વાપરવા વિષે યહોવાના ભક્તે કાળજી રાખવી જોઈએ, જેથી બાઇબલનો કોઈ સિદ્ધાંત ન તૂટે.—૧ તીમોથી ૧:૫, ૧૯.

^ આ લેખમાં આપણે સામાન્ય દોસ્તી વિષે વાત કરી રહ્યાં છીએ, નહિ કે બિઝનેસને લગતાં સંગાથીઓની.

^ સોશિયલ નેટવર્કિંગ વિષે વધારે માહિતી મેળવવા જાન્યુઆરી-માર્ચનું ૨૦૧૨ના સજાગ બનો! મૅગેઝિનના પાન ૧૪-૨૧ જુઓ.

[પાન ૩૧ પર બોક્સ]

સાઈન આઉટ!

તમે સાઈન આઉટ કર્યા વગર ચાલ્યા જાવ તો, એક જોખમ રહે છે કે કોઈ તમારા પેજ પર આવીને ગમે તે લખી દઈ શકે. રોબર્ટ વિલ્સન નામના વકીલ જણાવે છે કે ‘એ જાણે જાહેરમાં ટેબલ પર તમારું પર્સ કે મોબાઇલ છોડીને ચાલ્યા જવા જેવું છે. કોઈ પણ ત્યાં બેસીને તમારા પેજ પર ગમે તે લખી શકે.’ તેથી, તે ચેતવે છે કે ‘સાઇન આઉટ કરવાનું ભૂલશો નહિ!’

[પાન ૩૧ પર બોક્સ]

શું તમે આફત નોતરો છો?

કન્ઝ્યુમર રિપોર્ટનો સર્વે બતાવે છે કે સોશિયલ નેટવર્કિંગ વાપરતા ઘણા લોકો પર ‘આવી મુશ્કેલીઓ આવી શકે: ઘરમાં ચોરી, વ્યક્તિની આઇડેન્ટિટીનો દુરુપયોગ અથવા પજવણી. ૧૫ ટકા લોકોએ પોતાનું સરનામું અથવા ફરવાના સ્થળની માહિતી સાઇટ પર મૂકી હતી. ૩૪ ટકા લોકોએ પોતાની આખી જન્મ તારીખ મૂકી હતી. જેઓના ઘરે બાળકો છે, એવા ૨૧ ટકા લોકોએ બાળકોના નામ અને ફોટા સાઇટ પર મૂક્યા હતા.’