સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સોપારી શું ખાવી જોઈએ?

સોપારી શું ખાવી જોઈએ?

સોપારી શું ખાવી જોઈએ?

દક્ષિણ એશિયાની એક ગલીમાં તમને મળતાવડી વ્યક્તિ મળે છે. તે સ્મિત આપે છે ત્યારે તેના કાળા દાંત દેખાય છે. તેનું મોઢું લાલ થૂંકથી ભરેલું છે. એ વ્યક્તિ પિચકારીઓ મારીને ફૂટપાથ પર લાલ રંગના ગંદા ડાઘા પાડે છે. તે સોપારી ખાઈ રહી છે. આવું તો ઘણાં સ્ત્રી-પુરુષો કરતા હોય છે.

પૂર્વ આફ્રિકા, પાકિસ્તાન, ભારત તથા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોથી લઈને પાપુઆ ન્યૂ ગિની અને માઇક્રોનીશિયા જેવા દેશો સુધી સોપારી ખાતા લોકો જોવા મળે છે. આવા લોકોની સંખ્યા કરોડોમાં છે, એટલે કે દુનિયાની વસ્તીના ૧૦ ટકા લોકો સોપારી ખાય છે. સોપારી વેચનારાઓ, ઘણી વાર પોતાના બાળકો સાથે બજારોમાં કે ગલીઓમાં ટેબલ કે લારી લઈને બેસે છે. તો બીજા વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા ઝગમગતી લાઇટ અને “સોપારી સુંદરી” નામે ઓળખાતી ટૂંકા કપડાંવાળી છોકરીઓનો ઉપયોગ કરે છે.

દુનિયાભરમાં સોપારીનો ધંધો અબજો ડૉલરનો છે. આ સોપારી કેવી હોય છે? શા માટે આટલા બધા લોકો સોપારી ખાય છે? આ આદતની તેઓની તંદુરસ્તી પર કેવી અસર થાય છે? આ આદત વિષે બાઇબલ શું કહે છે? વ્યક્તિ કેવી રીતે આ વ્યસનમાંથી છૂટી શકે?

સોપારી

સોપારીનું ઝાડ પૅસિફિક અને દક્ષિણ-પૂર્વ એશિયાના ગરમ દેશોમાં થાય છે. ઘણા લોકો નાગરવેલના પાનમાં સોપારી અને ચૂનો નાખીને ખાઈ છે. ચૂનો એલ્કેલોઇડ નામનું રસાયણ પેદા કરે છે. કેટલાક લોકો એમાં બીજા મસાલા, તમાકુ અને મીઠા પદાર્થો નાંખે છે, જેથી વધારે મજા આવે.

આ બધાને લીધે મોંમાં લાળ ઉત્પન્‍ન થાય છે, જેનો રંગ લાલ હોય છે. એના લીધે વ્યક્તિ વારંવાર થૂંક્યા કરે છે. અરે, ઘણા તો ચાલુ વાહનમાંથી થૂંકે છે, જેના લીધે બીજા લોકો હેરાન થાય છે.

સોપારી, દુઃખ નોતરે છે!

ઓરલ હેલ્થ નામની ચોપડીનો અહેવાલ જણાવે છે કે, “સદીઓથી લોકોના જીવનમાં સોપારીનો વપરાશ સામાન્ય થઈ ગયો છે. એ તેઓના સમાજ અને ધર્મમાં છૂટથી વપરાય છે. એનો ઉપયોગ કરનારાઓ મોટા ભાગે માને છે કે એનાથી કંઈ નુકસાન થતું નથી. પણ સારું લાગે છે, શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે . . . પરંતુ, પુરાવા બતાવે છે કે એનાથી ઘણું નુકસાન થાય છે.” ચાલો જોઈએ કે એ કેવી રીતે નુકસાન કરે છે?

ડ્રગ અટકાવતી સંસ્થાઓ માને છે કે, સોપારીમાં એવું રસાયણ છે જેના લીધે વ્યક્તિને એ વારંવાર ખાવાની તલપ લાગે. એટલે, ઘણા લોકો દિવસની પચાસ જેટલી સોપારી ખાય છે. ધીમે ધીમે તેઓના દાંતનો રંગ બદલાય છે અને તેઓને અવાળાની બીમારી પણ થાય છે. સોપારીના વ્યસનીઓ વિષે ઉપર જણાવેલી ચોપડી કહે છે, ‘તેઓને ચ્યૂઅરર્સ મ્યુકોસા નામની મોંની બીમારી થાય છે, જેમાં ભૂખરાં-લાલ રંગના ચાંદાં પડે છે. મોંના મ્યૂકોસ સ્નાયુઓમાં કરચલી પડે છે. એ ઉપરાંત તેઓને ઓરલ સબમ્યૂકોસ ફ્રાઈબૉસીર્સ બીમારી થવાની પણ શક્યતા છે. એમાં મોંના મ્યૂકોસમાં ચાંદાં પડે છે અને એ વધતા જાય છે.’

સોપારીની આદતને લીધે મોંનું કૅન્સર (ઓરલ સ્કવેમસ સેલ કાર્સોનોમા) થઈ શકે. એ ગળાના પાછળના ભાગે પણ થઈ શકે છે. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં મોટી ઉંમરની વ્યક્તિઓને સોપારીને લીધે મોંનું કૅન્સર થાય છે. તાઇવાનમાં, સોપારી ખાનારાઓમાં લગભગ પંચ્યાસી ટકા લોકોને મોંનું કૅન્સર થાય છે. વધુમાં, ધ ચાઇના પોસ્ટ નામનું છાપું જણાવે છે કે, “તાઇવાનમાં લોકોના મોત પાછળના દસ મોટા કારણોમાંનું એક, મોંનું કૅન્સર છે. અને છેલ્લા ૪૦ વર્ષમાં એનું પ્રમાણ લગભગ ચાર ગણું વધી ગયું છે.”

આવી જ સ્થિતિ બીજે બધે પણ છે. પાપુઆ ન્યૂ ગિની પોસ્ટ-કુરિયર નામનું છાપું જણાવે છે, “પાપુઆ ન્યૂ ગિની મેડિકલ સોસાયટી મુજબ અહીંના લોકોને સોપારી ખાવી બહુ ગમે છે. પણ એના લીધે દર વર્ષે ૨૦૦૦ લોકો મરણ પામે છે. તેમ જ, તંદુરસ્તીને લગતી બીજી અનેક સમસ્યાઓ પણ થાય છે.” એક ડૉક્ટર જે લેખક પણ છે તે આના વિષે કહે છે, “લાંબા સમય સુધી સોપારીના વપરાશને લીધે ધૂમ્રપાન જેટલી જ ખરાબ અસર થાય છે. જેમ કે, હૃદય અને નસોની બીમારી.”

બાઇબલ એ વિષે શું જણાવે છે?

બાઇબલ કંઈ આરોગ્યનું પુસ્તક નથી અને એમાં સોપારી વિષે પણ કંઈ જણાવ્યું નથી. તોપણ એમાં ઘણા સિદ્ધાંતો છે, જે આપણને ચોખ્ખું, તંદુરસ્ત અને સારું જીવન જીવવા મદદ કરે છે. નીચે આપેલી બાઇબલ કલમો અને એની સાથે આપેલા સવાલનો વિચાર કરો.

‘વહાલાઓ, આપણે દેહની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.’ (૨ કોરીંથી ૭:૧) “તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો.” (રોમનો ૧૨:૧) જો વ્યક્તિ સોપારી ખાઈને પોતાના શરીરને બગાડતી હોય, તો શું ઈશ્વરની નજરે તે પવિત્ર કે શુદ્ધ ગણાશે?

આપણે ઈશ્વરને લીધે “જીવીએ છીએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮) “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે.” (યાકૂબ ૧:૧૭) જીવન ઈશ્વરે આપેલી સુંદર ભેટ છે. બીમાર થવાય એવી કુટેવમાં જો વ્યક્તિ ડૂબેલી રહે, તો શું એ ભેટની કદર કરી કહેવાશે?

“કોઈથી બે ધણીની ચાકરી કરાય નહિ.” (માથ્થી ૬:૨૪) “હું કોઈને આધીન થવાનો નથી.” (૧ કોરીંથી ૬:૧૨) ઈશ્વરને ખુશ રાખવા માંગતી વ્યક્તિ શું ખરાબ આદતોની ગુલામ બનશે?

“તું પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા પડોશી પર પ્રીતિ કર.” (માર્ક ૧૨:૩૧) “પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી.” (રોમનો ૧૩:૧૦) આપણે રસ્તા પર, ફૂટપાથ પર કે બીજે બધે થૂંકીને ગંદકી ફેલાવીએ તો, શું એનાથી બીજાઓને પ્રેમ બતાવીએ છીએ?

આખરે, ‘આપણે જે કંઈ વાવીશું તે જ લણીશું.’ (ગલાતી ૬:૭, ૮) આ એક કુદરતી નિયમ છે. એટલે, જો આપણે ખરાબ આદતો કેળવીશું, તો એનાં ખરાબ પરિણામ આવશે. ઈશ્વર ચાહે છે કે આપણે ખુશીથી જીવીએ અને સારી ટેવો કેળવીએ. એમ કરવાથી સારા પરિણામ આવે છે. એટલું જ નહિ, પણ સુખચેનથી જીવી શકીશું. જો તમારે ઈશ્વરની નજરે જે ખરું છે એ કરવું હોય, તો કેવી રીતે સોપારીની કુટેવ સામે લડી શકો? મદદ માટે પ્રાર્થના કરો અને અહીં આપેલા ત્રણ પગલાં પ્રમાણે કરી શકો. એનાથી અનેક લોકોને લાભ થયો છે.

આદતમાંથી છૂટવાના ત્રણ પગલાં

૧. આઝાદ થવાનું મન કેળવો. ખરાબ આદતમાંથી છૂટવા એ જાણવું જ પૂરતું નથી કે આપણી તંદુરસ્તીને જોખમ છે. પરંતુ, આપણે એવું મન કેળવવાની જરૂર છે જે આદતને છોડવા પ્રેરે. ઘણા લોકો જાણતા હોય છે કે સોપારી, તમાકુ કે ડ્રગ્સથી પોતાનું જીવન અને તંદુરસ્તી બગડે છે. તોપણ તેઓ એ કુટેવ છોડતા નથી. કેમ નહિ કે તમે બાઇબલમાંથી સરજનહાર વિષે શીખો અને તે તમને કેટલું ચાહે છે એ જાણો! એનાથી તમને આ આદતમાંથી છૂટકારો મેળવવાની પ્રેરણા મળશે. હિબ્રૂ ૪:૧૨ કહે છે કે ‘ઈશ્વરનો શબ્દ જીવંત અને સમર્થ’ છે.

૨. ઈશ્વર પાસે મદદ માંગો. ઈસુએ કહ્યું હતું: ‘માંગતા રહો, તો તમને આપવામાં આવશે; શોધતા રહો, તો તમને જડશે; ઠોકતા રહો, તો તમારે માટે ઉઘાડવામાં આવશે. કેમ કે જે કોઈ માગે છે તે પામે છે; જે શોધે છે તેને જડે છે; અને જે ઠોકે છે તેને માટે ઉઘાડવામાં આવશે.’ (લુક ૧૧:૯, ૧૦) જ્યારે સાચા ઈશ્વર યહોવા જોશે કે તમે પ્રાર્થના કરો છો અને મદદ તથા હિંમત માંગો છો, ત્યારે તે મોઢું ફેરવી નહિ લે. પહેલો યોહાન ૪:૮ જણાવે છે કે “ઈશ્વર પ્રેમ છે.” પ્રેરિત પાઊલે પણ એ પ્રેમનો અનુભવ કર્યો હતો. તેમણે લખ્યું કે “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૩.

૩. બીજાઓની મદદ લો. જવો સંગ એવો રંગ. જેવી સંગત રાખશો એવી જ તમારા પર અસર પડશે. નીતિવચનો ૧૩:૨૦ કહે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” એટલે યોગ્ય મિત્રોની પસંદગી કરો. એવા ઘણા લોકો છે જેઓ યહોવાના સાક્ષી બન્યા પહેલાં સોપારી ખાતા હતા. તેઓને એ કુટેવમાંથી છૂટવા ક્યાંથી મદદ મળી? યહોવાના ભક્તો સાથે સંગત રાખવાથી અને બાઇબલનું જ્ઞાન લેવાથી તેઓને મદદ મળી. (g12-E 02)

[પાન ૧૯ પર બોક્સ/ચિત્રો]

તેઓએ સોપારીની આદત છોડી

સજાગ બનો! મૅગેઝિને પાંચ વ્યક્તિઓનાં ઇન્ટરવ્યૂ લીધાં, જેઓએ સોપારી ખાવાની આદત છોડી છે. તેઓ શું કહે છે એ જુઓ:

તમને સોપારી ખાવાની આદત કેવી રીતે પડી?

પૉલીન: નાનપણથી મારા માબાપ મને સોપારી ખાવાં આપતાં. પાપુઆ ન્યૂ ગિની ટાપુના અમારા ગામમાં સોપારી ખાવાનો રિવાજ હતો.

બેટ્ટી: હું બે વર્ષની હતી ત્યારે પપ્પાએ મને સોપારી ખાવા આપેલી. જુવાનીમાં હું એટલી બધી સોપારી સાથે લઈને ફરતી, જાણે કે હું સોપારીનું ઝાડ હોઉં! મને એની એટલી લત લાગી ગઈ કે સવારે ઊઠતાની સાથે જ સોપારી ખાવા માંડતી.

વેન-જંગ: ૧૬ વર્ષની ઉંમરથી મેં સોપારી ખાવાનું શરૂ કર્યુ. સોપારી ખાવી એ મોટા લોકોની ફેશન હતી. એટલે હું પણ સોપારી ખાઈને તેઓમાં ભળી જવા ચાહતો હતો.

જીઆ-લીયાન: ગુજરાન ચલાવવા સોપારી વેચવાનો ધંધો કરતી. હું મારો ધંધો વધારવા ચાહતી હતી. એટલે, સોપારી બેસ્ટ ક્વૉલિટીની છે કે નહિ એ જોવા એને ચાખતી. આમ એની લતે ચઢી ગઈ.

આ આદતની તમારી તંદુરસ્તી પર કેવી અસર થઈ?

જીઆ-લીયાન: મારું મો, દાંત અને હોઠ લાલ-લોહી જેવાં દેખાતાં. એ સમયના ફોટા જોઈને આજે મને શરમ આવે છે. હજી પણ મને મોંમાં ચાંદાં પડે છે.

પૉલીન: મને મોંમાં ચાંદાં પડતા, ચક્કર આવતા અને ઝાડા થતાં.

બેટ્ટી: મારું વજન ફક્ત ૩૫ કિલો હતું. સામાન્ય રીતે, એટલું વજન મારી ઊંચાઈની વ્યક્તિ માટે ખૂબ જ ઓછું કહેવાય. મારા દાંત એકદમ ગંદા દેખાતા. એને ચોખ્ખા કરવા અને ચમકાવવા હું વાયરનો ગુચ્છો વાપરતી.

સૅમ: મને ઝાડા થતાં અને અવાળાનો રોગ થતો. હવે મારો એક જ દાંત રહ્યો છે. દાંત ચમકાવવા વાયરના ગુચ્છાનો ઉપયોગ કરવાનો કોઈ જ ફાયદો થયો નહિ.

તમે આ આદત કેમ છોડી?

પૉલીન: બાઇબલમાં મેં બીજો કોરીંથી ૭:૧ કલમ વાંચી: ઈશ્વર ચાહે છે કે આપણે ‘દેહની સર્વ મલિનતા દૂર કરીને શુદ્ધ થઈએ.’ એટલે, મેં નક્કી કર્યું કે ઈશ્વરને આનંદ પહોંચાડવા હું બનતું બધું કરીશ.

સૅમ: યહોવા ઈશ્વરની શક્તિ મને મદદ કરે એમ હું ચાહતો. એટલે, સોપારી ખાવાની તીવ્ર ઇચ્છા મનમાં ન જાગે એ માટે યહોવાને પ્રાર્થના કરી. તેમણે પ્રાર્થનાનો જવાબ આપ્યો. ૩૦ વર્ષથી હું સોપારીને અડ્યો પણ નથી.

જીઆ-લીયાન: બાઇબલ વાંચતા મારી નજરે આ શબ્દો પડ્યા: “ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો.” (યાકૂબ ૪:૮) એ શબ્દો મારા દિલને અસર કરી ગયા. મને ખબર છે કે સોપારી ખાવાથી નુકસાન થાય છે. એટલે જો હું એ વેચું, તો એ જરાય વાજબી ન કહેવાય. ત્યારે જ મેં નક્કી કર્યું કે શરીરને બગાડતી અને ઈશ્વરને ન ગમતી આદતથી હું ‘મારા હાથ શુદ્ધ કરીશ.’

આ આદત છોડવાથી તમને કેવા ફાયદા થયા?

વેન-જંગ: દોસ્તો સાથે ભળી શકું એ માટે મેં સોપારી ખાવાનું શરૂ કર્યું હતું. પણ હવે હું યહોવા અને મંડળના ભાઈ-બહેનો સાથેના કીમતી સંબંધનો આનંદ માણું છું.

સૅમ: મારી તબિયત વધારે સારી થઈ છે અને યહોવા સાથેનો નાતો વધારે ગાઢ બન્યો છે. હું ખરાબ આદતો પાછળ પૈસા ઉડાવતો નથી. એટલે, હવે મારા કુટુંબની સારી રીતે સંભાળ રાખી શકું છું.

પૉલીન: હવે હું આઝાદ અને શુદ્ધ છું. મારા દાંત સફેદ અને મજબૂત થયા છે. મારા ઘર અને બગીચામાં સોપારીના છોડાં અને પિચકારીના ગંદા ડાઘા રહ્યા નથી.

બેટ્ટી: મારું મન હવે સાફ છે અને મારી તબિયત પણ સારી થઈ છે. હું સ્કૂલમાં ભણાવું છું. તેમ જ, બાકીના સમયમાં લોકોને ઈશ્વર વિષે શીખવું છું.

[ચિત્રો]

બેટ્ટી

પૉલીન

વેન-જંગ

જીઆ-લીયાન

સૅમ

[પાન ૧૭ પર ડાયગ્રામ/ચિત્રો]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

સોપારી ખાવાથી તબિયત લથડી શકે

નાગરવેલના પાનમાં વીંટાળેલી સોપારી

દાંત પર ડાઘા અને અવાળાની બીમારી

ઓરલ સબમ્યૂકોસ ફાઈબ્રોસીસ

[પાન ૧૭ પર ચિત્ર]

ઓરલ સ્કવેમસ સેલ કાર્સોનોમા