ચારે બાજુથી બેઈમાન બનવાનું દબાણ
ચારે બાજુથી બેઈમાન બનવાનું દબાણ
“ઈમાનદારીથી ધંધો કરવો એ ગઈ ગુજરી વાત છે. ઈમાનદાર બનવાનો પ્રયત્ન કરે છે તેઓ નિષ્ફળ જ જવાના.”—સ્ટીવન, અમેરિકા.
શું તમે એની સાથે સહમત છો? ખરું કે બેઈમાનીથી લાભ થાય છે, પણ એ થોડા સમય પૂરતું જ. એટલે જેઓ ઈમાનદાર બનવાનો પ્રયત્ન કરે છે તેઓ પર ખૂબ જ દબાણ આવે છે.
લાલચ. સામેથી પૈસા કે કીમતી ચીજવસ્તુઓ મળે એ કોને ન ગમે! જ્યારે વ્યક્તિ આગળ બેઈમાનીથી કોઈ લાભ મેળવવાની તક ઊભી થાય, ત્યારે એનો નકાર કરવો અઘરું બને છે.
● “કંપની માટે કોને કોન્ટ્રાક્ટ આપવો એ હું નક્કી કરતો. એટલે લાંચની ઘણી ઑફર આવતી હોય છે. ઘણા લોકો આ રીતે પૈસા કમાવાની લાલચમાં પડી જાય છે.”—ફ્રાન્ઝ, મધ્ય પૂર્વ એશિયા.
નફો કમાવાનું દબાણ. થોડાં વર્ષોથી દુનિયા ફરતે વેપાર ધંધામાં મંદી છે. એ ઉપરાંત ટૅક્નોલૉજીમાં ઝડપથી પ્રગતિ થઈ હોવાથી પોતાના અને બીજા દેશની કંપનીઓ પર હરીફાઈનું દબાણ વધે છે. એ કારણે કદાચ કામદારોને લાગે છે કે બેઈમાની કરવાથી જ માલિકો અને મેનેજરોની માંગ પૂરી પાડી શકાશે.
● ‘અમને લાગ્યું કે બેઈમાની નહિ કરીએ તો કંપની બરબાદ થઈ જશે.’ લાંચ આપવા બદલ પકડાયેલ રેનહાર્ડ સીકેચેક નામના માણસે આમ કહ્યું.—ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ.
બીજાઓનું દબાણ. સાથે કામ કરનારા અથવા ઘરાકો કોઈ વાર દબાણ કરશે કે તેઓ સાથે જોડાઈને આપણે બેઈમાની કરીએ.
● “મોટી કંપનીના એક મેનેજરે મને કહ્યું કે ‘જો તું મારું ખીસ્સું ભરીશ, તો જ હું તારી સાથે ધંધો કરીશ.’”—જોહાન, દક્ષિણ આફ્રિકા.
સમાજ. અમુક સમાજમાં વેપાર ધંધાની લેવડદેવડ સાથે બક્ષિસ આપવાનો પણ રિવાજ છે. બક્ષિસ નાની છે કે મોટી અને કેવા સંજોગોમાં આપવામાં આવી છે, એનાથી પારખી નથી શકતા કે ધંધાની લેવડદેવડ ઈમાનદારીથી થઈ છે કે કેમ. ઘણા દેશોમાં ભ્રષ્ટ અધિકારીઓ કામ કરતા પહેલાં બક્ષિસ માંગે છે. અને કોઈ કામ વેળાસર કરી આપવા સામેથી પૈસા માંગે છે.
● “ટીપ અને લાંચ વચ્ચેનો ફરક હંમેશા પારખવો ખૂબ અઘરો છે.”—વિલિયમ, કોલંબિયા.
દેશની હાલત. ગરીબીમાં જીવે છે અથવા જે દેશોમાં નીતિ-નિયમો નથી ત્યાંના લોકો પર બેઈમાની કરવા વધારે દબાણ આવતું હોય છે. જેઓ કોઈને છેતરવા ઇચ્છતા નથી કે ચોરી કરતા નથી તેઓને બેદરકાર ગણવામાં આવે છે. લોકોના મને તેઓ કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવામાં સાવ નિષ્ફળ ગયા છે.
● “બેઈમાનીમાં કંઈ ખોટું નથી, બધા જ કરે છે. એમ કરતા તમે પકડાઓ નહિ ત્યાં સુધી કોઈ વાંધો નથી.”—ટૉમાસી, કોંગો કિનસાસા.
કઈ રીતે ઈમાનદારીની પડતી થાય છે?
બેઈમાન બનવાનું ખૂબ જ દબાણ આવતું હોય છે. ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ મેનેજરોનો એક સર્વે કરવામાં આવ્યો હતો. એમાં જાણવા મળ્યું કે ૧૦માંથી ૯ માને છે કે લાંચ લેવી કે આપવી ‘ખોટી છે. પણ એ ટાળી શકાતી
નથી.’ તેઓએ કહ્યું કે કંપનીને કોન્ટ્રાક્ટ મળે અથવા ફાયદો થાય, ત્યાં સુધી બેઈમાન બનવામાં તેઓને કંઈ વાંધો નથી.તોપણ, જેઓ બેઈમાની કરે છે તેઓ પોતાને ઈમાનદાર ગણે છે. પણ એવું કઈ રીતે બની શકે? જર્નલ ઑફ માર્કેટિંગ રિસર્ચના અહેવાલ પ્રમાણે ‘લાભ લેવા લોકો બેઈમાની કરે છે. એ જ સમયે મનને મનાવે છે કે પોતે ઈમાનદાર છે.’ બેઈમાન હોવા છતાં પોતે ઈમાનદાર છે એવું ગણાવા લોકો અનેક બહાના કાઢે છે.
દાખલા તરીકે, લોકો બેઈમાનીને બદલે એવા શબ્દો વાપરે છે જે ખટકે નહિ. જૂઠાણા કે છેતરપિંડીને તેઓ ચતુરાઈ કે ધંધામાં ટકી રહેવાની ચાલાકી કહે છે. લાંચને કદાચ તેઓ ‘ફી’ અથવા ‘બક્ષિસ’ કહેશે.
બીજાઓ બેઈમાનીને હળવું ગણવા ઈમાનદારીનો મન ફાવે એમ અર્થ કાઢે છે. ટૉમ ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે. તે કહે છે: ‘લોકોના મને તમે બેઈમાની કરતા પકડાઓ નહિ એ ઈમાનદારી કહેવાય. પછી ભલેને હકીકત અલગ હોય.’ ડૅવિડ પોતે પહેલાં કોઈ મોટી કંપનીના મેનેજર હતા. તે કહે છે: “ખરું કે બેઈમાની કરતા પકડાઈ જાય તેને લોકો ધિક્કારે છે. પણ પકડાય નહિ તો એમાં કંઈ બૂરું નથી એવું માને છે. એમ કરતાં છટકી જતા લોકો પોતાને હોશિયાર અને ચાલાક માને છે.”
ઘણા એવો દાવો કરે છે કે સફળ થવા બેઈમાની કરવી જરૂરી છે. વર્ષોથી વેપાર-ધંધો કરનાર એક વ્યક્તિએ આમ કહ્યું: “હરીફાઈના સ્વભાવવાળા લોકો કહેશે કે ‘નોકરી મેળવવા કંઈ પણ કરવું જોઈએ.’” પરંતુ શું એ સાચું છે? અથવા જેઓ બેઈમાનીને સામાન્ય ગણવા જૂઠી દલીલો કરે છે તેઓ ‘પોતાને છેતરતા’ નથી શું? (યાકૂબ ૧:૨૨) હવે પછીના લેખમાં ચાલો જોઈએ કે ઈમાનદાર રહેવાના કયા ફાયદાઓ છે. (g12-E 01)
[પાન ૫ પર બ્લર્બ]
‘લોકોના મને તમે બેઈમાની કરતા પકડાઓ નહિ એ ઈમાનદારી કહેવાય. પછી ભલેને હકીકત અલગ હોય’
[પાન ૫ પર ચિત્ર]
ઘણા દાવો કરે છે કે સફળ થવા બેઇમાન બનવું જોઈએ