સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હું કઈ રીતે મારા ભાઈ-બહેન સાથે સંપીને રહી શકું?

હું કઈ રીતે મારા ભાઈ-બહેન સાથે સંપીને રહી શકું?

યુવાનો પૂછે છે

હું કઈ રીતે મારા ભાઈ-બહેન સાથે સંપીને રહી શકું?

તમારા દરેક ભાઈ અને બહેનની સાથે તમારો સંબંધ કેવો છે? શું તમે

․․․․․ એકબીજાના જિગરી દોસ્ત છો?

․․․․․ મોટા ભાગે સંપીને રહો છો?

․․․․․ એકબીજા સાથે બહુ બનતું નથી?

․․․․․ હંમેશાં ઝઘડતા રહો છો?

અમુક ભાઈ-બહેનોને એકબીજા સાથે બહુ બને છે. દાખલા તરીકે, ૧૯ વર્ષની રીના કહે છે કે ‘૧૬ વર્ષની મારી બહેન હિના, મારી બેસ્ટ ફ્રેન્ડ છે.’ * ૧૭ વર્ષની કિરન, તેના ૨૦ વર્ષના ભાઈ એરિક વિષે કહે છે: ‘અમને એકબીજા સાથે બહુ ફાવે છે. અમે કદીએ ઝઘડતા નથી.’

પણ દરેક ભાઈ-બહેનો માટે એવું હોતું નથી. અમુક યુવાનો લોરન અને મારિયા જેવા હોય છે. લોરન કહે છે: ‘અમે હંમેશાં ઝઘડતા હોઈએ છીએ. નાની-નાની બાબતોમાં પણ અમારી વચ્ચે બોલા-બોલી થતી હોય છે.’ કદાચ તમને ૧૨ વર્ષની એલિસ જેવું લાગે. તે તેના ૧૪ વર્ષના ભાઈ ડેનિસ વિષે કહે છે: ‘તે કાયમ મારું માથું ખાતો હોય છે. મારા રૂમમાં ઘૂસીને પૂછ્યા વગર મારી વસ્તુઓ લઈ લે છે. સાવ બુદ્ધિ વગરનો!’

જો તમારા ભાઈ કે બહેન સાથે બનતું ના હોય તો તમારા મમ્મી-પપ્પાની જવાબદારી છે કે બધાને સંપીને રહેવા મદદ કરે. જોકે હંમેશાં તેઓ તમને મદદ નહિ કરી શકે. આજે નહિ, તો કાલે તમારે બીજાઓ સાથે હળીમળીને રહેતા શીખવું પડશે. એની પ્રૅક્ટિસ તમે હમણાં જ કરી શકો છો.

વિચાર કરો કે તમારા ભાઈ કે બહેન સાથે શાને લીધે ખેંચતાણ થાય છે. એનું મુખ્ય કારણ શું છે? નીચેનું લિસ્ટ જુઓ અને જે બાબતો તમને લાગુ પાડતી હોય, એની બાજુમાં ટિક ✔ કરો. અથવા એવા બનાવો વિષે લખો જેમાં તમારું મગજ તપી જતું હોય.

વસ્તુઓ. પૂછ્યા વગર મારો ભાઈ કે બહેન મારી વસ્તુઓ લઈ જાય.

એકબીજા વચ્ચે ના બને. મારો ભાઈ કે બહેન સ્વાર્થી હોય, વિચાર્યા વગર બોલ્યા કરે. મારા પર હુકમ ચલાવે.

મારી પર્સનલ બાબતોમાં માથું મારે. પૂછ્યા વગર મારા રૂમમાં ઘૂસી જાય અથવા પૂછ્યા વગર મારા ઈ-મેલ કે મૅસેજ વાંચવા માંડે.

બીજું કંઈક. ․․․․․

શું તમારા ભાઈ કે બહેન ઘડી-ઘડી તમને ચીડવે છે? તમારા પર હુકમ ચલાવે છે? તમારી પર્સનલ બાબતોમાં માથું મારે છે? જો આવામાં તમે ખ્યાલ નહિ રાખો તો તમારા ભાઈ કે બહેન વચ્ચેનું અંતર વધતું જશે. બાઇબલ કહે છે કે ‘નાક મચકોડવાથી લોહી નીકળે છે; તેમજ ગુસ્સાને ઉશ્કેરવાથી ઝઘડો ઊભો થાય છે.’ (નીતિવચનો ૩૦:૩૩) જો તમે નાકને જોશથી મચકોડશો તો લોહી નીકળશે. એવી જ રીતે જો તમે ગુસ્સાને મનમાં ભરી રાખશો તો ઝઘડો થશે. પરિણામે તકલીફો વધશે. (નીતિવચનો ૨૬:૨૧) એવું ન થાય માટે તમે શું કરી શકો? કેમ નહિ કે પહેલા ઝઘડાનું મૂળ પારખો.

ઝઘડો અને એનું મૂળ

ભાઈ-બહેનો વચ્ચેની તકલીફો ખીલ જેવી છે. ખીલ ચહેરા પર દેખાય આવે છે, પણ એ થવાનું મૂળ કારણ બીજું કંઈક હોય છે. એવી જ રીતે, ભાઈ-બહેનો વચ્ચે થતી બોલા-બોલીનું મૂળ કારણ બીજું કંઈક હોય શકે.

ખીલને દૂર કરવા તમે કદાચ એને દબાવીને ફોડવાની કોશિશ કરો. એમ કરવાથી ચેપ બીજે લાગશે અને કદાચ ચહેરા પર ડાઘ રહી જશે. જ્યાં સુધી તમે એનું મૂળ કારણ પારખીને સારવાર નહિ કરો ત્યાં સુધી ખીલ ઓછા થવાનું નામ નહિ લે. ખીલને મટાડવા એના મૂળ કારણની સારવાર કરવી જોઈએ. ભાઈ-બહેનો વચ્ચે થતી તકરાર માટે પણ એવું જ છે. તમારી વચ્ચે થતાં કજિયા પર ધ્યાન આપવાને બદલે ઝઘડાનું મૂળ કારણ શું છે એ વિચારો. રાજા સુલેમાનના આ શબ્દો પર ધ્યાન આપો: “શાણો માણસ ગુસ્સા પર કાબૂ રાખે છે.”—નીતિવચનો ૧૯:૧૧, IBSI.

દાખલા તરીકે, શરૂઆતમાં એલિસે તેના ભાઈ ડેનિસ વિષે કહ્યું હતું કે ‘તે મારા રૂમમાં ઘૂસીને પૂછ્યા વગર મારી વસ્તુઓ લઈ લે છે.’ એ તકલીફનું મૂળ કારણ શું હોય શકે? કદાચ ડેનિસ તેની બહેનને ગણકારતો નથી કે માન આપતો નથી. *

આ પ્રૉબ્લેમને દૂર કરવા, એલિસ કદાચ ડેનિસને તેના રૂમમાં આવવાની અને તેની વસ્તુઓ અડકવાની મનાઈ કરી શકે. આવું કરવું કદાચ ઉપર-છલ્લો પ્રયાસ ગણાશે પણ ભાવિમાં ફરી આવા ઝઘડા થશે જ. પરંતુ, જો એલિસ તેના ભાઈને સમજાવે તો કદાચ સારું પરિણામ આવી શકે. બની શકે કે ડેનિસ તેની બહેનને પ્રાઇવસી આપશે અને પૂછ્યા વગર તેની વસ્તુઓ નહિ લઈ લે. આમ સમસ્યાનું મૂળ પારખવાથી બંને વચ્ચેનો સંબંધ જરૂર સુધરશે.

ઝઘડવાનું ટાળો અને સમજૂતી કરતા શીખો

ભાઈ-બહેન વચ્ચે થયેલા અણબનાવનું મૂળ પારખવું એ જ સમસ્યાનો ઉકેલ નથી. એ પછી હજી કંઈક વધારે કરવાની જરૂર છે. આવા પ્રૉબ્લેમ વારંવાર ન થાય એ માટે શું કરવું જોઈએ? એ માટે નીચે આપેલા છ પગલાં ભરવાં જોઈએ.

૧. અમુક નિયમો બનાવો. રાજા સુલેમાને લખ્યું: “સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે.” (નીતિવચનો ૧૫:૨૨) તમને ભાઈ કે બહેન પર ગુસ્સો ન આવે એ માટે શું કરી શકો? આ લેખની શરૂઆતમાં આપેલા કારણોનો તમે કેવો જવાબ આપ્યો હતો એ યાદ કરો. સમજૂતી કરવા કેમ નહિ કે તમારા ભાઈ કે બહેન સાથે બેસીને ચર્ચા કરો. તકલીફનું મૂળ પારખીને એને દૂર કરવા ભેગાં મળીને અમુક નિયમો બનાવો. દાખલા તરીકે, કોઈ વસ્તુના લીધે તમારા વચ્ચે ખેંચતાણ થતી હોય તો નક્કી કરો કે “પૂછ્યા વગર કોઈએ કોઈની વસ્તુ લેવી નહિ.” બીજો નિયમ આ હોય શકે: ‘જો ભાઈ કે બહેન કહે કે “ના તારે મારી વસ્તુ અડવી નહિ,” તો એ સ્વીકારો.’ નિયમો નક્કી કરતા હોવ ત્યારે ઈસુની આ સલાહ યાદ રાખો: “બીજાઓ પાસે જેવા વર્તાવની તમે અપેક્ષા રાખો છો, તેવો વર્તાવ તમે કરો.” (માથ્થી ૭:૧૨, કોમન લેંગ્વેજ) આ સલાહને ધ્યાનમાં રાખીને નિયમો બનાવશો તો ઝઘડા ઓછા થશે. નિયમો વિષે તમારા મમ્મી-પપ્પાને પૂછી શકો કે એ બરાબર છે કે કેમ.—એફેસી ૬:૧.

૨. નિયમો પોતે પાળો. પ્રેરિત પાઊલે લખ્યું: “હે બીજાને શિખવનાર, શું તું પોતાને શિખવતો નથી? ચોરી ન કરવી, એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે?” (રૂમી ૨:૨૧) તમે કઈ રીતે આ સિદ્ધાંત પાળી શકો? જો તમે ચાહો કે તમારા ભાઈ કે બહેન તમારી પર્સનલ બાબતમાં માથું ન મારે, તો તમારે પણ એમ કરવું જોઈએ. તમારે પણ એના રૂમમાં પૂછ્યા વગર જવું ન જોઈએ. પૂછ્યા વગર તેના ઈ-મેલ કે મેસેજ વાંચવા ન જોઈએ.

૩. જલદી ગુસ્સે ન થાવ. આ કેમ સારી સલાહ કહેવાય? કેમ કે બાઇબલ કહે છે: “ગુસ્સો મૂર્ખોના હૃદયમાં રહે છે.” (સભાશિક્ષક ૭:૯) જો તમે જલદી તપી જશો, તો જીવનમાં તમે જ દુઃખી થશો. ખરું કે તમારા ભાઈ કે બહેન એવું કંઈક કહેશે કે કરશે જે તમને નહિ ગમે. પણ એ થાય ત્યારે વિચારો: ‘શું અગાઉ મેં આવું કંઈક તેને કહ્યું કે કર્યું હતું?’ (માત્થી ૭:૧-૫) જેની કહે છે ‘હું ૧૩ વર્ષની હતી ત્યારે મને લાગતું કે હું જે કહું છું એ હંમેશાં સાચું જ હોય છે. બધાયે મારું સાંભળવું જોઈએ. હવે હું મોટી થઈ ગઈ છું. એટલે જ્યારે મારી નાની બહેન દોઢ-ડહાપણ કરે, ત્યારે હું તેની વાત દિલ પર લેતી નથી.’

૪. માફ કરીને ભૂલી જાવ. મોટા પ્રૉબ્લેમ ઊભા થયા હોય તો ચર્ચા કરીને સુધારવા બહુ જરૂરી છે. પણ શું તમારા ભાઈ કે બહેનની મામૂલી ભૂલોને પકડીને તેનો હિસાબ રાખવો જોઈએ? ના. યહોવાહ એવા લોકોને પસંદ કરે છે જેઓ ભૂલો અને “અપમાનને મન પર લેતા નથી.” (નીતિવચનો ૧૯:૧૧, IBSI) ૧૯ વર્ષની શેરોન કહે છે: ‘મારી બહેન રેચલ સાથે કોઈ બોલા-બોલી થઈ હોય તો, અમે મોટાભાગે સમજૂતી કરી લઈએ છીએ. અમે એકબીજા પાસે માફી માગવા તરત જ પગલાં લઈએ છીએ. પછી તકલીફના મૂળ વિષે પોતાના મંતવ્ય જણાવીએ છીએ. અમુક વાર વિચાર કરવા વધારે સમય જોઈએ, એટલે હું બીજા દિવસની રાહ જોવ છું. ત્યાં સુધીમાં અમારા બંને વચ્ચેની તાણ જાણે ભૂલાઈ ગઈ હોય. એ વિષે વાત કરવાની કોઈ જરૂર જ ન પડે.’

૫. મમ્મી-પપ્પાની મદદ લો. જો તમે ભાઈ કે બહેન સાથે સમજૂતી કરી શકતા ન હોવ, તો તમારા મમ્મી-પપ્પાની મદદ લો. (રૂમી ૧૪:૧૯) જો તમે મમ્મી-પપ્પા વગર સમજૂતી કરી શકતા હોવ તો કેટલું સારું! એ સાબિત કરે છે કે તમે હવે સમજદાર બની રહ્યા છો.

૬. ભાઈ કે બહેનના સારો ગુણોની કદર કરો. તમારા ભાઈ કે બહેનમાં અમુક ગુણો હશે જે તમને બહુ ગમતા હશે. કેમ નહિ, કે તેમનો એક સારો ગુણ કાગળ પર લખી લો.

નામ મને શું ગમે છે

․․․․․ ․․․․․

તેમની ભૂલો શોધવાને બદલે કેમ નહિ કે તેમના સારા ગુણો પર વિચાર કરો. તેમને જણાવો કે તમે એ ગુણોની કેટલી કદર કરો છો.—ગીતશાસ્ત્ર ૧૩૦:૩; નીતિવચનો ૧૫:૨૩.

હકીકત: તમે ભાવિમાં બીજે ક્યાંક રહેવા જશો તો કદાચ તમને એવા લોકો સાથે હળવું-મળવું પડશે જેનાથી તમે કંટાળી જશો. તમારી સાથે કામ કરનાર સ્વાર્થી હોય શકે, તમારી સાથે જેમ-તેમ બોલતા હોય શકે. જો તમે ઘરે શાંતિ જાળવતા શીખ્યા હશો, તો બહારના લોકો સાથે હળીમળી શકશો. ઘણી વાર તમારા કોઈ ભાઈ કે બહેન સાથે શાંતિથી રહેવું સહેલું ના લાગે. તો પણ એમ વિચારો કે હળીમળીને રહેવાથી સારા ગુણો કેળવી શકશો જે તમને જીવનભર કામ આવશે!

બાઇબલ જણાવે છે કે ભાઈ કે બહેન કરતાં કોઈ દોસ્ત સાથે તમારે ગાઢ સંબંધ હોય શકે. (નીતિવચનો ૧૮:૨૪) તો પણ તમારા ભાઈ કે બહેન સાથે ગાઢ સંબંધ કેળવી શકો છો. કેવી રીતે? તેઓ પર ગુસ્સો આવે ત્યારે ‘એકબીજાનું સહન કરીને.’ (કોલોસી ૩:૧૩) જો એમ કરશો, તો બહુ હેરાન નહિ થાવ. કદાચ તેઓને પણ તમારી કંપની ગમશે. (g10-E 08)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ અમુક નામ બદલ્યાં છે.

^ વધુ જાણકારી માટે નીચેનું બૉક્સ જુઓ.

આના વિષે વિચાર કરો

● ઝઘડો અને એનું મૂળ કેમ પારખવું જરૂરી છે?

● લેખમાં જણાવેલા છ પગલાંમાંથી તમારે કયું પગલું ભરવાની જરૂર છે?

[પાન ૨૭ પર બોક્સ]

તકલીફનું મૂળ પારખો

શું તમે તકલીફનું મૂળ શોધવા ચાહો છો? તો ઈસુની એ વાર્તા વાંચો જેમાં એક યુવાન ઘર છોડીને પોતાની બધી મિલકત વેડફી નાખે છે.—લુક ૧૫:૧૧-૩૨.

નાનો ભાઈ ઘરે પાછો આવ્યો, ત્યારે મોટા ભાઈને કેવું લાગ્યું એનો વિચાર કરો. પછી આ સવાલો પર ધ્યાન આપો:

શું બન્યું જેનાથી મોટો ભાઈ તપી ગયો?

તકલીફનું મૂળ કારણ શું હતું?

પિતાએ કઈ રીતે મોટા દીકરાને મદદ કરવા કોશિશ કરી?

મોટા ભાઈએ શું કરવાની જરૂર હતી?

હાલમાં તમારા ભાઈ કે બહેન સાથે બોલા-બોલી થઈ હોય એનો વિચાર કરો. ત્યાર પછી આ સવાલોના જવાબ બાજુમાં લખો.

ઝઘડો શામાંથી શરૂ થયો?

એનું મૂળ કારણ શું હતું?

તકલીફને સુધારવા અને એ ફરી ન થાય માટે તમે કેવા નિયમો નક્કી કરશો?

[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

બીજા યુવાનો શું કહે છે?

“હું ચાહું છું કે મારી બહેન હંમેશાં મારી બેસ્ટ ફ્રેન્ડ બની રહે. એ માટે હું અત્યારથી જ તેની સાથે સારો સંબંધ કેળવું છું.”

“અમે કુટુંબ તરીકે ઘણું બધું સાથે કરીએ છીએ. એનાથી અમારી વચ્ચે સારું બને છે. પહેલાં જેટલી બોલા-બોલી થતી નથી.”

‘જેમ રાત અને દિવસ એકબીજાથી અલગ છે, તેમ હું ને મારી નાની બહેન એકબીજાથી બિલકુલ અલગ છીએ. તોપણ હું તેને બહુ પ્રેમ કરું છું.’

‘મારે ભાઈ અને બહેન ન હોત, તો મારી પાસે કોઈ મીઠી યાદો ન હોત. જેઓને ભાઈ-બહેનો છે તેઓને હું કહીશ કે “એકબીજાની કદર કરો!”’

[ચિત્ર]

ટિયા

બિયન્કા

સમન્થા

મેર્લિન

[પાન ૨૭ પર ચિત્ર]

ભાઈ-બહેનો વચ્ચેના પ્રૉબ્લેમ ખીલ જેવા છે. એને મટાડવા મૂળ કારણ શોધવું જરૂરી છે