શું લગ્ન પહેલાં સાથે રહેવું જોઈએ?
બાઇબલ શું કહે છે
શું લગ્ન પહેલાં સાથે રહેવું જોઈએ?
તમે કોઈ સૂટ કે ડ્રેસ લેવા જાવ ત્યારે, એ તમને બરાબર આવે છે કે નહિ એ જોયા વગર શું ખરીદી લેશો? ના. પણ જો ખરીદશો તો ઘરે આવીને એ બરાબર ફીટ ન થવાથી પસ્તાશો. એવું થશે કે આ તો હાથે કરીને પૈસા ને સમય બગાડ્યા!
ઘણા લોકો આ જ બાબત લગ્નમાં પણ લાગુ પાડે છે. તેઓને લાગે છે કે લગ્ન કર્યા પહેલાં સ્ત્રી ને પુરુષ સાથે રહે તો વધારે સારું. તેઓનું કહેવું છે કે ‘જો જોડી નહિ જામે, તો સહેલાઈથી છૂટા. એમાં પૈસાનો બગાડ કે જીવવું મુશ્કેલ બનાવી દે એવી છૂટાછેડાની ઝંઝટ તો નહિ.’
લોકો શા માટે આવું વિચારે છે? કદાચ તેઓના મિત્ર પરણ્યા પછી પસ્તાતા હશે, માંડ માંડ લગ્ન ટકાવી રાખતા હશે. અથવા તેઓએ કોઈ પતિ-પત્નીનું કજોડું જોયું હશે, જેઓમાં પ્રેમ ન હોય. આવાં કારણોને લીધે તેઓને થાય કે લગ્ન પહેલાં સાથે રહેવું શું ખોટું!
આ વિષય પર બાઇબલ શું જણાવે છે? ચાલો પહેલા જોઈએ કે લગ્ન વિષે ઈશ્વર શું કહે છે.
“એક દેહ”
લગ્નની પ્રથા તો ખુદ યહોવાહ ઈશ્વરે શરૂ કરી છે. એટલે લગ્નની ગોઠવણને આપણે પણ માન આપવું જ જોઈએ. (ઉત્પત્તિ ૨:૨૧-૨૪) શરૂઆતથી જ યહોવાહનો મકસદ હતો કે સ્ત્રી અને પુરુષ લગ્ન કરીને “એક દેહ” બને. (ઉત્પત્તિ ૨:૨૪) હજારો વર્ષો પછી ઈસુએ પણ એ શબ્દો પર ધ્યાન દોર્યું અને કહ્યું: ‘ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’—માત્થી ૧૯:૬.
ખરું કે અમુક જણ લગ્ન કર્યા પછી છૂટાછેડા લેશે. * પણ એનું કારણ લગ્નની પ્રથામાં કોઈ ખામી નથી. છૂટાછેડાનું કારણ એ છે કે પતિ અથવા પત્ની કે બંને જણ લગ્નમાં આપેલાં વચનો પાળતા નથી.
ચાલો એક દાખલો લઈએ. એક પતિ-પત્ની પાસે કાર છે. કાર સાચવવાની સૂચનાઓ પણ કંપનીએ સાથે આપી છે. પણ જો એ યુગલ કારની સંભાળ ન રાખે અને કાર બગડી જાય તો એમાં કોનો વાંક? કાર બનાવનાર કંપનીનો કે પછી એ બેદરકાર યુગલનો?
કારને સાચવવા સૂચનાઓ પાળવી પડે છે તેમ, લગ્નમાં પણ ઈશ્વરનું માર્ગદર્શન પાળવું જરૂરી છે. પતિ-પત્ની લગ્નમાં એકબીજાને આપેલાં વચનો પાળવા બનતું બધું જ કરે, તો તેઓ સલામતી અનુભવે છે.
તકલીફ આવે તોપણ બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાથી છૂટાછેડા લેવાના રસ્તે જવું નહિ પડે. આમ, તમારા લગ્નજીવનનો પાયો અડગ રહેશે.“વ્યભિચારથી દૂર રહો”
ઈશ્વરના માર્ગદર્શન છતાં અમુક કહેશે કે ‘લગ્નબંધન પવિત્ર બંધન છે. એ વચનમાં બંધાઈ જતા પહેલાં, થોડો સમય સાથે રહીને અખતરો કરવામાં શું વાંધો? એ પછી લગ્નનું વચન લઈએ તો શું ખોટું?’
બાઇબલ આ વિષે સ્પષ્ટ રીતે જણાવે છે કે “વ્યભિચારથી દૂર રહો.” (૧ થેસ્સાલોનીકી ૪:૩) ‘વ્યભિચાર’ એટલે લગ્ન બહારના કોઈ પણ જાતીય સંબંધો. એમાં લગ્ન કર્યા વગર સાથે રહેતા સ્ત્રી-પુરુષના જાતીય સંબંધો પણ આવી જાય છે. એટલે બાઇબલ સાફ સાફ જણાવે છે કે લગ્ન કર્યા વગર સાથે રહેવું ખોટું છે, ભલેને તેઓ ભાવિમાં લગ્ન કરવાનો વિચાર કરતા હોય.
અમુકને લાગશે કે બાઇબલની એ સલાહનો જમાનો હવે ગયો. ઘણા દેશોમાં લગ્ન કરવાના ઇરાદાથી કે એના વગર સ્ત્રી-પુરુષો સાથે રહે છે. આજના જમાનામાં ભલે એ સામાન્ય હોય, પણ વિચારો કે શું લગ્ન કર્યા વગર સાથે રહેનારાને સુખની ચાવી મળી છે? શું તેઓ પરણેલાં યુગલોથી વધારે સુખી છે? લગ્ન પહેલાં સાથે રહેતાં યુગલો શું લગ્ન પછી પણ એકબીજાને જ વફાદાર રહે છે? સર્વે બતાવે છે કે ના, એવું બનતું નથી. લગ્ન પહેલાં સાથે રહેતા મોટા ભાગનાં યુગલોમાં લગ્ન પછી વધારે તકલીફો ઊભી થઈ છે. ઘણા કિસ્સામાં તો છૂટાછેડા થયા છે.
અમુક નિષ્ણાતો કહેશે કે આ સર્વે અધૂરો છે. જેમ કે એક મનોવિજ્ઞાની દલીલ કરે છે કે લગ્ન પહેલાં સાથે રહેતાં યુગલો અને લગ્ન પછી સાથે રહેતાં યુગલોના સંજોગો અલગ છે. છૂટાછેડાની સંખ્યા આવા સંજોગોને લીધે વધે છે, નહિ કે યુગલો લગ્ન પહેલાં સાથે રહે એના લીધે. આ મનોવિજ્ઞાનીના કહેવા પ્રમાણે, એ જ મહત્ત્વનું છે કે ‘યુગલ લગ્ન સંબંધને કીમતી ગણે.’
જો એમ હોય, તોપણ એ લગ્ન વિષે ઈશ્વરના વિચારો પર ભાર મૂકે છે. બાઇબલ કહે છે કે “સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય.” (હેબ્રી ૧૩:૪) લગ્નમાં સ્ત્રી અને પુરુષ એક દેહ બની રહેવાનું વચન આપે છે. તેઓ લગ્નની ગોઠવણને દિલથી માન આપે છે. એનાથી તેઓમાં એવું બંધન રચાય છે, જે જલદી તૂટતું નથી.—સભાશિક્ષક ૪:૧૨.
શરૂઆતમાં જોયું તેમ, કોઈ સૂટ કે ડ્રેસ ખરીદતા પહેલાં જોવું જ જોઈએ કે એ બરાબર આવે છે કે નહિ. પરંતુ, લગ્ન કરવાની વાત આવે ત્યારે એવો અખતરો ન થાય. એ માટે તો તમારે સાથે રહ્યા વગર પૂરતો સમય લઈને એકબીજાને સારી રીતે ઓળખવા પડે. ઈશ્વરની નજરે એ યોગ્ય છે. કુટુંબ સુખી બનાવવાની આ એક રીત છે. (g09 10)
[ફુટનોટ્સ]
^ બાઇબલ જણાવે છે કે પતિ કે પત્ની વ્યભિચાર કરે તો, નિર્દોષ લગ્નસાથી છૂટાછેડા લઈને બીજા લગ્ન કરી શકે.—માત્થી ૧૯:૯.
શું તમે કદી વિચાર્યું છે?
◼ બાઇબલ કેમ લગ્ન બહારના જાતીય સંબંધોની મના કરે છે?—ગીતશાસ્ત્ર ૮૪:૧૧; ૧ કોરીંથી ૬:૧૮.
◼ તમે જેની સાથે લગ્ન કરવા માગતા હોવ, તેનામાં કેવા ગુણો શોધશો?—રૂથ ૧:૧૬, ૧૭; નીતિવચનો ૩૧:૧૦-૩૧.
[પાન ૨૯ પર બોક્સ]
“પોતાના શરીરની વિરૂદ્ધ પાપ”
બાઇબલ જણાવે છે કે “વ્યભિચારી પોતાના શરીરની વિરૂદ્ધ પાપ કરે છે.” (૧ કોરીંથી ૬:૧૮) ખાસ કરીને છેલ્લાં ત્રીસેક વર્ષોમાં બાઇબલના આ શબ્દો કેટલા સાચા પડ્યા છે! લાખો લોકો એઇડ્સ જેવા જાતીય રોગોના શિકાર થયા છે. એટલું જ નહિ, અમુક લોકોએ કરેલો અભ્યાસ બતાવે છે કે જાતીય સંબંધોમાં વધારે લાગુ રહેતા યુવાનોમાં ડિપ્રેસન થવાની વધારે શક્યતા છે. આત્મહત્યાનું પ્રમાણ પણ વધારે છે. છોકરીઓ કુંવારી મા બની જાય છે. જ્યારે કે અમુક કિસ્સામાં ગર્ભપાત પણ કરાવે છે. આ હકીકતો ધ્યાનમાં રાખતા, લગ્ન પહેલાં સાથે ન રહેવાની બાઇબલની સલાહ આજે પણ એટલી જ ઉપયોગી છે.