ત્રીજી રીત બધું હળીમળીને કરો
ત્રીજી રીત બધું હળીમળીને કરો
‘એક કરતાં બે ભલા. જો એક પડી જાય, તો બીજો પોતાના સાથીને ઉઠાડશે.’ —સભાશિક્ષક ૪:૯, ૧૦.
આનો અર્થ શું થાય. ઈશ્વરે બાઇબલમાં જણાવ્યું છે કે કુટુંબમાં પતિ આગેવાન છે. સુખી પતિ-પત્ની એ ગોઠવણ સ્વીકારે છે. (એફેસી ૫:૨૨-૨૪) એટલે તેઓ બંને ‘તું, તું, મે, મે’ કે પછી ‘આ તારું, આ મારું’ કરતા નથી. તેઓ જે કંઈ કરે એ ‘આપણું, અમારું’ સમજીને કરે છે. આમ તેઓ એક મનના, એક દિલના બને છે. બાઇબલ પ્રમાણે તેઓ “એક દેહ” બને છે. એટલે કે તેઓ જીવનસાથી જ નહિ, જિગરી દોસ્ત પણ બને છે.—ઉત્પત્તિ ૨:૨૪.
એ કેમ મહત્ત્વનું છે. જો પતિ-પત્ની હળીમળીને બધું કરી શકતા ન હોય, તો નાની-નાની વાતમાંય વાંકું પડશે. ઝઘડાનું મૂળ તો એક બાજુ રહે, પણ તેઓ એકબીજાને તોડી પાડવા ઉતાવળા બનશે. પરંતુ, જો એકબીજાને સાથ આપે તો બંને જાણે એક વિમાનના પાયલોટ જેવા છે. મુસાફરી માટે બંને પાસે એકસરખા પ્લાન છે. એવું નથી કે તેઓ બંને જુદાં જુદાં વિમાન ઉડાવે છે અને એક જગ્યાએ પહોંચવા હરીફાઈ કરે છે. એમ કરવાથી તો તેઓ અથડાઈ પડશે. એવી જ રીતે સુખી પતિ-પત્નીમાં કોઈ તકલીફ ઊભી થાય તો, એકબીજાનો વાંક કાઢવામાં સમય અને શક્તિ નહિ બગાડે. પણ તરત હળીમળીને એનો ઇલાજ શોધશે.
આમ કરી જુઓ. તમે કેટલું હળીમળીને રહો છો એ જોવા નીચેના સવાલોના જવાબ આપો:
◼ હું જે પૈસા કમાઉં એ શું “મારા” ગણું છું?
◼ મારા જીવનસાથીને તેનાં સગાં બહુ વહાલાં હોય તોપણ, તેઓથી હું દૂર દૂર રહું છું?
◼ રિલૅક્સ થવા શું મારા જીવનસાથીથી દૂર જવું પડે છે?
આટલું જરૂર કરો. એક-બે એવી રીતો વિચારો, જેમાં તમે તમારા લગ્નસાથી સાથે વધારે સંપથી કામ કરી શકો.
કદાચ તમારા લગ્નસાથીને જ પૂછો કે તેમની પાસે કોઈ સૂચન છે. (g09 10)
[પાન ૫ પર ચિત્ર]
એકબીજાને સાથ આપતા હોવ તો તમે બંને એક વિમાનના પાયલોટ જેવા છો. બંને પાસે એકસરખા પ્લાન છે