ચાલો કોઆટીને મળીએ!
ચાલો કોઆટીને મળીએ!
બ્રાઝિલના સજાગ બનો!ના લેખક તરફથી
આ જાનવર આપણે ભાગ્યે જ જોયું હશે, કેમ કે એ ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં જ વસે છે. એ દેખાવમાં થોડું-ઘણું શિયાળ જેવું છે. એનું નામ કોઆટી છે. હવે માની લો કે તમે જંગલમાં છો અને અચાનક ઘણા કોઆટી તમારે સામે આવે છે. પણ એનાથી બીશો નહીં. તે કદીયે તમારા પર હુમલો નહિ કરે. કોઆટીને જે મળે એ બધું તે ખાય છે. જેમ કે ફળ, કીડા, કાચિંડા, કરોળિયા, ઉંદર, પક્ષીના ઈંડાં વગેર વગરે!
કોઆટીની પૂંછડી લગભગ ૨૬ સેન્ટિમીટર લાંબી છે. એટલે એના નાકથી લઈને પૂંછડી સુધીની લંબાઈ લગભગ પાંચ ફૂટ ને બે ઈંચ થાય.
આ જાનવરમાં માદાઓને એકલું રહેવાનું ગમતું નથી. એટલે તેઓ ટોળાંમાં રહે છે. અને આ ટોળાંમાં વીસેક જેટલી માદાઓ હોય છે. જ્યારે કે નરને એકલા રહેવું ગમે છે. દર વર્ષે બચ્ચાં પેદા કરવા એક નર માદાના ટોળાંમાં રહે છે. લગભગ બે મહિના પછી જે માદાઓ ગર્ભવતી થઈ હોય, તે ટોળાંમાંથી છૂટી પડે છે. અને પોતાને રહેવા માટે ઝાડ પર જગ્યા બનાવે છે. ત્યાં તે ત્રણ કે ચાર બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં જન્મે છે ત્યારે ઉંદર જેવા નાના હોય છે. દોઢ મહિના પછી મા તેના બચ્ચાં સાથે બીજા કોઆટી સાથે ભેગી મળે છે.
કોઆટી હંમેશાં કંઈકને કંઈક સૂંઘ્યા કરે છે. જ્યાં પણ ફરે ત્યાં તે પોતાના પંજાથી જમીન ખોદ્યા કરે છે. તે ખેતરોમાં ઘૂસીને પાકને ખોદી નાખે છે. એટલે ખેડૂતો તેને ભગાડી મૂકે છે. બીજા જાનવર કોઆટીનો શિકાર કરવા આવે ત્યારે તે દોડીને ઝાડ પર ચડી જાય છે. બંદૂકનો અવાજ સાંભળે ત્યારે તે એવો ઢોંગ કરે છે, જેથી શિકારીને લાગે કે તે મરી ગયું છે. પણ જ્યારે શિકારી તેને પકડવા આવે, ત્યારે તે ઊઠીને ભાગી જાય છે.
જો તમે દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં કદીયે ફરવા જશો તો કદાચ કોઆટી તમને જોવા મળશે. એને જોઈને ગભરાતા નહિ. જોકે તે કોઈક વાર બચકું ભરી લે છે. પણ જો તેને ખાવાનું આપશો તો એ તમારું મિત્ર બની જશે! (g 7/08)