સદીઓથી પરેશાન કરતો દાંતનો દુખાવો
સદીઓથી પરેશાન કરતો દાંતનો દુખાવો
જૂના જમાનાના એક ગામની કલ્પના કરો. એના ચોકમાં ડૉક્ટર જેવો માણસ આવે છે. તે કહે છે: ‘દુખતો દાંત ચપટીમાં કાઢી આપું.’ તેનો જ માણસ દુખતો દાંત કઢાવવાનું નાટક કરે છે. ડૉક્ટર ચીપિયો લઈને જાણે દાંત ખેંચી કાઢ્યો હોય એમ બતાવે છે. તે કહે છે, પૈસા આપો દાંત કઢાવો. ઢોલ ને રણશિંગડાંના ઘોંઘાટમાં દર્દીની ચીસો દબાઈ જાય છે, જેથી બીજા દર્દીઓ ભાગી ન જાય. અમુક દિવસ પછી કોઈને ઇન્ફેક્શન પણ થાય.જોકે, ત્યાં સુધીમાં ધુતારાઓ અલોપ થઈ ગયા હોય!
આજે ભાગ્યે જ કોઈ આવા લોકો પાસે દાંત કઢાવે છે. ડેન્ટિસ્ટ કે દાંતના ડૉક્ટર આજે દાંતના સડાને મુઠ્ઠીમાં રાખી શકે છે, જેથી કોઈનો દાંત પડી ન જાય. તોપણ ઘણાને ડેન્ટિસ્ટનું નામ સાંભળીને પસીનો છૂટી જાય છે. ચાલો જોઈએ કે ડેન્ટિસ્ટ દર્દીનું દુઃખ દૂર કરતા કેવી રીતે શીખ્યા. એ જાણવાથી આપણને ડેન્ટિસ્ટ પાસે જવાનું મન થશે.
સદીઓથી શરદી ઇન્સાનનો નંબર વન દુશ્મન છે. દાંતનો દુખાવો નંબર ટૂ છે. સુલેમાન રાજાએ કવિની ભાષામાં જણાવ્યું કે ઘરડા લોકોના દાંત પડી જાય ત્યારે તેઓને કેવી તકલીફો પડે છે.—સભાશિક્ષક ૧૨:૩.
રાજા-મહારાજા પણ રિબાતા
એલીઝાબેથ પહેલી ઇંગ્લૅંડની રાણી હતી. દાંતનો દુખાવો તેનો પીછો છોડતો ન હતો. એ સમયે જર્મનીથી એક મહેમાન તેમને મળવા આવ્યો. તેણે રાણીના કાળા દાંત વિષે લખ્યું: “એવું લાગે છે કે અંગ્રેજો મીઠી વસ્તુઓ બહુ જ ખાય છે.” ૧૫૭૮ના ડિસેમ્બરમાં દાંતના દુખાવાથી રાણીનું જીવન ઝેર બની ગયું હતું. રાત-દિવસ તેના દાંતમાં લપકારા મારતા હતા. ડૉક્ટરોએ રાણીને સડી ગયેલો દાંત કઢાવી નાખવા કહ્યું. રાણીએ ‘ના’ તે ‘ના જ’ પાડી. દાંત કઢાવવાથી થતા દુખાવાના લીધે તેણે કદાચ ‘ના’ કહી હશે. રાણીને મનાવવા લંડનનો બિશપ જૉન ઍલ્મર આવ્યો. તે મોટી ઉંમરનો હતો. તેના દાંત પણ બહુ રહ્યા ન હતા. રાણીને મનાવવા તેમની સામે જ પોતે પણ સડેલો દાંત કઢાવ્યો!
એ સમય સુધી સામાન્ય લોકો વાળંદ કે લુહાર પાસે દાંત કઢાવવા જતા. લોકો બે પાંદડે થવા લાગ્યા તેમ તેઓ વધારે ગળ્યું ખાવા લાગ્યા. તેઓના દાંત વધારે સડવા લાગ્યા. દાંત કાઢતા ઍક્સ્પર્ટની માંગ વધી ગઈ. અમુક ડૉક્ટરો ને સર્જનો વિચારવા લાગ્યા કે દાંતના દર્દીઓને કઈ રીતે સારવાર આપવી. દાંત કાઢનારા ઍક્સ્પર્ટ બીજા કોઈને એ કામ શીખવતા નહિ, જેથી પોતાનો ધંધો ન ગુમાવે. જોકે દાંતની સારવાર વિષે અમુક પુસ્તકો પણ હતાં.
એલીઝાબેથ પહેલીના સોએક વર્ષ પછી ફ્રાન્સમાં રાજા લૂઈ ચૌદમો રાજ કરતો હતો. દાંતના દુખાવાથી લૂઈ રાજાનું જીવન હરામ થઈ ગયું હતું. ૧૬૮૫માં તેણે ઉપલા જડબાની ડાબી બાજુના બધા દાંત કઢાવી નાખ્યા. એ જ વર્ષે તેણે ફ્રાન્સમાં કાયદો પસાર કર્યો કે લોકો પોતાના મનપસંદ દેવોને ભજી નહિ શકે. તેથી એ દેશના મૂળ ધર્મોએ બીજા ધર્મોના ચીંથરેહાલ કર્યા. આમ ઘણી ખૂનખરાબી થઈ. અમુકનું કહેવું છે કે રાજાને દાંતમાં ચેપ લાગ્યો હતો. દાંતના દુખાવાને લીધે તેણે ખોટો નિર્ણય લીધો.
મૉડર્ન દંતવિદ્યાનો જન્મ
પૅરિસમાં અમીરો રાજા લૂઈ ચૌદમાની જેમ રહેવા લાગ્યા. એના લીધે દંતવિદ્યા કે ડેન્ટિસ્ટો જન્મ્યા. લોકો માનતા કે દાંતના દેખાવ પરથી વ્યક્તિને માન મળશે. રાજદરબારમાં સારો હોદ્દો મળશે. આમ ચોકઠાંની માંગ વધી. લોકો ચાવવા માટે નહિ, પણ દાંતની શોભા માટે ચોકઠું નંખાવતા. દાંતના નવા નવા ડૉક્ટરો ઊભા થયા. તેઓ અમીર લોકોના દાંતની જ સારવાર કરતા. ગરીબ લોકો વાળંદ કે કહેવાતા ડૉક્ટરો પાસે દાંત કઢાવવા જતા. એ ડેન્ટિસ્ટ પિએર ફૉશારને જરાય પસંદ ન હતું. તે ફ્રાન્સના નૌકાસૈન્યમાં સેવા આપતી વખતે દંતવિદ્યા શીખ્યા. પૅરિસમાં તેમની નામના હતી. તે નકલી દાંતના ડૉક્ટરોને ખુલ્લા પાડતા.
દંતવિદ્યા જાણનારા ડૉક્ટરો કોઈને એ વિષે શીખવતા નહિ. પણ પિએર ફૉશારે તો ૧૭૨૮માં દંતવિદ્યા પર પુસ્તક લખ્યું. એમાં તેમણે બધું જ જણાવ્યું. એટલે તે “દંતવિદ્યાના પિતા” કહેવાયા. દાંતના ડૉક્ટરો દર્દીને જમીન પર બેસાડીને દાંત કાઢતા. પણ પિએર દર્દીઓને ખુરશીમાં બેસાડીને દાંત કાઢતા. તેમણે દાંત કાઢવા માટે પાંચ ચીપિયા બનાવ્યા. દાંતમાં કાણું પાડવાની ડ્રિલ બનાવી. પોલાણ ને મૂળનલિકા ભરવાનો ઇલાજ શોધ્યો. પડી ગયેલા દાંતની જગ્યાએ નકલી દાંત બેસાડતાં તે શીખ્યા. હાથીદાંતમાંથી બનાવેલી બત્રીસીમાં સ્પ્રિંગ નાખી, જેથી ઉપરનું ચોકઠું પડી ન જાય. પિએર ફૉશારનો દંતવિદ્યાનો ધંધો ધમધોકાર ચાલતો હતો. અમેરિકામાં પણ તેમની વાહ વાહ થતી હતી.
જ્યોર્જ વૉશિંગ્ટન દાંતના દુખાવાથી રિબાયા
ફ્રાન્સના રાજા લૂઈ ચૌદમાના સોએક વર્ષ પછી અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વૉશિંગ્ટન હતા. તે પણ દાંતના દુખાવાથી રિબાયા હતા. તે બાવીસેક વર્ષના થયા ત્યારથી દર વર્ષે દાંત કઢાવવો પડતો. તે અમેરિકાના લશ્કરમાં આગેવાની લેતા હતા ત્યારે દાંતના દુખાવાથી કેટલા પીડાયા હશે એની કલ્પના કરો. ૧૭૮૯માં તે અમેરિકાના પ્રથમ પ્રમુખ બન્યા ત્યારે મોટા ભાગે તે બોખા હતા.
જ્યોર્જ વૉશિંગ્ટનના દાંત ન હોવાથી તેમનો ચહેરો કદરૂપો દેખાતો હતો. તેમને પ્રજાની આગળ ઊભું રહેવું ગમતું નહિ. એનું તેમને ખૂબ જ દુઃખ થતું. એ જમાનામાં હાથીદાંતમાંથી ચોકઠું બનાવવામાં આવતું. એ ચોકઠું હંમેશાં બરાબર રહેતું નહિ. અમેરિકામાં ચોકઠું પહેરતા પુરુષોને જે તકલીફો પડતી એ જ ઇંગ્લૅંડના પુરુષોને પડતી. એટલે અંગ્રેજો વિષે કટાક્ષમાં કહેવામાં આવતું કે તેઓ જૉક કહીને મૂછમાં મલકાય છે, જેથી બત્રીસી પડી ન જાય.
લોકો કહે છે કે જ્યોર્જ વૉશિંગ્ટનનું ચોકઠું લાકડાનું હતું. એ સાચું નથી. હકીકતમાં તેમના ચોકઠાંમાં માણસના દાંત, હાથીદાંત ને સીસું વાપરવામાં આવ્યું હતું. એ સમયમાં અમુક લોકો ગુજરી ગયેલી વ્યક્તિના દાંત કાઢીને ડેન્ટિસ્ટોને વેચતા. એવી વ્યક્તિ પાસેથી વૉશિંગ્ટનના ડેન્ટિસ્ટે દાંત લીધા હોઈ શકે. એ સમયમાં દાંતના વેપારીઓ સૈનિકોની પાછળ પાછળ જતા. એ વેપારીઓ યુદ્ધમાં મરણ પામેલી વ્યક્તિના દાંત કાઢી લેતા. એ જમાનામાં ચોકઠાંનો ભાવ આસમાને હતો. ૧૮૫૦ના દાયકામાં વલ્કેનાઇઝ્ડ નામનું રબર મળી આવ્યું. એ દાંતના ચોકઠાં બનાવવામાં ઉપયોગી થયું. એ પછીથી સામાન્ય લોકો પણ ચોકઠું નંખાવી શકતા. જોકે વૉશિંગ્ટનના ડેન્ટિસ્ટ એ જમાનામાં બહુ જ આગળ પડતા હતા. તોય તે સમજી ન શક્યા કે દાંત કેમ દુખે છે.
દાંત દુખવાનું કારણ
૧૭મી સદી સુધી લોકો માનતા કે દાંતમાં જીવડાં પડવાથી દાંત દુખે છે. અમેરિકાનો વિલબી મિલર જર્મનીની બર્લિન યુનિવર્સિટીમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરતો હતો. ૧૮૯૦માં તેણે શોધી કાઢ્યું કે ગળ્યું કે ખાંડ ખાવાથી મોંમાં અમુક બૅક્ટેરિયા કે જીવાણુ થાય છે. એ બૅક્ટેરિયા દાંતને નુકસાન કરે એવું ઍસિડ બનાવે છે. પણ દાંતમાં સડો અટકાવવા શું કરવું જોઈએ? સંશોધકોને એનો જવાબ અજાણતા મળી ગયો.
અમેરિકામાં વર્ષોથી ડૉક્ટરો વિચારતા કે કૉલરાડો ગામના લોકોના દાંત પર કેમ ડાઘા પડે છે. એ ડાઘા દૂર કરવા દાંતના ડૉક્ટરો સંશોધન કરવા લાગ્યા. તેઓને જાણવા મળ્યું કે પાણીમાં વધું પડતું ફ્લોરાઇડ હોવાથી દાંત પર ડાઘા પડે છે. તેમ જ, પાણીમાં પૂરતું ફ્લોરાઇડ ન હોય એવું પાણી પીવાથી પણ લોકોના દાંત સડે છે. એ સંશોધનથી દુનિયાના લોકોને ફાયદો થયો. મોટા ભાગે બધે જ પાણીમાં પૂરતું ફ્લોરાઇડ હોય છે. એનાથી દાંતના મીનાવરણ મજબૂત થાય છે. અમુક જગ્યાએ પાણીમાં ફ્લોરાઇડ ન હોવાથી ત્યાંના લોકોને યોગ્ય પ્રમાણમાં ફ્લોરાઇડ આપવામાં આવ્યું. એમ કરવાથી દાંતના સડામાં ૬૫ ટકા ઘટાડો થયો.
આમ દાંતનો સડો અટકાવવાનો ઉપાય મળ્યો. મોટે ભાગે દાંતમાં સડાને લીધે દુખાવો થાય છે. ગળ્યું કે ખાંડ ખાવાથી દાંતમાં સડો થાય છે. ફ્લોરાઇડ વાપરવાથી દાંતમાં સડો થતો અટકી જાય છે. જોકે એનો અર્થ એ નથી કે ફ્લોરાઇડ વાપરી લઈશું એટલે દાંતને બ્રશ કે ફ્લોસ કરવાની જરૂર નથી. દાંત ન સડે માટે એ કરવું જ જોઈએ.
શરીર બહેરું કરતી દવાની શોધ
દંતવિદ્યામાં શરીરને બહેરું કરવાની દવા મળી એ પહેલાં દાંતના દર્દીઓ દુખાવાથી ખૂબ જ રિબાતા. એ જમાનામાં દાંતના ડૉક્ટરો નાની ચોરસી લઈને દાંતમાંથી સડો કોતરી નાખતા. પછી પોલા દાંતમાં ગરમ લોખંડ ભરતા. એ જમાનામાં બીજી કોઈ દવા ન હતી. એટલે ડૉક્ટરો સળિયો લાલ કરીને દાંતમાં મૂળ સુધી ભોંકીને ડામ દેતા, જેથી દર્દીને ચેપ ન લાગે. આજે તો દંતવિદ્યામાં ચામડી બહેરી કરવાની દવાઓ આવી છે. પહેલાંના જમાનામાં દાંત કઢાવવાનો હોય તો દર્દીનો જીવ ઊંચો થઈ જતો. તોપણ લોકો દાંતના દુખાવાથી આઝાદ થવા દાંત કઢાવતા. સદીઓથી લોકો દુખાવો મટાડવા ઓપિયમ, ગાંજો ને એના જેવી દવા બનાવીને વાપરતા. તોપણ દુખાવો બહુ ઓછો ન થતો. દર્દીને દુખાવો ન થાય એ રીતે શું ડેન્ટિસ્ટ સર્જરી કરી શક્યા?
૧૭૭૨માં કૅમિસ્ટ જોસફ પ્રિસ્ટલીએ નાઇટ્રોસ ઑક્સાઇડ ગેસ શોધી કાઢ્યો. એ સૂંઘવાથી વ્યક્તિ ઘેલી થઈ જતી. તે હસ્યા જ કરતી. તેમ જ એ સૂંઘવાથી દુખાવો પણ ન થતો. તોપણ ૧૦ ડિસેમ્બર, ૧૮૪૪ સુધી કોઈ ડૉક્ટરોએ એ ગેસ વાપર્યો ન હતો. એ રાત્રે અમેરિકાના કનેક્ટિકટના હાર્ટફૉર્ડ ગામમાં એક ડેન્ટિસ્ટે લૅક્ચર રાખ્યું હતું. એમાં ડેન્ટિસ્ટ હૉરેસ વૅલ્સ પણ ગયો. એ લૅક્ચરમાં આવેલા અમુક લોકોએ નાઇટ્રોસ ઑક્સાઇડ ગેસ સૂંઘ્યો. તેઓ ગાંડા-ઘેલા થઈને હસાહસ કરતા હતા. એ જોવાની લોકોને મજા આવતી હતી. એવામાં વૅલ્સની નજર એક વ્યક્તિ પર પડી, જેણે ગેસ સૂંઘ્યો હતો. તે બાંકડા સાથે જોરથી અથડાયો. તેને ઘૂંટણ નીચે પગમાં ખૂબ જ વાગ્યું. તોય તેને દુખતું ન હતું. વૅલ્સને દર્દીઓ પર ખૂબ હમદર્દી હતી. દાંતના દર્દીને સારવાર આપતી વખતે તેઓને દુખાવો થતો એ તેનાથી જોવાતું નહિ. તેથી તેણે મનમાં ગાંઠ વાળી કે દર્દીના શરીરને બહેરું કરવા તે તેઓને નાઇટ્રોસ ઑક્સાઇડ ગેસ સૂંઘાડશે. એ પહેલાં તેણે પોતે ગેસ સૂંઘવાનું નક્કી કર્યું. બીજા દિવસે જે ખુરશી પર દર્દીઓને બેસાડતો એના પર પોતે બેઠો. પોતે બેહોશ થાય ત્યાં સુધી તેણે નાઇટ્રોસ ઑક્સાઇડ ગેસ સૂંઘ્યો. તેની સાથે કામ કરતા ડેન્ટિસ્ટે તેની દુખતી દાઢ કાઢી નાખી. એનાથી ઇતિહાસ લખાઈ ગયો. આમ દંતવિદ્યામાં શરીરને બહેરી કરવાની દવાની શોધ થઈ. *
આજ સુધીમાં દંતવિદ્યામાં અનેક રીતે સુધારા થયા છે. એ જાણીને ડેન્ટિસ્ટ પાસે જવાનું તમને ચોક્કસ મન થશે. (g 9/07)
[Footnote]
^ આજે નાઇટ્રોસ ઑક્સાઇડ ગેસ કરતાં લૉકલ એનેસ્થૅસિયા વધારે વપરાય છે.
[Picture on page 28]
અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વૉશિંગ્ટન માટે હાથીદાંતમાંથી બનાવેલું ચોકઠું
[Credit Line]
Courtesy of The National Museum of Dentistry, Baltimore, MD
[Picture on page 29]
૧૮૪૪માં પહેલી વાર નાઇટ્રોસ ઑક્સાઇડ સૂંઘાડીને દાંત કાઢતા બતાવતું આર્ટિસ્ટનું ચિત્ર
[Credit Line]
Courtesy of the National Library of Medicine
[Picture Credit Line on page 27]
Courtesy of the National Library of Medicine