તમારી પાસે પેન્સિલ છે?
તમારી પાસે પેન્સિલ છે?
ઇંગ્લૅન્ડના સજાગ બનો!ના લેખક તરફથી
આજે નાના-મોટા બધાને પેન્સિલ વાપરવી ગમે છે. કેમ કે એ આસાનીથી ખિસ્સામાં આવી જાય છે. પેનની જેમ લીક થતી નથી. એનાથી લખેલું સહેલાઈથી ભૂંસી શકાય છે. અને એ ઘણી સસ્તી છે. ચિત્રકાર એનાથી સુંદર ચિત્રો દોરે છે. પરંતુ તમને ખબર છે પેન્સિલથી શરૂઆત ક્યાં અને કેવી રીતે થઈ? ચાલો આપણે જોઈએ.
કાળું સીસું
ઇંગ્લૅન્ડમાં આશરે ૧૫૦૦ની સાલમાં કાળા સીસાની શોધ થઈ. આ ધાતુ એક ગામડાંમાં મળી આવી હતી. એ કોલસા જેવી લાગતી હતી પણ એ સળગી નહિ. આ ધાતુને કશા પર ઘસીએ તો કાળો અને ચળકતો લીસોટો પડતો. પણ એની ખાસ વાત એ હતી કે એને સહેલાઈથી ભૂંસી શકાતું હતું. એમાં થોડી ઘણી ચીકાશ હતી. એ હાથમાં ચોંટે નહિ તેથી લોકો એને લાકડી વચ્ચે મૂકીને દોરીથી બાંધતા. આવી રીતે પેન્સિલની શરૂઆત થઈ. કોઈ જાણતું નથી કે આ રીતે પહેલી પેન્સિલ કોણે બનાવી. આશરે ૧૫૬૦માં આવી પેન્સિલ યુરોપમાં જાણીતી થઈ ગઈ.
એ પછી ઇંગ્લૅન્ડના એ જ ગામડાંમાં બીજી ખાણો શોધાઈ. અને આખી દુનિયામાં સીસાનો વેપાર શરૂ થયો. કેમ કે ચિત્રકારો એનો ઘણો ઉપયોગ કરવા લાગ્યા. આશરે ૧૬૦૦ની સાલમાં બધા એનો ઉપયોગ કરવા લાગ્યા. પેન્સિલ બનાવનારા એમાં સુધારો-વધારો કરવા લાગ્યા. એ ગામડાંની ખાણમાંથી સહેલાઈથી સીસું કાઢી શકાતું. તેથી અમુક સમય પછી સીસાની ચોરી થવા લાગી, અને એના કાળાબજાર શરૂ થયા. એટલે ૧૭૫૨માં ઇંગ્લૅન્ડની સરકારે કાયદો બહાર પાડ્યો. એમાં જણાવ્યું કે ‘જે પણ કાળા સીસાની ચોરી કરશે તેને સખત જેલની સજા થશે.’
૧૭૭૯માં સ્વિડનના કૅમિસ્ટ કાર્લ સ્કીલે જણાવ્યું કે આ ધાતુ સીસું નથી પણ શુદ્ધ કાર્બન છે. દશ વર્ષ પછી જર્મનીના સાયન્ટિસ્ટ એબ્રાહમ વૉર્નરે આ ધાતુને ગ્રૅફાઇટ તરીકે ઓળખાવી. કેમ કે મૂળ ગ્રીક ભાષામાં શબ્દ ગ્રૅફીનનો અર્થ “લખવું” થાય છે. એ પરથી ગ્રૅફાઇટ નામ પાડ્યું. પહેલાના સમયમાં પેન્સિલ સીસાપેન તરીકે ઓળખાતી. એમાં ખરેખર સીસું ન હતું પણ ગ્રૅફાઇટ હતું.
પેન્સિલમાં સુધારા-વધારા
ઇંગ્લૅન્ડમાં મળેલ ગ્રૅફાઇટ એકદમ શુદ્ધ હતું, તેથી પેન્સિલ બનાવવા એનો સીધો જ ઉપયોગ થવા લાગ્યો. પણ યુરોપના બીજા દેશોમાં મળતું ગ્રૅફાઇટ શુદ્ધ ન હતું. તેથી એને શુદ્ધ કરવા ઘણા પ્રયોગો થયા. ૧૭૯૫માં ફ્રાન્સના એન્જિનિયર નિકૉલસ કૉન્ટે ગ્રૅફાઇટનો પાવડર અને માટીનું મિશ્રણ બનાવ્યું. પછી એને વેલણ જેવી પાતળી લાકડીમાં મૂકીને ભઠ્ઠીમાં મૂક્યું. એમ તેમણે ગ્રૅફાઇટના મિશ્રણમાં ફેરબદલ કરીને ગાઢી કે આછી લખી શકે એવી પેન્સિલ બનાવી. આજે પણ એ જ રીતે પેન્સિલ બનાવવામાં આવે છે.
આશરે ૧૮૦૦માં પેન્સિલ બનાવવાનો ઘણો મોટો બિઝનેસ શરૂ થયો. સાઇબીરિયા, જર્મની અને ચેક રિપબ્લિક જેવા ઘણા દેશોમાંથી પણ ગ્રૅફાઇટ મળવા લાગ્યું. જર્મની, અમેરિકા અને ઘણા બધા દેશોમાં પેન્સિલ બનાવવાની ફૅક્ટરીઓ શરૂ થઈ. એટલે પેન્સિલના ભાવ ઘટી ગયા. આશરે ૧૯૦૦ પછી બાળકો સ્કૂલમાં એનો જ ઉપયોગ કરવા લાગ્યા.
આજની પેન્સિલ
આજે દુનિયાભરમાં પેન્સિલ કરોડોની સંખ્યામાં બને છે. કેમ કે એનો લખવામાં, ચિત્ર દોરવામાં ઘણો ઉપયોગ થાય છે. શું તમને ખબર છે એક પેન્સિલથી તમે કેટલું લખી શકો? જો તમે એની લીટી દોરો તો એ ૫૬.૪ કિલોમીટર લાંબી હશે. અને આશરે ૪૫,૦૦૦ શબ્દો લખી શકો. આજ-કાલ તો પેન જેવી પેન્સિલ બનવા લાગી છે. બસ બટન દબાવો અને લખતા જાવ. બજારમાં રંગ-બે-રંગી પેન્સિલો પણ મળવા લાગી છે. એમાં ગ્રૅફાઇટને બદલે અલગ અલગ રંગની ડાય વપરાય છે.
ઘરમાં, સ્કૂલમાં કે કામના સ્થળે અનેક રીતે પેન્સિલ વપરાય છે, અને હંમેશાં વપરાતી રહેશે. એટલે વર્ષો પછી પણ આપણે લોકોને પૂછતા સાંભળીશું: ‘તમારી પાસે પેન્સિલ છે?’ (g 7/07)
[પાન ૧૯ પર બોક્સ/ચિત્ર]
પેન્સિલ કેવી રીતે બને છે?
પેન્સિલની અણી આ રીતે બને છે: (૧) ગ્રૅફાઇટનો પાવડર, માટી અને પાણીની પેસ્ટ બનાવવામાં આવે છે. (૨) એને એક પાતળી ધાતુની પાઇપમાંથી પસાર કરવામાં આવે છે. જ્યારે આ પેસ્ટ પાઇપમાંથી બહાર આવે ત્યારે એ પાતળી મજબૂત દોરી જેવું દેખાય છે. (૩) એ સૂકાઈ જાય પછી એના ટુકડા કરીને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. (૪) એને ગરમ તેલ અને મીણમાં બોળવામાં આવે છે. હવે પેન્સિલનું લાકડું આ રીતે તૈયાર થાય છે: (૧) લાકડાની પાતળી પ્લેટ બનાવવામાં આવે છે. એ દેવદારનું પોચું લાકડું હોય છે. (૨) એમાં ઘણા બધા ખાંચા પાડવામાં આવે છે. (૩) ખાંચામાં અણીઓ મૂકવામાં આવે છે. (૪) એની ઉપર એ જ માપની બીજી લાકડાની પ્લેટ મૂકવામાં આવે છે. (૫) પ્લેટ બરાબર ચોંટી ગયા પછી એને પેન્સિલના શેપમાં કાપવામાં આવે છે. (૬) પેન્સિલને કાચ-પેપરથી ઘસીને રંગવામાં આવે છે. (૭) એના પર કંપનીનો માર્કો અને બીજી માહિતીનો સિક્કો મારવામાં આવે છે. અમુક વખતે પેન્સિલની પાછળ રબર લગાવવામાં આવે છે. આ રીતે અણી અને લાકડાને ભેગા કરીને પેન્સિલ બનાવવામાં આવે છે.
[ક્રેડીટ લાઈન]
Faber-Castell AG
[પાન ૨૦ પર બોક્સ/ચિત્ર]
કઈ પેન્સિલ હું વાપરું?
પેન્સિલની પસંદગી કરવા તમારે એની પર છાપેલા અક્ષર અથવા નંબર જોવા પડે. એ બતાવશે કે પેન્સિલ કેટલી ગાઢી કે આછી છે.
HB મિડિયમ ગ્રેડની પેન્સિલ છે. સામાન્ય રીતે આ પેન્સિલ વધારે વપરાય છે.
B પેન્સિલથી વધારે ડાર્ક લખાય છે. 2B, 6B વગેરે. જેમ નંબર વધે એમ પેન્સિલ ડાર્ક થતી જાય.
H આ પેન્સિલની અણી હાર્ડ હોય છે. આનાથી આછું લખાય છે. 2H, 4H, 6H વગેરે. જેમ નંબર વધે એમ પેન્સિલ આછી થતી જાય.
F આ પેન્સિલ મધ્યમ ગ્રેડની છે. એ H અને HB વચ્ચેની પેન્સિલ છે.
અમુક દેશોમાં નંબરની અલગ સિસ્ટમ હોય છે. જેમ કે અમેરિકામાં 2 નંબરની પેન્સિલ એ HB ગણાય. આ સિસ્ટમમાં જેમ જેમ નંબર વધે એમ અણી આછી થતી જાય.