બીમારી કોને ગમે?
બીમારી કોને ગમે?
‘હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ. ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે; કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.’ (યશાયાહ ૩૩:૨૪; ૩૫:૫, ૬) આજથી લગભગ ૨,૭૦૦ વર્ષ પહેલાં એ શબ્દો લખાયા. ઈશ્વરભક્ત યશાયાહે આવનાર સોનેરી યુગની વાત કરી, જેમાં કોઈ એટલે કોઈ જ બીમારી નહિ હોય. એના જેવા જ બીજાં વચનો બાઇબલ જણાવે છે. એ એવા ટાઇમની ગૅરંટી આપે છે, જ્યારે ઈશ્વર આપણા દરેકનું દુઃખ-દર્દ મિટાવી દેશે.—પ્રકટીકરણ ૨૧:૪.
પણ એ વચનો સાચા પડશે? શું કદીએ એવો ટાઇમ આવશે જ્યારે કોઈ પણ બીમારી આપણું જીવવું હરામ નહિ કરી નાખે? ખરું કે પહેલાં કરતાં આજે લોકોની તંદુરસ્તી સારી છે. પણ એનો મતલબ એ નહિ કે તેઓની તબિયત ફાઇન જ રહે છે. કંઈ કેટલાયે દુઃખની ચક્કીમાં પીસાતા હોય છે. બીમારીનું નામ લેતા જ ઘણાને માથે પહાડ તૂટી પડે છે. અરે આજની મૉડર્ન દુનિયામાં પણ કોણ બીમારીથી બચી શક્યું છે!
ભારે કિંમત
બીમારી એક કે બીજી રીતે બધાનું લોહી પીએ છે. બીમારીને લીધે પૈસેટકે પણ ભારે ખોટ આવે છે. હમણાં હમણાંના એકાદ વર્ષનો દાખલો લઈએ. તબિયત બગડી હોવાને લીધે, યુરોપમાં લોકોએ ૫૦ કરોડ દિવસો સીકલીવ લેવી પડી હતી. બીજા દેશોની પણ એવી જ હાલત છે. બીમારીને લીધે જેટલું કામ થવું જોઈએ, એ થાય નહિ. દવાદારૂ પાછળ પણ કેટલા ખર્ચા વધી જાય. વેપાર-ધંધામાં અને સરકારને પણ ખોટ આવે. વેપારની ખોટ પૂરવા ભાવ-વધારો થાય. સરકાર ટૅક્સ વધારી દે. આખરે એ ટોપલો કોના માથે? તમારા-મારા જેવાએ જ કિંમત ચૂકવવી પડેને!
અફસોસ કે બિચારા ગરીબ લોકોને જરૂરી સારવાર મેળવવા ફાંફાં મારવા પડે છે. ગરીબ દેશોમાં લાખો લોકોને યોગ્ય સારવાર મળતી નથી. અરે, અમીર દેશોમાં પણ અમુકને સારી સારવાર પોસાય નહિ, એટલે હેરાન થવું પડે છે. અમેરિકામાં લગભગ ચાર લાખ સાઠ હજાર જેટલા લોકો પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી. ઘણી વાર તેઓની એવી જ હાલત થાય છે.
બીમારીમાં ફક્ત પૈસાની જ ખોટ નડતી નથી. એમાં આપણે કંઈ કેટલુંયે સહેવું પડે છે. મોતના મોંમાં ઘસડી જતી બીમારી. ચોવીસે કલાક ઊધઈની જેમ કોતરી ખાતું દુઃખ. બીજાના દુઃખ-દર્દમાં કંઈ મદદ ન કરી શકીએ. નજર સામે પ્યારા સગા-વહાલાને મોતનો રાક્ષસ કોળિયો કરી જાય ને આપણે બસ લાચાર થઈને જોયા કરવું પડે.
કોઈ કદીયે બીમાર જ ન થાય તો કેવું સારું! એવું આપણને બધાયને ગમે. ઘણાનું માનવું છે કે ભલે એ સપનું લાગતું હોય, પણ એવું બનશે જ. અમુકને ગળા સુધી ખાતરી છે કે આજની ટેક્નૉલૉજીની મૉડર્ન દુનિયામાં ધીમે ધીમે બધી જ બીમારી, રોગોનો ઇલાજ મળશે. પછી બીમારી નહિ રહે. બાઇબલમાં માનનારાને પૂરી શ્રદ્ધા છે કે ઈશ્વર પોતાનાં વચનો પૂરાં કરશે. બીમારી પર જીત મેળવશે, કોઈ એટલે કોઈ જ બીમારી ફરી માથું નહિ ઊંચકે! શું માણસ એવી દુનિયા લાવશે? કે પછી ઈશ્વર એવી દુનિયા લાવશે? (g 1/07)