કઈ ફિલ્મ જોવા જેવી છે?
કઈ ફિલ્મ જોવા જેવી છે?
આજ-કાલની ફિલ્મો વિષે તમને કેવું લાગે છે? ઘણાને ગરમા-ગરમ ફિલ્મો ગમે છે, જેમાં સેક્સ, મારા-મારી ને ગાળા-ગાળી હોય. તેઓ કહેશે કે એના વગરની ફિલ્મોમાં શું જોવાનું? બે ઘડી મજા કરીએ તો પેટ ભરીને જ કરીએ ને! જ્યારે કે ઘણાને એવી ફિલ્મોથી સખત નફરત હોય છે. તેઓનું લોહી ઊકળી ઊઠે છે. પણ કોઈ કહેશે, ‘અરે યાર, આટલી નાની વાતમાં શું તપી જવાનું!’
જોકે કેવી ફિલ્મ જોવી, કેવી ન જોવી, એ નક્કી કરવું સંસ્કારી પરિવાર માટે નાની વાત નથી. એક છોકરી ભારે હૈયે કહે છે, ‘અમુક વાર હું મારા સંસ્કાર ભૂલી જાઉં છું. કોઈ પણ ફિલ્મ જોવા દોડી જાઉં છું. પણ થિયેટર બહાર આવ્યા પછી મને ચેન પડતું નથી. ગુસ્સો આવે છે કે લોકો કેવી કચરા જેવી ફિલ્મો બનાવે છે. મારું દિલ ડંખે છે. મને થાય છે કે હું પણ કેવી બેશરમ. આવી ફિલ્મ જોવા દોડી ગઈ!’
ફિલ્મો પર નિયમોની જંજીર
ફિલ્મ જોવા જેવી છે કે નહિ, એ સવાલ કંઈ આજે ઊભો થયો નથી. ફિલ્મી દુનિયાની શરૂઆતમાં જ હોહા મચી ગઈ હતી. ફિલ્મોમાં બતાવાતાં બેશરમ દૃશ્યો અને મારા-મારી સામે લોકોએ પહેલેથી જ અવાજ ઉઠાવ્યો હતો. આખરે ૧૯૩૦ પછીનાં વર્ષોમાં, અમેરિકામાં ફિલ્મો પર નિયમોની જંજીર લાગી ગઈ.
ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે કે એ સમયે ફિલ્મોના નિયમો “બહુ જ કડક હતા. ફિલ્મોમાં રોમાન્સના કોઈ સીન બતાવી ન શકાય. વ્યભિચાર, છળ-કપટ, સેક્સ, બળાત્કારના તો નામ સરખા ન લેવાય. જો બતાવવા જ પડે એવું હોય તો, ફિલ્મના અંતમાં ગુનેગારને એની સજા મળવી જોઈએ.”
મારા-મારી કે ગુનાઓ વિષે શું? ‘શક્ય હોય ત્યાં સુધી, કોઈ પણ જાતના ગુના પડદા પર દેખાડવા નહિ. ભલે પછી કોઈ હથિયાર હોય, કતલ, ખૂન, આપઘાત હોય. કોઈ પણ પોલીસ, વકીલ કે જજને ગુનેગારોના હાથે મરતા દેખાડવા નહિ. ગુના ચલાવી લેતા હોય એવા કોઈ સીન દેખાડવા જ નહિ.’ આખરે, નિયમે જણાવ્યું કે “એવી કોઈ પણ ફિલ્મ બનાવવી નહિ, જે જોઈને વ્યક્તિ અસંસ્કારી બને.”
નિયમો ગયા ને રેટિંગ સિસ્ટમ આવી
ફિલ્મી દુનિયાવાળાએ ૧૯૫૦ પછીનાં વર્ષોમાં ફિલ્મોના નિયમોને છાપરે ચડાવી દીધા. કોને એની પડી હતી? એટલે ૧૯૬૮માં નિયમો ગયા ને રેટિંગ સિસ્ટમ આવી. * આ ગોઠવણ પ્રમાણે, ફિલ્મમાં જે બતાવવું હોય એ બતાવી શકાય. પણ એ ફિલ્મ પર એવી છાપ મારવામાં આવે કે ‘ફક્ત ૧૮થી વધારે ઉંમરના માટે.’ જેક વેલેન્ટી અમેરિકામાં એક ફિલ્મ એસોસિયેશનના પ્રેસિડન્ટ હતા. તેમને ચાળીસેક વરસનો અનુભવ. તેમના કહેવા પ્રમાણે રેટિંગ સિસ્ટમનો ધ્યેય હતો કે “માબાપને પહેલેથી ચેતવી દેવા. પછી તેઓ પોતે નક્કી કરે કે બાળકો માટે એ ફિલ્મ જોવા જેવી છે કે નહિ.”
ફિલ્મી દુનિયાને તો રેટિંગ સિસ્ટમથી છૂટ મળી ગઈ. બસ, પછી તો પૂછવું જ શું, જે મન ફાવે એ નાખો ફિલ્મમાં! સેક્સ, મારા-મારી, કાપા-કાપી, ગાળા-ગાળી, બધુંય ચાલે. કોઈ કહેશે કે રેટિંગ સિસ્ટમ તો છે ને? લોકોને એનાથી ખબર પડશે કે ફિલ્મ કેવી છે. પરંતુ, હકીકત શું બતાવે છે?
રેટિંગ સિસ્ટમ શું ન જણાવી શકે?
અમુક લોકોનું માનવું છે કે રેટિંગ સિસ્ટમ હવે પહેલાના જેવી નથી રહી. લોકોના સંસ્કાર વિષે, હાવર્ડ સ્કૂલ તરફથી તૈયાર કરવામાં આવેલો એક રિપોર્ટ પણ એમ જ જણાવે છે. અમુક ફિલ્મો પર છાપ હોય છે કે ૧૩-૧૪ વર્ષનાં બાળકો એ જોઈ શકે. છતાં પણ એમાં ઠંડા કલેજે થતા ખૂન અને સેક્સના બેશરમ સીન બતાવ્યા હોય છે. અરે, હજુ દસ વર્ષ પહેલાંની જ વાત કરો તો, ફિલ્મો આવી ન હતી. એ રિપોર્ટ એમ પણ જણાવે છે કે ‘રેટિંગ સિસ્ટમની એક જ છાપવાળી બે ફિલ્મો સરખાવો. એમાં ઘણો ફરક જોવા મળશે. ન જોવાય એવા સીનની સંખ્યામાં પણ ફરક હશે. એનો અર્થ કે ફક્ત રેટિંગ સિસ્ટમથી હકીકત જાણી શકાતી નથી.’ *
આજે ઘણાં માબાપને ખબર હોતી નથી કે બાળકો કેવી ફિલ્મો જુએ છે. અમેરિકાની એક ફિલ્મનો વિચાર કરો. એના પર છાપ પ્રમાણે, ૧૩-૧૯ વર્ષના યુવાનો એ જોઈ શકે. એની હીરોઈન વિષે એક લેખક આમ કહે છે, “એક ૧૭ વર્ષની ‘મોર્ડન’ છોકરી. છૂટથી દારૂ પીએ. ડ્રગ્સનો નશો કરે. મન ફાવે એવી પાર્ટીઓ રાખે. જેની-તેની સાથે લફરાં કરે. કોઈ પણ છોકરો એની કમજોરી. એની સાથે મન ભરીને સેક્સની મજા માણે.” આવું બધું તો રોજનું થયું. ધ વૉશિંગ્ટન પોસ્ટ મેગેઝિન અનુસાર, ઘણી ફિલ્મો પર ‘૧૩-૧૯ વર્ષના માટે’ એવી છાપ હોય છે. એમાં પણ ચેનચાળા, છેડતી કરવી, કીસ કરવી વગેરે તો “સામાન્ય” બની ગયું છે. એટલે જ ફક્ત રેટિંગ સિસ્ટમ પર ભરોસો રાખી શકાય નહિ. તો પછી આપણે કઈ રીતે જાણી શકીએ કે કેવી ફિલ્મો જોવી?
ખોટું છે, એ ધિક્કારો
બાઇબલ જણાવે છે કે જે ખોટું છે એને ધિક્કારો. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) એટલે જ ઈશ્વરનો ડર રાખનારા ડગલે ને પગલે બાઇબલની સલાહ લે છે. અરે, મોજ-શોખ, મનોરંજન અને ફિલ્મોમાં પણ બાઇબલના સિદ્ધાંતો પાળે છે. ઈશ્વર જેને નફરત કરે છે, એને તેઓ નફરત કરે છે. એવાં ખોટાં કામો જાણે ચેપી રોગ હોય, એમ એનાથી દૂર નાસી જાય છે.
ખાસ કરીને માબાપે પોતાનાં બાળકો માટે બહુ ધ્યાન રાખવું જોઈએ. રેટિંગ સિસ્ટમ મુજબ બાળકો ફિલ્મ જોઈ શકે છે એવી નાદાની ભારે પડી શકે. ભલે એ ગમે તે કહે, પણ ફિલ્મમાં ગંદા સીન નહિ જ હોય, એની કોઈ ગેરંટી નથી. એનાથી બાળકોને આપેલા સંસ્કાર પર પાણી ફરી વળશે. આજે મોટા ભાગે લોકોને ભગવાનનો કોઈ ડર નથી. એટલે *—એફેસી ૪:૧૭, ૧૮; ૧ યોહાન ૨:૧૫-૧૭.
દુનિયા મોજ-શોખ માટે કંઈ પણ કરવા તૈયાર છે.એનો અર્થ એવો નથી કે બધી જ ફિલ્મો ખરાબ છે. જૂન ૮, ૧૯૯૭નું સજાગ બનો! કહે છે, ‘દરેકે પોતે સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. જેથી ઈશ્વર ને માણસોની આગળ શુદ્ધ મન રાખી શકે.’—૧ કોરીંથી ૧૦:૩૧-૩૩.
કેવી ફિલ્મ સારી કહેવાય?
માબાપ પોતાના પરિવાર માટે કેવી ફિલ્મ પસંદ કરશે? ચાલો અમુક કુટુંબ પાસેથી સાંભળીએ કે તેઓએ શું કર્યું. આપણને પણ એનાથી મદદ મળી શકે. જેથી કોઈ નુકસાન વિના, આપણે સારી ફિલ્મ જોઈ શકીએ. “મોજ-મસ્તી માટે કુટુંબ શું કરી શકે?” પાન ૧૪ પરનું બૉક્સ જુઓ.
સ્પેનથી હ્વાન નામનો ભાઈ જણાવે છે, “બાળકો નાના હતા ત્યારથી અમે પરિવાર સાથે ફિલ્મ જોવા જતા. અમારાં બાળકોને ક્યારેય એકલા કે તેઓના મિત્રો સાથે જવા દેતા નહિ. હવે તેઓ યુવાન છે તોપણ પોતે ફિલ્મના પહેલા શોમાં (પ્રીમિયરમાં) જતા નથી. પહેલાં અમે એ ફિલ્મ વિષે અમુક મેગેઝિનમાંથી વાંચી લઈએ. અમારા ખાસ દોસ્તો પાસેથી એના વિષે જાણી લઈએ. પછી કુટુંબ તરીકે નક્કી કરીએ કે શું કરવું.”
દક્ષિણ આફ્રિકાના માર્કભાઈ પોતાના યુવાન દીકરા પાસેથી વાત-વાતમાં જાણી લે છે કે કઈ ફિલ્મો ચાલે છે. તે કહે છે કે “પછી અમે પતિ-પત્ની એની વાત શરૂ કરીએ. અમારા દીકરાને પૂછીએ કે અમુક ફિલ્મ વિષે તેનું શું માનવું છે. આ રીતે વાત-વાતમાં જ અમે તેને સારી ફિલ્મ પસંદ કરવા મદદ કરીએ છીએ. એનાથી અમે એવી ફિલ્મો પસંદ કરી શક્યા છીએ, જે બધા સાથે બેસીને જોઈ શકીએ.”
બ્રાઝિલનો એક ભાઈ રોઝારયો કઈ રીતે બાળકોને સરસ ફિલ્મ પસંદ
કરવા મદદ કરે છે? તે કહે છે, “હું તેઓ સાથે ફિલ્મ વિષેની ટીકા વાંચું છું. વિડીયો લેવા હું તેઓ સાથે જ જાઉં છું. તેઓને કવર પર બતાવું છું કે કેવી કેવી નિશાની પરથી તેઓ પારખી શકશે કે એ ફિલ્મ બરાબર નથી.”બ્રિટનમાં મેથ્યુ ભાઈના કિસ્સામાં આ ઇલાજ કામયાબ રહ્યો છે. તે જણાવે છે, “માનો કે અમને કોઈ ફિલ્મ જોવાનું મન થયું. અમે આખું કુટુંબ સાથે બેસીને એ ફિલ્મની વાત કરીએ છીએ. જો એ ફિલ્મ જોવા જેવી ન હોય તો, અમે પતિ-પત્ની બાળકોને સમજાવીએ છીએ કે કેમ એ જોવા જેવી નથી.”
અમુક માબાપ ઇન્ટરનેટ પરથી વધારે જાણકારી મેળવે છે. ઘણી વેબ સાઈટ ફિલ્મોનો ભરપૂર રિપોર્ટ આપે છે. પછી, કુટુંબ સમજી-વિચારીને નક્કી કરી શકે કે ફિલ્મ જોવા જેવી છે કે નહિ.
સારા સંસ્કારના આશીર્વાદ
બાઇબલ એવા લોકો વિષે જણાવે છે, જેઓનું દિલ ખરું-ખોટું પારખી લે છે. (હેબ્રી ૫:૧૪) માબાપે પોતાના જીવથીયે વહાલા બાળકોમાં એવા જ સંસ્કાર રોપવા જોઈએ. એનાથી તેઓ ખરા નિર્ણય લઈ શકશે, ભલેને પછી એ ફિલ્મ વિષે હોય!
યહોવાહના સાક્ષીઓને આવા જ સંસ્કાર મળે છે. બાળકોને પણ નાનપણથી જ માબાપ એવા સંસ્કાર આપે છે. જેમ કે, અમેરિકામાં રહેતા બીલ અને શેરી નામના માબાપ. તેઓ પોતાના બે યુવાન છોકરા સાથે ફિલ્મોની મજા માણે છે. બીલ કહે છે કે “ઘણી વાર અમે ફિલ્મ જોયા પછી, એની વાતો કરીએ છીએ. જેમ કે, એમાંથી શું શીખવા મળ્યું? શું અમારું મન એમ કરવા રાજી થશે?” એનો અર્થ એમ નથી કે તેઓ વગર વિચાર્યે જ ફિલ્મ જોવા દોડી જાય છે. બીલ કહે છે, “અમે ફિલ્મ વિષે પહેલેથી વાંચીએ છીએ. તોપણ, થિયેટરમાં હોઈએ ત્યારે, અમે ધાર્યા ન હોય એવા સીન આવે તો અમે બધા જ ફિલ્મ છોડીને ઘરે આવતા રહીએ છીએ. એમ કરતા અમે શરમાતા નથી.” આ રીતે બીલ અને શેરી બંનેને સંતોષ છે કે
તેઓએ છોકરાઓને સારા સંસ્કાર આપ્યા છે. એ તેઓના જ ભલા માટે છે. બીલ ખુશીથી કહે છે કે “હવે છોકરા પોતે ફિલ્મની પસંદગી સારી રીતે કરે છે.”બીલ અને શેરીની જેમ જ ઘણાં મમ્મી-પપ્પા માને છે કે ‘કુમળો છોડ, વાળો એમ વળે.’ ખરું કે આજની ફિલ્મી દુનિયાની ભાગ્યે જ કોઈક ફિલ્મ જોવા જેવી હોય છે. પણ ઈશ્વરનો ડર રાખનારા લોકો, બાઇબલની મદદથી ખરી પસંદગી કરી શકે છે. (g05 5/8)
[ફુટનોટ્સ]
^ બીજા ઘણા દેશોએ પણ એવી જ સિસ્ટમ અપનાવી છે. એમાં જણાવે કે ફલાણી ફિલ્મ આ ઉંમરના માટે યોગ્ય છે કે નથી.
^ દરેક દેશની રેટિંગ સિસ્ટમ અલગ અલગ હોય શકે. કદાચ એક દેશમાં કોઈ ફિલ્મ યુવાનો માટે યોગ્ય નહિ હોય. પણ બીજા દેશમાં એ જ ફિલ્મ જોવાની યુવાનોને છૂટ હશે.
^ ઘણી ફિલ્મો બાળકો કે યુવાનો માટેની હોય છે. પણ એમાં જાદુ, જંતર-મંતર, મેલીવિદ્યા જેવા શેતાની વિચારો હોય છે.—૧ કોરીંથી ૧૦:૨૧.
[પાન ૧૨ પર બોક્સ/ચિત્રો]
“અમે સાથે નિર્ણય લઈએ છીએ”
ફ્રાન્સની ૧૯ વર્ષની એલોઈસ બહેન કહે છે, “હું નાની હતી ત્યારે, અમે આખું કુટુંબ સાથે સીનેમા જોવા જતા. હવે હું મોટી થઈ ગઈ છું. એટલે મમ્મી-પપ્પા મને એકલી જવા દે છે. પણ તેઓ મને પૂછશે કે કઈ ફિલ્મ છે, કેવી છે. તેઓને બહુ ખબર નહિ હોય તો, એના વિષે વાંચશે. ટીવી પર એનું ટ્રેઈલર જોશે. ઇન્ટરનેટ પરથી એના વિષે જાણી લેશે. તેઓને લાગે કે એ જોવા જેવી નથી તો, મને જણાવશે કે શા માટે નથી. મને એના વિષે શું લાગે છે એ પૂછશે. આ રીતે વાતચીત કરીને, એ ફિલ્મ જોવી કે નહિ એનો નિર્ણય અમે સાથે લઈએ છીએ.”
[પાન ૧૩ પર બોક્સ/ચિત્ર]
વાતચીત કરી લો
માસાકીભાઈ જાપાનમાં સરકીટ ઓવરસિયર છે. તે જણાવે છે, “માની લો કે બાળકને કંઈ જોવું હોય, પણ માબાપ ના પાડે. બીજા કોઈ મોજ-શોખ પણ ન કરાવે. પછી બાળકો ચોરી-છૂપીથી મન-માની જ કરશે. એટલે જ, ન જોવા જેવી ફિલ્મ બાળકોને જોવી હોય ત્યારે, અમુક માબાપ તરત જ તેઓને હા કે ના નથી કહેતા. અમુક સમય પસાર થવા દે છે. બાળકનું મન ટાઢું પડે પછી, શાંતિથી તેની સાથે વાત કરે છે. તેને પૂછે છે કે એ ફિલ્મ તેને કેમ બહુ જ ગમે છે. આમ, ઘણાં બાળકો પોતે જોઈ શક્યા છે કે શું સારું ને શું ખરાબ છે. તેઓએ માબાપની વધારે કદર કરી છે. પછી, માબાપ બાળક સાથે મળીને બીજી રીતે ટાઈમ-પાસ કરે છે, જેમાં બધાને ખૂબ મજા આવે.”
[પાન ૧૪ પર બોક્સ/ચિત્રો]
કુટુંબ તરીકે તમે શું કરી શકો?
▪ ઇટલીના એલીઝાબેન કહે છે, “યુવાનોને પોતાની ઉંમરના સાથે હળવા-મળવાનું ગમે છે. અમારા મંડળમાં ઘણા સારા યુવાનિયાઓ છે. અમે અમારી દીકરી માટે એવી ગોઠવણ કરતા, જેથી તે અમારી નજર સામે છૂટથી પોતાના મિત્રો સાથે મજા માણી શકે.”
▪ બ્રિટનના જોનભાઈ કહે છે, “અમે બાળકોની હસી-ખુશી માટે ઘણા પ્રોગ્રામ બનાવીએ છીએ. જેમ કે નાના-મોટા ભાઈબહેનો સાથે ફરવા જઈએ. પિકનિકમાં જઈએ. ઘરે જમવાનું રાખીએ. આ રીતે બાળકો ફક્ત પોતાની ઉંમરના સાથે જ નહિ, પણ બધાની સાથે મજા માણી શકે.”
▪ સ્પેઇનના હ્વાનભાઈ કહે છે, “ભાઈ-બહેનો સાથે હળવા-મળવાથી ઘણા આશીર્વાદો મળે છે. અમારાં બાળકોને ફૂટબોલ બહુ જ ગમે છે. કોઈ વાર અમે બધા ફૂટબોલ પણ રમીએ છીએ.”
▪ બ્રિટનના માર્કભાઈ કહે છે, “અમે સંગીત શીખવા પણ બાળકોની હોંશ વધારીએ છીએ. અમે ઘણું બધું સાથે સાથે કરીએ છીએ. જેમ કે, ટેનિસ, વોલિબોલ સાથે રમીએ. સાઇકલ લઈને આંટો મારી આવીએ. સાથે કંઈક વાંચીએ. દોસ્તોને જમવા બોલાવીએ.”
▪ ફિલિપીન્ઝના દાનીલોભાઈ કહે છે, “અમે મિત્રો સાથે બોલીંગ નામની રમત રમીએ છીએ. દર મહિને અમે કઈંક કરવાની ગોઠવણ કરીએ છીએ. માબાપે બાળકોનું એ ધ્યાન રાખવું જોઈએ, જેથી પછીથી તકલીફો ન થાય.”
▪ દક્ષિણ આફ્રિકાના જુડીથબેન કહે છે, “એક જગ્યાએ ચુપચાપ બેસીને ફિલ્મ જોવા કરતાં, અમે કોઈ મેળો ભરાયો હોય કે સંગીતના પ્રોગ્રામ હોય ત્યાં વધારે જઈએ છીએ. એમાં જવાથી શો ચાલુ હોય ત્યારે પણ તમે વાતચીત કરી શકો. મૂંગા-મૂંગા બેસી રહેવું ન પડે. જોકે અમે મોજ-શોખના આવા પ્રોગ્રામ વારંવાર પણ કરતા નથી. એટલે જ્યારે જઈએ, ત્યારે બધાને બહુ મઝા આવે છે.”
▪ બ્રાઝિલના મારિયાબેન જણાવે છે, “અમે પતિ-પત્ની અમારાં બાળકોને મોજ-શોખ કરાવીએ છીએ. સાથે સાથે તેઓને એ સમજવા પણ મદદ કરીએ છીએ કે બીજાં બાળકો કરે, એ બધુંય તેઓ માટે સારું નથી. અમે બાળકોને ફરિયાદ કરવાનો મોકો આપતા જ નથી. અમે ફરવા જઈએ છીએ. ભાઈ-બહેનોને જમવા બોલાવીએ છીએ.” *
[ફુટનોટ]
^ વધારે માહિતી માટે ચોકીબુરજ નવેમ્બર ૧, ૧૯૯૨ પાન ૨૪-૨૯ જુઓ.
[ક્રેડીટ લાઈન]
James Hall Museum of Transport, Johannesburg, South Africa
[પાન ૧૧ પર ચિત્ર]
ફિલ્મ જોતા પહેલાં, જાણી લો કે એ કેવી છે
[પાન ૧૨, ૧૩ પર ચિત્ર]
તમારાં બાળકોને પહેલેથી પસંદ કરતા શીખવો