સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બિયર સોનેરી જામની કહાણી

બિયર સોનેરી જામની કહાણી

બિયર સોનેરી જામની કહાણી

સજાગ બનો!ના ચૅક રિપબ્લિકના લેખક દ્વારા

ઘણા દેશોમાં મજૂર હોય કે મિલ માલિક, ગરીબ હોય કે ધનવાન, બસ એક ઠંડા બિયરનો જામ મળી જાય, તો અહાહા! કેવી ઠંડક વળે! તે બસ એના સપના જોતો હોય છે કે, ‘ઠંડી ઠંડી બિયરના એક જામ માટે તો હું કંઈ પણ આપી દઉં!’

એમ કહો તો ચાલે કે મનુષ્યની શરૂઆત થઈ ત્યારથી જ, બિયરની શરૂઆત થઈ હતી. ઘણા દેશોમાં હજારો વર્ષોથી લોકોને બિયર વિના ચાલે જ નહિ. દુઃખની વાત છે કે ખાસ કરીને યુરોપના અમુક દેશોમાં બેહદ બિયર પીવાને કારણે, લોકોના જીવનમાં ઘણી તકલીફો આવે છે. પણ જો લિમિટમાં પીવામાં આવે, તો બિયરનો સ્વાદ બહુ જ સારો અને મજા આવે એવો છે. ચાલો આપણે બિયરના ઇતિહાસમાં ડોકિયું કરીએ.

બિયરની શરૂઆત

મેસોપોટેમિયામાં જૂના જમાનાના સુમેરિયાના અમુક લખાણો મળી આવ્યા છે. એના પરથી જોવા મળે છે કે ત્યાં ઈસવીસન પૂર્વે ૩,૦૦૦થી બિયર મળતી હતી. એમ પણ જાણવા મળે છે કે એ જ સમયમાં બાબેલોન અને ઇજિપ્તમાં પણ બિયર પીવાતી હતી. બાબેલોનમાં તો ૧૯ પ્રકારની બિયર બનાવવામાં આવતી હતી. અરે, એ માટે તો હમ્મુરાબીના કાયદા-કાનૂનમાં નિયમો પણ હતા. જેમ કે એ નિયમો બિયરની કિંમત જણાવતા હતા. જો એ નિયમ તોડવામાં આવે, તો એની સજા મોત હતી. એ સમયે ઇજિપ્તમાં બિયર લોકોને ખૂબ ગમતી, એટલે બિયર બનાવવાનો ધંધો ખૂબ ચાલતો. સદીઓ પછી ત્યાં થયેલા ખોદકામમાં બિયર બનાવવાની સૌથી જૂની રીત મળી આવી.

ધીમે ધીમે યુરોપમાં પણ બિયર બનવા લાગી. અમુક રૂમી ઇતિહાસકારોના કહેવા પ્રમાણે, એ યુગમાં યુરોપમાં કેલ્ટ, જર્મન અને બીજી જાતિના લોકો પણ બિયરની મજા માણતા હતા. યુરોપના વાઈકીંસ નામના લોકો માનતા હતા કે શૂરવીર સૈનિકો મરણ પછી, વાલ્હાલા નામે એક હૉલમાં જતા, જ્યાં તેઓના જામ બિયરથી સદાયે છલકતા રહેતા.

લગભગ ઈસવીસન ૬૦૦થી ૧૫૦૦માં યુરોપમાં સાધુઓના આશ્રમ કે મઠમાં બિયર બનાવવાની કળા જાળવી રાખવામાં આવી. યુરોપના સાધુઓએ એની રીતમાં હૉપ્સ ઉમેરીને સુધારો કર્યો જેથી બિયર જલદી બગડી ન જાય. પછી ૧૯મી સદીમાં ટેક્નોલોજીની પ્રગતિને કારણે બિયર બનાવવાનું કામ ઝડપી બન્યું, જે લોકોની મનગમતી બિયરના ઇતિહાસમાં મોટું પગલું હતું. પણ હજુયે મહત્ત્વની શોધ બાકી હતી.

ફ્રેંચ કેમીસ્ટ કે દવાની શોધખોળ કરનાર, લુઈ પાશ્ચરે એક શોધ કરી. તેણે જણાવ્યું કે બિયરને આથો ચડાવતા યીસ્ટમાં નાના નાના જંતુઓ હોય છે. આ શોધથી તેઓને ખબર પડી કે ખાંડ ઉમેરવાથી તેઓ દારૂને વધુ સ્ટ્રોંગ બનાવી શકતા. ડેનમાર્કનો વતની, ઈમીલ ક્રિશ્ચિયન હેનસન ઝાડ-છોડનો જાણકાર હતો. તે બિયર બનાવવાના ઇતિહાસમાં મહત્ત્વની વ્યક્તિઓમાંનો એક થઈ ગયો. તેણે આખી જિંદગી યીસ્ટ અથવા આથો ચડાવનાર તત્ત્વોનો અભ્યાસ કર્યો. બીજી બધી શોધખોળ સિવાય, તેને બિયર બનાવવા માટેનું ખાસ યીસ્ટ શોધી કાઢવું હતું. આ રીતે હેનસને માનો કે બિયર બનાવવાની રીતના રંગરૂપ બદલી નાખ્યા.

તમને થશે કે શું બિયર બનાવવાનું એટલું અઘરું છે? હા. ચાલો આપણે જોઈએ કે એ કઈ રીતે બને છે.

બિયર કઈ રીતે બને છે?

બિયર બનાવવાની રીતો સદીઓથી બદલાતી આવી છે. આજે પણ એકથી બીજી જગ્યાએ બિયર જુદી જુદી રીતે બનાવાતી હોય શકે. પણ મૂળ ચાર ચીજો બધી બિયરમાં હોય છે, એ છે જવ, હોપ્સના ફળ, પાણી અને યીસ્ટ. બિયર બનાવવાની રીતમાં ચાર બાબત કરવાની હોય છે: અનાજ ફણગાવીને સૂકવવું, એને તૈયાર કરવું, એને અથાવા દેવું, પછી આખરે એને પાકવા દેવું.

અનાજ ફણગાવીને સૂકવવું. જવને સૌ પ્રથમ સાફ કરીને જોખવામાં આવે છે. પછી જવને ફણગા ફૂટે એ માટે પાણીમાં બોળી રાખવામાં આવે છે. લગભગ ૧૪ સેન્ટિગ્રેડ ડિગ્રીની ગરમીમાં પાંચથી સાત દિવસ રાખો, ત્યારે એ ફણગે છે. આખરે જવ ફણગાઈને લીલા રંગના થઈ જશે. પછી એને ભઠ્ઠી કે ઓવનમાં સૂકવવામાં આવે છે. એનાથી લીલા જવમાં રહેલું મોટા ભાગનું પાણી સૂકાઈ જાય છે અને જવ વધારે ફણગાતા નથી. આ રીતે સૂકવ્યા પછી, જવમાંથી ફણગા કાઢી નાખવામાં આવે છે ને જવને દળવામાં આવે છે. પછી શું થાય છે?

આગળ તૈયારી કરવી. દળેલા જવમાં પાણી ઉમેરીને ધીમે તાપે ગરમ કરાય છે. અમુક તાપમાને પાચક રસ સ્ટાર્ચ કે કાંજીને ખાંડમાં બદલવા માંડે છે. આ કરવામાં લગભગ ચારેક કલાક લાગી શકે. પછી જાણે રગડો તૈયાર થઈ ગયો. એને ગાળી લેવામાં આવે છે, જેથી કોઈ કચરો હોય તો નીકળી જાય. હવે એને ઉકાળવામાં આવે છે. ઉકાળતી વખતે, એમાં હૉપ્સના કડવાં ફળ નાખવામાં આવે છે, જે બિયરને કડવી બનાવે છે. લગભગ બેએક કલાક ઉકાળ્યા પછી, રગડાને ઠંડો કરવામાં આવે છે.

આથો ચડાવવો. બિયર બનાવવામાં આ મહત્ત્વની બાબત છે. પેલા રગડામાં યીસ્ટ ઉમેરો. પછી રગડામાંની ખાંડ અને યીસ્ટને કારણે એ દારૂ અને કાર્બન ડાયોક્સાઈડમાં બદલાય છે. તમે એઈલ કે લાગર, જે બિયર બનાવવાના હોય એ પ્રમાણે ગરમીમાં લગભગ એકાદ અઠવાડિયું રાખ્યા પછી, બિયર બને છે. આ લીલી બિયરને પીપ કે એના જેવા વાસણમાં ભરીને દારૂ રાખવાના ભંડારમાં રાખવામાં આવે છે, જેથી એ સારી બિયર બને.

બિયર લાંબો સમય ભરીને રાખવી. બિયરને લગભગ ત્રણ અઠવાડિયાથી અમુક મહિનાઓ સુધી ભરી રાખવાથી એનો ટેસ્ટ જોરદાર આવે છે. એમાં ઉત્પન્‍ન થતા કાર્બન ડાયોક્સાઈડને લીધે, પરપોટા થાય છે. આખરે બિયર તૈયાર છે! પછી એને લાકડાના પીપડામાં કે બોટલમાં ભરીને એના ઘરાક સુધી પહોંચાડવામાં આવે છે.

જાત-જાતની બિયર

જોકે એકથી બીજી બિયર સાવ અલગ હોય શકે. એકદમ આછા કલરની કે ગાઢા રંગની, મીઠી કે કડવી, અરે ઘઉંની કે જવની બનેલી બિયર મળી શકે છે. એ એના પર છે કે કેવું પાણી, અનાજ વાપર્યું હતું, કે પછી કઈ ટેક્નોલોજીથી બનાવાઈ હતી, અને કેવું યીસ્ટ વાપરવામાં આવ્યું હતું.

સૌથી જાણીતી બિયરમાં એક છે પીલ્સનર (કે પીલ્સ), જે પીળા રંગની લાગર છે. આખી દુનિયામાં આ બિયર બનાવાય છે. પણ અસલ પીલ્સનર તો પલ્ઝેન કે પીલ્સેનમાં બનાવાય છે, જે ચેક રિપબ્લિકમાં આવેલું છે. એ અસલ બિયર બનાવવા પાછળ ફક્ત એની ટેક્નૉલૉજી જ નથી. પણ એ બનાવવામાં બધી જ અસલ અને ઉત્તમ વસ્તુઓ વપરાય છે. ચોખ્ખું પાણી, સારામાં સારા જવ અને ખાસ પ્રકારનું યીસ્ટ.—“પીલ્સનર—અસલ બિયર” બૉક્સ જુઓ.

એક બીજી વીસ્સ બિયર કે સફેદ બિયર છે, જે ઘઉંમાંથી બને છે અને ખાસ જર્મનીમાં બહુ વખણાય છે. બ્રિટિશ લોકોને પોર્ટર કે સ્ટાઉટ બિયર ગમે છે. પોર્ટર બિયરનો સ્વાદ કડક છે, એ શેકેલા અનાજમાંથી બને છે અને એમાં વધારે આથો ચડે એવી યીસ્ટ વપરાય છે. એટલે એનો રંગ ગાઢો હોય છે. પોર્ટર બિયર લંડનમાં પહેલી વાર ૧૮મી સદીમાં બનાવાઈ હતી. અસલમાં સખત મહેનત કરતા લોકો, જેમ કે મજૂર કે કુલી માટે બિયર પોષક ગણાતી. સ્ટાઉટ બિયર પચવામાં જરા ભારે છે. ગીનીસ કુટુંબે એને આયર્લેન્ડ અને દુનિયામાં પ્રખ્યાત કરી દીધી, જે પોર્ટર બિયરથી થોડી અલગ છે. લોકો ઇંગ્લીશ મીઠી સ્ટાઉટ બિયરની મજા લઈ શકે, જેમાં લેક્ટોઝ (દૂધની ખાંડ) હોય છે. કે પછી આઇરીશ કડવી સ્ટાઉટની મજા લઈ શકે, જેમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે.

ઘણા માટે એના સ્વાદની મજા તેઓ શામાંથી પીએ છે, એના પર આધાર રાખે છે. ઘણાને બોટલમાંથી પીવી ગમે, તો ઘણાને કેનમાંથી, તો વળી ઘણાને દારૂ વેચાતો હોય, ત્યાં જઈને સીધા લાકડાના પીપમાંથી રેડી આપવામાં આવે એ ગમે છે. અમેરિકાના લોકોને ઠંડી ઠંડી બિયર ગમે છે. ઘણાને બહુ ઠંડી નહિ, બહુ ગરમ નહિ, એવી ગમે છે.

ખરેખર, જાતજાતની બિયર મળી શકે. લિમિટમાં પીવાથી તંદુરસ્તીના અમુક લાભ છે. એમાં અમુક વિટામીન ને ધાતુઓ રહેલા છે, જેમ કે રાઈબોફ્લેવીન, ફોલીક એસિડ, ક્રોમિયમ અને ઝીંક. અમુક સત્તાઓના કહેવા મુજબ, લિમિટમાં બિયર પીવાથી હાર્ટ એટેક અને ચામડીના રોગ અટકાવી શકાય છે. જો તમે યોગ્ય પસંદગી કરો, ને લિમિટ રાખો, તો બિયરની ખરી મજા લઈ શકો. આ છે સોનેરી જામમાં રહેલી બિયરની કહાની! (g04 7/8)

[પાન ૨૫ પર બોક્સ/ચિત્ર]

બિયરના હીરો

બિયર બનાવવામાં ઘણા મહેનત કરે છે. એમાંના અમુક છે:

દાણા ફણગાવનાર—બિયર બનાવવાની શરૂઆત અનાજ, પછી એ જવ હોય કે ઘઉં હોય, ફણગાવવાથી થાય છે. એ કરનાર વ્યક્તિને અનાજ ફણગાવીને લીલા દાણા સૂકવવાના હોય છે. એની મોટી જવાબદારી છે, કેમ કે એ જો સારી રીતે કરવામાં આવે તો એમાંથી બનેલી બિયરનો ટેસ્ટ સરસ હશે.

બિયર બનાવનાર (ઉપર બતાવ્યા પ્રમાણે)—તેનું કામ સારી રીતે ઉકાળવાનું હોય છે. પહેલા તો એ જવ કે અનાજનો ભૂકો પાણીમાં ભેગો કરે છે. પછી, એને ઉકાળતા જઈને એમાં હૉપ્સના ફળ ઉમેરે છે. આખરે એ સરસ રગડો તૈયાર કરે છે.

બિયરનો ભંડારી—આ બહુ અનુભવી વ્યક્તિ ખાતરી કરે છે કે બિયરને બરાબર આથો ચડે. પછી તે બિયરને લાકડાના પીપ કે બીજા નાના વાસણમાં ભરીને સંઘરે છે.

[ક્રેડીટ લાઈન]

S laskavým svolením Pivovarského muzea v Plzni

[પાન ૨૬ પર બોક્સ/ચિત્રો]

“પીલ્સનર અસલ બિયર”

એની શરૂઆત ૧૨૯૫થી થઈ. બોહેમિયાના રાજા, વેન્સેસલ્સ બીજાએ પીલ્સેન નામનું શહેર શોધી કાઢ્યું. થોડા સમય પછી તેણે લગભગ ૨૬૦ નાગરિકોને બિયર બનાવવાની રજા આપી. પહેલા પહેલા તો તેઓ પોતાનાં ઘરોમાં જ થોડી બિયર બનાવતા. પણ પછીથી તેઓએ ભેગા મળીને બિયરની ફેક્ટરી ખોલી. જોકે મધ્યયુગમાં પૈસેટકે અને સમાજમાં બોહેમિયાની પડતી થઈ. એની અસર બિયર બનાવવાના ધંધા પર પડી. એટલે ટેક્નૉલૉજીને બાજુએ મૂકીને લોકો પોતપોતાની રીતે બિયર બનાવવા લાગ્યા. ઘણી વાર એવી બિયર બનતી જે પીવાની વાત તો બાજુએ રહી, જોવી પણ ન ગમે.

એ સમયે યુરોપમાં બે પ્રકારની બિયર મળતી હતી. એક પ્રકારની ખાસ કરીને બોહેમિયામાં અને બીજી પ્રકારની બેવેરિયામાં, જે વધારે સારી હતી. બેવેરિયાની લાગર અને પીલ્સેન બિયરમાં આભ-જમીનનો ફરક હતો.

પણ ૧૮૩૯માં મોટો ફેરફાર થયો. બિયર બનાવનાર લગભગ ૨૦૦ પીલ્સેન લોકોએ કંઈક કરવાનું નક્કી કર્યું. તેઓએ બર્જીસ નામે બિયર બનાવવાની ફેક્ટરી ખોલી, જ્યાં બેવેરિયાના જેવી બિયર બનાવવાનું નક્કી થયું. તેઓએ બેવેરિયાથી અનુભવી યોસેફ ગ્રોલને બિયર બનાવવા બોલાવ્યો. પછી તો પૂછવાનું જ શું હોય? તે તરત જ બેવેરિયાની જોરદાર બિયર બનાવવા લાગ્યો. તેઓએ ધાર્યું હતું એના કરતાં પણ ઘણી સારી બિયર બની. ગ્રોલનો અનુભવ અને જોઈતી ઉત્તમ ચીજ-વસ્તુઓ ભેગી કરીને બનાવેલી બિયર, બસ નંબર લઈ ગઈ! એનો સ્વાદ, કલર અને સુગંધ, આહ! બસ તમે પીતા જ રહી જાવ. પરંતુ, પીલ્સેનની જાણીતી બિયરના દુશ્મનો પણ હતા. બિયર બનાવનાર, બીજા લોકો પણ એનું નામ વાપરીને ફાયદો ઉઠાવવા લાગ્યા. આમ, પીલ્સનર બિયર ફક્ત જગજાહેર બની એટલું જ નહિ, પણ એના અસલી-નકલી રૂપ પણ જોવા મળ્યા!

[ચિત્રો]

યોસેફ ગ્રોલ

પીલ્સેન બિયર બને છે, ત્યાંની પાણીની ટાંકી

[ક્રેડીટ લાઈન]

S laskavým svolením Pivovarského muzea v Plzni

[પાન ૨૪ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

પીલ્સેન

[પાન ૨૪, ૨૫ પર ચિત્ર]

બ્રેડ અને બિયર બનાવવાની તૈયારી, ઇજિપ્તનું મોડલ

[ક્રેડીટ લાઈન]

Su concessione del Ministero per i Beni e le Attività Culturali - Museo Egizio - Torino

[પાન ૨૭ પર ચિત્ર]

હૉપ્સના ફળ, જવ અને બિયર બનાવવાની ફેક્ટરી