‘મને કેમ દૂધ પચતું નથી?’
‘મને કેમ દૂધ પચતું નથી?’
તમને મનપસંદ આઈસક્રીમ કે ચીઝ ખાધાને એકાદ કલાક જ થયો હશે. તમારું પેટ હવે ભારે-ભારે લાગે છે. તમને પેટમાં બળતરા થાય છે. તમને ગેસ થયો છે અને રાહત માટે તમે દવા લો છો. પરંતુ, તમને પ્રશ્ન થાય છે: “શા માટે મારા પેટમાં બળતરા થાય છે?”
જો તમને દૂધ પીધા પછી કે દૂધમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ખાધા પછી ઊબકા આવતા હોય, પેટ દુખતું હોય, આફરો ચઢતો હોય, ગેસ થયો હોય કે ઝાડા થયા હોય એવું લાગતું હોય તો, તમને દૂધ ન પચવાની તકલીફ હોય શકે. સામાન્ય રીતે દૂધમાં બનાવેલી વસ્તુઓ ખાધા પછી આવી તકલીફ થાય છે. ડાયાબિટીસ, પાચન અને કીડનીની બીમારીઓ સાથે જોડાયેલી નેશનલ ઇન્સ્ટીટ્યુટ અહેવાલ આપે છે કે, “અમેરિકાના ત્રણથી પાંચ કરોડ લોકોને દૂધ પચતું નથી, એટલે એને લગતી એક કે બીજી તકલીફ થાય છે.” હારવર્ડ મેડિકલ સ્કૂલે પ્રકાશિત કરેલા આહારની નાજુક નળી (અંગ્રેજી) પુસ્તક અનુસાર, એવું અનુમાન કરવામાં આવે છે કે ‘આખા જગતની આશરે ૭૦ ટકા વસ્તીને આવી તકલીફો છે.’ પરંતુ, દૂધ ન પચવાનું કારણ શું?
પ્રથમ તો દૂધ ન પચતું હોય એને લગતી તકલીફોને મેડિકલ ભાષામાં લેક્ટોસ ઇન્ટોલરન્સ કહેવાય છે. લેક્ટોસ એ દૂધમાંથી મળતી સાકર છે અને નાના આંતરડામાં ઉત્પન્ન થતા પાચક રસને લેક્ટાઝ કહેવામાં આવે છે. એનું કામ લેક્ટોસના બે ભાગ કરવાનું છે, જેને ગ્લુકોઝ અને ગાલાક્ટોસ કહેવામાં આવે છે. એનાથી ગ્લુકોઝ લોહીના પ્રવાહમાં ભળી જાય છે. આ કામ કરવા માટે જો પૂરતા પ્રમાણમાં પાચકરસ લેક્ટાઝ ન હોય તો, પડી રહેલું લેક્ટોસ મોટા આંતરડામાં જાય છે અને બગડી જાય છે. એનાથી એસિડ અને ગેસ ઉત્પન્ન થાય છે.
આ સ્થિતિને લેક્ટોસ ઇન્ટોલરન્સ કહેવામાં આવે છે, એટલે કે દૂધની સાકર પચતી નથી. એનાથી ઉપર બતાવેલા લક્ષણો જોવા મળે છે. જન્મ પછી પહેલા બે વર્ષ સુધી પાચકરસ લેક્ટાઝ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, ત્યાર પછી એના ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે. ઘણા લોકોને દૂધ ન પચવાની તકલીફ ધીમે ધીમે થઈ શકે કે જેની તેઓને ખબર પણ ન હોય.
શું એ એક જાતની એલર્જી છે?
દૂધમાંથી બનાવેલી વસ્તુઓ ખાધા પછી કેટલાક હેરાન થાય છે અને એવું માને છે કે તેઓને દૂધ નથી સદતું. તેથી, તેઓ કહેશે કે તેમને દૂધની એલર્જી છે. એલર્જીના કેટલાક નિષ્ણાતો અનુસાર, સામાન્ય જનતાના ફક્ત એક કે બે ટકા લોકોને ખરેખર ખોરાકની એલર્જી થાય છે. બાળકોમાં એનું પ્રમાણ વધારે છે પણ એ ૮ ટકાથી ઓછું છે. જોકે એલર્જી અને દૂધ ન પચવાના લક્ષણો સરખા હોય શકે, છતાં બંને વચ્ચે ફરક છે.
ખાવા-પીવાની કંઈક વસ્તુ પછી શરીર રક્ષણ કરવા માટે પ્રતિકારક તંત્ર હિસ્ટેમીન નામનું રસાયણ ઉત્પન્ન કરે છે ત્યારે ખાવા પીવાની વસ્તુથી થતી એલર્જીના લક્ષણો જોવા મળે છે. બીજાં કેટલાંક લક્ષણોમાં હોઠ કે જીભ પર સોજો આવવો, ગરમી નીકળવી કે અસ્થમાનો સમાવેશ થાય છે. દૂધ ન પચવાની તકલીફોમાં આવાં લક્ષણો જોવા મળતા નથી કેમ કે એ રોગપ્રતિકારક તંત્રને કારણે થતું નથી. એ તો દૂધ બરાબર રીતે ન પચવાને લીધે આવાં લક્ષણો જોવા મળે છે.
કઈ રીતે આપણે દૂધ ન પચવાની તકલીફ અને એલર્જી વચ્ચેનો ફરક જાણી શકીએ? આહારની નાજુક નળી (અંગ્રેજી) પુસ્તક જવાબ આપે છે: ‘શરીરને માફક ન આવે એવો ખોરાક લેવાઈ ગયો હોય તો થોડી જ મિનિટોમાં એલર્જીનાં લક્ષણો જોવા મળે છે. પરંતુ, દૂધ ન પચવાના લક્ષણો એકાદ કલાક પછી જોવા મળે છે.’
બાળકો પર અસર
યુવાન કે નાના બાળકોને દૂધ પીધા પછી લક્ષણો જોવા મળે તો, એ બાળક અને માબાપ બંને દુઃખી થાય છે. એનાથી બાળકને ઝાડા થાય તો, ડી-હાઈડ્રૅશન અથવા શરીરમાં પાણી સાવ ઓછું થઈ શકે. આથી, માબાપે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. દૂધ ન પચવાની તકલીફ હોય તો, કેટલાક ડૉક્ટર દૂધને બદલે બીજો ખોરાક આપવાની ભલામણ કરે છે. એના લીધે ઘણા લોકોએ રાહત મેળવી છે.
પરંતુ, એલર્જી થઈ હોય તો વધારે ધ્યાન આપવાની જરૂર છે. કેટલાક ડૉક્ટરો એન્ટીહિસ્ટેમીન દવા આપે છે. જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો, એની અસર ઓછી કરવા માટે ડૉક્ટરે એનાથી વધારે કરવાની જરૂર છે. એકાદ કિસ્સામાં, એનપ્લેક્સિસ (આઘાત જેવી સ્થિતિ) જોખમકારક બની શકે છે.
બાળકને ઊલટી થતી હોય એવા કિસ્સામાં ગાલાક્ટોસેમીયા થવાનો પણ ખતરો રહેલો છે. અગાઉ બતાવ્યું તેમ, લેક્ટાઝ નામનો પાચકરસ ગાલાક્ટોસને લેક્ટોસથી છૂટું પાડે છે પરંતુ, ગાલાક્ટોસ ગ્લુકોઝમાં રૂપાંતર થાય એ બહુ જરૂરી છે. જો ગાલાક્ટોસ જમા થાય તો એનાથી, કલેજા કે લીવરને અને કીડની કે મૂત્રપિંડોને સખત નુકસાન થાય છે. તેમ જ માનસિક વિકૃતિ આવી શકે. હાઈપોગ્લેસીયા પણ થઈ શકે (લોહીમાં સાકરનું પ્રમાણ ઘટવું) કે મોતીયો પણ આવી શકે. તેથી, ગાલાક્ટોસેમીયા શરૂઆતમાં જ ખબર પડે તો, બાળકને દૂધમાંથી બનેલી વસ્તુઓ નહિ આપવાથી લક્ષણો ધીમે ધીમે જતા રહેશે.
દૂધ ન પચવાની તકલીફો કેટલી જોખમકારક છે?
એક સ્ત્રીને અવારનવાર ગેસ થતો અને પેટમાં દુખતું હતું. એક દિવસ તો તેની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેણે દવાખાને જઈને સારવાર લેવી પડી. ઘણા ટેસ્ટ કર્યા પછી ખબર પડી કે તેને ઇન્ફલીમેટરી બાવલ ડિસીઝ (IBD) * એટલે કે, આંતરડા સૂજી જવાની બીમારી થઈ છે. આ રોગ માટે તેને દવા આપવામાં આવી. પરંતુ, તેણે દૂધની બનેલી વસ્તુઓ ખાવાનું બંધ ન કર્યું, આથી તેની તકલીફો ચાલુ જ રહી. પોતાના ખોરાકની બરાબર નોંધ રાખ્યા પછી તેને ખબર પડી કે તેના ખોરાકને લીધે પણ તકલીફ આવી શકે. આથી, તેણે ધીમે ધીમે અમુક ખોરાક લેવાનું બંધ કર્યું. છેવટે, તેણે દૂધમાંથી બનાવેલી વસ્તુઓ લેવાનું બંધ કર્યું. અને તેના લક્ષણો પણ ધીમે ધીમે જતા રહ્યા! એક વર્ષ પછી તેણે બીજા વધારે ટેસ્ટ કરાવ્યા ત્યારે તેને જાણવા મળ્યું કે હવે તેને IBD નથી. ખરેખર, તેને કેટલી રાહત મળી હશે!
હાલમાં એવી એક પણ સારવાર નથી કે જે શરીરમાં લેક્ટાઝ નામના પાચકરસનું ઉત્પાદન કરી શકે. તેમ છતાં, દૂધ ન પચવાથી થતી તકલીફો જોખમકારક નથી. તેથી, તમે પોતે એ માટે શું કરી શકો?
કેટલાક લોકોએ નોંધ રાખી છે કે તેઓ કેટલી હદે દૂધમાંથી બનાવેલી વસ્તુઓ ખાય શકે. તમે કેટલા પ્રમાણમાં દૂધમાંથી બનાવેલી વસ્તુઓ ખાવ છો અને તમારા શરીરમાં એની કેવી અસર થાય છે એ જોયા પછી, તમે નક્કી કરી શકો કે તમે કેટલું પચાવી શકો છો અને કેટલું નથી પચાવી શકતા.
કેટલાક લોકો તો દૂધમાંથી બનાવેલી વસ્તુઓ બિલકુલ લેતા નથી. તેથી, પોતાની જાતે બરાબર તપાસ કર્યા પછી કે ડૉક્ટરની સલાહ પછી, કેટલાક લોકોને જાણવા મળ્યું છે કે બીજા શામાંથી કૅલ્શિયમ મળી શકે. અમુક લીલા શાકભાજી અને અમુક પ્રકારની માછલી અને સીંગ, બદામ જેવા અમુક પ્રકારના દાણામાં વધારે પ્રમાણમાં કૅલ્શિયમ હોય છે.
જેઓને દૂધની વસ્તુઓ બહુ ગમતી હોય તેઓ, બજારમાંથી દવાઓ લઈ શકે. આ દવાઓમાં લેક્ટાઝ નામનો પાચકરસ હોય છે કે જે આંતરડાંના લેક્ટોસને છૂટું પાડવામાં મદદ કરે છે. દૂધની બનેલી વસ્તુઓ ખાધા પછી આ દવા લેવાથી, વ્યક્તિને એ પચવાની તકલીફમાં રાહત મળી શકે છે.
આજના જગતમાં, તંદુરસ્ત રહેવું સહેલું નથી. પરંતુ તબીબી સંશોધન અને આપણા શરીરની સહનશક્તિ બીમારીનો સામનો કરવા ઘણી મદદ કરે છે, એ માટે આપણે કેટલા આભારી છીએ! જોકે, આપણે હવે લાંબો સમય સહેવું નહિ પડે, કેમ કે એક એવો વખત આવશે જ્યારે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪; ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪. (g04 3/22)
[ફુટનોટ]
^ IBD બે પ્રકારના હોય છે, જે આંતરડાંને લગતા છે. આ ગંભીર રોગોથી આંતરડાંનો અમુક ભાગ પણ કાઢી નાખવો પડી શકે. IBDથી ઊભી થતી પરિસ્થિતિ જીવન માટે જોખમકારક બની શકે.
[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]
આનાથી પણ તકલીફ થઈ શકે:
▪ બ્રેડ અને બ્રેડમાંથી બનેલી વસ્તુઓ
▪ કૅક અને બિસ્કીટ
▪ કૅન્ડી
▪ માર્જરીન
▪ ઘણી દવાઓ
▪ ડૉક્ટરની ભલામણ વગર આપવામાં આવતી દવાઓ
▪ મીઠાઈ બનાવવા માટેના તૈયાર પેકેટ
▪ સવારે નાસ્તામાં ખવાતી સિરીયલ
▪ સલાડમાં નાખવાની ચટણી કે સૉસ
▪ સેન્ડવીચ વગેરેમાં મળતું તૈયાર માંસ
▪ સૂપ