સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળક કુમળો છોડ, વાળો તેમ વળે

બાળક કુમળો છોડ, વાળો તેમ વળે

બાળક કુમળો છોડ, વાળો તેમ વળે

ખરેખર, નાનાં નાનાં ભૂલકાઓને ઘણું ધ્યાન આપવું જોઈએ, પણ ઘણાંને એ મળતું નથી. આજના યુવાનો એ સાબિત કરી આપે છે. ટોરન્ટો, કૅનેડાના ધ ગ્લોબ એન્ડ મેઈલ છાપામાં એક સંશોધકે કહ્યું: ‘આપણા યુવાનો કદી પણ આટલા એકલા-અટૂલા જોવા મળ્યા નથી. તેઓમાં જીવનનો અનુભવ અને સૂઝબૂઝની આટલી બધી ખામી પહેલાં ન હતી.’

તકલીફ ક્યાં પડી છે? શું એના વિષે કંઈક કરી શકાય? ખાસ કરીને નાના બાળકને ધ્યાન આપવા વિષે કંઈ કરી શકાય? ‘આપણે બધાએ પહેલા તો માબાપ બનતા શીખવાની જરૂર છે. તેમ જ, એ પણ સમજવાની જરૂર છે કે હમણાં બાળકો પાછળ કાઢેલો સમય વ્યાજ સાથે પાછો મળશે.’ એવું મગજના એક ડૉક્ટરનું કહેવું છે, જે ગરીબ મમ્મીઓને પોતાના લાડલા બાળકની સંભાળ રાખતા શીખવે છે.

અરે, બાળકને ઘણું બધું શીખવવાની પણ જરૂર પડે છે. મન ફાવે ત્યારે કોઈ વાર જ નહિ, પણ આખો દિવસ કંઈ ને કંઈ શીખવતા રહેવું પડે છે. બાળકો સાથે પહેલેથી જ વધારે સમય કાઢો તો તેના જીવન માટે બહુ જ સારું થશે.

તૈયારી કરો

માબાપે પોતાની જવાબદારી સારી રીતે પૂરી કરવા અગાઉથી તૈયારી કરવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્તે કોઈ પણ બાબતની અગાઉથી તૈયારી કરવા વિષે કહ્યું હતું: “તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે?” (લુક ૧૪:૨૮) બાળકને મોટું કરવાને વીસ વર્ષની યોજના કહેવાઈ છે. એ બુરજ બાંધવા કરતાં ઘણી અઘરી અને મહત્ત્વની યોજના છે. તેથી, બાળકને સારું જીવન આપવા ચોક્કસ પ્લાન ઘડવાની જરૂર પડશે.

પહેલા તો માબાપ પોતે એકબીજાના સુખી જીવનસાથી હોવા જોઈએ. જર્મનીમાં લગભગ ૨,૦૦૦ સ્ત્રીઓના અનુભવ પર વિચાર કરવામાં આવ્યો. એવું માલૂમ પડ્યું કે જે સ્ત્રીઓને બાળક જોઈતું ન હતું એના કરતાં, જે સ્ત્રીઓ પોતાના બાળકની રાહ જોતી હતી, એ બાળકો તાજાં-માજાં હતાં. વળી, બીજી એક શોધ પ્રમાણે, જે સ્ત્રીઓનું લગ્‍નજીવન સુખી નથી હોતું, તેમનાં બાળકના તન-મનને ૨૩૭ ટકા વધારે જોખમ રહેલું છે.

તેથી, બાળકને સારી રીતે મોટું કરવામાં પિતા મહત્ત્વનો ભાગ ભજવે છે. ડૉક્ટર થોમસ વર્ની જણાવે છે, કે ‘બાળક પેટમાં હોય ત્યારે, તેની મમ્મીને દુઃખ દેતા બાપના કરતાં, બીજું વધારે ખરાબ શું હોય શકે?’ મોટા ભાગે એમ કહેવામાં આવે છે કે બાળકની મોટામાં મોટી ભેટ એ છે કે તે મમ્મી-પપ્પાને પ્રેમથી રહેતા જુએ અને અનુભવે.

ચિંતા કે ટેન્શનના કોશો અથવા હોર્મોન્સ માના લોહીમાં ભળી જાય છે, જે પેટમાંના બાળક પર અસર કરી શકે છે. જોકે, પુરાવા બતાવે છે કે નાની નાની વાતની ચિંતા કે લાગણી અસર કરતી નથી, પણ જો કોઈ ચિંતા લાંબી ચાલે તો બાળક પર અસર થાય છે. પરંતુ, ખાસ મહત્ત્વની વાત એ છે કે મા પોતે આવનાર બાળક પર કેવી લાગણી રાખે છે, એની બાળક પર વધારે અસર થાય છે. *

પણ ધારો કે તમે મા બનવાના છો, પણ તમારા પતિનો સાથ નથી. અથવા તો તમે પોતે રાજી નથી કે તમને બાળક થવાનું છે. ઘણા સંજોગોમાં સ્ત્રી પોતે મા બનવાની છે, એ જાણીને નિરાશ બની જાય છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે કે એમાં આવનાર બાળકનો શું વાંક? તેથી, એવા સંજોગોમાં તમે કઈ રીતે શાંત મન રાખી શકો?

લાખો લોકોને બાઇબલમાંથી મદદ મળી છે. એ કહે છે: “દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” તમને નવાઈ લાગશે કે કઈ રીતે ઉપરના શબ્દો તમને ‘કશાની ચિંતા ન કરવા’ મદદ કરે છે. (ફિલિપી ૪:૬, ૭) તમે પોતે ઈશ્વરનો સાથ અનુભવશો, જે તમારી સંભાળ રાખશે.—૧ પીતર ૫:૭.

ચિંતા ન કરો

બાળકને જન્મ આપ્યા પછી, અમુક મમ્મીઓને સમજણ પડતી નથી કે શા માટે તેઓ ઉદાસ થઈ જાય છે કે બસ આળસ જ આવે છે. અરે, જેઓ બાળકની રાજી-ખુશીથી રાહ જોતા હતા, તેઓને પણ એવું થાય છે. પણ એમ મૂડ બદલાયા કરે તો ચિંતા કરવા જેવું નથી. બાળકને જન્મ આપ્યા બાદ, સ્ત્રીઓમાં લાગણીના કોશો કે હોર્મોન્સમાં બહુ જ બદલાણ આવે છે. વળી, મમ્મી માટે એક સાથે ઘણું કરવાનું થઈ જતું હોય શકે. જેમ કે કોઈ પણ સમયે બાળક ભૂખ્યું થાય ત્યારે ધવડાવવું, ઝાડો-પેશાબ કરે તો સાફ કરવું, આમ કોઈને કોઈ રીતે બાળકની સંભાળ રાખવાની હોય છે.

એક મા કહે છે કે તેનું બાળક જાણે તેને દુઃખી કરવા ‘ઉંવા .. ઉંવા .. કરતું જ રહે છે. એટલે જ જાપાનમાં બાળકોના એક સ્પેશિયાલીસ્ટ કહે છે: ‘બાળક મોટું કરતા કરતા નાકે દમ આવી જાય છે.’ પરંતુ, તે કહે છે કે “અગત્યનું એ છે કે માતાએ કદી એકલા એકલા સહન કરવું ન જોઈએ.”

ભલે માનો મૂડ બદલાયા કરતો હોય, તોપણ તે પોતાના બાળકને એની અસરથી બચાવી શકે છે. * ટાઈમ મૅગેઝિન જણાવે છે: ‘જે મમ્મીઓ પોતાની નિરાશા એક બાજુએ મૂકીને, બાળકમાં ધ્યાન પરોવે છે, અને તેની સાથે જાત-જાતની રમતો રમીને સમય કાઢે છે, તેના બાળકોનું મગજ તેજ અને સ્વભાવ આનંદી હોય છે.’

પપ્પા કઈ રીતે મદદ કરી શકે?

આવા સંજોગોમાં બાળકના પપ્પા મોટે ભાગે મદદ અને સાથ આપી શકે. અડધી રાતે બાળક રડવાનું ચાલુ કરે ત્યારે, પિતા તેની સંભાળ રાખી શકે, જેથી માતા થોડો આરામ લઈ શકે. બાઇબલ પતિઓને પત્ની ‘સાથે સમજણપૂર્વક રહેવાનું’ કહે છે, કેમ કે તેઓ તો જીવન-સાથી છે.—૧ પીતર ૩:૭.

ઈસુ ખ્રિસ્તે પતિઓ માટે સુંદર નમૂનો બેસાડ્યો. ઈસુએ તો પોતાના મિત્રો માટે પોતાનો જીવ પણ આપી દીધો. (એફેસી ૫:૨૮-૩૦; ૧ પીતર ૨:૨૧-૨૪) તેથી, જે પતિઓ બાળક મોટું કરવા કોઈ પણ ભોગ આપે છે, તેઓ ખ્રિસ્તને પગલે ચાલી રહ્યા છે. ખરેખર, બાળકો મોટા કરવા એ તો માબાપ બંનેની જવાબદારી છે, જે તેઓએ રાજી-ખુશીથી ઉપાડવાની છે.

માબાપ, એકબીજાનો સાથ

બે વર્ષની એક છોકરીના પપ્પા, યોઈચીરો કહે છે, કે “પતિ-પત્ની તરીકે અમે અમારી લાડલી દીકરીને કેવી રીતે મોટી કરવી, એની વિગતે ચર્ચા કરી. કંઈ પણ મુશ્કેલી આવતી તો, અમે તરત જ એ વિષે વાત કરી લેતા.” યોઈચીરો જાણે છે કે તેની પત્નીને આરામની જરૂર છે. તેથી, તે બજારમાં કે આમ-તેમ ક્યાંય જાય તો, પોતાની દીકરીને સાથે લઈ જાય.

પહેલાના જમાનામાં કુટુંબો સાથે રહેતા, એટલે ઘરમાં મોટા છોકરા-છોકરીઓ કે બીજાં કોઈ સગાં-વહાલાં નાના બાળકની સંભાળ લેવામાં મદદ કરતા. તેથી, જાપાનના કાવાસાકીમાં આવેલા બાળ-ઉછેરની મદદ કરતા સેન્ટરમાં કામ કરતી એક સ્ત્રી કહે છે: “બીજા લોકો સાથે વાત કરવાથી ઘણી મમ્મીઓને સારું લાગે છે. ફક્ત થોડી મદદથી ઘણી માતાઓ કોઈ પણ મુશ્કેલી સહન કરી શકી છે.”

માબાપ (અંગ્રેજી) મૅગેઝિન કહે છે કે માબાપને “એવા લોકોના ગ્રૂપની જરૂર છે, જેઓની સાથે તેઓ વાત કરીને પોતાની ચિંતા જણાવી શકે.” એવું ગ્રૂપ ક્યાં મળી શકે? તેઓનાં પોતાનાં કુટુંબમાં, પતિ-પત્નીને પોતાનાં માબાપ અને સાસુ-સસરા પાસેથી ઘણી મદદ મળી શકે. પરંતુ, નાના-નાની કે દાદા-દાદીએ એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આખરી નિર્ણય બાળકના માબાપ લેશે, પોતે નહિ. *

મમ્મી-પપ્પાને બીજી મદદ પોતાના એવા મિત્રો પાસેથી મળી શકે, જેઓ ખરેખર ઈશ્વર પર ભરોસો રાખતા હોય. તમારા શહેરમાંના યહોવાહના સાક્ષીઓને મળો. તેઓમાંથી ઘણાને સારી રીતે બાળક મોટા કરવાનો અનુભવ છે. તેમ જ, તેઓ તમારી મુશ્કેલીઓ શાંતિથી સાંભળશે. તેઓ તમને મદદ થાય એવાં સૂચનો આપી શકે. વર્ષોથી યહોવાહની સેવા કરતી સ્ત્રીઓને બાઇબલ ‘વૃદ્ધ સ્ત્રીઓ’ કહે છે. તમે તેઓને વારંવાર પૂછી શકો, જેઓ યુવાન સ્ત્રીઓને મદદ કરવા તૈયાર હોય છે.—તીતસ ૨:૩-૫.

ખરું છે કે માબાપે આખરે પોતે નિર્ણય લેવાનો છે કે શું કરવું. યોઈચીરો કહે છે, કે “એકાએક આસપાસના લોકો જાણે બાળક વિષે શિક્ષણ આપવાના એક્સપર્ટ બની જતા હતા.” તેની પત્ની તાકાકો કબૂલે છે: “પહેલા પહેલા તો મને બહુ ખોટું લાગતું. મને થતું કે તેઓ જાણે કહેતા હતા કે બાળક મોટું કરવાની મને કંઈ જ ખબર નથી.” તોપણ, બીજાની સલાહ લેવાથી ઘણા પતિ-પત્નીઓને બાળક મોટું કરવા મદદ મળી છે.

સૌથી સારી મદદ

ભલે બીજી કોઈ મદદ ન મળે તોપણ, તમને એક ખાસ મદદ મળી શકે છે. એ છે યહોવાહ પરમેશ્વર. તે આપણને ઘડનાર છે, અરે, તે બાળકનો “ગર્ભ” પણ જોઈ શકે છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૬) એક વખત યહોવાહે પોતાના લોકોને કહ્યું, કે “શું, સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? હા, કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહિ.”—યશાયાહ ૪૯:૧૫; ગીતશાસ્ત્ર ૨૭:૧૦.

ખરેખર, યહોવાહ કોઈ માબાપને ભૂલી જતા નથી. તેમણે બાઇબલમાં દરેક માબાપ માટે માર્ગદર્શન આપ્યું છે કે કઈ રીતે બાળકોને મોટા કરવા. દાખલા તરીકે, લગભગ ૩,૫૦૦ વર્ષો પહેલાં, ઈશ્વર ભક્ત મુસાએ લખ્યું હતું: “યહોવાહ તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. અને આ [યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવાનાં] જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.”—પુનર્નિયમ ૬:૫-૭.

યહોવાહ અહીં કયું માર્ગદર્શન આપે છે? શું તે એમ નથી કહેતા કે બાળકને શિક્ષણ આપવાનું માબાપનું કામ રોજનું, કાયમનું છે? હકીકતમાં, તમે તમારાં પ્રાણ-પ્યારાં બાળકો સાથે કેટલો સમય પસાર કરશો, એનું ટાઈમ-ટેબલ બનાવી નથી શકાતું, ખરું ને? તમારા લાડલા દીકરા કે દીકરીને સંજોગ પ્રમાણે ગમે ત્યારે શીખવવું પડે. તેથી, તમારે તમારા બાળકને જરૂર હોય ત્યારે, હા તેના સમયે તેના માટે હાજર રહેવાની જરૂર છે. એમ કરીને તમે બાઇબલની આ સલાહ પાળશો: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ.”—નીતિવચનો ૨૨:૬.

બાળકને શિક્ષણ આપવા તેને વાંચી સંભળાવી પણ શકાય. બાઇબલ જણાવે છે કે પહેલી સદીમાં તીમોથી ‘બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણતો હતો.’ કઈ રીતે? તેની મા યુનીકે અને નાનીમા લોઈસે તે હજુ સાવ નાનકડો હશે ત્યારથી જ વાંચી સંભળાવ્યું હશે. (૨ તીમોથી ૧:૫; ૩:૧૪, ૧૫) તમે તમારાં નાનાં ભૂલકાં સાથે કાલી-ઘેલી ભાષામાં વાતો કરવા માંડો, ત્યારથી જ એ શરૂ કરી દો. પરંતુ તમને થશે કે શું વાંચીએ, જેથી નાનકડું છોકરું શીખી શકે?

તમે તમારા બાળક સાથે બાઇબલ વાંચી શકો. તીમોથીને પણ એ જ વાંચી આપવામાં આવ્યું હતું. વળી, બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક અને કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ જેવાં પુસ્તકો પણ છે. એ પુસ્તકો બાળકોને સુંદર રંગીન ચિત્રોથી બાઇબલ સમજાવી શકે છે. એનાથી બાળક બાઇબલના બનાવોની કલ્પના કરી શકે છે. એવાં પુસ્તકોથી બાઇબલના શિક્ષણની લાખો બાળકોનાં મન અને દિલ પર ઊંડી છાપ પડી છે.

બાઇબલ જણાવે છે, કે “બાળકો ઈશ્વરે આપેલી ભેટ છે, વારસો છે, હા ઈશ્વરે આપેલું ઈનામ છે.” (ગીતશાસ્ત્ર ૧૨૭:૩, IBSI) ઈશ્વરે તમારા પર ભરોસો રાખીને “વારસો,” નાનકડું બાળક આપ્યું છે. તે તમારો આનંદ, તમારી આંખનું રતન બની શકે છે. બાળકને સારી રીતે મોટા કરવા, ખાસ કરીને યહોવાહના ભક્તો બનાવવા ખરેખર દિલને આનંદ આપતું ઇનામ છે! (g03 12/22)

[ફુટનોટ્‌સ]

^ ફક્ત ચિંતા જ નહિ, પણ તમાકુ, દારૂ અને ડ્રગ્સની પેટમાંના બાળક પર ખરાબ અસર થઈ શકે છે. આવી કોઈ પણ ચીજ-વસ્તુઓથી માતાએ દૂર રહેવું જોઈએ. તેમ જ, બાળક પર દવાઓની કેવી અસર થાય છે, એ પણ ડૉક્ટરને પૂછી લેવું જોઈએ.

^ જો કોઈ મા બહુ જ ઉદાસ કે નિરાશ રહેતી હોય અને બાળક કે દુનિયાથી દૂર રહેવાનું મન થતું હોય, તો કદાચ તેને બાળકને જન્મ આપ્યા પછીનું ડિપ્રેશન થયું હોય શકે. એમ હોય તો, તેણે સ્ત્રી રોગના ડૉક્ટરને મળવાની જરૂર છે. સજાગ બનો! (અંગ્રેજી) જુલાઈ ૨૨, ૨૦૦૨ પાન ૧૯-૨૩ અને જૂન ૮, ૨૦૦૩ પાન ૨૧-૩ જુઓ.

^ “તમે દાદાદાદીની કદર કરો છો?” વિષે જુલાઈ ૮, ૧૯૯૫નું સજાગ બનો! વાંચો.

[પાન ૮ પર ચિત્ર]

પોતાના પેટમાંના બાળક પરની લાગણી બહુ જરૂરી છે

[પાન ૯ પર ચિત્ર]

બાળકના જન્મ પછી, માનો મૂડ બદલાયા કરે, પણ પોતાના બાળક પર પ્રેમ વરસાવવા પોતે ઘણું કરી શકે

[પાન ૧૦ પર ચિત્ર]

બાળક મોટું કરવા પપ્પાની ઘણી જરૂર હોય છે

[પાન ૧૦ પર ચિત્ર]

નાનપણથી બાળક સાથે વાંચવું જોઈએ