કઠોર દુનિયામાં પહેલો શ્વાસ!
કઠોર દુનિયામાં પહેલો શ્વાસ!
ફૂલની કળી જેવું બાળક આ કઠોર, કાંટાળી દુનિયામાં જન્મે છે. ખરું કે નાનું ભૂલકું કંઈ બોલી શકતું નથી. પણ, વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે માના પેટમાં પણ બાળક જાણી શકે છે કે શું બની રહ્યું છે.
જન્મ પહેલાં બાળકનું જીવન નામનું (અંગ્રેજી) પુસ્તક કહે છે: “હવે આપણે જાણીએ છીએ, કે માના પેટમાંનું બાળક છઠ્ઠા મહિનાથી (અરે, કદાચ એ પહેલાંથી) લાગણી બતાવી શકે છે.” ખરું કે બાળકને યાદ ન હોય, પણ અમુક વૈજ્ઞાનિકો વિચારે છે કે જન્મ વખતે પડેલી તકલીફોની અસર પછીથી બાળકના જીવન પર પડે છે કે કેમ.
જોકે, જન્મ પછી મુશ્કેલીઓનો દોર શરૂ થઈ જાય છે. માના પેટની બહાર બાળકને ઑટોમેટિક બધું મળી જતું નથી. તેને આપોઆપ હવા અને પોષણ આપતી નાળ હવે કપાઈ ગઈ છે. આ દુનિયામાં જીવવા તેણે પોતે શ્વાસ લેવો પડશે. તેને કોઈકની જરૂર છે, જે તેને ખાવા-પીવાનું આપીને તેની સંભાળ રાખે.
એ બાળકને હવે લાડ-પ્યારની જરૂર છે. સાથે સાથે તેને ધાર્મિક જ્ઞાન પણ જરૂરી છે. તેથી, એ નાનકડાં ફૂલ જેવા બાળકની કોઈએ સંભાળ લેવી જ જોઈએ. સૌથી સારી રીતે એ કોણ કરી શકે છે? માબાપ પાસેથી બાળક શાની આશા રાખે છે? ચાલો આપણે હવે પછીના લેખમાં એ જોઈએ. (g03 12/22)