અમારા વાચકો તરફથી
અમારા વાચકો તરફથી
અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ “અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે મદદ” (જાન્યુઆરી - માર્ચ, ૨૦૦૧) અંકના લેખો માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું ઘરમાં ઘણી વાર મારપીટનો ભોગ બની છું. મેં એ વિષે અધિકારીઓને પણ જાણ કરી છે. તોપણ મને એમ થતું હતું કે મારી પીડા અને દુઃખને કોઈ સમજી નહિ શકે. આ લેખો જાણે મારા જ મનની વ્યથા બતાવે છે.
એન. એલ., ઇટાલી
મેગેઝિન આવ્યું ત્યારે, એના પહેલા પાનને જોતા જ મારી આંખો ભરાઈ આવી. મેં તરત જ એ મેગેઝિનને પાછું મૂકી દીધું. મને લાગ્યું કે આ લેખો મારા ભૂતકાળ વિષે ચર્ચા કરે છે અને હું મારા ભૂતકાળને ઉખેડવા માંગતી ન હતી. મેં એ મેગેઝિન વાંચવા શક્તિ મળે એ માટે પ્રાર્થના કરી. હું એ વાંચી શકી એ માટે કેટલી આભારી છું! આ લેખોએ મને એ સમજવા મદદ કરી કે હું એકલી જ દુઃખો સહન કરી રહી નથી. “પત્ની પર હાથ ઉપાડવો, એ પરમેશ્વરની નજરમાં મોટું પાપ છે” એમ વાંચતા જ મારા મનને ઊંડી રાહત મળી. જીવનની વાસ્તવિકતાની ચર્ચા કરતા અને દિલાસો આપતા લેખો માટે ખૂબ આભાર.
ડી.જી.એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
મને પણ લેખોમાં ઉલ્લેખવામાં આવેલી સ્ત્રીઓ જેવો જ અનુભવ થયો હતો. હું એમ કહીને મન મનાવી લેતી કે, મારા પતિ દારૂની અસરને લીધે અને તે એવા જ વાતાવરણમાં મોટા થયા હોવાથી મારપીટ કરતા હશે. ભલે અમુક રીતે એ ખરું હોય, પણ જ્યારે મને ખબર પડી કે પરમેશ્વરની નજરમાં મારપીટ કરવી ખોટું છે ત્યારે, મને ખૂબ દિલાસો મળ્યો. હું પૂરા દિલથી ઇચ્છું છું કે મારા પતિ બાઇબલ વાંચે અને યહોવાહના પ્રેમ વિષે જાણે.
એસ. આઈ., જાપાન
હું પણ અત્યાચારનો ભોગ બની હોવાથી, આ લેખોની મારા પર ઊંડી અસર પડી છે. હું રેક્સોના જેવી જ પીડા અનુભવું છું. મને એ જાણીને ઘણો દિલાસો મળ્યો કે એવા લોકો પણ છે, જેઓ અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓની લાગણીઓને સમજે છે. આ લેખોમાંથી મને એ પણ જાણવા મળ્યું કે મારા પતિના વલણ માટે હું જ જવાબદાર નથી. લેખોએ મને એ જોવા મદદ કરી કે ભલે મારા પતિની નજરમાં હું કંઈ ન હોવ, પણ પરમેશ્વર માટે હું મૂલ્યવાન છું. આવી ઉપયોગી માહિતી બહાર પાડવા માટે તમારો ઘણો આભાર. ધનદોલત કરતાં પણ એ વધારે કીમતી છે!
બી. એલ., ફિલિપાઈન્સ
હું જે દુઃખ અને હતાશાને જણાવી શકતી ન હતી એનું તમે મેગેઝિનમાં સારી રીતે વર્ણન કર્યું છે. એણે મને એ જોવા મદદ કરી કે, હું આ મુશ્કેલીમાં જે માનસિક અને લાગણીમય દુઃખ અનુભવતી હતી એને યહોવાહ સમજે છે. તમે આ પ્રકારના લેખો લખતા રહો, કેમ કે આ સમસ્યા વિષે લોકો જાણે અને સમજે એ ખૂબ જરૂરી છે. મને ખાતરી છે કે મારી જેમ બીજા ઘણાને આ લેખોથી લાભ થયો હશે.
કે. ઈ., ઑસ્ટ્રેલિયા
હું મારા પપ્પાના હાથ નીચે ઊછરી હતી. તે બહુ જલદી ગુસ્સે થઈ જતા હતા. અને હું પણ મારા પતિ પર અવારનવાર ગુસ્સે થઈ જઉં છું. કોઈ વાર તો હું તેમને મારી પણ બેસું છું. મારા પતિ મારા કરતાં બળવાન હોવાથી, મને લાગતું કે તેમને કંઈ અસર થતી નહિ હોય. પરંતુ મેં લેખમાં વાંચ્યું કે જીવન સાથીને મારવું પરમેશ્વરની નજરમાં મોટું પાપ છે ત્યારે, મને મોટો આંચકો લાગ્યો. મારા પતિ યહોવાહના નમ્ર સેવક છે. હવે હું પૂરા દિલથી તેમની માફી માંગવા ઇચ્છું છું. આવી શિસ્ત આપવા માટે હું ખરેખર યહોવાહની આભારી છું.
ટી. આઈ., જાપાન
આ મેગેઝિન વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને લાગ્યું કે હું જાણે મારો પોતાનો અનુભવ વાંચી રહી છું. પરંતુ હમણાં થોડા સમયથી મારા પતિ બાઇબલ વિષે પ્રશ્નો પૂછવા લાગ્યા છે. તે રાજ્ય ગૃહમાં અમુક સભાઓમાં પણ ગયા છે અને હવે તે બાઇબલનો અભ્યાસ કરે છે. મને પણ પાન ૧૧ પર લુઅર્ડે કહ્યું હતું એવું જ લાગે છે: “ઘણી વાર મને લાગે છે કે હું સ્વપ્ન જોઈ રહી છું!”
ઈ. આર., યુનાઈટેડ સ્ટેટ્સ