સાંભળો અને શીખો
સાંભળો અને શીખો
ટોરન્ટો સ્ટાર નામનું છાપૂ અહેવાલ આપે છે, “આપણે જે જાણીએ છીએ એમાંથી ૮૫ ટકા આપણે સાંભળીને શીખ્યા છીએ.” આપણે આપણો મોટા ભાગનો સમય સાંભળવામાં ગાળતા હોવા છતાં, એમાંથી ૭૫ ટકા સમય આપણે બેધ્યાન હોઈએ છીએ, બીજી બાબતો કરવા કે વિચારવામાં મગ્ન હોઈએ છીએ, અથવા સાંભળેલું ભૂલી જઈએ છીએ. આ ધ્યાન ખેંચી લેતા આંકડાઓ આપણી સાંભળવાની ક્ષમતા વિકસાવવાની જરૂર પર ભાર મૂકે છે.
એક અહેવાલ અનુસાર, “સમાજની ઘણી સમસ્યાઓનું મૂળ ધ્યાનથી નહિ સાંભળવાની ખામીને લીધે છે.” વાણીના રોગવિજ્ઞાની અને સંચાર નિષ્ણાત, રબેકા શાફીર માને છે કે ધ્યાનથી નહિ સાંભળવાને કારણે જ ઘણી વખત આપઘાત, શાળામાં હિંસા, કુટુંબમાં ભંગાણ અને કેફીદ્રવ્યોની લત જેવાં પરિણામો આવે છે.
સમાજવિજ્ઞાનીઓ અવલોકે છે કે લોકોની સાંભળવાની ઢબ અલગ અલગ હોય છે. કેટલીક વ્યક્તિઓ લોકો વિષેની વાતો સાંભળવામાં ખૂબ જ રસ ધરાવે છે અને તેઓને લોકો વિષેની રજેરજ માહિતી સાંભળવાનું ગમે છે. જ્યારે બીજા લોકોને તો, ફક્ત ટુંકમાં શું થયું એ જ જાણવું ગમે છે અને કહેનાર વ્યક્તિ મુદ્દાસર જણાવે એવું ઇચ્છે છે. “જ્યારે આ બે જાતના લોકો રજેરજ વાત કરે છે, ત્યારે તેઓ વચ્ચેની વાતચીતમાં નિષ્ફળતા મળવાની વધારે શક્યતા રહેલી છે,” એમ સ્ટાર કહે છે.
આ કારણોને લીધે, ઈસુએ ‘તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહેવાની’ જરૂર પર ભાર મૂક્યો. (લુક ૮:૧૮) ધ્યાનથી સાંભળવું એ સારી રીતભાત બતાવે છે. અસરકારક વાતચીત માટે એ મહત્ત્વની બાબત છે. વાતચીતવ્યવહાર દરમિયાન કઈ રીતે સાંભળવું એનાં અમુક વ્યવહારુ સૂચનો છે. જેમાં બેધ્યાન થઈ જવાનું ટાળવું, થોડા આગળ તરફ ઢળવું, વ્યક્તિની આંખો સામે જોઈને અને ડોકું ધુણાવતા રહીને સતત હા માં જવાબ આપવાનો સમાવેશ થાય છે. અસરકારક સાંભળનાર બનીને જ આપણે મોટા ભાગનું શીખતા હોવાથી, આપણે બધાએ ધ્યાનથી સાંભળવાનું શીખવું જ જોઈએ.