શેતરંજી—કેટલી સલામત છે?
શેતરંજી—કેટલી સલામત છે?
તમે કેટલી વાર તમારા ઘરમાં શેતરંજી પર ચાલો છો? ન્યૂ સાયન્ટિસ્ટ સામયિકનો અહેવાલ બતાવે છે કે એ પ્રશ્નનો જવાબ ચિંતાજનક હોય શકે, ખાસ કરીને બાળકો માટે.
સામયિકે બતાવ્યું: “આપણે બહારના વાતાવરણ કરતાં ઘરની અંદર ૧૦થી ૫૦ ગણા વધારે, સૌથી વધુ ઝેરી પ્રદૂષકના સંપર્કમાં આવીએ છીએ.” અમેરિકામાં, વાતાવરણના ઇજનેર જોન રોબર્ટ દાવો કરે છે કે સામાન્ય ઘરોની શેતરંજીમાં રહેલી ધૂળમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રદુષકો હોય શકે છે. એમાં સીસું, કલાઈ, પારો, જંતુનાશક દવાઓ, કારસીનોજેનીક પોલીક્લોરીનેટેડ બાઇફિનોલ્સ (PCBs) અને પોલીસાયક્લિક એરોમેટિક હાઈડ્રોકાર્બન્સનો (PAHs) સમાવેશ થાય છે.
અહેવાલ બતાવે છે કે પગરખાં અને પાલતુ પ્રાણીઓના પંજાથી જંતુનાશક દવા ઘરમાં આવે છે. આના કારણે શેતરંજીમાં રહેલી ધૂળમાં ૪૦૦ ગણા જંતુનાશકોમાં વધારો થઈ શકે છે. કહેવામાં આવે છે કે આ પ્રદૂષકો વર્ષો સુધી એની એ જ સ્થિતિમાં રહે છે. જંતુનાશક દવા અને PAHs અર્ધ વાયુ હોવાથી, એ વરાળ બનીને હવામાં ઘુમતા રહે છે અને ત્યાર પછી શેતરંજી કે બીજી સપાટી પર પાછા બેસી જાય છે.
નાના બાળકો ઘણી વાર ફરસ કે જમીન પર રમી, આંગળીઓ મોંમા નાખતા હોય છે. તેથી બાળકો આ પ્રદૂષકોના વધારે જોખમમાં છે. નાના બાળકોમાં પુખ્તો કરતાં ગરમી ઉત્પન્ન કરવાની શક્તિ વધારે હોય છે. આનાથી, તેઓનું વજન ઓછું હોવા છતાં, તેઓ પુખ્તો કરતાં વધારે શ્વાસમાં હવા લે છે.
કેટલાક સંશોધકોને લાગે છે કે શેતરંજીને ઘરમાં વધારે લગાવવામાં આવે તો, એનાથી બાળકોમાં દમ, એલર્જી અને કેન્સર થવાની શક્યતા વધારે છે. રોબર્ટ અવલોકે છે: “જે ઘરોમાં, અમુક જ રૂમમાં શેતરંજી પાથરેલી હોય છે તેના કરતાં ચારેબાજુ લગાવવામાં આવેલી શેતરંજીમાં, ઘણી વધારે ધૂળ જોવા મળે છે.”
રોબર્ટ સૂચવે છે કે શેતરંજીને સલામત બનાવવા માટે તમારે તરત જ વધારે ધૂળ ખેંચી લે એવા સારા વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી, અમુક અઠવાડિયા સુધી, અઠવાડિયામાં એક વાર મુખ્ય પ્રવેશમાર્ગથી ૧.૩ મીટર સુધીની શેતરંજી પર ૨૫ વાર, વધારે અવરજવર થતી હોય ત્યાં ૧૬ વાર અને બાકીની શેતરંજી પર ૮ વાર ઘસીને સાફ કરવી જોઈએ.
આ સાદી પદ્ધતિ પ્રમાણે કર્યા પછીથી, તમે દર અઠવાડિયે ઉપર બતાવવામાં આવેલી પદ્ધતિના અડધા પ્રમાણમાં શેતરંજીને સાફ કરશો તો, તમે ધૂળનું સ્તર ઘટાડી શકશો. રોબર્ટ સલાહ આપે છે: “તમે તમારા ઘરના દરવાજે સારા પગ લૂછણિયાનો ઉપયોગ કરો અને તમે ઘરમાં પ્રવેશો એ પહેલાં બે વાર તમારા પગ સાફ કરો.”