શું ખ્રિસ્તીઓએ પરમેશ્વરના રક્ષણની આશા રાખવી જોઈએ?
બાઇબલ શું કહે છે
શું ખ્રિસ્તીઓએ પરમેશ્વરના રક્ષણની આશા રાખવી જોઈએ?
બાઇબલમાં ઘણી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પરમેશ્વર પોતાના ઉપાસકોને વિપત્તિઓમાંથી બચાવી શકે છે. રાજા દાઊદે કહ્યું: “હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને બચાવ; જુલમગાર માણસોથી મારૂં રક્ષણ કર.” (ગીતશાસ્ત્ર ૧૪૦:૧) આજે હિંસા, ગુનાઓ કે કુદરતી આફતોનો સામનો કરતા પરમેશ્વરના ઘણા સેવકો મરણ કે હાનિમાંથી અદ્ભુત રીતે બચી ગયા છે. અમુક લોકોને આશ્ચર્ય થયું છે કે પરમેશ્વરે જ તેઓને ચમત્કારિકપણે બચાવ્યા છે. કેમ કે બીજા પ્રસંગોએ પરમેશ્વરનો ભય રાખતા લોકોનો આવો બચાવ થવાને બદલે, તેઓએ ઘણું દુ:ખ સહેવું પડ્યું છે, અરે, કેટલાકે તો રિબાઈ રિબાઈને પોતાના પ્રાણ ગુમાવ્યા છે.
શું યહોવાહ પરમેશ્વર અમુક લોકોનું જ રક્ષણ કરે છે? શું આજે આપણે હિંસા અને અણધારી વિપત્તિઓમાંથી ચમત્કારિક બચાવની આશા રાખવી જોઈએ?
બાઇબલ અહેવાલોમાં ચમત્કારિક રક્ષણ
બાઇબલમાં એવા અસંખ્ય અહેવાલો જોવા મળે છે કે જેમાં પરમેશ્વરે પોતે હસ્તક્ષેપ કરીને પોતાના ઉપાસકોના હિતમાં ચમત્કારિક પગલાં ભર્યા હતાં. (યશાયાહ ૩૮:૧-૮; પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧-૧૧; ૧૬:૨૫, ૨૬) બાઇબલ એ પણ બતાવે છે કે અમુક પ્રસંગોએ યહોવાહે પોતાના સેવકોને મુશ્કેલીઓમાંથી છોડાવ્યા નથી. (૧ રાજા ૨૧:૧-૧૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧, ૨; હેબ્રી ૧૧:૩૫-૩૮) આમ, એ દેખીતું છે કે યહોવાહ કોઈ ખાસ કારણસર અથવા કોઈ હેતુ સિદ્ધ કરવા, પોતે ઇચ્છે તેને રક્ષણ પૂરું પાડી શકે છે. તેથી, ખ્રિસ્તીઓને વ્યક્તિગત રીતે મુશ્કેલીઓમાંથી છૂટવાનો કોઈ માર્ગ ન મળે તો, તેમણે એવા નિષ્કર્ષ પર આવવું ન જોઈએ કે પરમેશ્વરે તેમને તરછોડી દીધા છે. આપણે એ વાસ્તવિકતાને ક્યારેય ભૂલવી ન જોઈએ કે, યહોવાહના વિશ્વાસુ સેવકોએ પણ આફતોનો સામનો કરવો પડશે. શા માટે એમ?
પરમેશ્વરના વફાદાર સેવકો પર શા માટે આફતો આવે છે
એક કારણ એ છે કે આપણ સર્વને આદમ તથા હવા તરફથી વારસામાં પાપ અને અપૂર્ણતા મળ્યા છે. તેથી, આપણે દુઃખ, પીડા અને મરણનો સામનો કરીએ છીએ. (રૂમી ૫:૧૨; ૬:૨૩) બીજું કારણ એ છે કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. બાઇબલ આપણા સમયના લોકોનું વર્ણન કરતા કહે છે કે લોકો “પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી” હશે. (૨ તીમોથી ૩:૧-૫) આજે વધતા જતા બળાત્કાર, અપહરણ, ખૂન અને બીજા ક્રૂર ગુનાઓ એનો પુરાવો આપે છે.
આજે પરમેશ્વરના ઘણા વફાદાર સેવકો હિંસક લોકો વચ્ચે રહે છે અને કામ કરે છે. કેટલાક તો તેઓના હુમલાનો પણ ભોગ બને છે. આપણે ખોટી જગ્યાએ અને ખોટા સમયે હોવાને કારણે, ઘણી વાર આપણા જીવનને જોખમમાં મૂકાયેલું જોઈએ છીએ. વધુમાં, આપણે સુલેમાને વ્યક્ત કરેલી વાસ્તવિકતાનો અનુભવ કરીએ છીએ કે “પ્રસંગ તથા દૈવયોગની અસર સર્વને લાગુ પડે છે.”—સભાશિક્ષક ૯:૧૧.
પ્રેષિત પાઊલે જણાવ્યું કે સાચા ખ્રિસ્તીઓ પરમેશ્વરની ઉપાસના કરતા હોવાને કારણે તેઓની સતાવણી થશે. તેમણે કહ્યું: “જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.” (૨ તીમોથી ૩:૧૨) તાજેતરનાં વર્ષોમાં ઘણા દેશોમાં એ સાચું સાબિત થયું છે.
તેથી, પરમેશ્વરનો ભય રાખતા લોકો હિંસા, ગુના, કુદરતી આફતો અથવા આકસ્મિક મૃત્યુની અસરથી બાકાત નથી. શેતાને એવી દલીલ કરી છે કે યહોવાહ પોતાના લોકોનું ચોગરદમ રક્ષણ કરે છે, જેથી તેઓ કોઈ પણ આપત્તિનો અનુભવ કર્યા વિના શાંતિથી જીવન જીવે. (અયૂબ ૧:૯, ૧૦) પરંતુ બાબત એમ નથી. યહોવાહ ચમત્કારિક રીતે આપણને મુશ્કેલ પરિસ્થિતિમાંથી છોડાવતા નથી તોપણ, આપણે ખાતરી રાખી શકીએ કે તે પોતાના લોકોનું રક્ષણ કરે છે.
આજે યહોવાહ કઈ રીતે પોતાના લોકોનું રક્ષણ કરે છે
યહોવાહ પોતાના શબ્દ દ્વારા માર્ગદર્શન પૂરું પાડીને તેમના લોકોનું રક્ષણ કરે છે. પરમેશ્વર સાથેનો સંબંધ અને બાઇબલનું જ્ઞાન આપણને સારી તાગશક્તિ અને સારું મન આપે છે કે જે આપણને બિનજરૂરી ભૂલો ટાળવા અને ડહાપણભર્યા નિર્ણયો લેવામાં મદદ કરે છે. (ગીતશાસ્ત્ર ૩૮:૪; નીતિવચનો ૩:૨૧; ૨૨:૩) દાખલા તરીકે, જાતીયતા, લોભ, ગુસ્સો અને હિંસા જેવા વિષય પર બાઇબલની સલાહને ધ્યાન આપવાથી ખ્રિસ્તીઓ ઘણી આફતોમાંથી બચી જાય છે. ખરાબ લોકો સાથે ગાઢ સંબંધ નહીં રાખવાથી પણ આપણે ખોટા સમયે અને ખોટી જગ્યાએ આવતી આપત્તિમાંથી બચી જઈએ છીએ. (ગીતશાસ્ત્ર ૨૬:૪, ૫; નીતિવચનો ૪:૧૪) બાઇબલ સિદ્ધાંતોને અમલમાં મૂકનારા લોકો શ્રેષ્ઠ જીવનનો આનંદ માણે છે. પરિણામે, તેઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું હોય છે.
એ જાણવું કેટલું દિલાસાજનક છે કે પરમેશ્વર ખરાબ બાબતોને ચાલવા દે છે તોપણ, તે પોતાના સેવકોને એ સહન કરી શકે માટે જરૂરી સામર્થ્ય પૂરું પાડે છે. પ્રેષિત પાઊલ આપણને ખાતરી આપે છે: “દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.” (૧ કોરીંથી ૧૦:૧૩) આફતો સહન કરી શકીએ એ માટે મદદ કરવા, બાઇબલ આપણને ‘પરાક્રમની અધિકતાનું’ પણ વચન આપે છે.—૨ કોરીંથી ૪:૭.
પરમેશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે
શું ખ્રિસ્તીઓએ એવી આશા રાખવી જોઈએ કે પરમેશ્વર તેઓને દરેક વિપત્તિમાંથી ચમત્કારિકપણે બચાવે? આવી આશા રાખવા વિષે બાઇબલમાં કંઈ જણાવવામાં આવ્યું નથી.
વાસ્તવમાં, યહોવાહ પરમેશ્વર પોતાના કોઈ પણ સેવકોના હિતમાં દખલગીરી કરી શકે છે. કોઈ એવું માનતું હોય કે પોતે પરમેશ્વરની શક્તિથી વિપત્તિમાંથી બચી ગયું છે તો, તેની ટીકા કરવી જોઈએ નહીં. એ ઉપરાંત, યહોવાહ દખલ ન કરે તોપણ આપણે એવું ક્યારેય વિચારવું ન જોઈએ કે તે આપણાથી નાખુશ છે.
ચાલો આપણે ખાતરી રાખીએ કે આપણે ગમે તેવાં પરીક્ષણ કે આપત્તિનો સામનો કરીએ ત્યારે, યહોવાહ એ પરિસ્થિતિમાંથી છોડાવીને, એને સહન કરવાની શક્તિ આપીને અથવા આપણે મરી પણ જઈએ તો, નવી દુનિયામાં અનંતજીવન આપવા આપણને સજીવન કરીને પોતાના વફાદાર સેવકોનું રક્ષણ કરશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; યોહાન ૫:૨૮, ૨૯.