હું કઈ રીતે વધુ પડતી ચિંતા કરવાનું ટાળી શકું?
યુવાનો પૂછે છે . . .
હું કઈ રીતે વધુ પડતી ચિંતા કરવાનું ટાળી શકું?
“યુવાનો માટે સૌથી મોટી ચિંતાની બાબત ભવિષ્ય હોય શકે. તમે પોતાના વિષે ચિંતા કરો છો. શું મારે ઘર છોડવું જોઈએ? શું હું શાળામાં જઉં? પૂરા સમયના સેવાકાર્યમાં જોડાઉ? લગ્ન કરું? તમારી પાસે ઘણા વિકલ્પો છે કે જેનાથી ડર લાગે છે.”—વીસ વર્ષનો શેન.
શું તમે વધારે પડતી ચિંતા કરો છો? ઘણા યુવાનો વિવિધ કારણોસર ચિંતા કરતા હોય છે. માબાપોને માર્ગદર્શન આપવા પ્રકાશિત કરવામાં આવેલી એક સમાચાર પત્રિકા અહેવાલ આપે છે: “જગતવ્યાપી ૪૧ દેશોમાં ૧૫થી ૧૮ વર્ષના તરુણોનું તાજેતરમાં કરવામાં આવેલું સર્વેક્ષણ બતાવે છે કે આજના તરુણોની મુખ્ય ચિંતા સારા પગારની નોકરી મેળવવાની છે.” એ પછી, તેઓ પોતાના માબાપના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. પોતે ખૂબ ચાહતા હોય તેઓને ગુમાવવાનો ડર પણ આ યુવાનો માટે ચિંતાનું મુખ્ય કારણ છે.
અમેરિકાના શૈક્ષણિક વિભાગને સર્વેક્ષણ કર્યા પછી જોવા મળ્યું કે અમેરિકાના ઘણા યુવાનોની સૌથી મોટી ચિંતા, પરીક્ષામાં “સારા માર્ક મેળવવાનું દબાણ” હતું. એ જ સર્વેક્ષણે બતાવ્યું કે મોટા ભાગના યુવાનો (ઉપર ઉલ્લેખ કરેલા) શેન જેવું જ અનુભવે છે. એશ્લી નામનો બીજો એક યુવક કહે છે: “હું મારા ભવિષ્ય વિષે ખૂબ ચિંતિત છું.”
તોપણ, બીજા યુવાનો પોતાની સલામતીની ચિંતા કરતા હોય છે. વર્ષ ૧૯૯૬ના સર્વેક્ષણ પ્રમાણે, અમેરિકાના લગભગ ૫૦ ટકા યુવાનોને લાગ્યું કે તેઓની શાળામાં વધારે હિંસા થતી જાય છે. એંસી લાખ કરતા વધારે તરુણોએ (૩૭ ટકા) અહેવાલ આપ્યો કે, ગોળી મારીને ઉડાવી દેવામાં આવી હોય અથવા ઘાયલ કરવામાં આવી હોય એવી કોઈને કોઈ વ્યક્તિને તેઓ જાણતા હતા!
તેમ છતા, બધી જ ચિંતાઓ કંઈ હિંસાને લગતી હોતી નથી. ઘણા યુવાનો માટે પોતાનું સામાજિક જીવન ચિંતાનું મુખ્ય કારણ હોય છે. માબાપોને નિર્દેશીને ઇંટરનેટ પર એક મેગેઝિન કહે છે: “યુવાનો પોતાના મિત્રો (બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ) વિષે ચિંતા કરતા હોય છે પરંતુ, તેઓ સૌથી વધારે ચિંતા એક પણ મિત્ર ન હોવાની કરે છે.” મૈગન નામની યુવતી ચિંતા વ્યક્ત કરે છે: “હું કઈ રીતે આકર્ષક અને પ્રભાવશાળી બની શકું? મારે અમુક મિત્રો બનાવવા છે.” એ જ ઇંટરનેટ પર ૧૫ વર્ષનો ખ્રિસ્તી યુવક નટૈનિયલ કહે છે: “શાળાના બાળકો નવી નવી ફેશન વિષે ચિંતિત હોય છે. તેઓને પોતાના બોલવા-ચાલવાને અને દેખાવને બીજાઓ કઈ રીતે જુએ છે એની ચિંતા હોય છે. તેઓને પોતે હાંસીપાત્ર ન બને એનો પણ ખૂબ ડર હોય છે.”
સમસ્યાઓ—જીવનનો એક ભાગ છે
આપણે ચિંતામુક્ત બનીને જીવીએ તો સારું થશે. તેમ છતાં, બાઇબલ કહે છે: “સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, અને સંકટથી ભરપૂર છે.” (અયૂબ ૧૪:૧) આમ, સમસ્યાઓ અને ચિંતાઓ જીવનનો એક ભાગ છે. પરંતુ, જો તમે ચિંતાઓથી ઘેરાઈ જશો તો, એનાથી તમને પોતાને ઘણું નુકસાન થશે. બાઇબલ સલાહ આપે છે: “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે.”—નીતિવચનો ૧૨:૨૫.
બિનજરૂરી ચિંતા ટાળવાની એક રીત, પોતાની વર્તણૂકને કાબૂમાં રાખવી છે. સોળ વર્ષની આન્ના કહે છે: “મારા વર્ગના ઘણા સહાદ્યાયીઓ સગર્ભા થવા વિષે અથવા જાતીય સંબંધોથી ફેલાતા રોગો વિષે ચિંતિત છે.” પરંતુ, તમે બાઇબલના નૈતિક ધોરણોને વળગી રહીને આવી ચિંતાઓને ટાળી શકો છો. (ગલાતી ૬:૭) તેમ છતાં, એનાથી કંઈ તમારી સર્વ સમસ્યાઓ જતી રહેશે નહિ અથવા એ કંઈ સહેલાઈથી હલ થવાની નથી. તો પછી, તમે કઈ રીતે વધુ પડતી ચિંતા કરવાનું ટાળી શકો?
“ખોટી ચિંતા ન કરો”
ઘણા લોકો ખોટી ચિંતા કરીને હિંમત હારી જતા હોય છે. યુવાનો માટેના મેગેઝિનમાં એક લેખે સૂચવ્યું કે “ખોટી ચિંતા ન કરો” અને હાથ પર હાથ રાખીને બેસી રહેવાને બદલે યોગ્ય પગલાં ભરો! બાઇબલના ઘણા સિદ્ધાંતો તમને એ પ્રમાણે કરવામાં મદદ કરે છે. નીતિવચનો ૨૧:૫નો વિચાર કરો: “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે.” દાખલા તરીકે, તમે મંડળના અમુક મિત્રોને પાર્ટી આપવા માગો છો. તમે સારી યોજના કરીને વધુ પડતી ચિંતા ટાળી શકો છો. પોતાને પૂછો, ‘કોણ કોણ આવશે? તેઓએ ક્યારે આવવું જોઈએ? તેઓ ક્યારે પાછા જશે? મારે ખરેખર કેટલા નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવી પડશે? બધા આનંદ માણી શકે એવી અમુક રમૂજી પ્રવૃત્તિઓ કઈ છે?’ તમે કાળજીપૂર્વક બાબતોનો વિચાર કરીને યોજના બનાવશો તો, તમારું ભેગા મળવું સાર્થક થશે.
તેમ છતાં, તમે પાર્ટીને બહુ શાનદાર બનાવવાનો પ્રયત્ન કરીને ખોટી ચિંતાઓ ઊભી કરી શકો. એક સ્ત્રીએ પોતાના મહેમાન માટે જરૂરી કરતાં વધારે બાબતો પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે, ખ્રિસ્તે તેને સલાહ આપી કે “ખરું જોતાં જરૂર તો એક વસ્તુની જ છે.” (લુક ૧૦:૪૨, મુક્તિ-સંદેશ) તેથી પોતાને પૂછો, ‘આવી પાર્ટીઓને સફળ બનાવવા માટે ખરેખર સૌથી મહત્ત્વનું શું છે? પાર્ટીને સાદી રાખવાથી તમારી ચિંતાઓ ઓછી થવામાં મદદ મળી શકે.
ચિંતા કરવાનું બીજું એક કારણ, શાળામાં તમારી સલામતી હોય શકે. તમે કદાચ ત્યાંની તમારી પરિસ્થિતિને બદલવા કંઈ ખાસ કરી શકતા નથી. પરંતુ, તમે પોતાનું રક્ષણ કરવા વ્યવહારુ પગલાં ભરી શકો. નીતિવચનો ૨૨:૩ કહે છે, “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.” શાળા કે કૉલેજમાં એવી ઘણી જોખમી એકાંત જગ્યાઓ હોય છે કે જ્યાં, ખાસ કરીને અધિકારીઓનું ધ્યાન હોતું નથી. એનો લાભ ઉઠાવીને ગુંડાગર્દી કરતા વિદ્યાર્થીઓ ત્યાં પોતાનો અડ્ડો જમાવતા હોય છે. તેથી, આવી જોખમી જગ્યાઓથી દૂર રહીને તમે મુસીબતોને ટાળી શકો છો.
શાળાનું ઘરકામ પણ ચિંતાનું કારણ હોય શકે. તમારે મહત્ત્વનું ઘરકામ કરવાનું હોય અને તમે એને સમયસર પૂરું નહિ કરી શકો એવી ચિંતા થઈ શકે. એ માટે ફિલિપી ૧:૧૦માં આપવામાં આવેલો સિદ્ધાંત મદદરૂપ થઈ શકે: “જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો.” હા, મહત્ત્વની બાબતોને અગ્રિમતા આપવાનું શીખો. શાળામાંથી મળેલું કયું ઘરકામ મહત્ત્વનું છે એ પારખીને એને પહેલું કરો. પછી, બીજું કાર્ય કરો. ધીમે ધીમે તમે પરિસ્થિતિને અંકુશમાં રાખતા શીખી જશો.
સલાહ મેળવો
એરન શાળામાં ભણતો હતો ત્યારે, તે વાર્ષિક પરીક્ષામાં પાસ થવા વિષે એટલી ચિંતા કરતો કે તેને છાતીમાં દુઃખાવો થતો હતો. તે યાદ કરે છે: “મેં મારા માબાપને વાત કરી અને તેઓ મને એક ડૉક્ટર પાસે લઈ ગયા. તેમને તરત જ ખબર પડી કે મને કંઈ થયું નથી. તેમણે મને સમજાવ્યું કે કઈ રીતે ચિંતા આખા શરીરને અસર કરી શકે. પછી, મારા માબાપે મને સમજવામાં મદદ કરી કે મેં પરીક્ષાની બધી જ તૈયારી કરી લીધી છે અને હવે મારે પોતાની કાળજી લેવાની જરૂર છે. મારી ચિંતાઓ દૂર થઈ ગઈ અને છાતીનો દુઃખાવો પણ જતો રહ્યો. હું પરીક્ષામાં સારા માર્કથી પાસ થઈ ગયો.”
તમે ચિંતાઓથી દબાઈ ગયા હોય એવું લાગે તો, એને મનમાં ભરી રાખો નહિ. પહેલાં ઉલ્લેખ કરેલી નીતિવચનો કહે છે: “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.” તમે તમારા મનની “ચિંતાઓ” વિષે બીજાઓને જણાવશો તો, તમે ‘માયાળુ શબ્દોથી’ ઉત્તેજન મેળવશો! ૧૨:૨૫
પ્રથમ, તમે તમારા માબાપ સાથે બાબતો વિષે ચર્ચા કરી શકો; તેઓ તમને અમુક સારાં સૂચનો આપી શકે. બીજું, તમારા મંડળની આત્મિક રીતે અનુભવી વ્યક્તિઓ મદદ કરી શકે. પંદર વર્ષની જનેલ કહે છે: “મેં મંડળના વડીલ સાથે વાત ન કરી ત્યાં સુધી, ડ્રગ્સ, સેક્સ તથા હિંસાનો સામનો કરવાના ભયથી હું માધ્યમિક શાળામાં જવાથી ડરતી હતી. તેમણે મને ઘણાં વ્યવહારુ સૂચનો આપ્યાં. એનાથી મને તરત જ રાહત મળી, કેમ કે મને સમજાયું કે હું પરિસ્થિતિને સારી રીતે હાથ ધરી શકું છું.”
ઢીલ ન કરો
અમુક સમયે આપણે કેટલીક બાબતો કરવાની જરૂર હોય છે, પરંતુ આપણને એ ગમતી ન હોવાથી એમાં ઢીલ કરીએ છીએ. દાખલા તરીકે, ૧૯ વર્ષની શવોનને એક સાથી ખ્રિસ્તી ભાઈ સાથે મતભેદો હતા. તે જાણતી હતી કે તે ભાઈ સાથે તેણે બાબતોની ચર્ચા કરવાની જરૂર હતી પરંતુ તે ઢીલ કરતી હતી. તેણે કબૂલ્યું, “હું જેટલી વધારે ઢીલ કરતી હતી એટલી જ મારી માનસિક વ્યથા વધતી જતી હતી.” પછી, શવોને માત્થી ૫:૨૩, ૨૪માંના ઈસુના શબ્દોને યાદ કર્યા જે ખ્રિસ્તીઓને આવી સમસ્યાઓને તાત્કાલિક હલ કરવાની વિનંતી કરે છે. શવોન યાદ કરે છે, “છેવટે, મેં બાબતો વિષે એ ભાઈ સાથે વાત કરી પછી, મેં રાહત અનુભવી.”
શું તમે પોતાને ગમતું ન હોય એ કામ કરવામાં કે મતભેદો હલ કરવામાં ઢીલ કરો છો? એ બાબતો જેમ બને તેમ જલદી થાળે પાડવાનો પ્રયત્ન કરો. એમ કરીને તમે તમારી એક ચિંતા ઓછી કરી શકશો.
ગંભીર પરિસ્થિતિ
જોકે, દરેક પરિસ્થિતિને આપણે સહેલાઈથી હલ કરી શકતા નથી. આબ્ડુર નામના યુવકનો વિચાર કરો. તેની માતાને કેન્સર હોવાથી, તેણે માતા અને પોતાના નાના ભાઈનું ભરણપોષણ કરવાનું છે. સ્વાભાવિક રીતે જ, આબ્ડુર પોતાની માતાની વધારે ચિંતા કરે છે. પરંતુ, તે કહે છે: “મેં ઈસુના શબ્દોમાંથી અણસાર મેળવ્યો કે ‘ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે?’ હતાશ થવાને બદલે, હું પરિસ્થિતિનો વિચાર કરું છું અને સારાં પરિણામ આવે એવા નિર્ણયો લઉં છું.”—માત્થી ૬:૨૭.
કટોકટીના સમયે શાંત રહેવું કંઈ સહેલી વાત નથી. કેટલાક એટલા બધા હતાશ થઈ જાય છે કે તેઓ બેદરકાર બનીને ખાવાનું પણ છોડી દે છે. તેમ છતાં, તમારા તરુણોને તણાવ હાથ ધરવામાં મદદ કરવી (અંગ્રેજી) પુસ્તક ચેતવણી આપે છે કે તમે તમારા શરીરને પૂરતું પોષણ આપતા નથી ત્યારે, તમારામાં “દબાણનો સામનો કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને તમે વધારે લાગણીવશ થઈને બીમાર પડો છો.” તેથી, તમારા શરીરની કાળજી રાખો. પૂરતો આરામ કરો અને ખોરાક લો.
તમે બાઇબલની સલાહને અનુસરીને ખૂબ રાહત મેળવી શકો: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) લેખની શરૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવેલો શેન પોતાના ભવિષ્ય વિષે ચિંતિત હતો. તે યાદ કરે છે, “મેં પરમેશ્વરનો શબ્દ અને તેમના હેતુઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.” જલદી જ તેને સમજાયું કે તે પરમેશ્વરની સેવામાં પોતાનું જીવન ગુજારશે તો, તેનું ભવિષ્ય ઉજ્જવળ થશે. (પ્રકટીકરણ ૪:૧૧) શેન કહે છે, “મેં મારા વિષે ચિંતા કરવાનું બંધ કર્યું. મારી પાસે હવે વિચારવા માટે બીજી વધારે મહત્ત્વની બાબત હતી.”
તેથી, તમને પોતાને લાગે કે હું વધારે પડતી ચિંતા કરી રહ્યો છું ત્યારે, તમારી સમસ્યાને હાથ ધરવા હકારાત્મક રીતો શોધો. સલાહ મેળવો. એ ઉપરાંત, તમારી ચિંતા યહોવાહ પર નાખો, “કેમકે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) તેમની મદદથી તમે વધુ પડતી ચિંતા કરવાનું ટાળી શકશો. (g01 9/22)
[પાન ૧૩ પર ચિત્ર]
તમારી ચિંતાઓ વિષે તમારા માબાપ સાથે વાત કરો
[પાન ૧૪ પર ચિત્ર]
તમે સમસ્યાને જેટલી જલદી હલ કરશો એટલી જ જલદી તમારી ચિંતા દૂર કરી શકશો