ચીની દવાની દુકાને મુલાકાત
ચીની દવાની દુકાને મુલાકાત
કવોક કીટ થોડા દિવસોથી બીમાર છે, આથી તેણે વૈધ પાસે જવાનું નક્કી કર્યું. તે ચીનનો રહેવાસી હોવાથી, દેશી દવા કરવાનું પસંદ કરે છે. તેનો મિત્ર એક ચીની વૈધને જાણે છે કે જે જડીબુટ્ટીઓમાંથી બનેલી દવાઓ આપે છે. તેના મિત્રએ કવોકને કહ્યું કે એ વૈધની જડીબુટ્ટીથી તે સાજો થઈ જશે.
પશ્ચિમના દેશોમાં ડૉક્ટરની મુલાકાત લેવી હોય તો પહેલાં તેમની એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. પછી ડૉક્ટર મળવા બોલાવે છે અને દરદીને તપાસીને દવા લખી આપે છે. ત્યાર પછી, દરદીએ દવાની દુકાનમાં જઈને ડૉક્ટરે લખી આપેલી દવા લાવવી પડે છે. એનાથી વિરુદ્ધ, દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશોમાં તેમ જ ચીનમાં ડૉક્ટર પાસે જવા માટે આટલી બધી માથાકૂટ કરવી પડતી નથી. તમે કોઈ પણ ચીનની જડીબુટ્ટીની દુકાને ગમે ત્યારે જઈ શકો છો. ત્યાં ચીની વૈધ જાતે તપાસીને તમારો રોગ ઓળખે છે. પછી તે રોગ પ્રમાણે જડીબુટ્ટીમાંથી બનાવેલી દવા આપે છે અને જણાવે છે કે એ કેવી રીતે અને ક્યારે લેવાની છે. આ બધું જ દવાની દુકાનમાં જ થાય છે! *
જડીબુટ્ટી દવા તરીકે?
પશ્ચિમના દેશોમાં લોકોને ગોળી, કૅપ્સ્યૂલ અને ઇન્જેક્શન લેવાની આદત પડી ગઈ છે. પરંતુ આ પ્રકારની દવાઓનો ઉપયોગ થોડાં વર્ષોથી જ શરૂ થયો છે. હજારો વર્ષથી લોકો સારવાર કરવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરતા આવ્યા છે. દાખલા તરીકે, બાઇબલ સમયમાં હેબ્રી વૈધ સારવાર માટે તેલ, લેપ અને દારૂનો ઉપયોગ કરતા હતા. (યશાયાહ ૧:૬; યિર્મેયાહ ૪૬:૧૧; લુક ૧૦:૩૪) જેમ કે ગુમડાં પર સૂકા અંજીરનો લેપ બાંધવામાં આવતો હતો.—૨ રાજા ૨૦:૭.
હકીકતમાં, એક સમયે લગભગ આખું જગત સારવાર માટે અમુક પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતું હતું. આજે રસોઈમાં જે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે એનો તે સમયમાં દવા તરીકે ઉપયોગ થતો હતો. પરંતુ એવું નથી કે આ પ્રકારની દવાઓથી દર વખતે દરદીઓ સાજા થઈ જતા હતા. એનાથી વિરુદ્ધ, અંધવિશ્વાસ અને બેદરકારી
વધારે પ્રમાણમાં જોવા મળતા હતા. તેમ છતાં, આ રીતે સારવાર કરવાની પદ્ધતિનો સદીઓથી ઉપયોગ કરવામાં આવતો હતો. આજે પણ આપણા સમયની મોટા ભાગની દવાઓ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે.ચીની દવાઓની જાણકારી અને પ્રૅક્ટિસ
ચીનના ઇતિહાસમાં સારવાર માટે જડીબુટ્ટીઓએ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દંતકથા પ્રમાણે, ચીનના સમ્રાટ, હવાંગ ડીએ રોગોના ઉપાયો વિષે ને-જિંગ નામનું એક પુસ્તક લખ્યું હતું. * આજે પણ ચીની વૈધ સારવાર કરવા માટે એ જ પુસ્તકનો ઉપયોગ કરે છે. આ પુસ્તક ક્યારે લખવામાં આવ્યું એની આજે પણ કોઈને ખબર નથી. પરંતુ એમાં જે વિષયોની ચર્ચા કરવામાં આવી છે એ પશ્ચિમી દેશોના તબીબી પુસ્તકોમાં પણ જોવા મળે છે. આ પુસ્તકમાં રોગના વિષય, રોગ કેવી રીતે ઓળખવો, રોગની શરૂઆત કેવી રીતે થાય છે અને એની સારવાર કેવી રીતે કરવામાં આવે છે એની જાણકારી આપવામાં આવી છે. એટલું જ નહિ, આમાંથી એ પણ ખબર પડે છે કે કોઈ પણ રોગથી કેવી રીતે બચી શકીએ, આપણા શરીરને કેવી રીતે બનાવવામાં આવ્યું છે અને એ કેવી રીતે કામ કરે છે.
દક્ષિણ-પૂર્વી એશિયાના મોટા ભાગના દેશોની જેમ, યિન-યૈંગના સિદ્ધાંતની ઊંડી અસર ચીની સારવારના ઉપચારો અને પ્રૅક્ટિસમાં જોવા મળે છે. ચીની સારવારમાં યિન ઠંડાને અને યૈંગ ગરમને બતાવે છે. એના સિવાય બીજી અનેક રીતોથી યિન-યૈંગ એકબીજાથી અલગ છે. * વધુમાં, જેવી રીતે એક્યુપંક્ચરમાં શરીરના કેટલાક ખાસ બિંદુઓ પર સોય ભોંકવામાં આવે છે, એ જ બિંદુઓને ખાસ ધ્યાનમાં રાખીને રોગ ઓળખવામાં આવે છે અને એની સારવાર કરવામાં આવે છે. દરદીમાં યિન-યૈંગનું સમતુલન બગડી ગયું હોય તો, એ પ્રમાણે તેને ઠંડી અથવા ગરમ પ્રકારની જડીબુટ્ટી કે ખોરાક લેવાનું કહેવામાં આવે છે જેનાથી એ ખામીને દૂર કરી શકાય છે.
દાખલા તરીકે એક વ્યક્તિને તાવ આવે તો તેના શરીરને ઠંડું કરવા માટેની જડીબુટ્ટી આપવામાં આવે છે. ભલે આજે યિન-યૈંગનો ઉલ્લેખ થતો ન હોય છતાં, સારવાર દરમિયાન આ જ સિદ્ધાંતને લાગુ પાડવામાં આવે છે. પરંતુ એક ચીની વૈધ કેવી રીતે બીમારી પારખી શકે? તેમ જ જડીબુટ્ટીઓની દુકાન કેવી હોય છે? એ જાણવા માટે ચાલો આપણે કવોક કીટ સાથે તેના મિત્રએ બતાવેલી જડીબુટ્ટીની દુકાનમાં જઈએ.
જડીબુટ્ટીની એક અનોખી દુકાન
અરે! આજે તો વૈધને મળવા માટે કવોકને કતારમાં ઊભા રહેવું પડ્યું. એવું લાગે છે કે શરદી અને તાવનું વાવડ ચાલે છે, કેમ કે તેની આગળ પહેલેથી જ બે દરદીઓ બેઠા છે. ચાલો, ત્યાં સુધી આપણે દુકાનમાં એક નજર ફેરવી લઈએ.
દુકાનમાં પગ મૂકતાની સાથે જ અમારી નજર સૌ પ્રથમ સુકાયેલી વસ્તુઓના ઢગલા પર પડી. દુકાનના દરવાજા પાસે મોટા મોટા ખુલ્લા ડબ્બાઓમાં સુકાયેલા મશરૂમ, ખોપડી, સમુદ્રી શંખ, અંજીર, બદામ અને બીજી ખાવાની વસ્તુઓ રાખવામાં આવી હતી. હા, અહીં ખાવાની વસ્તુઓ પણ મળે છે. પરંતુ એને દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
એ બધી વસ્તુઓની પાછળ અમે બંને બાજુ કાઉન્ટર જોયા, જેમાં બીજી વસ્તુઓ પણ ગોઠવીને મૂકવામાં આવી હતી. આ કાઉન્ટરોમાં ઘણી બધી એવી વસ્તુઓ મૂકવામાં આવી હતી જે સહેલાઈથી મેળવી શકાતી નથી, જેમ કે ખાસ પ્રકારની જડીબુટ્ટીઓ, ખનીજ અને પ્રાણીઓના સૂકવેલા અમુક અંગ કે જે ઘણા મોંઘા હોય છે. ધ્યાનથી જોતા અમને હરણના શિંગડાં, મોતી, સૂકાયેલી ગરોળી, જળઘોડો અને એવી ઘણી બધી અજોડ વસ્તુઓ જોવા મળી. પહેલાં તો ગેંડાનાં શિંગડાં, રીંછનું પિત્તાશય અને બીજા પ્રાણીઓનાં કેટલાક એવાં અંગો પણ જોવા મળતા હતા. પરંતુ આ પ્રકારની દુર્લભ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકાઈ ગયો હોવાથી હવે એ ખાસ જોવા મળતા નથી.
દુકાનના બીજા ખૂણામાં જડીબુટ્ટીઓના મિશ્રણનાં નાના નાના પડીકાં મૂકવામાં આવ્યાં હતાં. તેમ જ શરદી કે પેટના દુખાવા માટે ચીનથી મંગાવવામાં આવેલી જડીબુટ્ટીઓની દવાની બૉટલો પણ હતી. તમે ફક્ત કાઉન્ટર પર કામ કરનારને તમારી તકલીફ વિષે જણાવો એટલે તે તમને બૉટલમાં જડીબુટ્ટીમાંથી બનેલી પીવાની દવા આપશે અથવા ફાકી આપશે અને એને ઘરે કેવી રીતે બનાવીને લેવી જોઈએ એ જણાવશે.
દુકાનની એક બાજુ, કાઉન્ટરની પાછળ અભરાઈમાં કાચની મોટી મોટી બરણીઓ મૂકવામાં આવી હતી. આ બરણીઓમાં સૂકાં મૂળ, પાંદડાં અને ઝાડની નાની ડાળખીઓ મૂકવામાં આવી હતી. દુકાન પર આવનાર ગ્રાહક આ જડીબુટ્ટીઓથી સારી રીતે પરિચિત હોય છે અને તેઓ પોતાની સારવાર માટે અથવા રસોઈમાં વાપરવા એને ખરીદે છે. દુકાનની બીજી બાજુ આખી ભીંત પર એક બહુ જૂનું કબાટ છે, જેમાં ઘણા બધા ખાનાંઓ છે. એને આઇજીગ્વે અથવા “સો બાળકોનું કબાટ” કહેવામાં આવે છે. કારણ કે આ કબાટમાં સોથી પણ વધારે ખાનાં હોય શકે કે જેમાં અલગ અલગ પ્રકારની જડીબુટ્ટી રાખવામાં આવે છે. સૌથી વધારે વપરાતી જડીબુટ્ટી સહેલાઈથી મળી આવે એવાં ખાનાંઓમાં રાખવામાં આવે છે. આ ખાનાંઓ પર કોઈ પ્રકારનું લેબલ નથી અને આ કોઈ નવાઈની વાત નથી, કારણ કે મદદનીશ આ કામમાં ખૂબ જ પાવરધા બની ગયા હોય છે. તેઓને ખબર હોય છે કે કઈ જડીબુટ્ટી કયા ખાનાંમાં મૂકવામાં આવી છે.
પછી અમે જોયું કે, એક મદદનીશ, કોઈ સ્ત્રી માટે ધ્યાનથી ત્રાજવામાં કેટલીક જડીબુટ્ટીને તોલી રહ્યો છે. આ મદદનીશને ખબર છે કે કેટલીક જડીબુટ્ટીને વધારે પ્રમાણમાં લેવાથી નુકશાન થઈ શકે છે, એટલા માટે તે બહુ જ કાળજીપૂર્વક વજન કરે છે. પરંતુ અહીંની બધી જ જડીબુટ્ટીને તોલીને આપવામાં આવતી નથી. હવે અમે જોઈએ છીએ કે તે અલગ અલગ ખાનાઓમાંથી એક કાગળમાં અડધી મુઠ્ઠી ભરીને કેટલીક જડીબુટ્ટી કાઢે છે. આ જડીબુટ્ટીઓને બાંધતા તે સ્ત્રીને એ પણ બતાવે છે કે એમાંથી કેવી રીતે દવા તૈયાર કરવી.
જડીબુટ્ટીને અલગ અલગ રીતોએ તૈયાર કરવામાં આવે છે. કેટલીક દવાઓ ભૂક્કા જેવી હોય છે. દરદીએ એને ગરમ પાણીમાં મેળવીને પીવી પડે છે. કેટલીક મલમના રૂપમાં હોય છે. એને મધ સાથે લેવામાં આવે છે અથવા દારૂ સાથે પીવામાં આવે છે. તેમ છતાં, આ સ્ત્રીને સરળ રીતે દવા તૈયાર કરવાની રીત બતાવવામાં આવી. એમાં ચીનાઈ માટીના વાસણમાં જડીબુટ્ટીને લગભગ એક કલાક સુધી ઉકાળવાની હોય છે અને એ મિશ્રણને કેટલાક કલાકના અંતરે પીવાની હોય છે. વળી જો દવા ખલાસ થઈ જાય તોપણ તેણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ દુકાનમાંથી બીજી દવા પણ મળી શકે છે.
છેવટે, કવોટ કીટનો વારો આવે છે. વૈધ તેનું બ્લડ પ્રેશર કે હૃદયના ધબકારા તપાસતા નથી. પરંતુ તે કવોટને રોગના લક્ષણો વિષે પૂછે છે જેમ કે, ‘શું તને બરાબર ઊંઘ આવે છે? પેટ બરાબર સાફ થાય છે? ભૂખ લાગે છે? તાવ આવે છે?’ પછી વૈધ તેની ચામડી અને આંખોને તપાસીને તેની જીભ પરના અલગ-અલગ ભાગો પર એનો રંગ જુએ છે. હવે તે ક્વોટના બંને કાંડા લઈને એની નાડી તપાસે છે. તેના શરીરના કેટલાક અંગો કે ભાગને પણ તપાસવામાં આવે છે. એટલું જ નહિ, વૈધ દરદીના શરીરમાંથી આવતી ગંધ પર પણ ધ્યાન આપે છે કે તેને કઈ બીમારી છે. તેને કઈ બીમારી હતી? એમાં કંઈ નવાઈ નથી કે કવોટ કીટને શરદી સાથે તાવ આવ્યો હતો. તેણે બરાબર આરામ કરવાની સાથે ખૂબ પાણી પીવાનું હતું. તેને આપવામાં આવેલી જડીબુટ્ટીને પાણીમાં ઉકાળીને પીવાનું હતું. એ ઉકાળો કડવો હતો પરંતુ એ પીવાથી તેને ઘણી રાહત મળશે. કવોટે શું ન ખાવું જોઈએ એ બતાવ્યા પછી, વૈધે તેને આલૂનો મુરબ્બો ખાવા માટે આપ્યો જેથી દવા લીધા પછી તેના મોંનો સ્વાદ સારો રહે.
પછી કવોટ જડીબુટ્ટીની પડીકીઓ લઈને દુકાનમાંથી બહાર આવે છે. વૈધની ફી અને દવા બંનેનો ખર્ચ લગભગ ૨૦ ડૉલરથી પણ ઓછો થાય છે. આમ જોવા જતા એ ઘણું સસ્તું છે. પરંતુ આ જડીબુટ્ટીઓ લઈને કવોટને તરત જ સારું થઈ જવાનું નથી. એ માટે તેને થોડો સમય લાગશે. બીજાઓની જેમ તેણે પણ એવું વિચારવું ન જોઈએ કે વધારે પ્રમાણમાં દવા લેવાથી તેને જલદી સારું થઈ જશે. કારણ કે, એમ સાંભળવા મળ્યું છે કે જેણે પણ વધારે પ્રમાણમાં દવા લીધી એને ઘણું નુકશાન થયું છે.
કેટલાક દેશોમાં એવું કોઈ ધોરણ નથી કે જેનાથી ચીની સારવાર કરનારા વૈધ અથવા આ જડીબુટ્ટીઓની તપાસ કરવામાં આવે. એ કારણથી આજે ઠેરઠેર જડીબુટ્ટીના વૈધ ફૂટી નીકળ્યા છે. તેઓની દવાથી નુકશાન થાય છે. તેથી સ્વાભાવિક રીતે, એશિયાના લોકો તેમના સગાં કે મિત્રો સારી રીતે જાણતા હોય એવા ચીની વૈધ પાસે જ જાય છે.
જોકે કોઈ પણ સારવાર બધી બીમારીને દૂર કરી શકતી નથી, પછી ભલે એ જડીબુટ્ટીમાંથી બનેલી દવા હોય કે પશ્ચિમી દવા હોય. તેમ છતાં, ચીની દવાઓ અને તેના વૈધ એશિયાના લોકોના જીવનમાં એક મહત્ત્વનો ભાગ બની ગયા છે. (g00 11/8)
[ફુટનોટ્સ]
^ સજાગ બનો! સાજા થવા માટે કઈ સારવાર લેવી જોઈએ એની ભલામણ કરતું નથી. પરંતુ ખ્રિસ્તીઓએ બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધમાં જતી સારવાર લેવી જોઈએ નહિ.
^ દંતકથા પ્રમાણે ચાઉં રાજા પહેલાં, ચીનના સમ્રાટ ૨૬૯૭થી ૨૫૯૫ બી.સી.ઈ. સુધી રાજ કરતા હતા. પરંતુ, કેટલાક વિદ્વાનો માને છે કે ને-જિંગ પુસ્તક આ સમ્રાટના રાજમાં લખાયું ન હતું. એ ચાઉં રાજાના શાસનમાં, એટલે કે ૧૧૦૦થી ૨૫૦ બી.સી.ઈ.માં લખાયું હતું.
^ ચીની લિપિમાં “યિન”નો અર્થ “છાંયડો” અથવા “પડછાયો” થાય છે. અને એ અંધકાર, ઠંડું અને સ્ત્રીત્વનું પ્રતિક છે. જ્યારે એનાથી વિરુદ્ધ “યૈંગ,” પ્રકાશ, ગરમી અને પુરુષત્વનું પ્રતિક છે.
[પાન ૨૩ પર ચિત્રો]
જળઘોડો જેવી અજોડ વસ્તુઓ, જડીબુટ્ટીઓની આ દુકાનોમાં જોવા મળે છે
[પાન ૨૪ પર ચિત્રો]
સૂકાં મૂળ, પાંદડાં અને ઝાડની નાની ડાળખીઓને કાળજીપૂર્વક વજન કરીને આપવામાં આવે છે.