સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મોતનો પડછાયો - મધ્યયુગના યુરોપનો શાપ

મોતનો પડછાયો - મધ્યયુગના યુરોપનો શાપ

મોતનો પડછાયો - મધ્યયુગના યુરોપનો શાપ

ફ્રાંસમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

એ ૧૩૪૭નું વર્ષ હતું. આ રોગે પૂર્વ એશિયાને ખલાસ કરી નાખ્યું હતું. હવે એ પૂર્વ યુરોપના ઉંબરે આવી પહોંચ્યો હતો.

ક્રિમીયા દ્વીપનું કાફા જે આજે ફિડોસિયા કહેવામાં આવે છે, જેનોવોના લોકો માટે વેપારનું કેન્દ્ર હતું. મોંગોલ લોકો આ વેપારી કેન્દ્રનો કબજો કરવા માંગતા હતા. એથી તેઓએ આ શહેર પર હુમલો કર્યો. પરંતુ, તેઓની ફોજમાં રોગ ફેલાઈ ગયો હોવાથી તેઓ નાસી છૂટ્યા તેમ વેર વાળી ગયા. તેઓ એ રોગથી રિબાતા પોતાના સૈનિકોને શહેરમાં છોડીને નાસી ગયા. હવે શહેરમાં ખરાબ રીતે રોગ ફેલાવા લાગ્યો હોવાથી જેનોવોના સૈનિકો પોતાનો જીવ બચાવવા પોતપોતાની નૌકાઓ લઈને નાસી છૂટ્યા. પરંતુ, તેઓ જ્યાં રોકાયા ત્યાં રોગ ફેલાવતા ગયા.

થોડાક મહિનામાં જ આખા યુરોપમાં રોગ ફેલાઈ ગયો. આ રોગ ઝડપથી ઉત્તર આફ્રિકા, ઇટાલી, સ્પેન, ઇંગ્લૅંન્ડ, ફ્રાંસ, ઑસ્ટ્રિયા, હંગેરી, સ્વિટ્‌ઝર્લૅન્ડ, જર્મની, સ્કેન્ડિનેવિયા અને બોલ્ટીકમાં ફેલાવા લાગ્યો. લગભગ અઢી વર્ષમાં જ ૨.૫ કરોડ લોકો એટલે કે યુરોપની ચોથા ભાગની વસ્તી આ રોગથી મરી ગઈ. તેથી, આ રોગને મોતનો પડછાયો કે બ્લેક ડેથ * નામ આપવામાં આવ્યું, કેમ કે “આખી દુનિયામાં આવો રોગ થયો ન હતો.”

રોગની શરૂઆત

આ રીતે ઝડપથી રોગ ફેલાવા લાગ્યો એટલું જ નહિ, પરંતુ લોકોની માન્યતાએ બળતામાં ઘી હોમ્યું. દાખલા તરીકે, ફ્રાંસના ઇતિહાસકાર ઝાક લે ગોફ મુજબ “૧૩મી સદીની આખર સુધીમાં નરકનું શિક્ષણ ચોતરફ ફેલાઈ ગયું હતું.” ચૌદમી સદીની શરૂઆતમાં લેખક દાંતેએ ઈશ્વરની લીલા (ઇટાલિઅન) પુસ્તક લખ્યું, જેમાં નર્ક વિષે વિગતવાર વર્ણન કર્યું. તેથી, લોકો એનું માનવા લાગ્યા કે આ રોગ પરમેશ્વરનો પરચો છે, અને એને કોઈ રોકી શકે એમ નથી. આવા વહેમને કારણે આ રોગ વધારે ફેલાયો. ફિલીપ જીગ્લરે પોતાના પુસ્તક ધ બ્લેક ડેથમાં કહ્યું: “લોકોને તેઓની માન્યતાએ જ બરબાદ કરી નાખ્યા.”

એના પછી બીજી એક મુશ્કેલી યુરોપમાં ઊભી થઈ. એમાં સારી રીતે અનાજ પાકતું ન હતું. એ કારણે ત્યાંના લોકોને સારો ખોરાક મળતો ન હતો, અને તેઓ આ ભયંકર રોગ સામે બચી શકતા ન હતા.

રોગ ફેલાયો

પોપ ક્લેમેન્ટ ૬ના ડૉક્ટર ગી ડી શોલ્યાકે લખ્યું કે, યુરોપમાં ફેલાયેલો રોગ બે પ્રકારનો હતો. તેણે એના વિષે વિગતવાર લખતા કહ્યું: “પહેલો ખતરનાક ન્યૂમોનિક હતો. એ રોગ ફક્ત બે મહિના રહ્યો, પણ એનાથી દરદીને પુષ્કળ તાવ રહેતો અને લોહી પડતું. એનાથી ત્રીજે દિવસે દરદી ગુજરી જતો. બીજા પ્રકારના રોગથી દરદીને તાવ ચઢતો, તેના શરીરમાં ખાસ કરીને જાંઘના સાંધા અને બગલમાં ગાંઠ નીકળતી, અને એમાં પરુ ભરાતું. આ બીજા પ્રકારના રોગથી દરદી પાંચમે દિવસે મરણ પામતો. આ રોગ જ્યાં સુધી એની અસર હતી, ત્યાં સુધી લાંબો સમય ચાલ્યો.” ડૉક્ટરો એ રોગને રોકી શકતા ન હતા.

તેથી, હજારો લોકો આ રોગનો ભોગ બન્યા. વળી, બીજા તેઓને ચેપ ન લાગે તેથી દરદીને છોડીને ભાગી છૂટ્યા. નાસી છૂટનારામાં સૌથી પ્રથમ ધનવાનો, સરકારી અધિકારીઓ અને ચર્ચના પાદરીઓ હતા. જો કે બધા જ પાદરીઓ નાસી છૂટ્યા ન હતા, કેટલાક તો જીવ બચાવવા સંતાઈ ગયા હતા.

વળી, આ ભયંકર વાતાવરણમાં પોપે ૧૩૫૦ને પવિત્ર વર્ષ તરીકે જાહેર કર્યું. તેણે જણાવ્યું કે, આ વર્ષે જે કોઈ વ્યક્તિ રોમની જાત્રા કરશે, તેને સીધા સ્વર્ગમાં જવાનો મોકો મળશે. તેથી, સેંકડો લોકો રોમ જવા નીકળી પડ્યા અને સાથે આ રોગ ફેલાવતા ગયા.

સર્વ પ્રયત્નો નિષ્ફળ

આ રોગનું મૂળ કારણ કોઈ જાણતું ન હોવાથી એને રોકી શક્યા નહિ. કેટલાક લોકોને ખબર પડી કે રોગના દરદીના કપડાને અડકવાથી, પહેરવાથી કે તેની પાસે જવાથી આ રોગ ફેલાય છે. બીજી તર્ફે કેટલાક લોકો એવું માનવા લાગ્યા કે, દરદી કોઈને તાકીને જુએ તો પણ ચેપ લાગી શકે. ઇટાલીમાં, ફ્લોરેન્સ શહેરના રહેવાસીઓ એવું માનવા લાગ્યા કે, એ રોગ તો કૂતરા-બિલાડાને કારણે થાય છે. એથી તેઓએ ધડાધડ કૂતરા-બિલાડાને મારી નાખવાનું શરૂ કરી દીધું. પરંતુ તેઓ જાણતા ન હતા કે, હકીકતમાં ઉંદરોને કારણે રોગ ફાટી નીકળ્યો હતો અને કૂતરા-બિલાડીઓને મારી નાખવાને લીધે ઉંદરો મઝાથી આ રોગ ફેલાવતા ગયા.

અસંખ્ય લોકો આ રોગથી મરવા લાગ્યા તેમ કેટલાક એનાથી બચવા માટે પરમેશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા. સર્વ લોકો પોતાની બધી જ મિલકત ચર્ચને દાન કરવા લાગ્યા. એ આશાથી કે, પરમેશ્વર તેઓને આ રોગથી બચાવી લેશે અને તેઓ મરી જશે તોપણ આ દાનના કારણે તે તેઓને સ્વર્ગમાં લઈ જશે. એનાથી રાતોરાત ચર્ચ પાસે ઢગલેબંધ ધન ભેગું થઈ ગયું. રક્ષણ માટે કેટલાક લોકો તો માદળિયું પહેરવા અને ઘરોમાં ઈસુની મૂર્તિ રાખવા લાગ્યા. વળી, કેટલાક લોકો રોગથી બચવા મેલીવિદ્યા, જાદુ, અત્તર અને કહેવાતી દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા. જેમ કે, દરદીનું લોહી કાઢી નાખવું એ એક જાણીતો ઉપચાર હતો. બીજી તર્ફે પૅરિસની દવાની યુનિવર્સિટીએ જણાવ્યું કે, અમુક ગ્રહોના કારણે રોગ ફાટી નીકળ્યો છે! પરંતુ, બોગસ કારણો અને ‘ઉપચારોથી’ આ મોતના પડછાયા જેવા રોગનો અંત આવ્યો નહિ.

એનું પરિણામ

આ રોગને જતાં પાંચ વર્ષ લાગ્યા. પરંતુ, એ સદીના અંત પહેલાં આ રોગ ઓછામાં ઓછો ચાર વખત ત્રાટક્યો હતો. એનું પરિણામ પહેલા વિશ્વયુદ્ધની જેમ જ ભયંકર હતું. વર્ષ ૧૯૯૬માં છપાયેલ પુસ્તક ધ બ્લેક ડેથ ઈન ઇંગ્લૅંન્ડ કહે છે: “આજે સર્વ ઇતિહાસકાર આ વાત સાથે સહમત છે કે, આ રોગ શરૂ થયા પછી ૧૩૪૮માં સમાજ અને અર્થતંત્ર પર ખરાબ અસર આવી પડી.” એ રોગથી ઘણી જ વસ્તી સાફ થઈ ગઈ અને એ વિસ્તારને ફરીથી આબાદ થતા સદીઓ લાગી. આમ ઓછી વસ્તી હોવાથી મજૂરી મોંઘી થઈ ગઈ. તેથી, ધનવાન જમીનદારોનું દેવાળું નીકળી ગયું, અને તેથી મધ્યયુગમાં તેઓનું રાજ પડી ભાંગ્યું.

એ રોગના કારણે રાજનીતિ, ધર્મ અને સમાજમાં મોટા ફેરફારો થવા લાગ્યા. રોગની અગાઉ ઇંગ્લૅંન્ડના ફક્ત ભણેલાગણેલા લોકો ફ્રેન્ચ ભાષા જાણતા હતા. પછી રોગને કારણે મોટી સંખ્યામાં ફ્રેન્ચ શિક્ષકોનું મૃત્યુ થયું હોવાથી, બ્રિટનમાં ફ્રેન્ચ કરતાં અંગ્રેજીનો વધારે ઉપયોગ થવા લાગ્યો. વળી, આ રીતે ધર્મમાં પણ અનેક ફેરફારો થવા લાગ્યા. ફ્રાંસનો ઇતિહાસકાર શાકલીન બ્રોસલે કહે છે: પાદરીઓની સંખ્યા ઓછી થઈ હોવાથી, “ચર્ચે ગમે તેને પાદરી બનાવ્યા. ચર્ચની શિક્ષણ સંસ્થાઓ બંધ થવાથી ધર્મ સુધારને પ્રોત્સાહન મળ્યું.”

આ રોગની અસર આપણને કલા ક્ષેત્રમાં પણ જોવા મળે છે. દરેક કલાનો સૌથી સામાન્ય વિષય મૃત્યુ હતો. અરે અમુક નૃત્યમાં પણ મોતની શક્તિ બતાવવા હાડકાનો ઉપયોગ થતો હતો. આ રોગમાં બચી ગએલા “સામાન્ય લોકોને લાગ્યું કે ચર્ચે તેઓની આશા પર પાણી ફેરવી નાખ્યું છે.” એથી લોકોને કાલનો કોઈ ભરોસો ન હતો, અને તેઓ મોજમઝામાં ડૂબી ગયા. આમ, નીતિ નિયમની પડતી થઈ. કેટલાક ઇતિહાસકારો મુજબ આ રોગને કારણે જ એક સામાજિક આંદોલન શરૂ થયું. હવે લોકો આર્થિક રીતે પોતાના પગ પર ઊભા રહેવા ચાહતા હતા, નહિ કે કોઈ સરકાર કે શ્રીમંતો પર. તેથી, તેઓ પોતાના ધંધામાં મશગૂલ થઈ ગયા અને આમ મૂડીવાદ શરૂ થયો.

રોગ પછી દરેક દેશની સરકાર બધા જ સ્થળોને સાફ રાખવા લાગી. ઇટાલીમાં, વેનિસ શહેરના રસ્તાઓની સાફસફાઈ કરવામાં આવી. પ્રાચીન એથેન્સના એક ડૉક્ટરે રસ્તાઓને સાફ કરાવીને ત્યાંના લોકોને રોગથી બચાવ્યા. તેમ જ, ફ્રાંસના રાજા જોન બીજાએ પણ એમ જ કરવાનું શરૂ કર્યું. આમ મોટા ભાગના રસ્તાઓ અને ગટરોને સાફ કરવામાં આવી.

શું પ્લેગ જતો રહ્યો?

વર્ષ ૧૮૯૪માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક એલેક્સાંન્દ્રે યરસને રોગ ફેલાવનાર કીટાણું શોધી નાખ્યું. પછી એના નામથી આ કીટાણુંનું નામ યરસિનયા પેસ્ટિસ રાખવામાં આવ્યું. એના ચાર વર્ષ પછી બીજા એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકે પૉલ-લુઈ સીમોને શોધી નાખ્યું કે, ઉંદરના ચાંચડથી આ રોગ ફેલાય છે. એ શોધખોળ ઉપરથી દવા બનાવવામાં આવી, જેનાથી અમુક માત્રામાં રોગનો સામનો કરવા મદદ મળી.

શું આ રોગનો જડમૂળથી નાશ થયો છે? ના. વર્ષ ૧૯૧૦ના શિયાળામાં મન્ચુરિયામાં લગભગ ૫૦,૦૦૦ લોકો રોગથી માર્યા ગયા. આમ, દર વર્ષે હજારો લોકો આ રોગનો ભોગ બનતા હતા એ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જોયું. આ રોગ સાથે સંકળાયેલી અનેક નવી નવી બીમારીઓની પણ ખબર પડી, જેના પર દવાની કંઈ જ અસર થતી ન હતી. ખરેખર જ્યાં સુધી લોકો સફાઈ પર ધ્યાન નહિ આપે ત્યાં સુધી આ રોગ પૂરી રીતે જશે નહિ. ઝાકલીન બ્રોસલે અને એન્રી મોલારીએ મળીને ફ્રેન્ચમાં પ્લેગ શા માટે? ઉંદર, ચાંચડ અને ગાંઠ પુસ્તક લખ્યું. આ પુસ્તકની અંતે લખવામાં આવ્યું છે કે, “યુરોપના મધ્યયુગનો આ રોગ હતો એટલું જ નહિ, . . . પરંતુ, એ ભાવિનો રોગ પણ બની શકે છે.”

[ફુટનોટ]

^ એ સમયના લોકો એને મોટો પ્લેગ અથવા યમ જેવો રોગ કહેતા.

[પાન ૧૭ પર બ્લર્બ]

લોકો પોતાની બધી જ મિલકત ચર્ચને દાન કરવા લાગ્યા, અને આશા રાખી કે પરમેશ્વર તેઓને આ રોગથી બચાવી લેશે

[પાન ૧૮ પર બોક્સ/ચિત્ર]

ફટકા મારનાર પંથ

ચારે બાજુ આ રોગ ફેલાઈ ગયો હોવાથી લોકોને થયું કે, પરમેશ્વર તેઓને સજા કરી રહ્યા છે. એથી પરમેશ્વરને ખુશ કરવા કેટલાક લોકો જાતે ફટકા અથવા કોરડાઓ મારવા લાગ્યા. આમ ફટકા કે કોરડા મારનાર પંથ એકદમ પ્રખ્યાત થઈ ગયો, જેના ૮,૦૦,૦૦૦ સભ્યો હતા. આ પંથના લોકોને સ્ત્રીઓ સાથે વાત કરવાની, નાહવાની અને કપડા બદલવાની મનાઈ હતી. દિવસમાં બે વાર તેઓ જાહેરમાં પોતાને કોરડા મારતા હતા.

ધર્મ વિરુદ્ધ પંથ (અંગ્રેજી) પુસ્તક કહે છે કે, “રોગથી ગભરાયેલા લોકો બચવા માંગતા હતા. પછી ભલેને એ માટે પોતાને કોરડા પણ મારવા પડે.” આ પંથે ચર્ચમાં આપવામાં આવતા ખિતાબોને અયોગ્ય ગણ્યો અને જણાવ્યું કે બિશપના હાથમાં સર્વ સત્તા ન હોવી જોઈએ. એથી એમાં કંઈ આશ્ચર્ય નથી કે વર્ષ ૧૩૪૯માં પોપે આ પંથનો વિરોધ કર્યો. છતાં, છેવટે રોગ જતો રહ્યો તેમ, આ પંથ પણ જતો રહ્યો.

[ચિત્ર]

પોતાને કોરડા મારીને પરમેશ્વરને ખુશ કરવા માંગતા લોકો

[ક્રેડીટ લાઈન]

© Bibliothèque Royale de Belgique, Bruxelles

[પાન ૧૯ પર ચિત્ર]

ફ્રાન્સના શહેર માર્સેઈલમાં રોગ

[ક્રેડીટ લાઈન]

© Cliché Bibliothèque Nationale de France, Paris

[પાન ૧૯ પર ચિત્ર]

એલેક્સાંન્દ્રે યરસને રોગ ફેલાવનાર કીટાણું શોધી નાખ્યું

[ક્રેડીટ લાઈન]

Culver Pictures