વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
અમેરિકાની જેલોમાં જગ્યા નથી
ધ ઇકોનોમિસ્ટ મેગેઝીન નોંધે છે કે, “અન્ય કોઈ પણ લોકશાહી દેશ કરતાં અમેરિકાની જેલોમાં સૌથી વધારે કેદીઓ છે. આટલા કેદીઓ તો એક જ વ્યક્તિ રાજ કરતી હોય, એવા દેશોમાં પણ નથી. ગયા વર્ષે અમેરિકામાં દર ૧૫૦ નાગરિકોમાંથી (જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે) એક નાગરિક જેલમાં હતો.” જેટલી ઝડપથી અમેરિકામાં ગુનેગારોની સંખ્યા વધી રહી છે એ જાપાન કરતાં ૨૦ ગણી વધારે, કૅનેડા કરતાં ૬ અને યુરોપના પશ્ચિમી દેશો કરતાં ૫થી ૧૦ ગણી વધારે છે. અમેરિકામાં ૧૯૮૦થી કેદીઓની સંખ્યામાં ૪ ટકા વધારો થયો છે. વળી, ડ્રગ્ઝના ગુનાઓની સંખ્યામાં ૧૯૮૮થી અત્યાર સુધી કોઈ ઘટાડો થયો નથી. હાલમાં અમેરિકામાં ડ્રગ્ઝ સાથે સંકળાયેલા ગુનાને કારણે ૪,૦૦,૦૦૦થી પણ વધારે લોકો જેલમાં છે. ધ ઇકોનોમિસ્ટ કહે છે, “ગુના રોકવા માટે જેલની સજા અસરકારક છે કે કેમ? જો આ જ રીતે અમેરિકામાં કેદીઓની સંખ્યા વધતી રહેશે તો, કેદીઓને રાખવા માટે ઘણી જેલો બાંધવી પડશે. પરંતુ, પ્રશ્ન એ રહેલો છે કે, અમેરિકી સરકાર એ સર્વ માટે ખર્ચો ક્યાંથી ઊપાડશે?”
આર્માગેદન પર શરત
ધ ગાર્ડિયન છાપું જણાવે છે કે, બ્રિટનમાં દર સપ્તાહે “આર્માગેદન પર શરત” મારનારાઓની સંખ્યા વધતી જાય છે. દુનિયાના નાશ વિષે કંઈક ૧,૦૦૧ લોકોનો સર્વે કરવામાં આવ્યો. એનાથી ખબર પડી કે, ૩૩ ટકા લોકોનું માનવું છે કે હજુ પણ એક વિશ્વયુદ્ધ થશે જેનાથી દુનિયાનો અંત આવશે. વળી ૨૬ ટકા લોકોનું માનવું છે કે, પૃથ્વીનું તાપમાન વધી જવાથી તે બળીને ખાખ થઈ જશે. વળી કેટલાક લોકો અનુમાન કરે છે કે, ધૂમકેતુ પૃથ્વી સાથે અથડાશે અને દુનિયાનું નામ નિશાન મીટાવી દેશે. ધ ગાર્ડિયન કહે છે કે, ખરું જોવા જઈએ તો સર્વેક્ષણ કરવામાં આવેલા આ ૫૯ ટકા લોકોનું એમ “માનવું છે કે દુનિયાનો નાશ જોવાની શક્યતા, લૉટરી જીતવાની શક્યતા કરતાં વધારે છે.” પરંતુ, આર્માગેદન વિષે લોકો આવું શા માટે વિચારે છે? લોકોનું એવું માનવું છે કે, “નવું મિલેનિયમ શરૂ થયું હોવાથી પૃથ્વીનો અંત નજીક છે,” એમ છાપું કહે છે.
“બાબેલનો બુરજ”
પૅરિસનું છાપું ઇંટરનેશનલ હેરાલ્ડ ટ્રિબ્યુન જણાવે છે કે, યુરોપિયન યુનિયનમાં (EU) મૂળ ૧૧ ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. વળી, એમાં કદાચ બીજી ૧૦ ભાષાઓ ઉમેરવામાં આવશે, જ્યારે કે સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય ઑફિસમાં ફક્ત ૫ ભાષાઓનો વપરાશ થાય છે. એનો એવો અર્થ થાય કે, યુરોપિયન કમિશનના વહીવટ કરનારાઓએ સંયુક્ત રાષ્ટ્ર કરતાં ચાર ગણા વધારે ભાષાંતરકારોને રાખ્યા છે. એક તરફ આખા યુરોપને એક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને બીજી તરફ ભાષાના કારણે એમ થઈ શકતું નથી. દરેક સભ્યો પોતાની ભાષા આગળ મૂકે છે. તેથી, છાપું જણાવે છે કે, જેમ “બાબેલમાં બુરજ બાંધતા ગૂંચવણ થઈ હતી એવું થઈ રહ્યું છે.” વળી, કમિશનમાં બીજી એક સમસ્યા છે, “યુરોબોલી.” એ સંગઠનમાં શુદ્ધ ભાષા બોલવામાં આવતી નથી. એક ભાષાંતરકાર મુજબ નેતાઓ શું કહેવા માગે છે એ સાદા શબ્દોમાં સમજાવી શકતા નથી એ તકલીફ છે. મોટા ભાગે “લોકો ન સમજાય એવી ગૂંચવણભરી ભાષા નેતાઓ બોલે છે.”
ભિખારી હોવાનો ઢોંગ
મોટા ભાગના ભિખારી લાચાર હોય છે. પરંતુ, ભારતનું ધ વીક મેગેઝીન જણાવે છે કે, કેટલાક ભિખારીઓ લંગડા કે આંધળા હોવાનો ઢોંગ કરતા હોય છે. હકીકતમાં તેઓ સાજાસમા હોય છે. ભારતના રાજ્ય મહારાષ્ટ્રમાં, એક ભિખારી ઘોડીના ટેકે ટ્રાફિક-સિગ્નલ આગળ ભીખ માંગતો હતો. તેણે એક કારના ડ્રાઇવર પાસે ભીખ માંગી ત્યારે, ડ્રાઈવરે તેની સામું જોયું પણ નહિ અને પોતાની ગર્લ-ફ્રેન્ડ સાથે વાતોએ વળગ્યો. તેથી, ભિખારી ઊંચે અવાજે કાલાવાલા કરવા લાગ્યો ત્યારે ડ્રાઈવરે કંટાળીને કારની બારી ખોલીને ભિખારીને ધક્કો
માર્યો. ભિખારીના વાટકામાંના પૈસા નીચે પડી ગયા. ત્યારે આ “અપંગ” ભિખારી અચાનક સાજો થઈ ગયો અને પોતાની ઘોડીથી કારનો આગળનો કાચ તોડવા લાગ્યો. “તેથી, તેના બીજા સાથીઓ આવી પહોંચ્યા, જેઓ ‘આંધળા,’ ‘લંગડા’ અને ‘અપંગ’ હોવાનું નાટક કરીને ભીખ માંગી રહ્યા હતા.” પછી તેઓએ કાર પર પથ્થરો ફેંકવાનું, લાકડીઓથી અને ઘોડીઓથી મારકૂટ કરવાનું શરૂ કર્યું. છેલ્લે તેઓએ ડ્રાઇવરને કારમાંથી ખેંચીને બહાર કાઢ્યો. જોકે, એટલામાં જ પોલીસ આવેલી જોઈને ભિખારીઓ મુઠ્ઠી વાળીને નાઠા, એવું આ મેગેઝીન જણાવ્યું.ઘણું કામ કરો, અને તંદુરસ્ત રહો
જર્મનીમાં ૫૦,૦૦૦ કર્મચારીઓ પર કરવામાં આવેલા અભ્યાસથી જાણવા મળ્યું કે, વધારે કામ કરનારાઓની સરખામણીમાં ઓછું કામ કરનારાઓની તંદુરસ્તી વધારે જોખમમાં છે. ઓગ્સબર્ગર એલ્જીમિન અખબારે જણાવ્યું કે, “જેઓ કામ લઈને બેસી રહે છે અને એને પૂરું કરવા માટે પ્રયત્ન કરતા નથી તેઓમાં વધારે બીમાર પડવાની બે ગણી શક્યતા રહેલી છે.” જેઓ કામ નથી કરતા તેઓની તંદુરસ્તી જલદી બગડી શકે છે, એટલું નુકશાન તો કોઈ કામ કરવાથી થતું નથી. અહેવાલ મુજબ ઓછું કામ કરનારાઓ હંમેશા “હાઇ બ્લડ પ્રેશર, પેટમાં ગરબડ, અને કમર તથા સાંધાનો દુઃખાવાની ફરિયાદો કરતા હોય છે.”
કોઈ જ ફાયદો નથી
યુનિવર્સિટી ઑફ કેલિર્ફોનિયા બર્કિલી વેલનેસ લેટર અહેવાલ આપે છે કે, “સિગરેટ-બીડી પીવાથી પાતળું રહેવાતું નથી. સિગરેટ-બીડી પીવાથી પાતળું રહેવાય છે, એમ માનીને ઘણી છોકરીઓ પીવાનું શરૂ કરે છે.” પરંતુ, ૧૮થી ૩૦ ઉંમરના ૪,૦૦૦ લોકોની સાત વર્ષ સુધી તપાસ રાખવાથી જાણવા મળ્યું કે, “આ ઉંમર દરમિયાન તમે સિગરેટ-બીડી પીઓ કે ન પીઓ, તોય તમારો વજન તો વધવાનો જ છે, (દર વર્ષે અડધા કિલોથી વધારે વજન વધે છે).” આ લેખને અંતે કહેવામાં આવ્યું કે, “સિગરેટ-બીડી પીવાથી પાતાળું થવાતું નથી. હકીકતમાં, એ પીવાથી કોઈ જ ફાયદો નથી.”
ગુસ્સો કાઢવો
કૅનેડાનું નેશનલ પોસ્ટ જણાવે છે કે, “તકિયા કે બૉક્સિંગ બૅગ જેવી નિર્જીવ વસ્તુ પર મૂક્કા મારીને ગુસ્સો કાઢવાથી ક્રોધ ઘટતો નથી, પણ વધે છે.” લોવા સ્ટેટ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના ડૉ. બ્રેડ જે બુશમન કહે છે: “મોટા મોટા માધ્યમો તણાવમુક્ત ઉપચારને ખૂબ જ ટેકો આપે છે. પરંતુ, એવો કોઈ પુરાવો નથી.” નેશનલ પોસ્ટ આગળ જણાવે છે કે, સંશોધનથી જાણવા મળ્યું છે કે, “જે પુસ્તકો અને લેખો એ રીતે ‘ગુસ્સો ઠાલવવા’ ઉત્તેજન આપે છે, એ તો ગુસ્સો ઉતારવાને બદલે વધારે ચઢાવે છે.”
દફન કરવું મોઘું છે
આજે દફન કરવું મોઘું હોવાથી મોટા ભાગના લોકો અગ્નિસંસ્કાર કરવાનું વધારે પસંદ કરે છે. અમેરિકાની વિધિ સંસ્કારની સમિતિ પ્રમાણે સામાન્ય રીતે ૧૯૯૬માં દફન કરવામાં ૪,૬૦૦ ડૉલરનો ખર્ચ થતો હતો. તેની સરખામણીમાં “અંગ્નિ સંસ્કાર માટે ફક્ત ૫૦૦થી ૨,૦૦૦ ડૉલર ખર્ચ થાય,” એવું શિકાગો સન-ટાઇમ્સનું કહેવું છે. વળી, તમે “અંગ્નિ સંસ્કાર માટે કેવી પેટી અને અસ્થિકુંભ પસંદ કરો એના પર આધારિત છે.” એ ઉપરાંત દફનાવવાની જગ્યાની જરૂર પડતી નથી, જેની સામાન્ય કરતાં ૪૦ ટકા વધારે કિંમત હોય શકે. તેમ જ, આગળ કહેવામાં છે કે, ૧૯૯૭માં ફક્ત અમેરિકામાં જ ૨૩.૬ ટકા લોકોનો અગ્નિસંસ્કાર થયો હતો. પરંતુ, એમ લાગે છે કે બીજા દસ વર્ષમાં એ વધીને ૪૨ ટકા થશે.
મોઢાનું કૅન્સર
ધી ઈન્ડિયન એક્સપ્રેસ કહે છે કે, કેલિફોર્નિયા અને લોસ એન્જેલિસ કરતાં દિલ્હીમાં ચાર ગણા લોકોને મોઢાનું કૅન્સર થાય છે. દિલ્હીમાં તાજેતરમાં કૅન્સરથી પીડિત લોકોમાં ૧૮.૧ ટકા લોકોને મોઢાનું કૅન્સર છે, જ્યારે ૧૯૯૫માં ફક્ત ૧૦ ટકા લોકોને એ હતું. એનું મુખ્ય કારણ તમાકુ, બીડી, પાન-મસાલો, સોપારી, અને એના જેવી વસ્તુઓ છે. એ જ છાપું આગળ કહે છે કે, આશ્ચર્યની વાત તો એ છે કે, પાન-મસાલા ખાવામાં શાળાનાં બાળકો પહેલા નંબરે આવે છે. એક નિષ્ણાત ચેતવણી આપે છે કે, આખું ભારત “મોઢાના કૅન્સરનું રોગી બની રહ્યું છે.”