કૉફીથી ચરબી - વધે છે શું?
કૉફીથી ચરબી - વધે છે શું?
બ્રાઝિલમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
નેધરલૅન્ડ્સમાં વૉકનિંગન એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંના સંશોધકોના કહેવા મુજબ ગાળ્યા વગરની કૉફી પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું (ચરબીનું) પ્રમાણ વધી જાય છે.
અહીં ધ્યાન આપવા જેવો શબ્દ છે “ગાળ્યા વગરની” કૉફી. શા માટે? નેધરલૅન્ડ્સ સંગઠનના વૈજ્ઞાનિકોનું રિસર્ચ રિપોર્ટ પત્ર જણાવે છે કે કૉફીના દાણામાં કૅફસ્ટોલ નામનો પદાર્થ હોય છે જેનાથી ચરબી વધે છે. કૉફીના દાણાને દળીને એમાં સીધું જ ગરમ પાણી નાખવાથી કૅફસ્ટોલ છૂટો પડી પાણીમાં જ રહે છે. તેમ જ, દળેલી કૉફી વારંવાર પાણીમાં ઉકાળવાથી પણ એવું જ થાય છે, જેમ તુર્કી કૉફી બનાવવામાં આવે છે. વળી, કૉફી બનાવવા કાગળની ગળણીને બદલે સ્ટીલની ગળણીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ સરખું જ પરિણામ મળે છે. જે રીતે ફ્રેન્ચ કૉફી બનાવાય છે. જોકે, કાગળની ગળણી વાપરવામાં ન આવે તો, કૅફસ્ટોલ કૉફીમાં જ રહે છે.
ગાળ્યા વગરના કૉફીના એક કપમાં ચાર મિલીગ્રામ સુધી કૅફસ્ટોલ હોય શકે, જે ચરબીના પ્રમાણમાં એક ટકાનો વધારો કરી શકે. એસ્પ્રેસો કૉફીમાં પણ કૅફસ્ટ્રોલ હોય છે, કારણ કે એને પણ કાગળની ગળણીથી ગાળ્યા વિના તૈયાર કરવામાં આવે છે. પરંતુ, તમે ઓછી કૉફી પીશો તો, ચરબી વધવાનું પ્રમાણ પણ થોડું હશે. ઓછી એસ્પ્રેસો તો ઓછું કૅફસ્ટોલ, એક કપમાં માંડ એક કે બે મિલીગ્રામ જેટલું જ હશે. છતાં, રિસર્ચ રિપોર્ટ્સ ચેતવણી આપે છે કે એક દિવસમાં એસ્પ્રેસો કૉફીના પાંચ નાના કપ પીવાથી આપણા શરીરમાં ૨ ટકા જેટલી ચરબી વધી શકે છે.
ટૂંકમાં, કાગળની ગળણી વાપરીને, તમે કૅફસ્ટોલ વિનાની કૉફીનો આનંદ માણી શકશો.