સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

શ્રદ્ધા

શ્રદ્ધા

કેટલાક લોકો ધાર્મિક હોવાનો દાવો કરે છે, પણ તેઓ જાણતા નથી કે “શ્રદ્ધા” કોને કહેવાય. શ્રદ્ધા શું છે અને શા માટે એ મહત્ત્વની છે?

શ્રદ્ધા શું છે?

કેટલાક લોકો શું કહે છે?

ઘણા લોકો એવું માને છે કે શ્રદ્ધા રાખનાર વ્યક્તિ આંખો બંધ કરીને માન્યતાઓને સ્વીકારી લે છે. દાખલા તરીકે, એક ધાર્મિક વ્યક્તિ કહેશે કે, “હું ભગવાનમાં માનું છું.” પણ, જો એ વ્યક્તિને પૂછવામાં આવે, “તમે શા માટે ભગવાનમાં માનો છો?” તે કદાચ જવાબ આપશે, “એ જ રીતે મારો ઉછેર થયો છે” અથવા “મને હંમેશાં એવું જ શીખવવામાં આવ્યું હતું.” આવા કિસ્સાઓ પરથી કહી શકાય કે શ્રદ્ધા રાખવી અને બધું આંખ બંધ કરીને માની લેવામાં ઘણો ફરક છે.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

“શ્રદ્ધા એટલે કે આપણે જેની આશા રાખીએ છીએ એ ચોક્કસ પૂરું થશે એવી ખાતરી અને જે હકીકત નજરે જોઈ નથી એનો પુરાવો.” (હિબ્રૂઓ ૧૧:૧) વ્યક્તિને પોતાની આશા પર ખાતરી મજબૂત કરવી હોય તો, તેની પાસે ઠોસ કારણો હોવા જરૂરી છે. હકીકતમાં, “આશા” અને “ખાતરી” માટે મૂળ ભાષામાં વપરાયેલા શબ્દોનો અર્થ ઊંડી લાગણી કે ઇચ્છા કરતાં કંઈક વધારે થાય છે. આમ, શ્રદ્ધા એટલે ખાતરી, જે પુરાવાઓને આધારે હોય.

“દુનિયાનું સર્જન કરવામાં આવ્યું ત્યારથી, તેમના [ઈશ્વરના] અદૃશ્ય ગુણો એટલે કે, તેમની સનાતન શક્તિ અને તે જ ઈશ્વર છે, એ સ્પષ્ટ જોઈ શકાય છે, કેમ કે બનાવવામાં આવેલી વસ્તુઓ પરથી એ પારખી શકાય છે.”રોમનો ૧:૨૦.

શ્રદ્ધા હોવી શા માટે જરૂરી છે?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

“શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે. અને જે કોઈ ઈશ્વરને ભજવા તેમની આગળ જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.”—હિબ્રૂઓ ૧૧:૬.

અગાઉ જોઈ ગયા તેમ, ઘણા લોકો ભગવાનમાં ફક્ત એટલે માને છે, કેમ કે તેઓને નાનપણથી એવું શીખવવામાં આવ્યું છે. તેઓ કદાચ કહેશે, ‘એ જ રીતે મારો ઉછેર થયો છે.’ પણ, જેઓ ઈશ્વરની ભક્તિ કરવા માંગે છે, તેઓ પાસેથી ઈશ્વર શું ઇચ્છે છે? તે ઇચ્છે છે કે તેઓને ઈશ્વરના અસ્તિત્વ પર અને ઈશ્વરે બતાવેલા પ્રેમ પર પૂરો ભરોસો હોવો જોઈએ. એટલે, શાસ્ત્ર ભાર આપે છે કે જો આપણે ખરેખર ઈશ્વરને ઓળખવા માંગતા હોઈએ, તો ખંતપૂર્વક તેમના વિશેનું જ્ઞાન લેવું જરૂરી છે.

“ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”યાકૂબ ૪:૮.

તમે કઈ રીતે શ્રદ્ધા કેળવી શકો?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

શાસ્ત્ર જણાવે છે: “વાતો સાંભળ્યા પછી શ્રદ્ધા જાગે છે.” (રોમનો ૧૦:૧૭) તેથી, ઈશ્વરમાં શ્રદ્ધા મજબૂત કરવાનું સૌથી પહેલું પગલું છે કે શાસ્ત્ર તેમના વિશે જે શીખવે છે એ ‘સાંભળવું.’ (૨ તિમોથી ૩:૧૬) શાસ્ત્રનો અભ્યાસ કરવાથી તમને મહત્ત્વના સવાલોના જવાબો મળશે. જેમ કે, ઈશ્વર કોણ છે? કયા પુરાવાઓ તેમના અસ્તિત્વની સાબિતી આપે છે? શું ઈશ્વર ખરેખર મારી કાળજી રાખે છે? ભવિષ્ય માટે ઈશ્વરનો હેતુ શો છે?

ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે એના પુરાવા ચારેબાજુ જોવા મળે છે

યહોવાના સાક્ષીઓ તમને ખુશીથી શાસ્ત્રમાંથી શીખવશે. અમારી વેબસાઇટ jw.org/gu જણાવે છે તેમ, ‘લોકોને શાસ્ત્રમાંથી શીખવવું યહોવાના સાક્ષીઓને ગમે છે. પરંતુ, અમે કોઈને પણ યહોવાના સાક્ષી બનવા દબાણ કરતા નથી. એને બદલે, શાસ્ત્ર જે કહે છે એ અમે લોકોને બતાવીએ છીએ. અમે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને એ નક્કી કરવાનો હક છે કે પોતે કઈ માન્યતા અપનાવશે.’

છેવટે તો, તમારી શ્રદ્ધાનો આધાર પુરાવાઓ પર હોવો જોઈએ. એવા પુરાવાઓ શાસ્ત્રમાં આપેલી માહિતી ખરી છે કે નહિ, એ તપાસવાથી મળશે. આમ, પ્રથમ સદીમાં શાસ્ત્રનો અભ્યાસ કરનારાઓનું તમે અનુકરણ કરશો. “તેઓએ ઘણી આતુરતાથી સંદેશો સ્વીકાર્યો. અને આ વાતો ખરી છે કે નહિ એ જોવા તેઓ ધ્યાનથી દરરોજ શાસ્ત્રવચનો તપાસતાં.”—પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૧. (g16-E No. 3)

“હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.”યોહાન ૧૭:૩.