મુખ્ય વિષય
સારી આદતો કેળવવા શું કરશો?
-
ઓસ્ટીનનું અલાર્મ વાગે છે. તે હજુ ઊંઘમાં છે, પણ તરત જ ઊભો થાય છે. રાત્રે તૈયાર કરીને મૂકેલાં, એક્સર્સાઇઝનાં કપડાં પહેરીને જોગિંગ કરવા નીકળી જાય છે. તે છેલ્લા એક વર્ષથી આવું અઠવાડિયામાં ત્રણ વાર કરે છે.
-
લોરીનો હમણાં જ પતિ સાથે ઝઘડો થયો છે. તે ગુસ્સામાંને ગુસ્સામાં રસોડામાં ચાલી જાય છે. ચોકલેટનો ડબ્બો કાઢીને બધી ખાઈ જાય છે. જ્યારે પણ તે દુઃખી હોય છે, ત્યારે તે એવું જ કરતી હોય છે.
ઓસ્ટીન અને લોરીમાં શું સમાન છે? અજાણતા જ તેઓ બંને પોતાની આદતોના ગુલામ છે.
તમારા વિશે શું? શું એવી કોઈ સારી આદતો છે, જે તમે જીવનમાં કેળવવા માંગો છો? કદાચ તમે આવી ટેવો કેળવવા માંગતા હશો. જેમ કે, રોજ એક્સર્સાઇઝ કરવી, પૂરતી ઊંઘ લેવી અથવા સગાં-વહાલાઓ સાથે સંપર્કમાં રહેવું.
કદાચ એવું પણ બને કે તમે કોઈ ખરાબ આદતો છોડવા માંગતા હશો. જેમ કે, ધૂમ્રપાન કરવું, વધુ પડતું જંક ફૂડ ખાવું અથવા ઘણો સમય ઇન્ટરનેટ પર વિતાવવો.
એમાં કોઈ શંકા નથી કે ખોટી આદતો છોડવી મુશ્કેલ છે. ખોટી આદતો જાણે ઠંડીની રાતમાં, ગરમ રજાઈ જેવી છે. એ ઓઢીને સૂઈ જવું સહેલું છે, પણ એમાંથી બહાર આવવું મુશ્કેલ છે!
તમે કઈ રીતે પોતાની આદતો પર કાબૂ રાખી શકો, જેથી એ તમને નુકસાન ન કરે પણ એનાથી ફાયદો થાય? આ પછીના લેખમાં શાસ્ત્ર આધારિત ત્રણ સિદ્ધાંતો આપ્યા છે, એનો વિચાર કરો. (g16-E No. 4)