માબાપ માટે
૭: સંસ્કાર આપો
એનો શું અર્થ થાય?
સારા સંસ્કાર એ તમારા પોતાનાં ધોરણો છે, જેને તમે જીવનમાં લાગુ પાડવાનું નક્કી કરો છો. દાખલા તરીકે, શું તમે દરેક બાબતોમાં પ્રમાણિક રહેવા મહેનત કરો છો? જો એમ હશે, તો તમે તમારાં બાળકોમાં પણ સારા સંસ્કારનું સિંચન કરવા ચાહશો.
સારા સંસ્કારમાં સારાં આચરણનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે, જે વ્યક્તિમાં સારાં આચરણો હશે તે મહેનતુ હશે, પક્ષપાત કરશે નહિ અને બધાનો વિચાર કરશે. એવા ગુણો બાળપણથી કેળવવામાં આવે તો સારું રહેશે.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”—નીતિવચનો ૨૨:૬.
એ કેમ મહત્ત્વનું છે?
આધુનિક ટૅક્નોલૉજીના જમાનામાં નૈતિક મૂલ્યો હોવા ખૂબ જરૂરી છે. કેરન નામની એક માતા કહે છે, ‘મોબાઇલ પર ખરાબ બાબતો કોઈ પણ સમયે આવી શકે છે. બાળકો કદાચ આપણી બાજુમાં જ બેઠાં બેઠાં અશ્લીલ બાબતો જોતા હોય શકે!’
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘પરિપક્વ થયેલા લોકો ખરું-ખોટું પારખવા પોતાની સમજશક્તિ વાપરીને એને કેળવે છે.’—હિબ્રૂઓ ૫:૧૪.
સારાં આચરણો પણ ખૂબ જરૂરી છે. એમાં શિષ્ટાચાર બતાવવાનો (જેમ કે, “પ્લીઝ” અને “થેંક્યું” કહેવાનો) અને બીજાઓની ચિંતા કરવાનો પણ સમાવેશ થાય છે. એવાં આચરણો દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે, આજે બધાને લોકો કરતાં ઇલેક્ટ્રોનિક સાધનોમાં વધારે રસ છે.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”—લુક ૬:૩૧.
તમે શું કરી શકો?
તમારાં નૈતિક મૂલ્યો જણાવો. દાખલા તરીકે સંશોધકો કહે છે, જો તરુણોને અગાઉથી સ્પષ્ટ શીખવવામાં આવે કે લગ્ન પહેલાં સેક્સ માણવું ખોટું છે, તો તેઓ મોટા ભાગે એવા વર્તનથી દૂર રહે છે.
સૂચનો: નૈતિક મૂલ્યો વિશે ચર્ચા શરૂ કરવા તાજેતરની ઘટનાનો ઉપયોગ કરો. દાખલા તરીકે, ધિક્કારના કારણે કોઈ ગુનો થયો હોય, એવા સમાચાર આવે ત્યારે તમે આમ કહી શકો: ‘એ કેટલું ખરાબ છે કે અમુક લોકો બીજાઓ માટે આવો ધિક્કાર બતાવે છે. તને શું લાગે છે, તેઓ કેમ આવા બની ગયા હશે?’
‘જો બાળકને ખબર ન હોય કે શું ખરું છે અને શું ખોટું, તો એ બે વચ્ચે પસંદગી કરવી તેને માટે અઘરું થઈ પડે છે.’—બ્રેન્ડન.
સારાં આચરણો શીખવો. અરે, નાનાં ભૂલકાંઓ પણ “પ્લીઝ” અને “થેંક્યું” બોલવાનું અને બીજાઓનો આદર કરવાનું શીખી શકે છે. પેરેન્ટીંગ વીથાઉટ બોર્ડર નામનું પુસ્તક જણાવે છે કે, ‘બાળકોને એ જોવા મદદ કરો કે, તેઓ એક કુટુંબ, સ્કૂલ કે સમાજનો ભાગ છે. એનાથી તેઓ ફક્ત પોતાના જ ફાયદા માટે નહિ, બીજાઓ માટે પણ પ્રેમાળ કાર્યો કરવાં તૈયાર થશે.’
સૂચનો: બાળકોને ઘરનાં નાનાં નાનાં કામ સોંપો, જેથી તેઓ બીજાઓને મદદ કરવાનું શીખી શકે. આમ, તેઓ સારાં સંસ્કારો કેળવી શકશે.
‘જો બાળકોને નાનપણથી કામ સોંપશો, તો મોટા થઈને એકલા હાથે કામ કરવામાં તેઓને તકલીફ નહિ પડે, કેમ કે તેઓ જવાબદારી નિભાવવાનું શીખી ગયા હશે.’—તારા.