યુગલો માટે
૩: માન આપો
એનો શું અર્થ થાય?
એકબીજાને માન આપનાર સાથીઓ લાગણીના તાંતણે બંધાયેલા હોય છે, પછી ભલે તેઓ વચ્ચે મતભેદ કેમ ન હોય. ટેન લેસન્સ ટુ ટ્રાન્સફોર્મ યોર મેરેજ નામનું પુસ્તક કહે છે: ‘આવા યુગલો બાંધછોડ કરવી પડે એવા સંજોગો ટાળશે. એને બદલે, તેઓ એ વિશે વાત કરશે. તેઓ આદરપૂર્વક પોતાના સાથીના વિચારો સાંભળશે અને બંને માટે સારું હોય એવો રસ્તો કાઢશે.’
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “પ્રેમ . . . પોતાનો જ લાભ જોતો નથી.”—૧ કોરીંથીઓ ૧૩:૪, ૫.
‘પત્નીનો આદર કરવાનો અર્થ થાય કે હું તેના વિચારોની કદર કરું છું. હું એવું કંઈ નહિ કરું, જેનાથી તેને દુઃખ થાય કે અમારા લગ્નજીવનને નુકસાન પહોંચે.’—માયકા.
એ કેમ મહત્ત્વનું છે?
જો સાથીઓને એકબીજા માટે આદર નહિ હોય, તો તેઓ કડવા વેણ બોલશે, મહેણાં-ટોણાં મારશે, અરે એકબીજાને ઉતારી પાડશે. સંશોધકોના મતે એ ત્રણ એવી નિશાનીઓ છે, જે આગળ જતા છૂટાછેડા તરફ દોરી જઈ શકે.
‘પત્ની માટે ઘસાતું બોલવું, તેની ઠેકડી ઉડાવવી કે તેના પર જોક્સ કહેવાથી તેનો આત્મવિશ્વાસ કમજોર થઈ જશે, તેનો ભરોસો તૂટી જશે અને તમારું લગ્નજીવન ડામાડોળ થઈ જશે.’—બ્રાયન.
તમે શું કરી શકો?
પોતાની તપાસ કરો
તમારા સાથી જોડે અઠવાડિયા દરમિયાન થયેલી વાતચીત પર ધ્યાન આપો. પછી પોતાને પૂછો:
-
‘કેટલી વાર મેં સાથીની ટીકા કરી અને કેટલી વાર મેં તેના વખાણ કર્યા?’
-
‘કઈ ખાસ રીતે મારા સાથી માટે મેં માન બતાવ્યું?’
તમારા સાથી જોડે વાત કરો
-
કેવાં વાણી-વર્તનથી તમને લાગે છે કે તમારા બંનેનું માન જળવાય છે?
-
કેવાં વાણી-વર્તનથી તમને લાગે છે કે તમારા બંનેનું અપમાન થાય છે?
સૂચનો
-
એવી ત્રણ રીતો લખી લો, જેનાથી તમને લાગે છે કે તમારું માન જળવાશે. તમારા સાથીને પણ એમ લખવાનું કહો. પછી એકબીજાનું લિસ્ટ જુઓ અને એ રીતે એકબીજાને માન આપવાનો પ્રયત્ન કરો.
-
તમારા સાથીના ગુણોનું લિસ્ટ બનાવો, જે તમને ગમે છે. પછી તેને કહો કે તેના એ ગુણોની તમે કેટલી કદર કરો છો.
‘પતિને માન આપવાનો અર્થ થાય કે, મારાં કાર્યોથી બતાવી આપું કે હું તેમની કદર કરું છું અને તેમને ખુશ કરવા માંગું છું. એના માટે જરૂરી નથી કે મોટા પાયે કંઈ કરવું જોઈએ. નાનાં નાનાં કાર્યોથી પણ બતાવી શકાય છે કે આપણે દિલથી કદર કરીએ છીએ.’—મેગન.
અંતે, સવાલ એ નથી કે તમને માન મળે છે કે નહિ. પણ સવાલ એ છે કે શું તમારા સાથીને લાગે છે કે તેનું માન જળવાય રહે છે?
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “કરુણા, દયા, નમ્રતા, કોમળતા અને ધીરજ પહેરી લો.”—કોલોસીઓ ૩:૧૨.