સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇતિહાસનું અનોખું પાત્ર

અલ્હાઝેન

અલ્હાઝેન

કદાચ તમે અબુ અલી અલ-હસન ઇબ અલ-હેયથામનું નામ નહિ સાંભળ્યું હોય. તેમના અરબી નામ અલ-હસનને લૅટિનમાં અલ્હાઝેન કહેવાય છે. પશ્ચિમના દેશોમાં તે અલ્હાઝેન નામથી જાણીતા છે. તેમનાં કાર્યોને લીધે આજે તમને ફાયદો થઈ રહ્યો છે. તેમને “વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી મહત્ત્વના અને માનવંતા વ્યક્તિ ગણવામાં આવે છે.”

અલ્હાઝેનનો જન્મ ઈસવીસન ૯૬૫ની આસપાસ બસરામાં થયો હતો, જે આજના ઇરાકનો ભાગ છે. તેમને જ્યોતિષવિદ્યા, ચિકિત્સાવિદ્યા, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, પ્રકાશશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, સંગીત અને કવિતાઓમાં ખૂબ રસ હતો. પરંતુ, તેમની કઈ સિદ્ધિ માટે આપણે તેમના સૌથી વધુ આભારી હોવા જોઈએ?

નાઈલ નદી પર બંધ

૧૯૦૨માં ઇજિપ્તના આસવાન શહેરમાં નાઈલ નદી પર બંધ બનાવવામાં આવ્યો. એક પ્રચલિત વાર્તા પ્રમાણે, એ યોજના આશરે ૧,૦૦૦ વર્ષ અગાઉ અલ્હાઝેને બનાવી હતી. તે નાઈલ નદીના પાણીને નિયંત્રણમાં રાખવા માંગતા હતા.

વાર્તા જણાવે છે કે અલ્હાઝેનના મનમાં એક મહત્ત્વાકાંક્ષી યોજના હતી. ઇજિપ્તમાં અવારનવાર થતાં દુકાળ અને પૂરની અસરોને ઓછી કરવા તે નાઈલ નદી પર બંધ બનાવવા ચાહતા હતા. કાહિરાના શાસક અલ-હકીમને એ વિચાર ગમી ગયો અને તેણે નદી પર બંધ બનાવવા માટે અલ્હાઝેનને બોલાવ્યો. જોકે, વિશાળ નદીને નજરોનજર જોયા પછી અલ્હાઝેનને અંદાજો આવી ગયો કે, એ યોજના પાર પાડવી તેમના ગજા બહારની વાત છે. તાનાશાહી રાજાની સજાથી બચવા અલ્હાઝેને પાગલ હોવાનો ઢોંગ કર્યો. આશરે ૧૧ વર્ષ પછી, ઈ.સ. ૧૦૨૧માં રાજાનું મરણ થયું ત્યાં સુધી તેમણે પાગલ હોવાનો ઢોંગ ચાલું રાખ્યો. તેમને પાગલખાનામાં રાખવામાં આવ્યા હતા. એ દરમિયાન તેમની પાસે નવું નવું શીખવાનો સમય જ સમય હતો.

પ્રકાશશાસ્ત્રનાં પુસ્તકો

અલ્હાઝેને પ્રકાશશાસ્ત્ર પર ૭ પુસ્તકો લખ્યા હતા, જેમાંનું મોટાભાગનું લખાણ તેમણે પાગલખાનામાં જ કર્યું હતું. બુક ઑફ ઑપ્ટિક્સ તરીકે ઓળખાતા એ પુસ્તકોની ગણતરી “ભૌતિકશાસ્ત્રના ઇતિહાસમાં સૌથી મહત્ત્વના પુસ્તકોમાં” કરવામાં આવે છે. એમાં અલ્હાઝેને કરેલા પ્રયોગો વિશે જણાવ્યું છે. જેમ કે પ્રકાશની પ્રકૃતિ, પ્રકાશના કિરણમાંથી જુદા જુદા રંગના પ્રકાશનું છૂટા પડવું (વિઘટન), અરીસાથી પડતું પ્રતિબિંબ (પરાવર્તન) અને એક માધ્યમથી બીજા માધ્યમમાં જતા પ્રકાશનું વાંકુ વળવું (વક્રીભવન). તેમણે દૃશ્ય-ભાસ વિશે અને આંખ કઈ રીતે કામ કરે છે એ વિશે પણ અભ્યાસ કર્યો હતો.

૧૩મી સદી સુધીમાં, અલ્હાઝેનના લખાણનું અરબીમાંથી લૅટિનમાં ભાષાંતર કરવામાં આવ્યું. તેમનું લખાણ એટલું સચોટ માનવામાં આવતું હતું કે, એ પછીની સદીઓ દરમિયાન યુરોપના નિષ્ણાતો તેમના લખાણમાંથી ઉલ્લેખ કરતા હતા. અલ્હાઝેને પોતાનાં લખાણમાં લેન્સની પ્રકૃતિ વિશે ઘણું જણાવ્યું હતું. પછીથી, યુરોપમાં ચશ્મા બનાવનારાઓ માટે એ મુખ્ય આધાર બન્યું. તેઓએ એક લેન્સની આગળ બીજો લેન્સ મૂકીને ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ જેવા સાધનો બનાવ્યાં.

ઇતિહાસનો પહેલો કેમેરો

આજે ફોટોગ્રાફીમાં વપરાતા સિદ્ધાંતો વર્ષો અગાઉ અલ્હાઝેને પારખી લીધા હતા. તેમણે એક અંધારી ઓરડીમાં નાનકડા કાણાંમાંથી લેન્સ વડે પ્રકાશ પાડ્યો. આમ, ઓરડીની દીવાલ પર બહારના દૃશ્યની ઊંધી છબી દેખાવા લાગી. એ ગોઠવણ કેમેરા ઓબસ્ક્યુરા તરીકે ઓળખાતી, જેને આપણે દુનિયાનો પહેલો કેમેરો કહી શકીએ.

અલ્હાઝેને એવું કંઈક બનાવ્યું હતું, જેને દુનિયાનો પહેલો કેમેરો કહી શકાય

૧૯મી સદીમાં, કેમેરા ઓબસ્ક્યુરામાં એવી પ્લેટ મૂકવામાં આવી, જેથી દૃશ્યને કાયમ માટે કેદ કરી શકાય. આમ, કેમેરાની શોધ થઈ. આધુનિક કેમેરા અને આપણી આંખો પણ એ જ સિદ્ધાંતોથી કામ કરે છે, જે કેમેરા ઓબસ્ક્યુરામાં વપરાયા હતા. *

વૈજ્ઞાનિક પદ્ધતિ

એમાં કોઈ શંકા નથી કે અલ્હાઝેને વિજ્ઞાન ક્ષેત્રે અદ્ભુત કામો કર્યાં છે. એમાં પણ કુદરતી પ્રક્રિયાઓ પર કરેલો ચીવટ અને પદ્ધતિસર અભ્યાસ સૌથી અદ્ભુત છે! કામ કરવાની તેમની પદ્ધતિ એ સમયના લોકો કરતાં સાવ અલગ હતી. તે પહેલા એવા સંશોધક હતા જેમણે વૈજ્ઞાનિક સિદ્ધાંતોની પ્રયોગો દ્વારા પરખ કરી. એ જમાનામાં લોકોએ ઘણી માન્યતાઓ અને વાતોને સ્વીકારી લીધી હતી. પણ જો એને સાચા પુરવાર કરતા ઠોસ પુરાવા ન હોય, તો એના પર સવાલ ઉઠાવવામાં અલ્હાઝેનને જરાય ડર ન લાગતો.

આધુનિક વિજ્ઞાનના મૂળ સિદ્ધાંતોનો સારાંશ એક વાક્યમાં કરી શકાય: “તમે જે માનો છો, એને સાબિત કરો!” આજે અમુક લોકો અલ્હાઝેનને “આધુનિક વિજ્ઞાનની પદ્ધતિના પિતા” કહે છે. જો એ વાત મનમાં રાખીએ, તો ચોક્કસ તેમનો આભાર માનવાના આપણી પાસે ઘણાં કારણો છે.

^ ફકરો. 13 ૧૭મી સદીમાં જોહાન્સ કેપ્લરે કેમેરા ઓબસ્ક્યુરા અને આંખ વચ્ચેની સમાનતા સમજાવી નહિ ત્યાં સુધી, પશ્ચિમના દેશો એ સમાનતાને સારી રીતે સમજ્યા ન હતા.