શું ઈશ્વર તમને સમજે છે?
સૃષ્ટિમાંથી આપણને શું શીખવા મળે છે
બે જોડિયા બાળકો વચ્ચેનો સંબંધ અજોડ હોય છે. તેઓ લાગણીના તાંતણે બંધાયેલા હોય છે. નેન્સી સીગલ એક જોડિયા બહેન છે, તે ટ્વીન સ્ટડીસ સેન્ટર નામની સંસ્થાના ડાયરેક્ટર છે. તે કહે છે, ‘કેટલાંક જોડિયા એકબીજાની વાતો અને લાગણીઓને પૂરેપૂરી રીતે સમજી શકે છે. એ વાત તેઓને સમજાવવાની પણ જરૂર પડતી નથી.’ બીજી એક જોડિયા સ્ત્રી એ વિશે કહે છે: ‘અમને તો એકબીજા વિશે બધું ખબર પડી જાય છે.’
તેઓ એકબીજાને આટલી સારી રીતે સમજી શકે છે, એનું કારણ શું છે? અભ્યાસ જણાવે છે કે, વાતાવરણ અને માબાપ તરફથી કરાતો ઉછેર એ પાછળ જવાબદાર છે. સૌથી મહત્ત્વનું શરીરનું બંધારણ એકસરખું હોવાને લીધે એમ થાય છે.
ધ્યાન આપો: આવા અજોડ કોષોના રચનાર પાસે આપણા બધાના બંધારણ વિશે સૌથી વધારે જાણકારી છે. તેથી, ગીત લખનાર દાઊદે જણાવ્યું: ‘મારી માના પેટમાં તમે મારી રચના કરી છે. જ્યારે મને અદૃશ્ય રીતે રચવામાં આવ્યો, મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે, અને મારું એકે અંગ થએલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ, તેમ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.’ (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૩, ૧૫, ૧૬) ફક્ત ઈશ્વર આપણું બંધારણ જાણે છે અને એને પૂરેપૂરી રીતે સમજી શકે છે. એટલું જ નહિ, આપણા જીવનને અસર કરનારી દરેક ઘટનાઓ વિશે પણ તે જાણે છે. આપણા વિશે ઈશ્વર જે બાબતો જાણે છે અને આપણું બંધારણ જે રીતે રચાયું છે, એનાથી આપણને ખાતરી મળે છે કે ઈશ્વર આપણા વિશે રજેરજ માહિતી જાણે છે.
ઈશ્વરની સમજણ વિશે શાસ્ત્રમાંથી માહિતી
દાઊદે પ્રાર્થના કરી હતી: ‘હે યહોવા, તમે મારી પરીક્ષા કરી છે, અને તમે મને ઓળખો છે. મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો; તમે મારો વિચાર દૂરથી સમજો છો. કેમ કે, હે યહોવા, તમે મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણો છો.’ (ગીતશાસ્ત્ર ૧૩૯:૧, ૨, ૪) વધુમાં, યહોવાને આપણા દિલની દરેક લાગણીઓ વિશે ખબર છે અને તે ‘વિચારોની સર્વ કલ્પનાઓ સમજે છે.’ (૧ કાળવૃત્તાંત ૨૮:૯; ૧ શમૂએલ ૧૬:૬, ૭) આ કલમોથી ઈશ્વર વિશે શું ખબર પડે છે?
પ્રાર્થના કરતી વખતે ભલે આપણાં બધા વિચારો અને બધી લાગણીઓ શબ્દોથી વ્યક્ત ન કરીએ, તોપણ આપણા સર્જનહાર બધું જ જાણે છે. આપણે શું કરીએ છીએ ફક્ત એટલું જ નહિ પણ આપણે શા માટે એમ કરીએ છીએ, એ તે ધ્યાનમાં લે છે. વધુમાં, જે સારી બાબતો કરવાની આપણા મનમાં ઇચ્છા હોય એ પણ તે સમજે છે, ભલે પછી એમ કરવું આપણી ક્ષમતા બહાર કેમ ન હોય! એ કેટલું સાચું છે કે, યહોવાએ આપણા દિલમાં પ્રેમનો મહત્ત્વનો ગુણ મૂક્યો છે, એટલા માટે તે આપણા વિચારો અને ઇરાદાઓ પર ધ્યાન આપવા અને એને સમજવા આતુર છે.—૧ યોહાન ૪:૭-૧૦.
ઈશ્વરના ધ્યાન બહાર કંઈ જતું નથી. ભલે આપણા દુઃખ વિશે બીજાઓને ખબર ન હોય કે તેઓ પૂરી રીતે સમજી શકતા ન હોય પણ ઈશ્વર સમજે છે
શાસ્ત્રમાંથી મળતો ભરોસો
-
“યહોવાની આંખ નેક લોકો પર છે અને તેમના કાન તેઓની વિનંતીઓ સાંભળે છે.”—૧ પીતર ૩:૧૨.
-
ઈશ્વર વચન આપે છે: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.”—ગીતશાસ્ત્ર ૩૨:૮.
ઈશ્વર ઘણી કરુણા બતાવે છે
ઈશ્વર આપણાં સંજોગો અને લાગણીઓ સમજે છે, એ જાણીને શું આપણને તકલીફોનો સામનો કરવા મદદ મળે છે? ચાલો, જોઈએ કે નાઇજીરિયાના બહેન આન્ના સાથે શું બન્યું. તે જણાવે છે: ‘કપરા સંજોગોના કારણે મારા મનમાં સવાલ થવા લાગ્યો કે શું મારા જીવવાનો કોઈ હેતુ છે? મારે નાનકડી દીકરીની એકલા હાથે સંભાળ રાખવી પડતી. તેના મગજમાં પ્રવાહી જમા થઈ ગયું હોવાથી હૉસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. એ જ સમયે ખબર પડી કે મને સ્તન કેન્સર છે. એ માટે મારે ઑપરેશન, કીમોથેરાપી અને રેડિયોથેરાપીની (વિકિરણ-ચિકિત્સાની) જરૂર પડી. મારા માટે એ ઘણું અઘરું હતું, કારણ કે મારી અને મારી બીમાર દીકરીની સારવાર એકસાથે ચાલતી હતી.’
આ તકલીફનો સામનો કરવા આન્નાને ક્યાંથી મદદ મળી? તે કહે છે: ‘હું ફિલિપીઓ ૪:૬, ૭ જેવી કલમો પર ઊંડો વિચાર કરતી, જે આમ જણાવે છે: “ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.” જ્યારે પણ આ કલમ મારા મનમાં આવતી, ત્યારે યહોવા સાથેના ગાઢ સંબંધનો હું અનુભવ કરતી. હું એ વાત યાદ રાખતી કે યહોવા મને મારા કરતાં પણ વધારે જાણે છે. મંડળનાં પ્રેમાળ ભાઈ-બહેનો તરફથી પણ મને ઘણું ઉત્તેજન મળ્યું હતું.’
‘હજુ પણ મારી તબિયત અને મારા સંજોગો સામે હું લડત આપી રહી છું. હવે મારી દીકરીની તબિયતમાં સુધારો આવ્યો છે. યહોવા આપણી પડખે ઊભા છે. એ વાત યાદ રાખવાથી, મુશ્કેલીઓનો સામનો કરતી વખતે નિરાશ કરનારી બાબતોનો વિચાર ન કરવા મદદ મળે છે. યાકૂબ ૫:૧૧માંથી આપણને ખાતરી મળે છે કે, “જેઓ સહન કરે છે તેઓને આપણે સુખી કહીએ છીએ. અયૂબે જે સહન કર્યું એ તમે સાંભળ્યું છે અને યહોવાએ તેમને જે બદલો આપ્યો એ તમે જાણો છે. યહોવા ખૂબ મમતા [‘ઘણી માયા,’ ફુટનોટ] બતાવે છે અને તે દયાળુ છે.”’ અયૂબની તકલીફો યહોવા ઘણી સારી રીતે સમજતા હતા. આપણે પણ પાકી ખાતરી રાખી શકીએ કે આપણી એકેએક તકલીફ યહોવા સારી રીતે સમજે છે.