તમારું ધ્યાન કોના તરફ છે?
‘હે આકાશમાં બિરાજનાર, હું તમારી તરફ મારી આંખો ઊંચી કરું છું.’—ગીત. ૧૨૩:૧.
ગીતો: ૩૨, ૧૮
૧, ૨. યહોવા તરફ ધ્યાન આપવાનો શો અર્થ થાય?
આપણે ‘સંકટના સમયોમાં’ જીવી રહ્યા છીએ, “જે સહન કરવા અઘરા” છે. (૨ તિમો. ૩:૧) પૃથ્વી પર સાચી શાંતિ લાવવા યહોવા દુષ્ટ દુનિયાનો અંત લાવશે. એ આવતા પહેલાં, આપણું જીવન વધારે અઘરું બનશે. એટલે, આપણે પોતાને પૂછવું જોઈએ, ‘મદદ અને માર્ગદર્શન માટે મારું ધ્યાન કોના તરફ હોય છે?’ આપણે કદાચ તરત જ કહીશું, ‘યહોવા તરફ.’ હા, એ જ સાચો જવાબ છે.
૨ યહોવા તરફ ધ્યાન આપવાનો શો અર્થ થાય? તકલીફો વખતે આપણે યહોવા પર આધાર રાખીએ છીએ કે નહિ એની ખાતરી કઈ રીતે કરી શકીએ? વર્ષો પહેલાં, બાઇબલના એક લેખકે સમજાવ્યું હતું કે, મદદ માટે યહોવા તરફ મીટ માંડવી કેટલું જરૂરી છે. (ગીતશાસ્ત્ર ૧૨૩:૧-૪ વાંચો.) તેમણે સમજાવ્યું કે, જે રીતે દાસ પોતાના માલિક તરફ જુએ છે, એ રીતે આપણે યહોવા તરફ ધ્યાન આપીએ. એનો અર્થ શું થાય? ખોરાક અને રક્ષણ માટે દાસ માલિક તરફ જુએ છે, એટલે કે તેમના પર આધાર રાખે છે. પણ, તે સતત પોતાના માલિક તરફ ધ્યાન આપશે તો, તે સમજી શકશે કે માલિક શું ઇચ્છે છે. પછી, તેણે એ પ્રમાણે કરવું જ જોઈએ. એ જ રીતે, યહોવા આપણી પાસેથી શું ચાહે છે, એ સમજવા આપણે બાઇબલનો દરરોજ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. પછી, એ પ્રમાણે કરવું જ જોઈએ. એમ કરીશું તો જ ખાતરી રાખી શકીશું કે, આપણને મદદની જરૂર હશે ત્યારે યહોવા ટેકો આપશે.—એફે. ૫:૧૭.
૩. કઈ બાબતને લીધે યહોવા પરથી આપણું ધ્યાન ફંટાઈ જઈ શકે?
૩ આપણે જાણીએ છીએ કે યહોવા પર સતત ધ્યાન આપવું ઘણું મહત્ત્વનું છે. છતાં, કેટલીક વાર આપણું ધ્યાન ફંટાઈ જઈ શકે. માર્થા સાથે પણ એવું જ થયું હતું, જે ઈસુના સારાં મિત્ર હતાં. તેમનું “ધ્યાન ઘણાં કામોમાં ફંટાઈ ગયું હતું.” (લુક ૧૦:૪૦-૪૨) માર્થા તો ઈશ્વરના વફાદાર ભક્ત હતાં અને ઈસુ પોતે તેમની સાથે હતા, છતાં પણ તેમનું ધ્યાન ફંટાઈ ગયું. તો પછી, આપણી સાથે પણ એવું થાય, એમાં કોઈ નવાઈ નથી! કઈ બાબતને લીધે યહોવા પરથી આપણું ધ્યાન ફંટાઈ શકે? આ લેખમાં આપણે જોઈશું કે, બીજાનાં કાર્યો આપણું ધ્યાન કઈ રીતે ફંટાવી દઈ શકે. આપણે એ પણ શીખીશું કે, યહોવા પર સતત ધ્યાન આપવા શું કરવું જોઈએ.
એક વફાદાર માણસે લહાવો ગુમાવ્યો
૪. વચનના દેશમાં પ્રવેશવાનો લહાવો મુસાએ ગુમાવી દીધો, એનાથી આપણને કેમ નવાઈ લાગી શકે?
૪ માર્ગદર્શન માટે મુસાએ ચોક્કસ યહોવા તરફ મીટ માંડી હતી. વધુમાં, “જે અદૃશ્ય છે તેમને જાણે જોતા હોય તેમ તે અડગ રહ્યા.” (હિબ્રૂઓ ૧૧:૨૪-૨૭ વાંચો.) બાઇબલમાં નોંધેલું છે: ‘મુસા કે જેને યહોવા મોઢામોઢ ઓળખતા હતા, તેમના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયેલમાં ઊઠ્યો નથી.’ (પુન. ૩૪:૧૦) યહોવા સાથેનો સંબંધ આટલો મજબૂત હોવા છતાં, મુસાએ વચનના દેશમાં પ્રવેશવાનો લહાવો ગુમાવી દીધો હતો. (ગણ. ૨૦:૧૨) મુસાએ ઠોકર ખાધી એનું કારણ શું હતું?
૫-૭. ઇઝરાયેલીઓએ ઇજિપ્ત છોડ્યું, એના થોડા જ સમયમાં શું થયું અને મુસા કઈ રીતે વર્ત્યા?
૫ ઇજિપ્ત છોડ્યાને બે મહિના પણ થયા ન હતા ને એક મોટી સમસ્યા ઊભી થઈ હતી. એ સમયે ઇઝરાયેલીઓ સિનાઈ પહાડ પાસે પહોંચ્યા ન હતા. પાણી ન હોવાથી લોકો ફરિયાદ કરી રહ્યા હતા. તેઓએ મુસાની આગળ કચકચ કરવાનું શરૂ કર્યું. છેવટે પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે, યહોવા આગળ મુસા પોકારી ઊઠ્યા: “એ લોકોને માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારવાની અણી પર છે.” (નિર્ગ. ૧૭:૪) યહોવાએ મુસાને સ્પષ્ટ સૂચના આપી. મુસાએ પોતાની લાકડી લઈને હોરેબ પર્વતના ખડક પર મારવાની હતી. એટલે એમાંથી પાણી નીકળવાનું હતું. બાઇબલ જણાવે છે: ‘મુસાએ ઇઝરાયેલના વડીલોના દેખતાં એ પ્રમાણે કર્યું.’ ઇઝરાયેલીઓએ ધરાઈને પાણી પીધું અને સમસ્યાનો ઉકેલ આવ્યો.—નિર્ગ. ૧૭:૫, ૬.
૬ બાઇબલ જણાવે છે કે, મુસાએ એ જગ્યાનું નામ માસ્સાહ અને મરીબાહ પાડ્યું. માસ્સાહ એટલે, ‘પરીક્ષા કરવી.’ મરીબાહ એટલે ‘તકરાર કરવી.’ શા માટે? ‘કેમ કે ઇઝરાયેલ પુત્રોએ તકરાર કરી, ને યહોવા અમારામાં છે કે નહિ, એમ કહીને તેઓએ યહોવાની પરીક્ષા કરી.’—નિર્ગ. ૧૭:૭.
૭ મરીબાહમાં જે થયું, એ વિશે યહોવાને કેવું લાગ્યું? યહોવાને લાગ્યું કે ઇઝરાયેલીઓએ ફક્ત મુસા વિરુદ્ધ નહિ, પણ યહોવા અને તેમના અધિકાર વિરુદ્ધ બંડ પોકાર્યું છે. (ગીતશાસ્ત્ર ૯૫:૮, ૯ વાંચો.) ઇઝરાયેલીઓએ જે કર્યું એ ઘણું ખરાબ હતું, પણ મુસા યોગ્ય રીતે વર્ત્યા હતા. તેમણે યહોવા પર ધ્યાન આપ્યું અને પછી, તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા.
૮. વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓની મુસાફરી પૂરી થવાની હતી ત્યારે શું થયું હતું?
૮ એના ૪૦ વર્ષ પછી, એવી જ બીજી ઘટના બની. વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓની મુસાફરી * શા માટે? પાણી ન હોવાથી ઇઝરાયેલીઓએ ફરીથી ફરિયાદ કરી. (ગણ. ૨૦:૧-૫) પણ, આ વખતે મુસા એક મોટી ભૂલ કરી બેઠા.
પૂરી થવાને આરે હતી. કાદેશ નજીક તેઓ આવી પહોંચ્યા હતા, જે વચનના દેશની સરહદ પાસે આવેલું હતું. આ જગ્યા પણ મરીબાહ નામે ઓળખાઈ.૯. યહોવાએ મુસાને કયું માર્ગદર્શન આપ્યું હતું, પણ મુસાએ શું કર્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૯ લોકોએ બળવો કર્યો ત્યારે મુસા કઈ રીતે વર્ત્યા? ફરીથી તેમણે માર્ગદર્શન માટે યહોવા તરફ મીટ માંડી. પણ આ વખતે યહોવાએ મુસાને ખડક પર લાકડી મારવાનું કહ્યું ન હતું. તેમણે મુસાને જણાવ્યું હતું કે પોતાની લાકડી સાથે લે, લોકોને ખડક પાસે ભેગા કરે અને ખડક સાથે વાત કરે. (ગણ. ૨૦:૬-૮) શું મુસાએ એવું કર્યું? ના. ઇઝરાયેલીઓને લીધે તે એટલા કંટાળ્યા અને ગુસ્સે થયા કે પોકારી ઊઠ્યા: “હવે, હે દંગાખોરો, સાંભળો; શું અમે તમારે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ?” પછી, તેમણે ખડક પર એક વાર નહિ, પણ બે વાર લાકડી મારી.—ગણ. ૨૦:૧૦, ૧૧.
૧૦. મુસાએ જે કર્યું, એના લીધે યહોવા કઈ રીતે વર્ત્યા?
૧૦ મુસા પર યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. (પુન. ૧:૩૭; ૩:૨૬) યહોવા શા માટે એ રીતે વર્ત્યા? એનું એક કારણ હોય શકે કે, યહોવાએ જે નવી સૂચના આપી હતી, એ મુસાએ પાળી ન હતી.
૧૧. ઇઝરાયેલીઓએ શા માટે એમ વિચાર્યું હશે કે એ ચમત્કાર યહોવા તરફથી નથી?
૧૧ યહોવાના ક્રોધનું બીજું એક કારણ પણ હોય શકે. પહેલા મરીબાહમાં મોટા મોટા ખડકો હતા, જે મજબૂત ગ્રેનાઈટના હતા. કોઈ વ્યક્તિ ગ્રેનાઈટના ખડકને ગમે તેટલા જોરથી લાકડી મારે, એમાંથી પાણી નીકળવાની શક્યતા હોતી નથી. બીજા મરીબાહમાં જે ખડકો હતા, એ અલગ પ્રકારના હતા. એ તો ચૂનાના પથ્થર હતા. ચૂનાના પથ્થર પોચાં હોય છે, એટલે એમાં પાણી શોષાય છે અને તળિયે ભેગું થાય છે. એવા ખડકના તળિયે કાણું પાડીને લોકો પાણી મેળવી શકે છે. મુસાએ ખડક સાથે વાત કરવાને બદલે, એના પર લાકડી મારી ત્યારે, ઇઝરાયેલીઓએ શું વિચાર્યું હશે? શું તેઓને એવું લાગ્યું હશે કે પાણી યહોવા તરફથી નહિ, પણ કુદરતી રીતે નીકળી આવ્યું છે? * જોકે, એ વિશે આપણે ખાતરીપૂર્વક કંઈ કહી શકતા નથી.
મુસાએ કઈ રીતે બંડ પોકાર્યું?
૧૨. યહોવા મુસા અને હારૂન પર ગુસ્સે ભરાયા એનું બીજું કારણ શું હોય શકે?
૧૨ મુસા અને હારૂન પર યહોવા ગુસ્સે ભરાયા એનું બીજું એક કારણ પણ હોય શકે. મુસાએ લોકોને કહ્યું હતું: “શું અમે તમારે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ?” મુસાએ “અમે” શબ્દ વાપર્યો, તે કદાચ પોતાના અને હારૂન વિશે કહી રહ્યા હતા. મુસાએ એ શબ્દથી યહોવાનું અપમાન કર્યું હતું. મુસા ચમત્કારનો સંપૂર્ણ શ્રેય યહોવાને આપવાનું ચૂકી ગયા હતા. ગીતશાસ્ત્ર ૧૦૬:૩૨, ૩૩ (કોમન લેંગ્વેજ) જણાવે છે: ‘મરીબાહના ઝરણા પાસે પણ તેઓએ ઈશ્વરને ચીડવ્યા, અને તેઓને લીધે મુસા મુશ્કેલીમાં મૂકાયા. તેઓએ મુસાના હૃદયને એટલું કડવું બનાવ્યું કે તે પોતાના હોઠોથી અવિચારીપણે બોલી ઊઠ્યા.’ * (ગણ. ૨૭:૧૪) યહોવા જે માનના હકદાર હતા, એ માન મુસાએ તેમને આપ્યું નહિ. યહોવાએ મુસા અને હારૂનને કહ્યું: ‘તમે મારા વચન વિરુદ્ધ દંગો કર્યો.’ (ગણ. ૨૦:૨૪) એ તો ગંભીર પાપ કહેવાય!
૧૩. યહોવાએ મુસાને કરેલી સજા કેમ વાજબી હતી?
૧૩ યહોવાએ લોકોને દોરવાનું કામ મુસા અને હારૂનને સોંપ્યું હતું. એટલે તે મુસા અને હારૂન પાસેથી ઘણી અપેક્ષા રાખતા હતા. (લુક ૧૨:૪૮) અગાઉ ઇઝરાયેલીઓની આખી પેઢીને યહોવાએ વચનના દેશમાં પ્રવેશ આપ્યો ન હતો, કારણ કે તેઓએ યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું હતું. (ગણ. ૧૪:૨૬-૩૦, ૩૪) તેથી, મુસાએ બંડ પોકાર્યું ત્યારે યહોવાએ તેમને પણ એવી જ સજા આપી, જે વાજબી હતી. બંડ પોકારનારા બીજા લોકોની જેમ મુસાએ પણ વચનના દેશમાં પ્રવેશવાનો લહાવો ગુમાવ્યો.
તકલીફનું કારણ
૧૪, ૧૫. મુસાએ શા માટે યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું હતું?
૧૪ મુસાએ શા માટે યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું હતું? ગીતશાસ્ત્ર ૧૦૬:૩૨, ૩૩ (કોમન લેંગ્વેજ) જણાવે છે: ‘મરીબાહના ઝરણા પાસે પણ તેઓએ ઈશ્વરને ચીડવ્યા, અને તેઓને લીધે મુસા મુશ્કેલીમાં મૂકાયા. તેઓએ મુસાના હૃદયને એટલું કડવું બનાવ્યું કે તે પોતાના હોઠોથી અવિચારીપણે બોલી ઊઠ્યા.’ ઈશ્વર આગળ બંડ પોકારનારા તો ઇઝરાયેલીઓ હતા, પણ દિલમાં કડવાશ મુસાએ ભરી હતી. તેમણે પોતાના પર કાબૂ રાખ્યો નહિ અને વગર વિચાર્યે બોલી ગયા.
૧૫ મુસાએ બીજાઓનાં કાર્યોની પોતાના પર અસર થવા દીધી અને યહોવા પર ધ્યાન આપવાનું ચૂકી ગયા. લોકોએ પાણી વિશે પહેલી વાર ફરિયાદ કરી ત્યારે, મુસાએ જે ખરું હતું એ કર્યું. (નિર્ગ. ૭:૬) પણ, ઘણાં વર્ષોથી ઇઝરાયેલીઓ બંડ પોકારી રહ્યા હોવાને લીધે, કદાચ તે કંટાળી ગયા હતા. યહોવાને કઈ રીતે મહિમા આપી શકાય, એ વિશે વિચારવાને બદલે મુસાએ તો ફક્ત પોતાનો જ વિચાર કર્યો.
૧૬. મુસાએ જે કર્યું, એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૬ જો મુસા જેવા વફાદાર પ્રબોધકનું ધ્યાન ફંટાઈ ગયું અને તે પાપ કરી બેઠા, તો આપણી સાથે પણ એવું સહેલાઈથી થઈ શકે છે. મુસા વચનના દેશમાં પ્રવેશવાની અણી પર હતા અને આપણે નવી દુનિયામાં પ્રવેશવાની તૈયારીમાં છીએ. (૨ પીત. ૩:૧૩) આપણામાંથી કોઈ પણ એ લહાવો ગુમાવવા ચાહતું નથી. નવી દુનિયામાં પ્રવેશવા માટે આપણે યહોવા પર ધ્યાન આપવાની જરૂર છે, હંમેશાં તેમની ઇચ્છા પૂરી કરવાની જરૂર છે. (૧ યોહા. ૨:૧૭) મુસાની ભૂલથી આપણને બીજું શું શીખવા મળે છે?
બીજાઓનાં કાર્યને લીધે પોતાનું ધ્યાન ફંટાવા દેશો નહિ
૧૭. થાકેલા કે કંટાળેલા હોઈએ ત્યારે કઈ રીતે પોતા પર કાબૂ રાખી શકીએ?
૧૭ થાકી કે કંટાળી જાઓ ત્યારે, હિંમત ન હારો. અમુક વાર આપણે એક જ તકલીફનો વારંવાર સામનો કરીએ છીએ. પરંતુ બાઇબલ કહે છે: “ચાલો, સારું કરવાનું પડતું ન મૂકીએ, કેમ કે જો આપણે થાકીએ નહિ, તો નક્કી કરેલા સમયે લણીશું.” (ગલા. ૬:૯; ૨ થેસ્સા. ૩:૧૩) જ્યારે કોઈ બાબત કે વ્યક્તિને લીધે કંટાળી જઈએ, ત્યારે શું આપણે બોલવા પર અને ગુસ્સા પર કાબૂ રાખીએ છીએ? (નીતિ. ૧૦:૧૯; ૧૭:૨૭; માથ. ૫:૨૨) જ્યારે બીજાઓ આપણને ઉશ્કેરે, ત્યારે આપણે કોપ ‘છોડી દેવો’ જોઈએ કે કોપ કરવાનું યહોવા પર છોડી દેવું જોઈએ. (રોમનો ૧૨:૧૭-૨૧ વાંચો.) એનો અર્થ શો થાય? આપણે ગુસ્સે થવાને બદલે ધીરજથી યહોવાના હાથમાં બાબતો છોડી દેવી જોઈએ. જો જરૂર હશે તો તે ચોક્કસ આપણી તકલીફ માટે કંઈક કરશે. જો આપણે યહોવા પર ધ્યાન આપવાની જગ્યાએ બદલો લેવાનો પ્રયત્ન કરીશું, તો યહોવાને માન આપવાનું ચૂકી જઈશું.
૧૮. માર્ગદર્શન પાળવા વિશે આપણે શું યાદ રાખવું જોઈએ?
હિબ્રૂ. ૧૩:૧૭) ઉપરાંત, ધ્યાન રાખીએ કે, “જે લખેલું છે એની ઉપરવટ” ન જઈએ. (૧ કોરીં. ૪:૬) આપણે યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલીને બતાવી આપીએ છીએ કે, આપણું ધ્યાન યહોવા પર છે.
૧૮ તાજેતરના માર્ગદર્શનને ધ્યાનપૂર્વક પાળો. શું તમને લાગે છે કે યહોવા તરફથી મળતી નવામાં નવી માહિતી તમે પાળો છો? આપણે ભૂતકાળમાં કરતા હતા, એ જ રીતે બાબતો કરવી ન જોઈએ. એના બદલે, યહોવા પોતાના સંગઠન દ્વારા જે નવું માર્ગદર્શન આપે છે, એ તરત લાગુ પાડવું જોઈએ. (૧૯. બીજાઓની ભૂલોની અસર યહોવા સાથેની આપણી મિત્રતા પર ન પડે, એનું કઈ રીતે ધ્યાન રાખી શકીએ?
૧૯ બીજાઓની ભૂલોને લીધે યહોવા સાથેની તમારી મિત્રતા ન જોખમાય એનું ધ્યાન રાખો. જો આપણે યહોવા પર ધ્યાન આપતા હોઈશું, તો તેમની સાથેની મિત્રતા જોખમાય એવું કંઈ નહિ કરીએ કે બીજાઓનાં કાર્યોને લીધે ગુસ્સો નહિ કરીએ. મુસાની જેમ આપણી પાસે સંગઠનમાં જવાબદારી હોય ત્યારે, વધારે ધ્યાન રાખવું જોઈએ. બચવા માટે આપણે દરેકે મહેનત કરવાની છે અને યહોવાની આજ્ઞા પાળવાની છે. (ફિલિ. ૨:૧૨) આપણી પાસે જેટલી વધારે જવાબદારી હશે, યહોવા આપણી પાસે એટલી વધારે અપેક્ષા રાખશે. (લુક ૧૨:૪૮) જો આપણે યહોવાને પ્રેમ કરતા હોઈશું, તો પોતાનું ધ્યાન રાખીશું. આપણે કોઈ પણ બાબતથી પોતાને ઠોકર લાગવા નહિ દઈએ કે કોઈ પણ બાબતને યહોવા માટેના પ્રેમને આડે આવવા નહિ દઈએ.—ગીત. ૧૧૯:૧૬૫; રોમ. ૮:૩૭-૩૯.
૨૦. આપણે શું કરવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ?
૨૦ આપણે મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ. તેથી, એ ઘણું મહત્ત્વનું છે કે યહોવા પર ધ્યાન આપીએ. એમ કરવાથી ‘આકાશોમાં બિરાજમાન’ યહોવા જે ચાહે છે, એ પ્રમાણે આપણે કરી શકીશું. બીજાઓનાં કાર્યોને લીધે યહોવા સાથેની આપણી મિત્રતા જોખમમાં ન મૂકવી જોઈએ. મુસાનો કિસ્સો આપણને મહત્ત્વનો બોધપાઠ શીખવે છે. બીજાઓ ભૂલો કરે ત્યારે, આપણે ગુસ્સે ન થવું જોઈએ. મનમાં ગાંઠ વાળીએ કે, ‘ઈશ્વર યહોવાની આપણા ઉપર દયા થાય ત્યાં સુધી આપણી આંખો તેમના તરફ તાકી રહે.’—ગીત. ૧૨૩:૧, ૨.
^ ફકરો. 8 બીજું એક મરીબાહ રફીદીમ નજીક આવેલું હતું, જે માસ્સાહ નામથી પણ ઓળખાતું હતું. જોકે, બંને જગ્યા મરીબાહ નામથી ઓળખાઈ, કારણ કે ઇઝરાયેલીઓએ ત્યાં તકરાર કે ફરિયાદ કરી હતી.—બાઇબલનો અભ્યાસ કરવા મદદ પુસ્તિકાના વિભાગ ૭ પરનો નકશો જુઓ.
^ ફકરો. 11 બાઇબલના એક નિષ્ણાત કહે છે કે યહુદી માન્યતા મુજબ બંડ કરનારાઓએ દાવો કર્યો હતો કે એ ચમત્કાર ન હતો. કેમ કે એ ખડકમાં પાણી છે, એવું મુસા જાણતા હતા. તેથી, તેઓ ચાહતા હતા કે મુસા બીજા ખડક પર ફરીથી એવો ચમત્કાર કરીને બતાવે. આ તો ફક્ત એક માન્યતા છે.
^ ફકરો. 12 ઑક્ટોબર ૧૫, ૧૯૮૭, ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”