સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા

ઘણા જોશીલા સાક્ષીઓ એવી જગ્યાએ પ્રચાર કરે છે જ્યાં પ્રચારકોની વધારે જરૂર છે. એમાં અનેક કુંવારી બહેનો પણ સામેલ છે. અમુક બહેનો તો દાયકાઓથી બીજા દેશમાં જઈને સેવા કરી રહી છે. વર્ષો પહેલાં કઈ બાબતે તેઓને બીજા દેશમાં જઈને સેવા આપવા મદદ કરી? ત્યાં જઈને સેવા કરવાથી તેઓને શું શીખવા મળ્યું? તેઓનું જીવન આજે કેવું છે? આવી અનેક અનુભવી બહેનો સાથે અમે વાત કરી. જો તમે કુંવારાં બહેન છો અને પ્રચારકામમાં ભાગ લેવાની દિલથી ઇચ્છા રાખો છો, તો અમને ખાતરી છે કે આ અનુભવોથી તમને ચોક્કસ મદદ મળશે. હકીકતમાં, બધા જ યહોવાના સાક્ષીઓ આ દાખલામાંથી ફાયદો ઉઠાવી શકે છે.

શંકાઓ પર જીત મેળવવી

અનિતા

તમે કદાચ વિચારતા હશો, શું એક કુંવારી બહેન બીજા દેશમાં જઈને સેવા કરવામાં સફળ થઈ શકે? બહેન અનિતાનો વિચાર કરો. તે હાલમાં ૭૫ વર્ષનાં છે. પોતાની આવડતોને લઈને તેમનાં મનમાં ઘણી શંકાઓ હતી. તેમનો ઉછેર ઇંગ્લૅન્ડમાં થયો હતો. ૧૮ વર્ષની ઉંમરે તેમણે પાયોનિયરીંગ શરૂ કર્યું હતું. તે કહે છે: ‘લોકોને યહોવા વિશે શીખવવું મને બહુ ગમતું. પણ, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, હું બીજા દેશમાં જઈને સેવા કરી શકું છું. હું ક્યારેય બીજી ભાષા શીખી ન હતી અને હું જાણતી હતી કે એમ કરવું મારા હાથ બહારની વાત છે. તેથી, જ્યારે મને ગિલયડ શાળાનું આમંત્રણ મળ્યું ત્યારે ખૂબ આશ્ચર્ય થયું. મને નવાઈ લાગી કે, મારા જેવી મામૂલી વ્યક્તિને કઈ રીતે આવો લહાવો મળી શકે. પછી મેં વિચાર્યું, જો યહોવાને ભરોસો છે કે હું કરી શકીશ, તો હું ચોક્કસ પ્રયત્ન કરીશ. એ ૫૦ વર્ષ પહેલાંની વાત છે. ત્યારથી લઈને આજ સુધી હું જાપાનમાં મિશનરી તરીકે સેવા આપી રહી છું. ઘણી વાર, હું યુવાન બહેનોને ખુશી ખુશી કહું છું: “સામાન પેક કરો અને સૌથી રોમાંચક કામમાં મારી સાથે જોડાઓ!” મને એ કહેતા ખુશી થાય છે કે, ઘણી બહેનો મારી સાથે જોડાઈ છે.’

હિંમત મેળવવી

બીજા દેશમાં જઈને સેવા કરી છે, એમાંની ઘણી બહેનો શરૂઆતમાં પરદેશ જવા અચકાતી હતી. તેઓએ કઈ રીતે હિંમત ભેગી કરી?

મૉરિન

બહેન મૉરીન હાલમાં ૬૪ વર્ષનાં છે. તે ૨૦ વર્ષનાં હતાં ત્યારે, ક્વિબેક, કેનેડા રહેવાં ગયાં, જ્યાં પાયોનિયરોની વધારે જરૂર હતી. તે કહે છે: ‘નાનપણથી જ હું અર્થસભર જીવન જીવવા માંગતી હતી, જેથી બીજાઓને મદદ મળે. સમય જતાં, મને ગિલયડ શાળામાં જવાનું આમંત્રણ મળ્યું. પણ, મિત્રો વગર અજાણી જગ્યાએ જતા હું ડરતી હતી. મમ્મીને છોડીને જતા પણ હું ડરતી હતી. કેમ કે, તે એકલા જ મારા બીમાર પપ્પાની સંભાળ રાખતાં હતાં. ઘણી રાતો મેં આંસુસહિત પ્રાર્થના કરવામાં વિતાવી અને યહોવા આગળ દિલ ઠાલવ્યું. મારી ચિંતાઓ વિશે મમ્મી-પપ્પા સાથે વાત કરી ત્યારે, તેઓએ મને આમંત્રણ સ્વીકારવા અરજ કરી. મેં એ પણ જોયું કે, મંડળનાં ભાઈ-બહેનો મારાં મમ્મી-પપ્પાની કેટલી સંભાળ રાખી રહ્યાં છે. યહોવાની મદદનો એ પ્રેમાળ હાથ મહેસૂસ કરવાથી મને ખાતરી થઈ કે, યહોવા મારી પણ સંભાળ રાખશે. હવે, હું જવા માટે તૈયાર હતી.’ ૧૯૭૯થી લઈને ૩૦ કરતાં વધુ વર્ષો સુધી મૉરિને પશ્ચિમ આફ્રિકામાં મિશનરી તરીકે સેવા આપી છે. આજે કેનેડામાં તે પોતાની માતાની સંભાળ રાખી રહ્યાં છે અને સાથે સાથે ખાસ પાયોનિયર તરીકે સેવા પણ આપી રહ્યાં છે. પરદેશમાં જઈને સેવામાં વિતાવેલા એ વર્ષોને યાદ કરતા તે કહે છે, ‘યહોવાએ હંમેશાં મારી જરૂરિયાતો પૂરી પાડી છે અને એ પણ જરૂરના સમયે.’

વેન્ડી

બહેન વેન્ડી અત્યારે ૬૫ વર્ષનાં છે. તેમનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો હતો અને ૧૪ વર્ષની ઉંમરે તેમણે પાયોનિયરીંગ શરૂ કર્યું હતું. જૂની વાતો વાગોળતા તે કહે છે: ‘હું ખૂબ શરમાળ હતી અને અજાણ્યાઓ સાથે વાત કરવી મારા માટે બહુ મુશ્કેલ હતું. પણ, પાયોનિયર સેવાથી હું દરેક પ્રકારના લોકો સાથે વાત કરવાનું શીખી અને એમ મારો આત્મવિશ્વાસ વધતો ગયો. હવે મારો શરમાળ સ્વભાવ બાધારૂપ ન હતો. પાયોનિયર સેવાથી હું યહોવા પર નિર્ભર રહેતા શીખી. હવે હું સમુદ્ર પાર જઈને સેવા આપવાના વિચારથી ડરતી ન હતી. એવામાં, એક કુંવારા બહેને મને ૩ મહિના તેમની સાથે જાપાન જઈને પ્રચાર કરવા આમંત્રણ આપ્યું. તેમણે ૩૦ કરતાં વધુ વર્ષો જાપાનમાં મિશનરી તરીકે સેવા આપી હતી. તેમની સાથે કામ કરવાથી બીજા દેશમાં જઈને સેવા આપવાની મારી ઇચ્છા વધારે પ્રબળ થઈ.’ લગભગ ૧૯૮૫માં, ઑસ્ટ્રેલિયાની પૂર્વે ૧૭૭૦ કિ.મી. દૂર આવેલા, વાનુઆટુ નામના ટાપુ પર વેન્ડી સેવા આપવાં ગયાં.

વેન્ડી આજે પણ વાનુઆટુમાં છે. હવે તે ભાષાંતર કેન્દ્રમાં સેવા આપી રહ્યાં છે. તે કહે છે: ‘દૂર દૂરના વિસ્તારોમાં નવાં સમૂહ અને મંડળ બનતાં જોઉં છું ત્યારે મને ખૂબ ખુશી થાય છે. આ ટાપુઓ પર યહોવાના કામમાં મારો નાનો અમથો ફાળો છે એ મારા માટે સન્માનની વાત છે, જેનું વર્ણન શબ્દોમાં કરવું અઘરું છે.’

કુમીકો (વચ્ચે)

કુમીકો હાલમાં ૬૫ વર્ષનાં છે. તે જાપાનમાં નિયમિત પાયોનિયર તરીકે સેવા આપતાં હતાં ત્યારે, તેમનાં સાથી પાયોનિયરે નેપાળ જઈને સેવા આપવા વિશે જણાવ્યું. કુમીકો કહે છે, ‘તે મને વારંવાર પૂછ્યા કરતી અને હું દરેક વખતે ના પાડી દેતી. મને ચિંતા હતી કે, મારે નવી ભાષા શીખવી પડશે અને નવા માહોલમાં પોતાને ઢાળવી પડશે. બીજા દેશમાં જવા માટે પૈસાની પણ તકલીફ હતી. આ ચિંતાઓ સામે લડી રહી હતી એવામાં મારો અકસ્માત થયો અને મારે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ત્યાં મેં વિચાર્યું, “કોણ જાણે, કાલે મારી જોડે શું બનશે? કદાચ ગંભીર બીમારીમાં સપડાઈ જઉં અને બીજા દેશમાં જઈને પ્રચાર કરવાની તક હું ગુમાવી દઉં. શું હું એક વર્ષ માટે પણ સમુદ્ર પાર જઈને સેવા ન કરી શકું?” મેં મદદ માટે યહોવાને કાલાવાલા કર્યા, જેથી યોગ્ય પગલાં ભરી શકું.’ હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી, કુમીકોએ નેપાળની મુલાકાત લીધી. પછીથી તે અને તેમનાં પાયોનિયર સાથી ત્યાં સેવા કરવા માટે ગયાં.

નેપાળમાં પોતાની દસેક વર્ષની સેવાને યાદ કરતા કુમીકો કહે છે, ‘જે મુશ્કેલીઓની ચિંતાઓ મને કોરી ખાતી હતી, એના તો જાણે લાલ સમુદ્રની જેમ ભાગલા પડી ગયા હતા. હું ખૂબ ખુશ છું કે, મેં પ્રચારકોની વધારે જરૂર હોય એવી જગ્યાએ જઈ સેવા આપવાનો નિર્ણય લીધો. ઘણી વાર જ્યારે હું કોઈ કુટુંબને સંદેશો જણાવું, ત્યારે અડોશપડોશના પાંચ-છ લોકો પણ એ સાંભળવા આવી જાય છે. અરે, નાનાં બાળકો પણ મારી પાસે પત્રિકા માંગે છે. જ્યાં લોકો સંદેશામાં રસ બતાવતા હોય, એવા પ્રચારવિસ્તારમાં કામ કરવાથી સાચે જ ખૂબ આનંદ મળે છે.’

પડકારોનો સામનો કરવો

એમાં કોઈ નવાઈ નથી કે, જે હિંમતવાન કુંવારી બહેનો સાથે અમે વાત કરી, તેઓએ અનેક પડકારોનો સામનો કર્યો હતો. તેઓએ કઈ રીતે એને હાથ ધર્યા?

ડાએન

કેનેડાના બહેન ડાએન ૬૨ વર્ષનાં છે. તેમણે ૨૦ વર્ષ સુધી આયવરી કોસ્ટમાં (હવે કોટ ડી આઈવોર) મિશનરી તરીકે સેવા આપી છે. તે કહે છે: ‘શરૂઆતમાં મને ઘરની યાદ બહુ સતાવતી. હું મારા પ્રચારવિસ્તારના લોકોને પ્રેમ કરી શકું માટે મેં યહોવા પાસે મદદ માંગી. ગિલયડ શાળાના અમારા એક શિક્ષક, ભાઈ જેક રેડફર્ડે અમને સમજાવ્યું હતું કે, નવી જગ્યાએ સોંપણી મળે ત્યારે ત્યાંની હાલત જોઈને શરૂઆતમાં અમે કદાચ નિરાશ થઈ જઈએ કે આઘાતમાં સરી જઈએ, ખાસ કરીને ગરીબી જોઈને. પણ તેમણે સલાહ આપતા કહ્યું: “ગરીબીને ના જોતા. લોકો સામે જુઓ, તેઓના ચહેરા જુઓ. બાઇબલ સત્ય સાંભળીને તેઓના ચહેરા પર જે ભાવ છવાઈ જાય, એ જુઓ.” મેં એવું જ કર્યું અને એ સલાહ સાચે જ આશીર્વાદરૂપ નીવડી. જ્યારે હું લોકોને બાઇબલમાંથી દિલાસો આપતો સંદેશો જણાવતી, ત્યારે તેઓની આંખો ચમકી ઊઠતી!’ વધુ ફેરફારો કરવા ડાએનને બીજા શામાંથી મદદ મળી? તે કહે છે: ‘મેં મારા બાઇબલ વિદ્યાર્થીઓ જોડે દોસ્તી બાંધી. તેઓ યહોવાના વફાદાર સેવકો બન્યા એ જોઈને મને ખૂબ જ ખુશી થતી. મારો સોંપણી વિસ્તાર જ મારું ઘર બની ગયું. ઈસુએ વચન આપ્યું હતું તેમ, મને ઘણાં માતા-પિતા અને ભાઈ-બહેનો મળ્યાં છે.’—માર્ક ૧૦:૨૯, ૩૦.

૪૬ વર્ષનાં ઍન નામના બહેન એશિયાના એવા ભાગમાં સેવા કરે છે, જ્યાં આપણાં કામ પર રોક છે. તે કહે છે: ‘વર્ષો દરમિયાન, અલગ અલગ જગ્યાએ સેવા કરતી વખતે હું ઘણી બહેનો સાથે રહી છું. તેઓની રહેણી-કરણી અને વ્યક્તિત્વ મારા કરતાં એકદમ અલગ હતાં. તેથી, ઘણી વાર ગેરસમજ થતી અને અમારી લાગણીઓ દુભાતી. એમ બનતું ત્યારે, હું તેઓને અને તેઓની સંસ્કૃતિને વધારે સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરતી. તેઓ સાથે પ્રેમ અને સમજદારીથી વર્તવા હું ખૂબ મહેનત કરતી. હું ખુશ છું કે મારી એ મહેનત પાણીમાં નથી ગઈ. અમારી મિત્રતા વધુ ગાઢ બની છે અને એનાથી મારી સોંપણીમાં ટકી રહેવા મને મદદ મળી છે.’

ઉટે

જર્મનીના બહેન ઉટે ૫૩ વર્ષનાં છે. ૧૯૯૩માં તેમને મિશનરી તરીકે માડાગાસ્કરમાં સોંપણી મળી. તે કહે છે: ‘શરૂઆતમાં મેં બહુ સંઘર્ષ કર્યો. જેમ કે, નવી ભાષા શીખવા; ભેજવાળી આબોહવામાં પોતાને ઢાળવા; મેલેરિયા અને જીવજંતુઓથી બચવા. પણ, મને ઘણી મદદ મળી. ત્યાંની બહેનો, તેઓનાં બાળકો અને મારા બાઇબલ વિદ્યાર્થીઓએ મને ધીરજથી નવી ભાષા શીખવી. હું બીમાર પડતી ત્યારે, સાથી મિશનરી બહેને મારી ખૂબ કાળજી લીધી. પરંતુ, સૌથી વધારે તો યહોવાએ મને મદદ કરી. હું દરરોજ મારી ચિંતાઓ તેમની આગળ ઠાલવતી. પછી, મારી પ્રાર્થનાઓના જવાબ માટે ધીરજથી રાહ જોતી, અમુક વાર દિવસો સુધી તો અમુક વાર મહિનાઓ સુધી. યહોવાએ મારી દરેક મુશ્કેલીનો ઉકેલ આપ્યો હતો.’ ઉટે છેલ્લાં ૨૩ વર્ષોથી માડાગાસ્કરમાં મિશનરી તરીકે સેવા આપી રહ્યાં છે.

આશીર્વાદોથી સમૃદ્ધ જીવન

પ્રચારકોની જરૂર હોય એવા દેશમાં સેવા આપતાં બીજાં ભાઈ-બહેનોની જેમ, આ કુંવારી બહેનોએ પણ મહેસૂસ કર્યું છે કે, તેઓનું જીવન આશીર્વાદોથી ભરાઈ ગયું છે. ચાલો, અમુક આશીર્વાદો વિશે જોઈએ.

હેડી

જર્મનીના બહેન હેડી આજે ૭૩ વર્ષનાં છે. તે ૧૯૬૮થી આયવરી કોસ્ટમાં (હવે કોટ ડી આઈવોર) મિશનરી તરીકે સેવા આપી રહ્યાં છે. તે કહે છે: ‘મેં જેઓને સત્ય શીખવ્યું એ મારાં બાળકો જેવાં છે. તેઓ “સત્યના માર્ગે ચાલી રહ્યાં છે” એ જોઈને મને ઘણી ખુશી થાય છે. મારા અમુક બાઇબલ વિદ્યાર્થીઓ આજે પાયોનિયર અને મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે. એમાંના ઘણા મને મમ્મી કે દાદી કહીને બોલાવે છે. એમાંના એક વડીલ તો મને તેમના કુટુંબની સભ્ય ગણે છે. આમ, યહોવાએ મને એક દીકરો, વહુ અને ત્રણ પૌત્રો આપ્યાં છે. કેટલો મોટો આશીર્વાદ!’—૩ યોહા. ૪.

કેરન (વચ્ચે)

કેનેડાના બહેન કેરન હાલમાં ૭૨ વર્ષનાં છે. તેમણે ૨૦ કરતાં વધુ વર્ષો સુધી પશ્ચિમ આફ્રિકામાં સેવા કરી છે. તે કહે છે: ‘મિશનરી સેવાથી વધુ પ્રેમાળ અને ધીરજવાન બનવા તેમજ જતું કરવાની ભાવના કેળવવા મદદ મળી છે. અલગ અલગ દેશનાં ભાઈ-બહેનો સાથે કામ કરવાથી મોટું મન કેળવવા મદદ મળી છે. હું શીખી કે, એક કામ કરવાની ઘણી રીતો હોય શકે છે. એ કેટલો મોટો આશીર્વાદ છે કે, દુનિયાભરમાં મારા દોસ્તો છે. સંજોગો અને સોંપણી બદલાતી રહે છે, પણ અમારી દોસ્તી નહિ.’

ઇંગ્લૅન્ડના બહેન માર્ગરેટ ૭૯ વર્ષનાં છે, જેમણે લાઓસ નામના દેશમાં મિશનરી સેવા કરી છે. તે કહે છે: ‘હું અનુભવી શકી કે, યહોવા કઈ રીતે બધી જાતિ અને સંસ્કૃતિના લોકોને પોતાના સંગઠન તરફ દોરી લાવે છે. એનાથી મારી શ્રદ્ધા મજબૂત બની છે. મને પૂરી ખાતરી છે કે, યહોવા પોતાના સંગઠનને દોરી રહ્યા છે અને તેમના હેતુ ચોક્કસ પૂરા થશે.’

આ કુંવારી બહેનોએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. તેઓ શાબાશીના હકદાર છે! (ન્યા. ૧૧:૪૦) તેઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. (ગીત. ૬૮:૧૧) શું તમે જીવનમાં થોડા ફેરફાર કરી શકો? આ લેખમાં જે બહેનો સાથે વાત કરી, તેઓના દાખલાને શું તમે અનુસરી શકો? જો તમે એમ કરશો, તો તમે ચોક્કસ અનુભવશો કે, “યહોવા ઉત્તમ છે.”—ગીત. ૩૪:૮.