સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

ઈસુએ શા માટે સમ ખાવાની નિંદા કરી?

મુસાના નિયમ પ્રમાણે, અમુક સંજોગોમાં યહુદીઓ માટે સમ ખાવું યોગ્ય હતું. જોકે, ઈસુના સમયમાં સમ ખાવું એટલું સામાન્ય બની ગયું હતું કે, યહુદીઓ વાતે-વાતે સમ ખાતા. લોકો તેઓની વાતનો ભરોસો કરે એટલે તેઓ એમ કરતા. પણ ઈસુએ એવા નકામા રિવાજની નિંદા કરી. તેમણે શીખવ્યું હતું: “તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય.”—માથ. ૫:૩૩-૩૭; ૨૩:૧૬-૨૨.

પ્રાચીન યહુદી પરંપરાના લખાણ તાલ્મુડ તરીકે ઓળખાય છે. એ લખાણનો ઉલ્લેખ કરીને થિઓલોજિકલ ડિક્ષનરી ઑફ ધ ન્યુ ટેસ્ટામેન્ટ જણાવે છે કે, ‘યહુદીઓ માટે શપથ લેવી કે સમ ખાવું એકદમ સામાન્ય હતું.’ તાલ્મુડમાં વિગતવાર સમજાવ્યું છે કે, કઈ શપથ તોડી શકાય અને કઈ ન તોડી શકાય.

ઈસુની જેમ બીજાઓએ પણ એ પરંપરાની નિંદા કરી હતી. દાખલા તરીકે, યહુદી ઇતિહાસકાર ફ્લેવીઅસ જોસેફસે એક એવા યહુદી પંથ વિશે લખ્યું હતું, જેઓ નકામા સમ ન ખાતા. એ પંથના લોકોને લાગતું કે, સમ ખાવું તો જૂઠું બોલવાથી પણ વધારે ખરાબ કહેવાય. તેઓ માનતા કે જો કોઈ વ્યક્તિ પોતાની વાત મનાવવા સમ ખાતી હોય, તો જરૂર તે જૂઠું બોલી રહી છે. એક યહુદી પ્રાચીન લખાણ પણ એવું જ કંઈક જણાવે છે: ‘જે માણસ સમ ખાય છે, તે જડમૂળથી જૂઠો છે.’ (ઈક્લેસીયાસ્ટીકસ ૨૩:૧૧) ઈસુએ નકામી વાતો માટે સમ ખાવાની નિંદા કરી, એ કેટલું યોગ્ય હતું. જો આપણે હંમેશાં સાચું બોલતા હોઈશું, તો આપણી વાત મનાવવા લોકો આગળ સમ ખાવાની નોબત જ નહિ આવે.