જીવન સફર
સૈનિક બનીશ . . . પણ ફક્ત ખ્રિસ્તનો!
સનનન કરતી ગોળીઓ મારા તરફ આવી રહી હતી. મેં ધીરેથી મારો સફેદ રૂમાલ ફરકાવ્યો. ગોળીબાર કરી રહેલા સૈનિકોએ બૂમ પાડીને કહ્યું, ‘બહાર આવ.’ બહુ સાવચેતી રાખીને હું તેઓ પાસે ગયો તો ખરો, પણ જાણતો ન હતો કે જીવતો રહીશ કે કેમ. હું એ પરિસ્થિતિમાં કઈ રીતે આવી પડ્યો ચાલો એ વિશે જણાવું.
સાલ ૧૯૨૬માં ગ્રીસના નાનકડા ગામ કરિત્સામાં મારો જન્મ થયો હતો. આઠ બાળકોમાં હું સાતમા નંબરે હતો. મારાં મમ્મી-પપ્પા ખૂબ જ મહેનતુ હતાં.
મારા જન્મના એક વર્ષ પહેલાં મમ્મી-પપ્પાનો ભેટો જૉન પપારિઝોસ નામના બાઇબલ વિદ્યાર્થી સાથે થયો હતો. તે ખૂબ જ વાતોડિયા અને પ્રચારમાં ઉત્સાહી હતા. એ સમયે યહોવાના સાક્ષીઓ બાઇબલ વિદ્યાર્થી તરીકે ઓળખાતા. ભાઈ જૉન જે રીતે શાસ્ત્રને આધારે દલીલો કરતા એનાથી પ્રભાવિત થઈને પપ્પાએ સભાઓમાં જવાનું શરૂ કર્યું. મારી મમ્મીને યહોવા ઈશ્વર પર અડગ શ્રદ્ધા હતી. ભણેલી ન હોવા છતાં, તે દરેક તકનો ઉપયોગ કરીને બીજાઓને પ્રચાર કરતી. દુઃખની વાત છે કે, મારા પપ્પાએ ભાઈ-બહેનોની ભૂલો પર વધારે ધ્યાન આપ્યું અને ધીરે ધીરે સભાઓમાં આવવાનું છોડી દીધું.
મને અને મારાં ભાઈ-બહેનોને બાઇબલ પ્રત્યે માન હતું, પણ જુવાનીના નશાએ અમારું ધ્યાન ભટકાવી દીધું હતું. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધે આખા યુરોપને પોતાના ભરડામાં લીધું. એ અરસામાં એક બનાવે અમારા ગામને હચમચાવી નાખ્યું. પડોશમાં રહેતા મારા પિતરાઈ ભાઈ નિકોલસ સરાસની ગ્રીક લશ્કરે સેનામાં ભરતી કરી દીધી. તે ૨૦ વર્ષનો હતો. બાપ્તિસ્મા લીધે તેને બહુ સમય પણ થયો ન હતો. તેણે ઘણી હિંમતથી સેના અધિકારીને કહ્યું: ‘હું લડાઈ નહિ કરું, કારણ કે હું ખ્રિસ્તનો સૈનિક છું.’ તેના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને ૧૦ વર્ષની સજા ફરમાવવામાં આવી. એ બનાવે અમને હલાવી નાખ્યા!
ગ્રીસ જોડે સંધિ કરનાર એક લશ્કરે ૧૯૪૧માં ગ્રીસમાં પગપેસારો કર્યો. તેઓએ નિકોલસને છોડી દીધો. તે પાછો કરિત્સા આવ્યો. મારા મોટા ભાઈ ઇલિયાસે તેના પર બાઇબલ સવાલોની ઝડી વરસાવી. હું ધ્યાનથી તેઓની વાતચીત સાંભળતો. સમય જતાં, મેં, ઇલિયાસ અને અમારી સૌથી નાની બહેન ઇફમોર્ફિયાએ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને
સભાઓમાં જવા લાગ્યા. પછીના વર્ષે અમે બાપ્તિસ્મા લીધું. પછીથી, મારાં બીજાં ચાર ભાઈ-બહેનો પણ સત્યમાં આવ્યાં.૧૯૪૨માં કરિત્સાના મંડળમાં ૧૫થી ૨૫ વર્ષના ૯ ભાઈ-બહેનો હતાં. અમે જાણતા હતા કે જલદી જ અમારી અગ્નિપરીક્ષા થશે. તેથી, શક્ય હોય ત્યારે અમે ભેગા મળીને બાઇબલનો અભ્યાસ કરતા, ગીતો ગાતાં અને પ્રાર્થના કરતા. એના લીધે અમારી શ્રદ્ધા મક્કમ બની.
આંતરવિગ્રહ
બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થવા આવ્યું ત્યારે ગ્રીક સામ્યવાદી જૂથે સરકાર વિરુદ્ધ બંડ પોકાર્યું. એના લીધે અંદરોઅંદર લડાઈ ફાટી નીકળી. એ જૂથ ગામેગામ ફરીને લોકોને તેઓ સાથે જોડાવવા દબાણ કરતું. તેઓએ અમારા ગામમાં ધાડ પાડી. તેઓ મને, એન્ટોનિયો ત્સૉકારિસ અને ઇલિયાસને જબરજસ્તી સાથે લઈ ગયા. અમે તેઓને કાલાવાલા કર્યા કે, અમે ખ્રિસ્તીઓ છીએ અને લડાઈમાં ભાગ લેતા નથી. છતાં, તેઓએ બળજબરી કરી અને બાર કલાક દૂર આવેલા ઑલિમ્પસ પહાડ પર લઈ ગયા.
ત્યાર પછી, એક સામ્યવાદી અધિકારીએ અમને ધાડ પાડનાર જૂથમાં સામેલ થવાનો હુકમ કર્યો. અમે તેને જણાવ્યું કે, અમે હથિયાર નહિ ઉઠાવીએ ત્યારે, તે અમને ઘસડીને મોટા અધિકારી પાસે લઈ ગયો. અમારો અફર નિર્ણય સાંભળીને તેણે અમને હુકમ કર્યો, ‘તો પછી ખચ્ચર લો અને ઘાયલ સૈનિકોને હૉસ્પિટલ પહોંચાડો.’
અમે કહ્યું: ‘પણ જો સરકારી સૈનિકો અમને પકડી લે તો? શું તેઓ એમ નહિ સમજે કે અમે તેઓના વિરોધી લડવૈયાઓ છીએ?’ તેણે કહ્યું: ‘તો સૌથી આગળની હરોળમાં ફરજ બજાવતા સૈનિકો સુધી ખાવાનું પહોંચાડો.’ અમે દલીલ કરી: ‘પણ જો કોઈ અધિકારી અમને ખચ્ચર સાથે જુએ અને એ સૈનિકો સુધી હથિયાર પહોંચાડવાનો આદેશ કરે તો?’ ખૂબ વિચારીને છેવટે તેણે કહ્યું: ‘તમે ઘેટાંની સંભાળ તો રાખી જ શકો ને? પહાડ પર રહો અને ઘેટાંની સંભાળ લો.’
રમખાણોએ જોર પકડ્યું. અમને ત્રણેયને લાગ્યું કે, ઘેટાની સંભાળ લેવામાં કોઈ વાંધો નથી. એ કામ કરવામાં અમારું દિલ ડંખતું ન હતું. એક વર્ષ પછી, ઇલિયાસને ઘરે જવાની પરવાનગી મળી. કારણ કે, તે સૌથી મોટો હતો અને વિધવા માને કાળજીની જરૂર હતી. એન્ટોનિયો બીમાર પડ્યો અને તેને પણ આઝાદ કરવામાં આવ્યો. હું એકલો બાકી રહી ગયો.
એ દરમિયાન, ગ્રીક સેના બધા સામ્યવાદી જૂથ પર હુમલો કરવા આગળ વધી. મને કેદ કરનાર જૂથ પહાડોમાં થઈને ભાગી રહ્યું હતું, જેથી નજીકમાં આવેલા આલ્બેનિયામાં શરણ લઈ શકે. અમે સરહદની નજીક જ હતા અને ગ્રીક સૈનિકોએ અમને ઘેરી લીધા. બળવાખોરો ઊભી પૂંછડીએ ભાગી ગયા. હું એક ટૂટેલા ઝાડ પાછળ સંતાઈ ગયો. શરૂઆતમાં જણાવ્યું હતું તેમ સૈનિકોએ મારા પર ગોળીબાર કર્યો અને શરણાગતિ માટે મેં રૂમાલ ફરકાવ્યો.
મેં ગ્રીક સૈનિકોને જણાવ્યું કે, સામ્યવાદી જૂથે મને બંદી બનાવ્યો હતો. વધુ તપાસ માટે તેઓએ મને વેરોઈ નજીક આવેલા લશ્કરી છાવણીમાં મોકલ્યો, જે બાઇબલ સમયમાં બેરીઆ તરીકે ઓળખાતું. મને હુકમ કરવામાં આવ્યો કે હું સૈનિકોને છુપાવવા માટેના ખાડા ખોદું. મેં એનો નકાર કરી દીધો. એટલે, મોટા અધિકારીએ મને સજા ફટકારી અને બંદી બનાવીને મેક્રોનીસોસ નામના ભયાનક ટાપુ પર મોકલી દીધો.
ભયાનક ટાપુ
મેક્રોનીસોસ ટાપુ એટીકાના કાંઠા પર આવેલો છે અને એથેન્સથી લગભગ ૫૦ કિ.મી.ના અંતરે છે. ધગધગતી ભઠ્ઠીમાં શેકાતો એ ટાપુ સાવ ઉજ્જડ, સૂકો અને પથરાળ છે. એ ફક્ત ૧૩ કિ.મી. લાંબો અને ૨.૫ કિ.મી. પહોળો છે. આટલો નાનો હોવા છતાં, ૧૯૪૭થી લઈને ૧૯૫૮ સુધીમાં ત્યાં ૧,૦૦,૦૦૦ બંદીઓને કેદ કરવામાં આવ્યા હતા. એમાં સક્રિય અને શંકાસ્પદ સામ્યવાદીઓ, અગાઉના વિરોધી લડવૈયા અને ઘણા સાક્ષીઓ હતા.
૧૯૪૯ની શરૂઆતમાં મને ત્યાં લઈ જવામાં આવ્યો. કેદીઓને અલગ અલગ છાવણીઓમાં વહેંચી દેવામાં આવ્યા હતા. મને અને બીજા હજારો માણસોને એવી છાવણીમાં મૂકવામાં આવ્યા, જ્યાં ચાંપતા બંદોબસ્તની જરૂર ન હતી. ૧૦ લોકો સૂઈ શકે એવા તંબુમાં લગભગ ૪૦ લોકોએ સૂવું પડતું. એકદમ ગંધાતા પાણી અને દાળ અને રીંગણાં પર અમે નભતા. સતત ઊડતી ધૂળ અને પવને અમારું જીવન અઘરું બનાવી દીધું હતું. પણ, એક વાતની રાહત હતી કે અમારે ઢોરની જેમ ભારે પથ્થરો ખેંચી લાવવાના ન હતા. કમર તોડી નાખતી એ યાતનાને લીધે ઘણા કેદીઓ માનસિક અને શારીરિક રીતે પડી ભાંગ્યા હતા.
એક દિવસે, દરિયા કિનારે ચાલી રહ્યો હતો ત્યારે, બીજી છાવણીના અનેક સાક્ષીઓને મળ્યો. એ નિર્જીવ ટાપુ પર ભાઈ-બહેનોને મળવાથી જીવમાં જીવ આવ્યો. અમે શક્ય હોય ત્યારે એકબીજાને મળતા, પણ ઝડપાઈ ન જઈએ એનું ધ્યાન રાખતા. સમજી-વિચારીને અમે બીજા કેદીઓને પ્રચાર પણ કરતા. તેઓમાંના અમુક પછીથી સાક્ષીઓ બન્યા. એકબીજાના સાથ અને પ્રાર્થનાઓને લીધે અમે શ્રદ્ધામાં ટકી શક્યા.
આકરી કસોટી
૧૦ મહિના પછી ત્યાંના અધિકારીઓને લાગ્યું કે, મારી અક્કલ ઠેકાણે આવી ગઈ હશે. તેઓએ મને સેનાનો યુનિફૉર્મ પહેરવા કહ્યું. મેં ચોખ્ખી ના પાડી દીધી. તેઓ મને ઘસડીને છાવણીના મોટા અધિકારી પાસે લઈ ગયા. મેં તેઓને મારો નિર્ણય લેખિતમાં આપ્યો, ‘હું ફક્ત ખ્રિસ્તનો સૈનિક બની રહેવા માંગું છું.’ તેઓએ મને ધમકી આપી અને બીજા એક અધિકારીને હવાલે કરી દીધો. તે ગ્રીક ઑર્થોડૉક્સ પાદરી હતો અને ધાર્મિક પોશાકમાં હતો. તેના એકેએક સવાલોના જવાબ મેં શાસ્ત્રમાંથી આપ્યા. તે ગુસ્સામાં બરાડી ઊઠ્યો: ‘આને અહીંયાથી લઈ જાઓ. તે પાગલ થઈ ગયો છે!’
બીજી સવારે સૈનિકોએ ફરી એક વાર સેનાનો યુનિફૉર્મ પહેરવાનો આદેશ આપ્યો. મેં નકાર કર્યો ત્યારે, તેઓએ મને મુક્કા માર્યા અને દંડાથી ફટકાર્યો. મારા હાડકાં ભાંગી નથી ગયા એની તપાસ કરવા તેઓ મને છાવણીના ચિકિત્સાલયમાં લઈ ગયા. પછી, ઢસડીને મારા તંબુમાં લઈ ગયા. બે મહિના સુધી રોજેરોજ આવું ચાલ્યું.
હું તડજોડ કરવા તૈયાર ન હતો, એટલે ગુસ્સે ભરાયેલા સૈનિકોએ નવો કીમિયો અજમાવ્યો. તેઓ મારા હાથ પાછળ બાંધી દેતા અને પગની પાનીએ દોરડાથી માર મારતા. એ અસહ્ય વેદનામાં મને ઈસુના શબ્દો યાદ આવતા: “જ્યારે લોકો મારે લીધે તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે . . . ત્યારે તમે સુખી છો. તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો, કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે; તેઓએ તમારી અગાઉ પ્રબોધકોની પણ આ રીતે સતાવણી કરી હતી.” (માથ. ૫:૧૧, ૧૨) ચાબખા પડતા ત્યારે એકએક પળ સદીઓ જેવી લાગતી. છેવટે, હું બેભાન થઈ ગયો.
ભાનમાં આવ્યો ત્યારે, ઠંડીગાર જેલમાં હતો. ત્યાં ન ખાવાનું મળતું, ના પીવાનું, ન ઓઢવાનું. એવી હાલતમાં પણ મેં શાંતિનો અહેસાસ કર્યો. બાઇબલના વચન પ્રમાણે “ઈશ્વરની શાંતિ” મારાં ‘હૃદયો અને વિચારોનું રક્ષણ’ કરતી હતી. (ફિલિ. ૪:૭, ફૂટનોટ) બીજા દિવસે, એક દયાળુ સૈનિકે મને ખાવાનું અને પાણી આપ્યું. તેણે મને એક ગરમ કોટ પણ આપ્યો. બીજા એક સૈનિકે તેના ભાગનું ખાવાનું મને આપી દીધું. આ અને બીજી અનેક રીતોએ હું યહોવાનો પ્રેમાળ હાથ મહેસૂસ કરી શક્યો.
અધિકારીઓને લાગતું કે મને સુધારવા મહેનત કરવી એ તો પથ્થર પર પાણી છે. તેઓ સુનાવણી માટે મને એથેન્સની કોર્ટમાં લઈ ગયા. કોર્ટે મને ત્રણ વર્ષની સજા સુણાવી અને ગાયરોસની જેલમાં મોકલી દીધો, જે મેક્રોનીસોસથી આશરે ૫૦ કિ.મી. દૂર આવેલા એક ટાપુ પર હતી.
‘તમારા પર ભરોસો કરી શકાય છે’
ગાયરોસની જેલ લાલ ઈંટોથી બનેલો એક મોટો કિલ્લો હતો. એમાં આશરે ૫,૦૦૦ કેદીઓ હતા, જેઓએ સરકાર વિરુદ્ધ બંડ પોકાર્યું હતું. તેઓમાં ૭ યહોવાના સાક્ષીઓ પણ હતા, જેઓ પોતાની શ્રદ્ધાને લીધે કેદમાં હતા. ત્યાં ભેગા મળવા પર સખત પ્રતિબંધ હતો, છતાં અમે ચોરી-છૂપે ભેગા મળીને બાઇબલ અભ્યાસ કરતા. અમને નિયમિત રીતે ચોકીબુરજની પ્રતો મળતી, જે ગુપ્ત રીતે અમારા
સુધી પહોંચાડવામાં આવતી. અમે તેની નકલ ઉતારતા જેથી એનો અભ્યાસ કરી શકીએ.એક દિવસે અમે છૂપી રીતે અભ્યાસ કરતા હતા ત્યારે, એક હવાલદાર અમને જોઈ ગયો અને અમારું સાહિત્ય જપ્ત કરી દીધું. તે અમને મોટા અધિકારી પાસે લઈ ગયો. અમને ગળા સુધી ખાતરી હતી કે, અમારી સજા લંબાવવામાં આવશે, પણ એ અધિકારીએ કહ્યું: ‘અમે જાણીએ છીએ કે તમે કેવા લોકો છો. તમારી શ્રદ્ધાની અમે કદર કરીએ છીએ. તમારા પર ભરોસો કરી શકાય છે. જાઓ, પાછા કામે લાગી જાઓ.’ તેણે અમારામાંથી અમુકને હળવાં કામ સોંપ્યાં. જેલમાં પણ અમારી શ્રદ્ધાને લીધે યહોવાને મહિમા મળી શક્યો, એ જોઈને અમારું હૃદય ગદ્ગદિત થઈ ગયું.
અમારી અડગ શ્રદ્ધાના બીજાં પણ સારાં પરિણામ આવ્યાં. અમારું સારું વર્તન એક કેદીના ધ્યાનમાં આવ્યું, જે ગણિતનો પ્રોફેસર હતો. તેણે આપણી માન્યતા વિશે વધુ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી. ૧૯૫૧ની શરૂઆતમાં અમારી જોડે તેને પણ છોડવામાં આવ્યો. સમય જતાં, તેણે બાપ્તિસ્મા લીધું અને પૂરા સમયનો સેવક બન્યો.
આજે પણ ખ્રિસ્તનો સૈનિક છું
જેલથી છૂટ્યા પછી હું કરિત્સામાં મારા કુટુંબ પાસે પાછો આવ્યો. પછીથી, બીજા ઘણા દેશવાસીઓની જેમ હું ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં સ્થાયી થયો. ત્યાં મેં જેનેટ જોડે લગ્ન કર્યું, જે યહોવાની ભક્તિમાં ઘણી ઉત્સાહી હતી. અમે અમારાં દીકરા અને ત્રણ દીકરીઓને સત્યમાં ઉછેર્યાં છે.
હું ૯૦ની ઉંમર વટાવી ચૂક્યો છું. એક વડીલ તરીકે સેવા આપું છું. પાછલા દિવસોના જખમને લીધે મારા શરીરમાં અને પગની પાનીમાં દુઃખાવો ઉપડે છે, ખાસ તો પ્રચારમાંથી પાછો આવું ત્યારે. જોકે, મારા નિર્ણયમાં આજે પણ અડીખમ છું, હું ફક્ત ‘ખ્રિસ્તનો સૈનિક’ બની રહેવા માંગું છું.—૨ તિમો. ૨:૩.