પહેલો શમુએલ ૮:૧-૨૨

  • ઇઝરાયેલીઓ રાજા માંગે છે (૧-૯)

  • શમુએલ લોકોને ચેતવણી આપે છે (૧૦-૧૮)

  • યહોવા લોકોની માંગ સ્વીકારે છે (૧૯-૨૨)

 શમુએલ વૃદ્ધ થયો હોવાથી, તેણે પોતાના દીકરાઓને ઇઝરાયેલ પર ન્યાયાધીશો* બનાવ્યા. ૨  તેના મોટા દીકરાનું નામ યોએલ અને નાના દીકરાનું નામ અબિયા+ હતું. તેઓ બેર-શેબામાં ન્યાયાધીશો હતા. ૩  શમુએલના દીકરાઓ પોતાના પિતાના માર્ગે ચાલતા ન હતા. તેઓ બેઈમાની કરીને ફાયદો ઉઠાવતા.+ તેઓ લાંચ લેતા+ અને ન્યાય ઊંધો વાળતા.+ ૪  સમય જતાં, ઇઝરાયેલના બધા વડીલો ભેગા થઈને શમુએલ પાસે રામા શહેરમાં આવ્યા. ૫  વડીલોએ તેને કહ્યું: “હવે તમે વૃદ્ધ થયા છો અને તમારા દીકરાઓ તમારા માર્ગે ચાલતા નથી. એટલે બીજી બધી પ્રજાઓની જેમ ન્યાય કરવા અમારા માટે રાજા પસંદ કરો.”+ ૬  તેઓએ જ્યારે કહ્યું કે “ન્યાય કરવા અમારા માટે રાજા પસંદ કરો,” ત્યારે શમુએલનું દિલ દુભાયું. તેણે યહોવાને પ્રાર્થના કરી. ૭  યહોવાએ શમુએલને કહ્યું: “લોકો જે કહે એ બધું સાંભળ, કેમ કે તેઓએ તારો નહિ, મારો નકાર કર્યો છે. તેઓએ મને રાજા તરીકે નાપસંદ કર્યો છે.+ ૮  હું ઇજિપ્તમાંથી તેઓને બહાર કાઢી લાવ્યો, એ દિવસથી આજ સુધી તેઓ મારો ત્યાગ કરતા આવ્યા છે+ અને બીજા દેવોને પૂજતા આવ્યા છે.+ તેઓ મારી સાથે જે રીતે વર્ત્યા છે, એ રીતે તારી સાથે વર્તે છે. ૯  પણ તું તેઓનું સાંભળ અને સાફ ચેતવણી આપ. તેઓને જણાવ કે તમારા પર રાજ કરનાર રાજા તમારી પાસેથી મન ફાવે એવી માંગ કરશે અને એ તેનો હક ગણાશે.” ૧૦  એટલે જે લોકો રાજા માંગતા હતા, તેઓને શમુએલે યહોવાના બધા શબ્દો કહી સંભળાવ્યા. ૧૧  શમુએલે કહ્યું: “તમારા પર રાજ કરનાર રાજાને આવી માંગ કરવાનો હક હશે:+ તમારા દીકરાઓને તે પોતાના રથો માટે લઈ જશે+ અને તેઓને ઘોડેસવારો બનાવશે.+ અમુકને તો રથોની આગળ દોડાવશે. ૧૨  એ રાજા પોતાના માટે તેઓને હજાર હજાર પર+ અને પચાસ પચાસ પર+ મુખીઓ તરીકે નીમશે. અમુક તેના માટે ખેતર ખેડશે+ અને કાપણી કરશે.+ અમુક તેના માટે યુદ્ધનાં હથિયારો બનાવશે અને રથોનાં સાધનો બનાવશે.+ ૧૩  તે તમારી દીકરીઓને લઈ જઈને અત્તર બનાવવાનું, રાંધવાનું અને ભઠિયારણનું કામ કરાવશે.+ ૧૪  તે તમારાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનવાડીઓની+ સારામાં સારી ઊપજ લઈ લેશે અને પોતાના ચાકરોને આપી દેશે. ૧૫  તે તમારાં ખેતરો અને દ્રાક્ષાવાડીઓનો દસમો ભાગ લઈને પોતાના રાજદરબારીઓને અને ચાકરોને આપશે. ૧૬  તે તમારાં દાસ-દાસીઓ અને તમારાં સૌથી સારાં ઢોરઢાંક તથા ગધેડાં લઈ લેશે અને પોતાનાં કામમાં એનો ઉપયોગ કરશે.+ ૧૭  તે તમારાં ઘેટાં-બકરાંનો દસમો ભાગ લેશે+ અને તમે તેના દાસ બની જશો. ૧૮  એવો દિવસ આવશે જ્યારે પસંદ કરેલા રાજાને લીધે તમે તોબા તોબા પોકારી ઊઠશો.+ પણ એ દિવસે યહોવા તમને કોઈ જવાબ નહિ આપે.” ૧૯  જોકે લોકોએ શમુએલની વાત પર જરાય ધ્યાન આપ્યું નહિ અને કહ્યું: “ના, અમારે તો રાજા જોઈએ જ! ૨૦  અમે પણ બીજી બધી પ્રજાઓ જેવા બનીશું. અમારો રાજા અમારો ન્યાય કરશે, અમને માર્ગદર્શન આપશે અને અમારા માટે યુદ્ધો લડશે.” ૨૧  શમુએલે લોકોની બધી વાત સાંભળી અને પછી એ વાત યહોવાને જણાવી. ૨૨  યહોવાએ શમુએલને કહ્યું: “તેઓના કહેવા પ્રમાણે તેઓ પર રાજ કરવા રાજા પસંદ કર.”+ પછી શમુએલે ઇઝરાયેલના લોકોને કહ્યું: “તમે પોતપોતાનાં શહેરમાં પાછા જાઓ.”

ફૂટનોટ