લૂક ૧૦:૧-૪૨

  • ઈસુ ૭૦ ને મોકલે છે (૧-૧૨)

  • પસ્તાવો ન કરનારાં શહેરોને હાય હાય (૧૩-૧૬)

  • ૭૦ પાછા ફરે છે (૧૭-૨૦)

  • પિતાએ નમ્ર પર કૃપા કરી અને ઈસુએ પિતાની સ્તુતિ કરી (૨૧-૨૪)

  • ભલા સમરૂનીનું ઉદાહરણ (૨૫-૩૭)

  • માર્થા અને મરિયમની ઈસુ મુલાકાત લે છે (૩૮-૪૨)

૧૦  એ બનાવો પછી ઈસુએ* બીજા ૭૦ શિષ્યોને પસંદ કર્યા. તે જે જે શહેર અને જગ્યાએ જવાના હતા, ત્યાં પોતાની આગળ બબ્બેને મોકલ્યા.+ ૨  તેમણે તેઓને કહ્યું: “સાચે જ ફસલ તો ઘણી છે, પણ મજૂરો થોડા છે. એટલે ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે તે વધારે મજૂરો મોકલે.+ ૩  જાઓ, હું તમને વરુઓની વચ્ચે ઘેટાં જેવા મોકલું છું.+ ૪  પૈસાની થેલી કે ખોરાકની ઝોળી ન લો. ચંપલ ન લો+ અને રસ્તા પર કોઈને સલામ ન કરો.* ૫  જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પહેલા કહો: ‘આ ઘરને શાંતિ થાઓ.’+ ૬  જો કોઈ શાંતિપ્રિય માણસ ત્યાં હશે, તો તમારી શાંતિ તેના પર રહેશે. જો નહિ હોય તો એ તમારી પાસે પાછી આવશે. ૭  એ ઘરમાં રહો.+ તેઓ જે આપે એ ખાઓ-પીઓ,+ કેમ કે મજૂર પોતાની મજૂરી મેળવવા માટે હકદાર છે.+ તમે રહેવા માટે એક ઘરથી બીજા ઘરે જશો નહિ. ૮  “જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે ત્યારે, તમારી આગળ જે કંઈ મૂકે એ ખાઓ. ૯  ત્યાંના બીમાર લોકોને સાજા કરો અને તેઓને જણાવો: ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’+ ૧૦  જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર ન કરે તો એના મુખ્ય રસ્તાઓ પર જઈને કહો: ૧૧  ‘તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગી હતી, એ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ.+ પણ ધ્યાનમાં રાખો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે.’ ૧૨  હું તમને જણાવું છું કે ન્યાયના દિવસે એ શહેર કરતાં સદોમની દશા વધારે સારી હશે.+ ૧૩  “ઓ ખોરાઝીન, તને હાય હાય! ઓ બેથસૈદા, તને હાય હાય! જો તમારાંમાં થયેલાં શક્તિશાળી કામો તૂર અને સિદોનમાં* થયાં હોત, તો તેઓએ ઘણા સમય પહેલાં કંતાન ઓઢીને અને રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત.+ ૧૪  એટલે ન્યાયના દિવસે* તમારાં કરતાં તૂર અને સિદોનની દશા વધારે સારી હશે. ૧૫  ઓ કાપરનાહુમ, શું તું એમ માને છે કે તને આકાશ સુધી ઊંચું કરાશે? તું તો નીચે કબરમાં* જશે! ૧૬  “જે કોઈ તમારું સાંભળે છે, તે મારું પણ સાંભળે છે.+ જે કોઈ તમારો સ્વીકાર કરતો નથી, તે મારો પણ સ્વીકાર કરતો નથી. જે કોઈ મારો સ્વીકાર કરતો નથી, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરતો નથી.”+ ૧૭  પછી ૭૦ શિષ્યો ખુશ થતાં થતાં પાછા આવ્યા અને કહ્યું: “માલિક, તમારા નામથી દુષ્ટ દૂતો પણ અમને આધીન થયા.”+ ૧૮  તેમણે તેઓને કહ્યું: “હું જોઉં છું કે શેતાન* વીજળીની જેમ સ્વર્ગમાંથી પડ્યો છે.+ ૧૯  જુઓ! મેં તમને સાપો અને વીંછીઓને પગ નીચે કચડી નાખવાનો અધિકાર આપ્યો છે. મેં તમને દુશ્મનની બધી તાકાત પર અધિકાર આપ્યો છે.+ તમને જરાય નુકસાન થશે નહિ. ૨૦  દુષ્ટ દૂતો તમને આધીન કરવામાં આવ્યા છે એ માટે ખુશ ન થાઓ, પણ તમારાં નામ સ્વર્ગમાં લખાયેલાં છે એ માટે ખુશ થાઓ.”+ ૨૧  એ જ ઘડીએ ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થયા અને તેમની ખુશીનો કોઈ પાર ન હતો. તે બોલી ઊઠ્યા: “હે પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ, હું બધા આગળ તમારી સ્તુતિ કરું છું. તમે આ વાતો શાણા અને જ્ઞાની લોકોથી+ સંતાડી રાખી છે, પણ નાનાં બાળકો જેવા નમ્ર લોકોને જણાવી છે. હા પિતા, એમ કરવું તમને પસંદ પડ્યું છે.+ ૨૨  મારા પિતાએ મને બધું જ સોંપી દીધું છે. પિતા સિવાય બીજું કોઈ જાણતું નથી કે દીકરો કોણ છે. પિતાને પણ કોઈ જાણતું નથી. ફક્ત દીકરો જાણે છે અને દીકરો જેને જણાવવા ચાહે છે,+ તેના સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.”+ ૨૩  પછી તેમણે શિષ્યો તરફ ફરીને ખાનગીમાં કહ્યું: “તમે જે જુઓ છો, એ જેઓ જુએ છે તેઓ સુખી છે.+ ૨૪  હું તમને કહું છું, તમે જે જુઓ છો એ જોવાની ઘણા પ્રબોધકો અને રાજાઓની ઇચ્છા હતી, પણ તેઓને એ જોવા ન મળ્યું.+ તમે જે સાંભળો છો એ સાંભળવાની તેઓની ઇચ્છા હતી, પણ તેઓને એ સાંભળવા ન મળ્યું.” ૨૫  નિયમશાસ્ત્રનો એક પંડિત ઈસુની કસોટી કરવા ઊભો થયો. તેણે પૂછ્યું: “ગુરુજી, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”+ ૨૬  તેમણે તેને કહ્યું: “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? એ વાંચીને તને શું સમજણ પડી?” ૨૭  તેણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા બળથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ તેમ જ ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’”+ ૨૮  તેમણે તેને જણાવ્યું: “તેં ખરું કહ્યું. એમ કરતો રહેજે અને તને જીવન મળશે.”+ ૨૯  એ માણસે પોતાને ન્યાયી ઠરાવવા+ ઈસુને પૂછ્યું: “મારો પડોશી ખરેખર કોણ છે?” ૩૦  જવાબમાં ઈસુએ કહ્યું: “એક માણસ યરૂશાલેમથી નીચે યરીખો શહેર જતો હતો. તે લુટારાઓનો શિકાર બન્યો. તેઓએ તેનાં કપડાં ઉતારી લીધાં, તેને માર માર્યો અને અધમૂઓ મૂકીને જતા રહ્યા. ૩૧  એવું બન્યું કે એક યાજક એ રસ્તેથી જતો હતો. પણ એ માણસને જોઈને યાજક સામેની બાજુથી ચાલ્યો ગયો. ૩૨  એવી જ રીતે, એક લેવી એ જગ્યાએ આવ્યો અને તેને જોયો. એ લેવી પણ સામેની બાજુથી ચાલ્યો ગયો. ૩૩  એ રસ્તે એક સમરૂની+ મુસાફરી કરતો કરતો ત્યાં આવી પહોંચ્યો. એ માણસને જોઈને તેનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. ૩૪  તે તેની પાસે ગયો. તેના ઘા પર તેલ અને દ્રાક્ષદારૂ રેડીને પાટા બાંધ્યા. તેને પોતાના જાનવર પર નાખીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સંભાળ રાખી. ૩૫  પછીના દિવસે તેણે ધર્મશાળાની દેખરેખ રાખનારને બે દીનાર* આપ્યા. તેણે કહ્યું, ‘તેની સંભાળ રાખજે. આના સિવાય જે કંઈ ખર્ચ થાય, એ હું પાછો આવીશ ત્યારે ભરી આપીશ.’ ૩૬  તને શું લાગે છે, પેલા લુટારાઓનો શિકાર બનેલા માણસનો પડોશી+ આ ત્રણમાંથી કોણ બન્યો?” ૩૭  તેણે કહ્યું: “જે તેની સાથે દયાથી વર્ત્યો તે.”+ ઈસુએ કહ્યું: “જા, તું પણ એમ કર.”+ ૩૮  તેઓ પોતાના માર્ગે જતા હતા ત્યારે તેઓ એક ગામમાં ગયા. માર્થા+ નામની એક સ્ત્રીએ તેમને પોતાના ઘરે મહેમાન તરીકે આવકાર આપ્યો. ૩૯  મરિયમ નામની તેની એક બહેન પણ હતી. તે માલિકના પગ પાસે બેસીને તેમની વાતો સાંભળતી હતી. ૪૦  પણ માર્થાનું ધ્યાન ઘણાં કામોમાં ફંટાઈ ગયું હતું. તેણે ઈસુ પાસે આવીને કહ્યું: “માલિક, શું તમે જોતા નથી કે મારી બહેને બધું કામ મારી એકલીના માથે નાખ્યું છે? તેને કહો કે આવીને મને મદદ કરે.” ૪૧  માલિકે તેને કહ્યું: “માર્થા, માર્થા, તું ઘણી વાતોની ચિંતા કરે છે અને હેરાન થાય છે. ૪૨  આપણને ઘણી બધી ચીજોની જરૂર નથી. બસ એક જ પૂરતી છે. મરિયમે પોતાના માટે સૌથી સારો ભાગ પસંદ કર્યો છે.+ એ તેની પાસેથી લઈ લેવાશે નહિ.”

ફૂટનોટ

મૂળ, “માલિકે.”
એમાં ચુંબન આપવાનો, ભેટવાનો અને લાંબી વાતચીત કરવાનો સમાવેશ થતો હોય શકે, જે વધારે સમય માંગી લે.
આ યહૂદી શહેરો ન હતાં.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.