માથ્થી ૨૬:૧-૭૫
-
ઈસુને મારી નાખવા માટે યાજકોનું કાવતરું (૧-૫)
-
ઈસુ પર સુગંધી તેલ રેડવામાં આવ્યું (૬-૧૩)
-
છેલ્લું પાસ્ખા અને દગો (૧૪-૨૫)
-
ઈસુના સાંજના ભોજનની શરૂઆત (૨૬-૩૦)
-
પિતર ઓળખવાની ના પાડશે એવી ભવિષ્યવાણી (૩૧-૩૫)
-
ઈસુ ગેથશેમાનેમાં પ્રાર્થના કરે છે (૩૬-૪૬)
-
ઈસુને પકડવામાં આવ્યા (૪૭-૫૬)
-
યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૫૭-૬૮)
-
પિતર ઈસુને ઓળખવાની ના પાડે છે (૬૯-૭૫)
૨૬ ઈસુએ આ બધી વાતો કહેવાની પૂરી કરી ત્યારે, તેમણે શિષ્યોને કહ્યું:
૨ “તમે જાણો છો કે આજથી બે દિવસ પછી પાસ્ખાનો* તહેવાર આવશે.+ એ સમયે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા સોંપી દેવામાં આવશે.”+
૩ મુખ્ય યાજકો અને લોકોના વડીલો, પ્રમુખ યાજકના* ઘરના આંગણામાં ભેગા થયા. એ પ્રમુખ યાજકનું નામ કાયાફાસ હતું.+
૪ તેઓએ ઈસુને કપટથી* પકડીને મારી નાખવાની અંદરોઅંદર વિચારણા કરી.+
૫ તેઓ કહેતા હતા કે “તહેવારના સમયે નહિ, જેથી લોકો ધાંધલ ન મચાવે.”
૬ ઈસુ બેથનિયામાં સિમોનના ઘરમાં હતા, જે અગાઉ રક્તપિત્તિયો* હતો.+
૭ ત્યાં એક સ્ત્રી સંગેમરમરની શીશીમાં કીમતી, સુગંધી તેલ લઈને તેમની પાસે આવી. તે જમતા હતા ત્યારે, એ તેલ તેમના માથા પર રેડવા લાગી.
૮ આ જોઈને શિષ્યો ગુસ્સે થયા અને કહ્યું: “આવો બગાડ શા માટે?
૯ એ તેલ ઊંચા ભાવે વેચી શકાયું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શકાયા હોત.”
૧૦ એ સાંભળીને ઈસુએ કહ્યું: “તમે આ સ્ત્રીને કેમ હેરાન કરો છો? તેણે મારા માટે બહુ સરસ કામ કર્યું છે.
૧૧ ગરીબો તો કાયમ તમારી સાથે હશે,+ પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં.+
૧૨ તેણે મારા શરીર પર સુગંધી તેલ લગાડીને મારા દફનની તૈયારી કરી છે.+
૧૩ હું તમને સાચે જ કહું છું, આખી દુનિયામાં જ્યાં પણ ખુશખબર જણાવવામાં આવશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે એ પણ તેની યાદગીરીમાં કહેવામાં આવશે.”+
૧૪ પછી બારમાંનો એક જે યહૂદા ઇસ્કારિયોત કહેવાતો હતો,+ તે મુખ્ય યાજકો પાસે ગયો.+
૧૫ તેણે કહ્યું: “હું તેમને દગો દઈને તમારા હાથમાં સોંપી દઉં તો મને શું આપશો?”+ તેઓએ તેને ચાંદીના ૩૦ સિક્કા આપવાનું નક્કી કર્યું.+
૧૬ ત્યારથી તે ઈસુને દગો દેવાની તક શોધવા લાગ્યો.
૧૭ બેખમીર રોટલીના તહેવારના*+ પહેલા દિવસે શિષ્યોએ ઈસુ પાસે આવીને કહ્યું: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને પાસ્ખાના ભોજનની તૈયારી કરીએ?”+
૧૮ તેમણે કહ્યું: “શહેરમાં ફલાણા ફલાણાની પાસે જાઓ અને તેને કહેજો કે ‘ઉપદેશક કહે છે: “મારો નક્કી કરેલો સમય પાસે આવ્યો છે. હું તારા ઘરે મારા શિષ્યો સાથે પાસ્ખાની ઉજવણી કરીશ.”’”
૧૯ શિષ્યોએ ઈસુના કહેવા પ્રમાણે કર્યું અને પાસ્ખા માટે તૈયારી કરી.
૨૦ સાંજ ઢળી ત્યારે+ તે ૧૨ શિષ્યો સાથે જમવા બેઠા હતા.+
૨૧ તેમણે જમતી વખતે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમારામાંથી એક મને દગો દેશે.”+
૨૨ એ સાંભળીને તેઓ ઘણા જ દુઃખી થયા અને વારાફરતી પૂછવા લાગ્યા: “માલિક, એ હું તો નથી ને?”
૨૩ તેમણે કહ્યું: “જે મારી સાથે એક જ વાટકામાંથી ખાય છે, તે મને દગો દેશે.+
૨૪ ખરું કે માણસના દીકરા વિશે શાસ્ત્રવચનો જે કહે છે એ પ્રમાણે તેનું મરણ થશે, પણ માણસના દીકરાને દગો દેનારને અફસોસ!+ તે જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.”+
૨૫ યહૂદા જે તેમને દગાથી પકડાવી દેવાની તૈયારીમાં હતો, તેણે પૂછ્યું: “ગુરુજી,* એ હું તો નથી ને?” ઈસુએ તેને કહ્યું: “તેં પોતે જ એ કહ્યું છે.”
૨૬ તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ રોટલી લીધી અને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. પછી તેમણે એ તોડી+ અને શિષ્યોને આપી. તેમણે કહ્યું: “લો, ખાઓ. આ મારા શરીરને રજૂ કરે છે.”+
૨૭ તેમણે પ્યાલો લીધો અને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. તેમણે એ પ્યાલો તેઓને આપ્યો અને કહ્યું: “તમે બધા એમાંથી પીઓ,+
૨૮ કારણ કે એ મારા લોહીને+ રજૂ કરે છે, જે કરારને*+ પાકો કરે છે. એ લોહી ઘણા લોકોનાં પાપોની માફી માટે વહેવડાવવામાં આવશે.+
૨૯ પણ હું તમને કહું છું કે મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષદારૂ ન પીઉં, એ દિવસ સુધી હું દ્રાક્ષદારૂ ફરીથી પીશ નહિ.”+
૩૦ પછી તેઓ સ્તુતિગીતો* ગાઈને જૈતૂન પર્વત પર જવા નીકળી ગયા.+
૩૧ ઈસુએ તેઓને કહ્યું: “આજે રાતે મને જે થશે એનાથી તમારી શ્રદ્ધા ડગમગી જશે,* કેમ કે લખેલું છે: ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાનાં ઘેટાં વિખેરાઈ જશે.’+
૩૨ પણ મને ઉઠાડવામાં આવશે અને હું તમારી આગળ ગાલીલ જઈશ.”+
૩૩ પિતરે તેમને કહ્યું: “તમને જે થવાનું છે એનાથી ભલે બીજાઓની શ્રદ્ધા ડગી જાય, પણ મારી શ્રદ્ધા કદીયે નહિ ડગે!”+
૩૪ ઈસુએ તેને કહ્યું, “હું તને સાચે જ કહું છું કે આજે રાતે કૂકડો બોલે એ પહેલાં, તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+
૩૫ પિતરે કહ્યું: “અરે, મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમને ઓળખવાની ના પાડીશ નહિ.”+ બીજા બધા શિષ્યોએ પણ એવું જ કહ્યું.
૩૬ ઈસુ તેઓ સાથે ગેથશેમાને+ નામની જગ્યાએ આવી પહોંચ્યા. તેમણે શિષ્યોને કહ્યું: “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.”+
૩૭ તે પિતરને અને ઝબદીના બે દીકરાઓને સાથે લઈ ગયા. તે બહુ દુઃખી અને પરેશાન થવા લાગ્યા.+
૩૮ તેમણે તેઓને કહ્યું: “હું મરવાની અણીએ હોઉં એટલી વેદના થાય છે. અહીં રહો અને મારી સાથે જાગતા રહો.”+
૩૯ તે જરાક આગળ જઈને ઘૂંટણિયે પડ્યા. તેમણે ભૂમિ સુધી માથું નમાવીને પ્રાર્થના કરી:+ “હે મારા પિતા, જો શક્ય હોય તો આ પ્યાલો+ મારી પાસેથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાય.”+
૪૦ ઈસુ શિષ્યો પાસે પાછા આવ્યા અને તેઓને ઊંઘતા જોયા. તેમણે પિતરને કહ્યું: “શું તમે મારી સાથે થોડી વાર પણ જાગતા રહી શકતા નથી?+
૪૧ જાગતા રહો+ અને પ્રાર્થના કરતા રહો,+ જેથી તમે કસોટીમાં આવી ન પડો.+ ખરું કે મન તો તૈયાર* છે, પણ શરીર કમજોર છે.”+
૪૨ તેમણે બીજી વાર જઈને પ્રાર્થના કરી: “હે મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા સિવાય દૂર કરી શકાય એમ ન હોય, તો તમારી ઇચ્છા પ્રમાણે થાય.”+
૪૩ તે પાછા આવ્યા અને તેઓને ઊંઘતા જોયા, કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.
૪૪ તે તેઓને મૂકીને ફરીથી ગયા. તેમણે ત્રીજી વાર પ્રાર્થના કરી અને ફરીથી એ જ વાત કહી.
૪૫ પછી તે શિષ્યો પાસે આવ્યા અને તેઓને કહ્યું: “આવા સમયે તમે ઊંઘો છો અને આરામ કરો છો! જુઓ, માણસના દીકરાને દગાથી પાપીઓના હાથમાં સોંપવાની ઘડી આવી પહોંચી છે.
૪૬ ઊઠો, ચાલો જઈએ. જુઓ! મને દગો દેનાર આવી પહોંચ્યો છે.”
૪૭ હજુ તો તે બોલતા હતા એવામાં યહૂદા આવ્યો, જે બારમાંનો એક હતો. તેની સાથે તલવારો અને લાઠીઓ લઈને ઘણા લોકો આવ્યા હતા. મુખ્ય યાજકો અને લોકોના વડીલોએ તેઓને મોકલ્યા હતા.+
૪૮ ઈસુને દગો આપનારે એ લોકોને આ નિશાની આપી હતી: “હું જેને ચુંબન કરું એ જ તે છે, તેને પકડી લેજો.”
૪૯ તેણે ઈસુ પાસે જઈને કહ્યું: “સલામ ગુરુજી!”* પછી તેણે તેમને ચુંબન કર્યું.
૫૦ ઈસુએ તેને પૂછ્યું: “તું કયા ઇરાદાથી આવ્યો છે?”+ તેઓ આગળ આવ્યા અને ઈસુને પકડી લીધા.
૫૧ પણ ઈસુની સાથે જેઓ હતા, તેઓમાંના એકે હાથ લંબાવીને પોતાની તલવાર ખેંચી કાઢી. તેણે પ્રમુખ યાજકના ચાકર પર ઘા કરીને તેનો કાન ઉડાવી દીધો.+
૫૨ ઈસુએ તેને કહ્યું: “તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે,+ કેમ કે જેઓ તલવાર ઉઠાવે છે તેઓ તલવારથી નાશ પામશે.+
૫૩ શું તને એમ લાગે છે કે હું મારા પિતાને વિનંતી કરી શકતો નથી કે હમણાં જ દૂતોની ૧૨ સેના કરતાં વધારે મોકલી આપે?+
૫૪ જો એમ થાય તો શાસ્ત્રવચનો કઈ રીતે પૂરાં થશે, જે કહે છે કે આ રીતે જ થવું જોઈએ?”
૫૫ પછી ઈસુએ ટોળાના લોકોને કહ્યું: “લુટારા સામે આવતા હો એમ તલવારો અને લાઠીઓ લઈને કેમ મને પકડવા આવ્યા છો? રોજ હું મંદિરમાં બેસીને શીખવતો હતો,+ તોપણ તમે મને પકડ્યો નહિ.+
૫૬ પણ પ્રબોધકોએ લખેલું* પૂરું થાય એ માટે આ બધું બન્યું છે.”+ પછી બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા.+
૫૭ જે માણસોએ ઈસુને પકડ્યા હતા, તેઓ તેમને પ્રમુખ યાજક કાયાફાસ પાસે લઈ ગયા.+ ત્યાં શાસ્ત્રીઓ અને વડીલો ભેગા થયા હતા.+
૫૮ પણ પિતર થોડું અંતર રાખીને પ્રમુખ યાજકના આંગણા સુધી તેમની પાછળ પાછળ ગયો. તે અંદર ગયા પછી ઘરના ચાકરો સાથે બેસીને જોવા લાગ્યો કે શું થાય છે.+
૫૯ મુખ્ય યાજકો અને આખી યહૂદી ન્યાયસભા* ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ ખોટા સાક્ષીઓ શોધતા હતા.+
૬૦ ઘણા ખોટા સાક્ષીઓ આગળ આવ્યા, પણ તેઓને કોઈ પુરાવો મળ્યો નહિ.+ આખરે બે માણસ આગળ આવ્યા.
૬૧ તેઓએ કહ્યું: “આ માણસ કહેતો હતો કે ‘હું ઈશ્વરના મંદિરને પાડી શકું છું અને ત્રણ દિવસમાં એને બાંધી શકું છું.’”+
૬૨ એ સાંભળીને પ્રમુખ યાજક ઊભો થયો અને ઈસુને કહ્યું: “શું તારે કંઈ નથી કહેવું? શું તું સાંભળતો નથી કે આ માણસો તારા પર કેવા આરોપ મૂકે છે?”+
૬૩ પણ ઈસુ ચૂપ રહ્યા.+ પ્રમુખ યાજકે કહ્યું: “હું તને ઈશ્વરના સમ* આપું છું. અમને જણાવ કે તું ખ્રિસ્ત, ઈશ્વરનો દીકરો છે કે નહિ!”+
૬૪ ઈસુએ કહ્યું: “તમે પોતે જ એ કહ્યું છે. પણ હું તમને કહું છું કે હવેથી તમે માણસના દીકરાને+ શક્તિશાળી ઈશ્વરના જમણા હાથે બેઠેલો+ અને આકાશનાં વાદળો પર આવતો જોશો.”+
૬૫ પ્રમુખ યાજકે પોતાનો ઝભ્ભો ફાડતાં કહ્યું: “તેણે ઈશ્વરની નિંદા કરી છે! હવે સાક્ષીઓની શું જરૂર છે? જુઓ! તમે પોતે ઈશ્વરની નિંદા સાંભળી છે.
૬૬ તમારું શું કહેવું છે?” તેઓએ જવાબ આપ્યો: “તે મોતને લાયક છે.”+
૬૭ પછી તેઓ તેમના ચહેરા પર થૂંક્યા+ અને તેમને મુક્કા માર્યા.+ બીજાઓએ તેમને તમાચા માર્યા.+
૬૮ તેઓએ કહ્યું: “ઓ ખ્રિસ્ત, જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?”
૬૯ એ સમયે પિતર બહાર આંગણામાં બેઠો હતો. એક દાસીએ તેની પાસે આવીને કહ્યું: “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો!”+
૭૦ પિતરે બધાની સામે ના પાડી અને કહ્યું, “મને ખબર નથી કે તું શું કહે છે.”
૭૧ પિતર દરવાજાની ચોકી પાસે ગયો. બીજી એક છોકરીએ તેને જોયો અને ત્યાં હાજર લોકોને કહ્યું: “આ માણસ નાઝરેથના ઈસુ સાથે હતો.”+
૭૨ પિતરે ફરીથી સમ ખાઈને ના પાડી: “હું એ માણસને ઓળખતો નથી!”
૭૩ થોડી વાર પછી આસપાસ ઊભેલા લોકોએ પિતર પાસે આવીને કહ્યું: “તું ચોક્કસ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી* એ ખબર પડી જાય છે.”
૭૪ તે પોતાને શ્રાપ આપવા અને સમ ખાવા લાગ્યો: “હું એ માણસને ઓળખતો નથી!” તરત જ કૂકડો બોલ્યો.
૭૫ પિતરને યાદ આવ્યું કે ઈસુએ કહ્યું હતું: “કૂકડો બોલે એ પહેલાં તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ તે બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો.
ફૂટનોટ
^ અથવા, “કાવતરાથી.”
^ હિબ્રૂ, રાબ્બી.
^ અથવા, “ભજનો.”
^ મૂળ, “તમે બધા ઠોકર ખાશો.”
^ અથવા, “આતુર.”
^ હિબ્રૂ, રાબ્બી.
^ અથવા, “શાસ્ત્રવચનોમાં લખેલું.”
^ મૂળ, “ઈશ્વરના જીવના સમ.”
^ અથવા, “તારા ઉચ્ચારથી.”