યોહાનને થયેલું પ્રકટીકરણ ૧:૧-૨૦
૧ આ ઈસુ ખ્રિસ્તનું* પ્રકટીકરણ* છે, જે ઈશ્વરે તેમને આપ્યું.+ એ માટે કે થોડા સમયમાં જે થવાનું છે એ વિશે તે ઈશ્વરના સેવકોને જણાવે.+ ઈસુએ દૂત* મોકલીને ઈશ્વરના* સેવક યોહાનને+ દૃશ્યથી એ પ્રકટીકરણ બતાવ્યું.
૨ ઈશ્વરે આપેલા વચન અને ઈસુ ખ્રિસ્તે આપેલી સાક્ષી વિશે યોહાને જાહેર કર્યું. હા, તેણે જે જોયું એ જાહેર કર્યું.
૩ નક્કી કરેલો સમય પાસે છે. એટલે જેઓ આ ભવિષ્યવાણીનાં વચનો મોટેથી વાંચે છે, સાંભળે છે અને એમાં લખેલી વાતો પાળે છે, તેઓ સુખી છે.+
૪ આસિયા પ્રાંતનાં* સાત મંડળોને+ યોહાન લખે છે:
“ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે,”+ તેમની પાસેથી તમારા પર અપાર કૃપા* અને શાંતિ હો! સાત શક્તિઓ*+ પાસેથી પણ, જે તેમના રાજ્યાસન આગળ છે.
૫ ઈસુ ખ્રિસ્ત “વિશ્વાસુ સાક્ષી,”+ “મરણમાંથી પ્રથમ ઉઠાડેલા”*+ અને “પૃથ્વીના રાજાઓના રાજા”+ છે. તેમની પાસેથી પણ અપાર કૃપા અને શાંતિ હો.
ઈસુ આપણને પ્રેમ કરે છે.+ તેમણે પોતાના લોહીથી આપણને પાપમાંથી છોડાવ્યા છે.+
૬ તેમણે પોતાના ઈશ્વર અને પિતા માટે આપણને રાજાઓ+ અને યાજકો*+ બનાવ્યા છે. હા, તેમનો મહિમા અને શક્તિ હંમેશાં રહો. આમેન.*
૭ જુઓ, તે વાદળો સાથે આવે છે!+ દરેક માણસ તેમને જોશે. જેઓએ તેમને વીંધ્યા હતા તેઓ પણ તેમને જોશે. તેમના લીધે પૃથ્વીનાં બધાં કુળો છાતી કૂટીને વિલાપ કરશે.+ આમેન.
૮ ઈશ્વર યહોવા* કહે છે: “હું આલ્ફા અને ઓમેગા* છું!+ હું સર્વશક્તિમાન છું, જે હતો અને જે છે અને જે આવનાર છે.”+
૯ હું યોહાન તમારો ભાઈ, ઈસુનો શિષ્ય હોવાથી કસોટીમાં,+ રાજ્યમાં+ અને ધીરજ રાખવામાં+ તમારો સાથીદાર છું.+ ઈશ્વર વિશે જણાવવાને લીધે અને ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલવામાં આવ્યો.
૧૦ પવિત્ર શક્તિ* મને માલિકના દિવસમાં લઈ આવી. મેં રણશિંગડાના* જેવો એક મોટો અવાજ મારી પાછળથી આમ કહેતા સાંભળ્યો:
૧૧ “તું જે જુએ છે એ વીંટામાં* લખ અને આ સાત મંડળોને મોકલ: એફેસસ,+ સ્મર્ના,+ પેર્ગામમ,+ થુવાતિરા,+ સાર્દિસ,+ ફિલાદેલ્ફિયા+ અને લાવદિકિયા.”+
૧૨ મારી સાથે કોણ વાત કરે છે એ જોવા હું પાછળ ફર્યો. હું ફર્યો ત્યારે મેં સોનાની સાત દીવીઓ જોઈ.+
૧૩ એ દીવીઓની વચ્ચે માણસના દીકરા*+ જેવા કોઈકને મેં જોયા. તેમણે પગની પાની સુધી પહોંચે એવું વસ્ત્ર પહેર્યું હતું. તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો.
૧૪ તેમના માથાના વાળ ધોળા ઊન જેવા, હા બરફ જેવા સફેદ હતા. તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી.+
૧૫ તેમના પગ ભઠ્ઠીમાં તપાવેલા શુદ્ધ તાંબાની+ જેમ ચળકતા હતા. તેમનો અવાજ ધસમસતા પાણીના ઘુઘવાટ જેવો હતો.
૧૬ તેમના જમણા હાથમાં સાત તારા હતા.+ તેમના મોંમાંથી ધારદાર, લાંબી અને બેધારી તલવાર+ નીકળતી હતી. તેમનો ચહેરો પૂરા તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો.+
૧૭ તેમને જોઈને હું મરેલા જેવો થઈ ગયો અને તેમનાં ચરણો આગળ પડ્યો.
તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું: “ગભરાઈશ નહિ. હું જ પહેલો+ અને છેલ્લો+ છું.
૧૮ હું જીવંત છું.+ હું મરણ પામ્યો હતો,+ પણ જુઓ હું સદાને માટે જીવું છું.+ મારી પાસે મરણ અને કબરની* ચાવીઓ છે.+
૧૯ એટલે તેં જે જોયું, જે બની રહ્યું છે અને એના પછી જે બનવાનું છે એ લખી લે.
૨૦ તેં મારા જમણા હાથમાં જે સાત તારા અને સોનાની સાત દીવીઓ જોઈ, એનું પવિત્ર રહસ્ય આ છે: સાત તારા એટલે સાત મંડળના દૂતો. સાત દીવીઓ એટલે સાત મંડળો.+
ફૂટનોટ
^ અથવા, “પ્રગટ થયેલું; ઉઘાડું પાડેલું.”
^ અથવા કદાચ, “ઈસુના.”
^ અથવા, “સાત ગણું કામ કરતી શક્તિઓ.”
^ અથવા, “જિલ્લાનાં.”
^ અથવા, “પ્રથમ જન્મેલા.” શબ્દસૂચિમાં “પ્રથમ જન્મેલો” જુઓ.
^ એટલે કે, શરૂઆત અને અંત. ગ્રીક મૂળાક્ષરોમાં “આલ્ફા” પહેલો અને “ઓમેગા” છેલ્લો અક્ષર છે. શબ્દસૂચિ જુઓ.
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.