તિતસને પત્ર ૧:૧-૧૬

  • સલામ (૧-૪)

  • તિતસ ક્રીતમાં વડીલો નીમે (૫-૯)

  • બંડખોર લોકોને ઠપકો આપજે (૧૦-૧૬)

 હું પાઉલ, ઈશ્વરનો દાસ અને ઈસુ ખ્રિસ્તનો* પ્રેરિત* છું. મારી શ્રદ્ધા અને મારી સેવા ઈશ્વરે પસંદ કરેલા લોકોની શ્રદ્ધા પ્રમાણે અને સત્યના ખરા જ્ઞાન પ્રમાણે છે, જે ઈશ્વરની ભક્તિ સાથે જોડાયેલું છે. ૨  એ બધું હંમેશ માટેના જીવનની આશાને આધારે છે.+ એ આશા વિશે લાંબા સમય પહેલાં ઈશ્વરે વચન આપ્યું હતું અને ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી.+ ૩  ઈશ્વરે નક્કી કરેલા સમયે પ્રચારકામ દ્વારા પોતાનો સંદેશો જાહેર કર્યો છે. એ પ્રચારકામ આપણા તારણહાર ઈશ્વરની આજ્ઞાથી મને સોંપવામાં આવ્યું છે.+ ૪  હું તિતસને આ પત્ર લખું છું, જે ખ્રિસ્તનો શિષ્ય અને મારો વહાલો દીકરો છે: આપણા પિતા ઈશ્વર પાસેથી અને આપણા તારણહાર ઈસુ ખ્રિસ્ત પાસેથી તને અપાર કૃપા* અને શાંતિ મળે. ૫  હું એટલા માટે તને ક્રીત ટાપુ પર છોડીને ગયો હતો કે ત્યાં વણસી ગયેલા સંજોગોને* તું સુધારે અને મારા જણાવ્યા પ્રમાણે શહેરેશહેર વડીલો નીમે. ૬  તું એવા ભાઈને પસંદ કરજે, જેના પર કોઈ આરોપ ન હોય, જે એક જ પત્નીનો પતિ હોય, જેનાં બાળકો શ્રદ્ધા રાખનાર હોય, એ બાળકો પર ખરાબ ચાલ-ચલણનો* કે બંડખોર હોવાનો આરોપ ન હોય.+ ૭  ઈશ્વરના કારભારી તરીકે મંડળની દેખરેખ રાખનાર* પર કોઈ આરોપ ન હોવો જોઈએ. તે ઉદ્ધત,+ ગુસ્સાવાળો,+ દારૂડિયો, હિંસક* અને ખોટી રીતે લાભ મેળવવાનો લાલચુ ન હોવો જોઈએ. ૮  પણ તે મહેમાનગતિ કરનાર,+ ભલાઈ ચાહનાર, સમજુ,*+ નેક, વફાદાર+ અને સંયમ રાખનાર+ હોવો જોઈએ. ૯  તે કુશળતાથી શીખવે ત્યારે ખરાં વચનોને* ચુસ્ત રીતે વળગી રહેનાર હોવો જોઈએ,+ જેથી લાભકારક શિક્ષણથી તે ઉત્તેજન* આપી શકે+ અને એ શિક્ષણ વિરુદ્ધ બોલનારને ઠપકો આપી શકે.+ ૧૦  કેમ કે ત્યાં ઘણા લોકો બંડખોર, નકામી વાતો કરનાર અને બીજાઓને છેતરનાર છે, ખાસ કરીને એવા લોકો, જેઓ સુન્‍નતના* નિયમને વળગી રહે છે.+ ૧૧  આ માણસોનાં મોં બંધ કરવાં જરૂરી છે, કેમ કે તેઓ બેઈમાનીથી લાભ મેળવવા ખોટું શિક્ષણ આપે છે* અને આખા ને આખા કુટુંબની શ્રદ્ધા તોડી પાડે છે. ૧૨  તેઓના જ એક પ્રબોધકે* કહ્યું હતું, “ક્રીતના લોકો હંમેશાં જૂઠું બોલે છે, તેઓ જંગલી જાનવરો જેવા ખૂંખાર છે, તેઓ આળસુ અને ખાઉધરા છે.” ૧૩  તેની વાત સાચી છે. એ કારણે તેઓને કડક બનીને ઠપકો આપતો રહેજે, જેથી તેઓ શ્રદ્ધામાં મક્કમ થાય ૧૪  અને તેઓ યહૂદી દંતકથાઓ પર અને સત્યનો ત્યાગ કરનારા માણસોની આજ્ઞાઓ પર ધ્યાન ન આપે. ૧૫  શુદ્ધ લોકો માટે બધું શુદ્ધ છે.+ પણ ભ્રષ્ટ થયેલા અને શ્રદ્ધા વગરના લોકો માટે કંઈ પણ શુદ્ધ નથી, કેમ કે તેઓની બુદ્ધિ અને તેઓનાં અંતઃકરણ* ભ્રષ્ટ થયેલાં છે.+ ૧૬  તેઓ ઈશ્વરને ઓળખવાનો જાહેરમાં દાવો તો કરે છે, પણ પોતાનાં કાર્યોથી ઈશ્વરનો નકાર કરે છે,+ કેમ કે તેઓ ધિક્કારને લાયક છે, આજ્ઞા પાળતા નથી અને કોઈ પણ સારા કામ માટે લાયક નથી.

ફૂટનોટ

અથવા, “ત્યાંની ખામીઓને.”
અથવા, “બેકાબૂ વર્તનનો.”
અથવા, “વડીલ.” શબ્દસૂચિ જુઓ.
ગ્રીકમાં આનો અર્થ મારામારી કરનાર કે કડવી વાણીથી બીજાઓને તોડી પાડનાર પણ થઈ શકે.
અથવા, “સારી રીતે નિર્ણય લેનાર; ઠરેલ.”
અથવા, “ભરોસાપાત્ર સંદેશાને.”
અથવા, “શિખામણ.”
અથવા, “ન શીખવવાનું શીખવે છે.”
એપીમેનીડેસ, ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થઈ ગયેલો ક્રીતનો કવિ. શબ્દસૂચિ જુઓ.