અયૂબ ૩૨:૧-૨૨
૩૨ અયૂબને પૂરી ખાતરી હતી કે પોતે નેક છે,*+ એટલે એ ત્રણ માણસોએ અયૂબને જવાબ આપવાનું બંધ કર્યું.
૨ પણ રામ કુટુંબના બારાકેલ બૂઝીનો*+ દીકરો અલીહૂ ખૂબ ગુસ્સે ભરાયો. અયૂબ પોતાને ઈશ્વર કરતાં ન્યાયી ગણતો હતો,+ એટલે અયૂબ પર અલીહૂનો ક્રોધ સળગી ઊઠ્યો.
૩ તે અયૂબના ત્રણ મિત્રો પર પણ ખૂબ ગુસ્સે થયો, કેમ કે તેઓ અયૂબને જવાબ આપી શક્યા ન હતા. એટલું જ નહિ, તેઓએ ઈશ્વરને દોષિત ઠરાવ્યા હતા.+
૪ તેઓ અલીહૂ કરતાં મોટા હતા,+ એટલે અલીહૂએ અયૂબને જવાબ આપવા રાહ જોઈ.
૫ અલીહૂએ જ્યારે જોયું કે એ ત્રણ માણસો પાસે હવે કહેવા માટે કંઈ રહ્યું નથી, ત્યારે તેને રોષ ચઢ્યો.
૬ તેથી બારાકેલ બૂઝીના દીકરા અલીહૂએ કહ્યું:
“ઉંમરમાં તમે મારાથી મોટા છો,+હું તો ઘણો નાનો છું.
એટલે હું ચૂપ રહ્યો+અને જે જાણું છું એ કહેવાની હિંમત કરી નહિ.
૭ મને થયું, ‘મોટા લોકોને બોલવા દઉંઅને મોટી વયનાઓને ડહાપણ જાહેર કરવા દઉં.’
૮ પણ હકીકતમાં, ઈશ્વરની પવિત્ર શક્તિ,*હા, સર્વશક્તિમાનનો શ્વાસ લોકોને સમજણ આપે છે.+
૯ ઉંમર વધવાથી જ બુદ્ધિ આવતી નથીઅને વૃદ્ધ માણસો જ ખરું-ખોટું સમજે એવું નથી.+
૧૦ એટલે હું કહું છું, ‘મારું સાંભળો,હું જે જાણું છું, એ હું તમને કહીશ.’
૧૧ જુઓ! તમે બોલી રહ્યા ત્યાં સુધી મેં રાહ જોઈ.
મેં તમારી દલીલો ધ્યાનથી સાંભળી,+તમે બોલવા માટે શબ્દો શોધતા હતા ત્યારે પણ હું ચૂપ રહ્યો.+
૧૨ મેં તમારી વાત ધ્યાનથી સાંભળી,પણ તમારામાંથી કોઈ અયૂબને ખોટો સાબિત કરી શક્યો નહિ,*કે તેમની દલીલોનો સામનો કરી શક્યો નહિ.
૧૩ હવે એમ ન કહો કે, ‘અમે જ બુદ્ધિશાળી છીએ;કોઈ માણસ નહિ, પણ ઈશ્વર પોતે અયૂબને હરાવે છે.’
૧૪ અયૂબે એ બધી વાતો મારી વિરુદ્ધ કહી નથી,તેથી તમારી દલીલોથી હું તેમને જવાબ નહિ આપું.
૧૫ અયૂબ, આ માણસો હિંમત ગુમાવી ચૂક્યા છે, તેઓ પાસે કોઈ જવાબ નથી;તેઓ પાસે શબ્દો ખૂટી ગયા છે.
૧૬ મેં રાહ જોઈ, પણ તેઓ એકેય શબ્દ બોલ્યા નહિ;તેઓ તો બસ મૂંગા બનીને ઊભા રહ્યા.
૧૭ હવે હું પણ જવાબ આપીશ;હું જે જાણું છું, એ હું પણ કહીશ.
૧૮ કેમ કે મારે ઘણું કહેવું છેઅને ઈશ્વરની શક્તિ મને બોલવા મજબૂર કરે છે.
૧૯ જેમ દ્રાક્ષદારૂના ઊભરાથી નવી મશકો* ફાટવાની તૈયારીમાં હોય,+તેમ હું નહિ બોલું તો મારા મનનો ઊભરો ફાટી નીકળશે.
૨૦ મને બોલવા દો, જેથી મને રાહત મળે!
હું મારા હોઠ ઉઘાડીને જવાબ આપીશ.
૨૧ હું કોઈનો પક્ષ લઈશ નહિ,+કે કોઈની ખુશામત કરીશ નહિ.*
૨૨ કેમ કે ખુશામત કરતા મને આવડતું નથી;અને જો હું એમ કરું, તો મારો સર્જનહાર જલદી જ મારો અંત લાવી દેશે.
ફૂટનોટ
^ અથવા, “અયૂબ પોતાની નજરમાં નેક હતો.”
^ અથવા, “બૂઝી કુળના બારાકેલનો.”
^ અથવા, “ઠપકો આપી શક્યો નહિ.”
^ અથવા, “કોઈની ખુશામત કરવા તેને ખિતાબ આપીશ નહિ.”