ભાગ ૭
બાળકોને કઈ રીતે શીખવવું જોઈએ?
‘જે વચનો હું આજે તને જણાવું છું તે તારા દિલમાં ઠસી રહે અને તે તું તારાં બાળકોને શીખવ.’—પુનર્નિયમ ૬:૬, ૭
યહોવા ઈશ્વરે કુટુંબની ગોઠવણ કરી ત્યારે, બાળકોની સંભાળ રાખવાની જવાબદારી માબાપને સોંપી હતી. (કોલોસી ૩:૨૦) તેથી, તમારી જવાબદારી છે કે યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો. તેમ જ, તેઓને જવાબદાર વ્યક્તિ બનાવો. (૨ તીમોથી ૧:૫; ૩:૧૫) તેઓના દિલમાં શું ચાલી રહ્યું છે એ પણ તમારે જાણવું જોઈએ. જોકે, તમારે પોતે સારો દાખલો બેસાડવાની જરૂર છે. જો તમારા દિલમાં યહોવાના શિક્ષણ માટે પ્રેમ હશે, તો તમે બાળકોને પણ એમ કરતા શીખવી શકશો.—ગીતશાસ્ત્ર ૪૦:૮.
૧ બાળકોના દિલની વાત સાંભળવા તૈયાર રહો
બાઇબલ શું કહે છે? ‘સાંભળવામાં ચપળ અને બોલવામાં ધીમા થાઓ.’ (યાકૂબ ૧:૧૯) બાળકોને અહેસાસ કરાવો કે તેઓ તમારી સાથે કોઈ પણ સમયે વાત કરી શકે છે. બાળકોને લાગવું જોઈએ કે તેઓને વાત કરવી હોય ત્યારે, તમે તેઓનું સાંભળવા તૈયાર છો. કુટુંબમાં શાંતિ હશે તો, બાળકો દિલ ખોલીને તમારી સાથે વાત કરી શકશે. (યાકૂબ ૩:૧૮) જો તમારો સ્વભાવ કડક અને ભૂલો શોધનારો હશે, તો બાળકો દિલ ખોલીને વાત નહિ કરે. તેઓ સાથે ધીરજથી વર્તો અને વારંવાર ખાતરી કરાવો કે તમે તેઓને ખૂબ જ ચાહો છો.—માથ્થી ૩:૧૭; ૧ કોરીંથી ૮:૧.
તમે શું કરી શકો?
-
બાળકોને વાત કરવી હોય ત્યારે, તેઓનું સાંભળવા સમય કાઢો
-
મુશ્કેલીઓ આવે ત્યારે જ નહિ, પણ બાળકો સાથે નિયમિત વાતચીત કરો
૨ બાળકોની લાગણીઓ સમજો
બાઇબલ શું કહે છે? “ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે.” (નીતિવચનો ૧૩:૧૬) અમુક વખતે બાળકો જે કહે છે એ જ નહિ, તેઓની લાગણીઓ પણ સમજવી જોઈએ. કોઈ વાર યુવાનો વાતને વધારે ચડાવીને કહેતા હોય છે. અથવા એવું કહી બેસે જે તેઓનાં દિલમાં ન હોય. બાઇબલ કહે છે, ‘સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખતા છે.’ (નીતિવચનો ૧૮:૧૩) તેથી, તરત જ ગુસ્સે થશો નહિ.—નીતિવચનો ૧૯:૧૧.
તમે શું કરી શકો?
-
બાળકોની વાત તમને ન ગમે, તોપણ વચ્ચે બોલશો નહિ કે ગુસ્સે થશો નહિ
-
યાદ કરો કે તમે તેઓની ઉંમરના હતા ત્યારે, તમને કેવું લાગતું અને તમારા માટે શું મહત્ત્વનું હતું
૩ તમે બંને એક મનના થાઓ
બાઇબલ શું કહે છે? ‘મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ, અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.’ (નીતિવચનો ૧:૮) યહોવાએ બાળકોની જવાબદારી માબાપને સોંપી છે. તેથી, બાળકોને તમારે શીખવવું જોઈએ કે તેઓ તમને માન આપે અને તમારું કહેવું માને. (એફેસી ૬:૧-૩) બાળકો પારખી શકે છે કે માબાપ ‘એક મનના’ છે કે નહિ. (૧ કોરીંથી ૧:૧૦) એટલે, કોઈ વાતે તમે એકબીજા સાથે સહમત ન હો, તોપણ બાળકોની સામે ચર્ચા કરશો નહિ. નહિતર તમારા માટે તેઓનું માન ઓછું થઈ શકે છે.
તમે શું કરી શકો?
-
સાથે મળીને નક્કી કરો કે બાળકોને કઈ રીતે શિસ્ત આપશો
-
બાળકોને કઈ રીતે શિસ્ત આપવી એ વિશે સાથી જોડે સહમત ન હો, તોપણ તેમના વિચારો જાણવાનો પ્રયત્ન કરો
૪ પહેલેથી નક્કી કરો
બાઇબલ શું કહે છે? ‘બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ એમાં ચાલવાનું તેને શીખવો.’ (નીતિવચનો ૨૨:૬) બાળકોને કંઈ આપોઆપ સારું શિક્ષણ મળવાનું નથી. કેવું શિક્ષણ આપશો એ પહેલેથી જ નક્કી કરવાની જરૂર છે. એમાં શિસ્ત આપવાનો પણ સમાવેશ થાય છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૪; નીતિવચનો ૨૯:૧૭) શિસ્તનો અર્થ એ નથી કે બાળકોને ફક્ત સજા કરવી. એમાં બાળકોને એ સમજવા પણ મદદ કરવી જોઈએ કે તેઓ માટે કેમ નિયમો બનાવવામાં આવ્યા છે. (નીતિવચનો ૨૮:૭) તેમ જ, બાઇબલ માટે પ્રેમ કેળવવા અને એમાં આપેલા સિદ્ધાંતો પારખતા પણ શીખવવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૧:૨) એનાથી તેને ખરુંખોટું પારખવા મદદ મળશે.—હિબ્રૂ ૫:૧૪.
તમે શું કરી શકો?
-
ઈશ્વરને ઓળખવા અને તેમના પર ભરોસો મૂકવા બાળકોને મદદ કરો
-
બાળકોને શીખવો કે તેઓ ખોટાં કામો પારખે અને એનાથી દૂર રહે. જેમ કે, ઇન્ટરનેટ અને સોશિયલ નેટવર્ક પર બતાવવામાં આવતાં ખરાબ કામો. તેમ જ, જાતીય શોષણ કરતી વ્યક્તિઓથી દૂર રહેવાનું પણ તેઓને શીખવો