યહોવાના સાક્ષીઓ શા માટે ઈસ્ટર ઊજવતા નથી?
સામાન્ય ગેરસમજ
માન્યતા: યહોવાના સાક્ષીઓ ઈસ્ટર ઊજવતા નથી, કારણ કે તેઓ ખ્રિસ્તીઓ નથી.
હકીકત: અમે માનીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત અમારા તારણહાર છે અને ‘તેમના પગલે ચાલવા’ અમે બનતું બધું કરીએ છીએ.—૧ પીતર ૨:૨૧; લુક ૨:૧૧.
માન્યતા: તમે માનતા નથી કે ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હતા.
હકીકત: અમે માનીએ છીએ કે ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હતા; અને એ અમારી શ્રદ્ધાનો પાયો છે. એ વિશે અમે બીજાઓને પણ જણાવીએ છીએ.—૧ કોરીંથી ૧૫:૩, ૪, ૧૨-૧૫.
માન્યતા: તમારાં બાળકોને ઈસ્ટર ઊજવવાનો આનંદ મળતો નથી, એની તમને કંઈ પડી નથી.
હકીકત: અમે અમારાં બાળકોને ખૂબ પ્રેમ કરીએ છીએ. તેઓને તાલીમ આપવા અને ખુશ રાખવા અમે અમારાથી બનતું બધું કરીએ છીએ.—તીતસ ૨:૪.
યહોવાના સાક્ષીઓ શા માટે ઈસ્ટર ઊજવતા નથી?
બાઇબલ ઈસ્ટરને ટેકો આપતું નથી.
ઈસુએ તેમના મરણના દિવસને ઊજવવા વિશે આજ્ઞા આપી હતી, તે સજીવન થયા એ દિવસને નહિ. તેમના મરણની યાદમાં ઊજવાતો સ્મરણપ્રસંગ અમે દર વર્ષે ઊજવીએ છીએ. અને એ પણ બાઇબલ સમયના ચંદ્ર કૅલેન્ડર પ્રમાણે.—લુક ૨૨:૧૯, ૨૦.
પ્રાચીન સમયના લોકો ફળદ્રુપતા માટે અમુક વિધિ કરતા હતા, જે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ન હતી. અમે માનીએ છીએ કે ઈસ્ટરના રીતરિવાજો એ વિધિઓમાંથી આવે છે. એટલે, દેખીતું છે કે ઈશ્વર આ તહેવારને માન્ય કરતા નથી. ઈશ્વર ચાહે છે કે આપણે ‘એકલા તેમની જ ભક્તિ’ કરીએ. તેમને માન્ય ન હોય એવા રીતરિવાજો પાળવાથી તે નારાજ થાય છે.—લુક ૪:૮; ૧ રાજાઓ ૧૮:૨૧.
અમે માનીએ છીએ કે, ઈસ્ટર ન ઊજવવાનો અમારો નિર્ણય બાઇબલ આધારિત છે. એનાથી અમને ઉત્તેજન મળે છે કે, માણસોના રીતરિવાજોને આંખ મીંચીને પાળવાને બદલે, અમે ‘વ્યવહારુ જ્ઞાન અને વિવેકબુદ્ધિનો’ ઉપયોગ કરીએ. (નીતિવચનો ૩:૨૧; માથ્થી ૧૫:૩) કોઈ અમને ઈસ્ટર વિશેની અમારી માન્યતા પૂછે તો, અમે તેને એ વિશે જણાવીએ છીએ. પણ, અમે એ યાદ રાખીએ છીએ કે એ પ્રમાણે કરવું કે નહિ એ વ્યક્તિનો પોતાનો નિર્ણય છે.—૧ પીતર ૩:૧૫.