સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના ભક્તો માટે મોટો આશીર્વાદ!

પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બહાર પાડવામાં આવ્યું છે

યહોવાના ભક્તો માટે મોટો આશીર્વાદ!

ઑક્ટોબર ૨૫, ૨૦૨૦ યહોવાના સાક્ષીઓ માટે એક ખાસ દિવસ હતો. એ દિવસે પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ગુજરાતીમાં બહાર પાડવામાં આવ્યું.

નવી દુનિયા ભાષાંતર ખાસ છે, કેમ કે એમાં ઈશ્વરના સંદેશાનું મૂળ ભાષા પ્રમાણે ખરું ભાષાંતર થયું છે. (૨ તિમોથી ૩:૧૬) આ ભાષાંતરમાં શું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ બીજાં બાઇબલો કરતાં કઈ રીતે અલગ છે? એનું ભાષાંતર કોણે કર્યું છે? તમે કઈ રીતે ખાતરી રાખી શકો કે નવી દુનિયા ભાષાંતર ભરોસાપાત્ર છે?

શું મારા બાઇબલની માહિતી સચોટ છે?

ઇન્ટરનેશનલ બિઝનેસના પ્રોફેસર ડેક્લેન હેઈસ લખે છે: “બાઇબલ એક એવું પુસ્તક છે, જેનું આ વર્ષે અને દર વર્ષે સૌથી વધારે વિતરણ થયું છે.” બાઇબલના પ્રકાશકો ચાહે છે કે બાઇબલનું સૌથી વધારે વિતરણ થાય, પણ એમાં સાચી માહિતી છે કે નહિ એનું ધ્યાન રાખતા નથી. દાખલા તરીકે, એક બાઇબલના પ્રકાશકોને જે ભાગ “મજેદાર લાગતો ન હોય” એને તેઓ બાઇબલમાંથી કાઢી નાખે છે. બીજા એક બાઇબલમાંથી એવા શબ્દો કે વાક્યો કાઢી નાખવામાં આવ્યાં છે, જેનાથી કદાચ આજના વાચકોને ખોટું લાગી શકે. જેમ કે, અમુક લોકોને ખુશ કરવા એ બાઇબલમાં ઈશ્વરને “માબાપ” કહેવામાં આવ્યા છે.

પણ બાઇબલના ઘણાં ભાષાંતરમાં એકસરખી ભૂલ જોવા મળે છે. એ ભૂલ ઈશ્વરના નામ યહોવા વિશે છે. (અમુક વિદ્વાનો ઈશ્વરના નામનું ભાષાંતર “યાહવેહ” કરે છે.) બાઇબલની જૂની પ્રતોમાં ઈશ્વરના નામને ચાર હિબ્રૂ વ્યંજનોથી લખવામાં આવ્યું છે, જેનું ગુજરાતીમાં ભાષાંતર ય-હ-વ-હ અથવા જ-હ-વ-હ થાય છે. આ નામ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં * જ ૭,૦૦૦થી વધારે વખત જોવા મળે છે. (નિર્ગમન ૩:૧૫; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) એ સ્પષ્ટ છે કે આપણા સર્જનહાર ચાહે છે કે તેમના ભક્તો તેમનું નામ જાણે અને એનો ઉપયોગ કરે!

સદીઓ પહેલાં, યહૂદીઓએ અંધશ્રદ્ધાને લીધે ઈશ્વરનું નામ લેવાનું બંધ કરી દીધું. પછીથી ખ્રિસ્તી ધર્મમાં પણ એ અંધશ્રદ્ધા ઘર કરી ગઈ. (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૯, ૩૦; ૧ તિમોથી ૪:૧) આજે બાઇબલનું ભાષાંતર કરનારાઓ ઈશ્વરના નામને બદલે “પ્રભુ” ખિતાબ વાપરે છે. યોહાન ૧૭:૬માં ઈસુએ કહ્યું: “મેં તમારું નામ જાહેર કર્યું છે.” પણ અમુક બાઇબલમાંથી “નામ” શબ્દ કાઢી નાખ્યો છે. જેમ કે, કોમન લેંગ્વેજ બાઇબલમાં એ કલમ આમ જણાવે છે: “મેં તમને પ્રગટ કર્યા છે.”

અમુક વિદ્વાનો દાવો કરે છે કે ઈશ્વરના નામને બદલે “પ્રભુ” ખિતાબ વાપરીને તેઓ વર્ષોથી ચાલતી આવતી પરંપરા પાળે છે. બીજા અમુક સ્વીકારે છે કે બાઇબલનું વેચાણ વધે એટલે તેઓ એમ કરે છે. * પણ પરંપરા કે રિવાજો પાળવાને લીધે જે લોકો ઈશ્વરનું અપમાન કરે છે, તેઓની ઈસુએ નિંદા કરી હતી. (માથ્થી ૧૫:૬) નામ કાઢીને ખિતાબ વાપરવાની વાતને બાઇબલ જરાય ટેકો આપતું નથી. ઈસુ ખ્રિસ્તના ઘણા ખિતાબો છે, જેમ કે “ઈશ્વરનો શબ્દ” અને “રાજાઓના રાજા.” (પ્રકટીકરણ ૧૯:૧૧-૧૬) તો શું ઈસુના નામને બદલે ફક્ત આ ખિતાબો વાપરવા યોગ્ય કહેવાશે?

આ એક ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. બાઇબલમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખવા વિશે ભારતના એક બાઇબલ ભાષાંતર સલાહકાર શું જણાવે છે એનો વિચાર કરો. તે કહે છે: “હિન્દુ લોકોને ઈશ્વરનું નામ જાણવું હોય છે, તેઓને ખિતાબમાં કોઈ રસ હોતો નથી. તેઓ નામ ન જાણતા હોય ત્યાં સુધી ઈશ્વરની ભક્તિ કરી શકતા નથી.” જેઓ ઈશ્વરની ભક્તિ કરવા માંગે છે તેઓ વિશે એ વાત સાચી છે. ઈશ્વર ફક્ત કોઈ શક્તિ નહિ, પણ એવી એક વ્યક્તિ છે, જેને આપણે ઓળખી શકીએ છીએ. એટલે ઈશ્વરને ઓળખવા તેમનું નામ જાણવું જરૂરી છે. (નિર્ગમન ૩૪:૬, ૭) બાઇબલ જણાવે છે “જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે.” (રોમનો ૧૦:૧૩) ઈશ્વરના ભક્તોએ તેમનું નામ વાપરવું જ જોઈએ.

ઈશ્વરને મહિમા આપતું ભાષાંતર

નવી દુનિયા ભાષાંતર ઈશ્વરનું નામ યહોવા વાપરે છે

વર્ષ ૧૯૫૦ ખાસ હતું. એ વર્ષે અંગ્રેજી ભાષામાં નવી દુનિયા ભાષાંતર—ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો બાઇબલ સૌથી પહેલી વાર બહાર પાડવામાં આવ્યું હતું. પછીના દસ વર્ષ દરમિયાન હિબ્રૂ શાસ્ત્રવચનોનો અમુક ભાગ બહાર પાડવામાં આવ્યો. વર્ષ ૧૯૬૧માં આખું બાઇબલ અંગ્રેજીમાં બહાર પાડવામાં આવ્યું હતું. નવી દુનિયા ભાષાંતર ઈશ્વરનું નામ “યહોવા” એની યોગ્ય જગ્યાએ પાછું મૂકે છે. આશરે ૭,૦૦૦ વખત જૂના કરારમાં એ નામ વપરાયું છે. ખાસ કરીને, ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં * ૨૩૭ વખત ઈશ્વરનું નામ એની યોગ્ય જગ્યાએ વપરાયું છે.

ઈશ્વરનું નામ એની યોગ્ય જગ્યાએ પાછું મૂકવાથી તેમને મહિમા મળે છે. એટલું જ નહિ, એમાં લખેલી વાતો આપણા માટે સમજવી સહેલી બને છે. દાખલા તરીકે, ઘણાં ભાષાંતરોમાં માથ્થી ૨૨:૪૪ આમ કહે છે: “પ્રભુએ મારા પ્રભુને કહ્યું.” પણ કોણ કોની સાથે વાત કરે છે એ સમજાતું નથી. નવી દુનિયા ભાષાંતરમાં માથ્થી ૨૨:૪૪ આમ કહે છે: “યહોવાએ મારા માલિકને કહ્યું.” આ કલમ ગીતશાસ્ત્ર ૧૧૦:૧માંથી ટાંકેલી છે. એનાથી વાચકો સમજી શકે છે કે યહોવા ઈશ્વર તેમના દીકરા સાથે વાત કરી રહ્યા છે.

આ ભાષાંતર કોણે કર્યું?

વૉચ ટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટીએ નવી દુનિયા ભાષાંતર બહાર પાડ્યું છે. એ યહોવાના સાક્ષીઓને રજૂ કરતી કાયદેસરની સંસ્થા છે. સો કરતાં વધારે વર્ષથી યહોવાના સાક્ષીઓ બાઇબલ છાપે છે અને આખી દુનિયામાં એનું વિતરણ કરે છે. નવી દુનિયા ભાષાંતર યહોવાના સાક્ષીઓના એક સમૂહે તૈયાર કર્યું છે. એ સમૂહને નવી દુનિયા બાઇબલ ભાષાંતર સમિતિ કહેવાય છે. એ સમિતિના સભ્યો કદી પણ પોતાની વાહ વાહ ચાહતા ન હતા. અરે, તેઓએ તો વિનંતી કરી કે મરણ પછી પણ તેઓનું નામ જાહેર કરવામાં ન આવે.—૧ કોરીંથીઓ ૧૦:૩૧.

એને કેમ નવી દુનિયા ભાષાંતર કહેવામાં આવે છે? ૧૯૫૦માં બહાર પાડેલી આવૃત્તિના પ્રિય વાચક મિત્રોમાં સમજાવ્યું હતું કે ૨ પિતર ૩:૧૩ નવી દુનિયા વિશે વચન આપે છે. આ બાઇબલનું નામ ખાતરી આપે છે કે આપણે સાચે જ “નવી દુનિયાને આંગણે” ઊભા છીએ. સમિતિએ લખ્યું કે આપણે “જૂની દુનિયામાંથી સુંદર નવી દુનિયામાં જઈએ” એ સમય દરમિયાન, ભાષાંતર એવું હોવું જોઈએ કે “ઈશ્વરના સંદેશાનું સત્ય” લોકો સ્પષ્ટ રીત સમજી શકે.

મૂળ લખાણને આધારે ભાષાંતર

સાચું અને મૂળ લખાણને આધારે ભાષાંતર કરવાને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. અંગ્રેજી આવૃત્તિના ભાષાંતરકારોએ મૂળ હિબ્રૂ, અરામિક અને ગ્રીકમાંથી ભાષાંતર કર્યું હતું. એ ભાષાનું જે સૌથી ઉત્તમ લખાણ પ્રાપ્ય હતું એનો તેઓએ ઉપયોગ કર્યો. પ્રાચીન લખાણોને પૂરેપૂરી રીતે વળગી રહેવાનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. પણ આજના વાચકો સહેલાઈથી સમજી શકે એવી ભાષા વાપરવામાં આવી હતી.

નવી દુનિયા ભાષાંતરમાં કોઈ ખોટ નથી અને એ મૂળ લખાણને આધારે છે, એટલે કેટલાક વિદ્વાનોએ એનાં વખાણ કર્યાં છે. ઇઝરાયેલના હિબ્રૂ ભાષાના વિદ્વાન, પ્રોફેસર બેન્જામિન કેદાર-કોપસ્ટાઈને ૧૯૮૯માં કહ્યું: “હિબ્રૂ બાઇબલ અને ભાષાંતર વિશે અભ્યાસ કરતી વખતે હું નવી દુનિયા ભાષાંતર અંગ્રેજી આવૃત્તિની વારંવાર મદદ લઉં છું. એનાથી મને અનેક વાર ખાતરી મળે છે કે આ ભાષાંતરને સમજવામાં સહેલું અને એકદમ સાચું બનાવવા દિલથી પ્રયત્નો કરવામાં આવ્યા છે.”

ઘણી ભાષાઓમાં બાઇબલ

યહોવાના સાક્ષીઓએ નવી દુનિયા ભાષાંતર અંગ્રેજી સિવાય બીજી ભાષાઓમાં પણ બહાર પાડ્યું છે. આખું કે એના અમુક ભાગ ૧૯૧ ભાષામાં બહાર પાડ્યા છે. એ ભાષાંતર કરવા માટે એક પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો. એના દ્વારા બાઇબલના મુખ્ય શબ્દોની એકસાથે માહિતી જોઈ શકાય છે. ભાષાંતર કરનારાઓને મદદ કરવા માટે ભાષાંતર સેવાઓ વિભાગ શરૂ કરવામાં આવ્યો. લેખન સમિતિ દ્વારા યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ એ કામની દેખરેખ રાખે છે. પણ ભાષાંતર કામ કઈ રીતે કરવામાં આવે છે?

સૌથી પહેલા, યહોવાના સાક્ષીઓમાંથી અમુકને ભાષાંતર ટીમ માટે પસંદ કરવામાં આવે છે. અનુભવથી જોવા મળ્યું છે કે ભાષાંતર કરનારાઓ એકલા એકલા નહિ, પણ ભેગા મળીને કામ કરે છે ત્યારે વધારે સારું ભાષાંતર કરી શકે છે. (નીતિવચનો ૧૧:૧૪) ટીમના દરેક સભ્ય પાસે યહોવાના સાક્ષીઓનાં સાહિત્યનું ભાષાંતર કરવાનો અનુભવ હોય છે. પછી ટીમને બાઇબલ ભાષાંતર કરવાની તાલીમ આપવામાં આવે છે. એ કામ માટે તૈયાર કરેલો કોમ્પ્યુટર પ્રોગ્રામ કઈ રીતે વાપરવો એ પણ શીખવવામાં આવે છે.

ટીમને જણાવવામાં આવે છે કે ભાષાંતર એકદમ સાચું હોવું જોઈએ. પણ એની સાથે સાથે લોકો સહેલાઈથી સમજી શકે એવું હોવું જોઈએ. શબ્દો કે વાક્યોનું સીધેસીધું ભાષાંતર કરવું જોઈએ. પણ મૂળ ભાષા પ્રમાણે અર્થ બદલાઈ ન જાય કે ખોટો અર્થ ન નીકળે એનું ધ્યાન રાખવું જોઈએ. એ કઈ રીતે કરવામાં આવે છે? હાલમાં બહાર પડેલા ગુજરાતી બાઇબલનો વિચાર કરો. ટીમે સૌથી પહેલા અંગ્રેજી નવી દુનિયા ભાષાંતરમાં આપેલા મહત્ત્વના બાઇબલ શબ્દો માટે ગુજરાતી શબ્દો પસંદ કર્યા. એ માટે વૉચટાવર ટ્રાન્સલેશન સિસ્ટમ પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવ્યો. એ પ્રોગ્રામ દ્વારા અંગ્રેજીના મહત્ત્વના શબ્દોના સમાનાર્થી અને એ શબ્દો વિશેની માહિતી જોઈ શકાય છે. એ કયા મૂળ ગ્રીક અને હિબ્રૂ શબ્દો માટે વાપર્યા છે એ પણ ખબર પડે છે. એ મૂળ શબ્દો માટે બીજી જગ્યાએ અંગ્રેજીમાં કેવું ભાષાંતર કર્યું છે એ પણ જોઈ શકાય છે. એ શબ્દો માટે ગુજરાતીમાં શું વાપરવું એ નક્કી કર્યા પછી, ટીમે એ શબ્દો પ્રોગ્રામમાં નાખ્યા. પછી દરેક કલમ ભાષાંતર કરતી વખતે એ શબ્દો વાપર્યા.

પણ ભાષાંતરનો એવો અર્થ નથી કે એક અંગ્રેજી શબ્દ માટે એનો ગુજરાતી શબ્દ મૂકી દેવો. દરેક શબ્દ કે વાક્ય કલમના સંદર્ભ પ્રમાણે સાચો અર્થ આપે છે કે નહિ એ પણ વિચારવું પડે. ધ્યાન રાખવામાં આવ્યું કે વાક્યો અને વ્યાકરણ સહેલાં હોય તેમજ બોલચાલની ભાષામાં હોય. આ કામ માટે કેટલી મહેનત કરવામાં આવી છે, એ આ ભાષાંતર પરથી દેખાઈ આવે છે. ગુજરાતી નવી દુનિયા ભાષાંતરમાં ઈશ્વરના સંદેશાનું એવું ભાષાંતર થયું છે, જે વાંચવામાં સરળ અને સમજવામાં સહેલું છે. તેમ જ, એમાં પ્રાચીન લખાણોને પૂરી રીતે વળગી રહેવાની કોશિશ કરી છે. *

અમે તમને પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર વાંચવાનું ઉત્તેજન આપીએ છીએ. તમે ઓનલાઇન કે JW લાઇબ્રેરી એપ પર બાઇબલ વાંચી શકો છો. અથવા યહોવાના સાક્ષીઓના મંડળમાંથી એની છાપેલી પ્રત મેળવી શકો છો. એ વાંચતી વખતે તમે પૂરો ભરોસો રાખી શકો કે ઈશ્વરના સંદેશાને તમારી ભાષામાં સારી રીતે ભાષાંતર કરવામાં આવ્યું છે. તમે ચોક્કસ સહમત થશો કે બહાર પાડેલું આ બાઇબલ યહોવાનો એક મોટો આશીર્વાદ છે!

 

નવી દુનિયા ભાષાંતરની ખાસિયતો

 

બાઇબલ વિશે જાણકારી: એમાં બાઇબલના મૂળ શિક્ષણ વિશે ઊભા થતા ૨૦ સવાલોના જવાબ કલમો દ્વારા આપ્યા છે

સાચું ભાષાંતર: મૂળ હિબ્રૂ, અરામિક અને ગ્રીક ભાષામાંથી અંગ્રેજીમાં સાચું અને સચોટ રીતે ભાષાંતર કરવા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. એવી જ રીતે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર થયું છે

એને લગતી કલમો: વાચકોને જે તે વિષયને લગતી કલમોમાં લઈ જાય છે

વધારે માહિતી ક: એમાં આ ભાષાંતરની ખાસિયતો, શબ્દો અને વાક્યરચનામાં ફેરફાર તેમજ ઈશ્વરના નામ વિશે માહિતી છે

વધારે માહિતી ખ: એમાં ૧૫ રંગબેરંગી નકશાઓ અને ચિત્રો છે

^ ફકરો. 7 જૂના કરાર તરીકે પણ ઓળખાય છે.

^ ફકરો. 9 દાખલા તરીકે, ન્યૂ ઇન્ટરનેશનલ વર્ઝનના ભાષાંતર સંચાલકે લખ્યું: “યહોવા, એ ઈશ્વરનું નામ છે અને ખરું જોતાં અમારે એ નામ વાપરવું જોઈતું હતું. આ ભાષાંતર કરવા માટે અમે ૨૨ લાખ ડોલર કરતાં વધારે ખર્ચો કર્યો છે. જો અમે એમાં ઈશ્વરનું નામ મૂક્યું હોત, તો અમારા બધા પૈસા પાણીમાં ગયા હોત. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૨૩માં ‘યાહવેહ મારા પાળક છે,’ એવું ભાષાંતર કર્યું હોત તો અમને ખોટ ગઈ હોત. અમારા હાથમાં કંઈ આવ્યું ન હોત.“

^ ફકરો. 12 નવા કરાર તરીકે પણ ઓળખાય છે.

^ ફકરો. 24 ગુજરાતી બાઇબલ ભાષાંતરના સિદ્ધાંતો અને એની ખાસિયતો વિશે વધારે જાણવા ગુજરાતી નવી દુનિયા ભાષાંતરમાં વધારે માહિતી ક-૧ અને ક-૨ જુઓ.