મરોની નદીમાં સફર
શહેરના ભાગદોડ ભરેલા જીવનથી દૂર દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલોમાં અલગ અલગ જાતિ, ભાષા અને રાષ્ટ્રના લોકો રહે છે. એટલે જુલાઈ ૨૦૧૭માં, ૧૩ જેટલા યહોવાના સાક્ષીઓએ મરોની નદીમાં સફર કરવાનું નક્કી કર્યું. એ નદીના ફાંટાઓ ફ્રેંચ ગુએનાના વિસ્તારોમાં પણ ફેલાયેલા હોવાથી તેઓએ એની મુલાકાત લેવાનું પણ નક્કી કર્યું. શા માટે? જેથી એ નદીની આસપાસ રહેતા લોકોને બાઇબલનો સંદેશો જણાવી શકે.
સફરની તૈયારી
આ ૧૨ દિવસના સફરની તૈયારી એક મહિના પહેલા શરૂ કરવામાં આવી. એમાં ભાગ લેનારા બધા તૈયારી કરવા ભેગા થયા. વિન્સલેએ જણાવ્યું: “અમે એ વિસ્તાર વિશે ઘણી માહિતી ભેગી કરી. એટલું જ નહિ, મુસાફરી કઈ રીતે કરવી એ વિશે પણ વિચાર કર્યો.” ભાગ લેનાર દરેક વ્યક્તિએ એક એવી બેગ તૈયાર કરી જેમાં પાણી ના જઈ શકે. એમાં તેઓએ ઝૂલો અને મચ્છરદાની લીધાં. ઝૂલો એવો હતો કે ઝાડની ડાળીઓ પર બાંધીને સૂઈ શકાય. એ મુસાફરીમાં તેઓએ બે ફ્લાઇટ બદલી અને પછી હોડીમાં મુસાફરી કરી.
સફર માટે અમુક લોકોને આમંત્રણ મળ્યું ત્યારે તેઓને કેવું લાગ્યું? ક્લોડ અને લીસેટ નિવૃત્ત થવાની તૈયારીમાં જ હતા. તેઓએ તરત જ હા પાડી દીધી! ક્લોડે કહ્યું: “હું ઘણો ખુશ હતો પણ થોડો ગભરાયેલો હતો. કારણ કે મેં સાંભળ્યું હતું કે ઢાળવાળી જગ્યાએ નદીનું વહેણ જોખમી હોય છે.” પણ લીસેટની ચિંતા કંઈક અલગ જ હતી. તેણે કહ્યું: “હું એમરીન્ડીયન ભાષા કઈ રીતે શીખીશ?”
મુસાફરી કરનાર માઈકલને પણ એવું જ લાગ્યું. તેણે કહ્યું: “અમે વેઆના જાતિના લોકો વિશે કંઈ જાણતા ન હતા. એટલે અમે ઇન્ટરનેટ પરથી તેઓની ભાષાના અમુક શબ્દો શોધ્યા, જેથી તેઓને પહેલી વાર મળીએ ત્યારે ‘કેમ છો’ કહી શકીએ.”
પતિ જોહાન સાથે શર્લી આ સફરમાં જોડાઈ હતી. તેણે આ સફરમાં કઈ અલગ અલગ ભાષાના લોકો મળશે એનું લિસ્ટ તૈયાર કર્યું. તેણે કહ્યું: “અમે jw.org પરથી એ બધી ભાષાના વીડિયો ડાઉનલોડ કરી લીધા. વેઆના જાતિના લોકો સાથે વાત કરવા એ ભાષાની અમુક બુક પણ લીધી.”
એમરીન્ડીયન લોકો મધ્યે પહોંચ્યાં
મંગળવાર જુલાઈ ૪ના રોજ તેઓએ સેન્ટ-લોરેન્ટ ડુ મેરોનીથી વિમાનમાં મુસાફરી શરૂ કરી. ત્યાંથી તેઓ ફ્રેંચ ગુએનામાં આવેલા એક નાનકડા શહેર મેરીપસુલા પહોંચ્યા.
ચાર દિવસ પછી તેઓએ મરોની નદીની ઉપર બાજુએ આવેલાં ગામડાઓમાં રહેતા લોકોની મુલાકાત લીધી. ત્યાં જવા તેઓએ હોડીનો ઉપયોગ કર્યો. ગ્રૂપના એક ભાઈ રોલેન્ડે કહ્યું: “અમને જાણવા મળ્યું કે એમરીન્ડીયન લોકોને ઈશ્વર વિશે શીખવામાં ઘણો રસ છે. તેઓને ઘણા સવાલો હતા. અમુક લોકો અમારી સાથે બાઇબલમાંથી અભ્યાસ કરવા ચાહતા હતા.”
એક ગામમાં જોહાન અને શર્લી એક યુવાન યુગલને મળ્યા. એ યુગલના સગામાં એક સ્ત્રીએ આત્મહત્યા કરી હતી. જોહાને જણાવ્યું: “અમે તેમને અ નેટીવ અમેરીકન ફાઇન્ડ હિઝ ક્રીએટર વીડિયો બતાવ્યો. a તેઓને એ વીડિયો ખૂબ જ ગમ્યો અને તેઓએ પોતાનું ઈ-મેઇલ એડ્રેસ આપ્યું.”
તેઓએ નદીની ઉપરના ભાગે આવેલા એન્ટેકમ પાટા ગામની પણ મુલાકાત લીધી. એ ઘણું દૂર હોવાથી ભાઈ-બહેનો થાકી ગયા હતા. ત્યાંના મુખીએ તેઓને એક જગ્યાએ હોડી બાંધવાની પરવાનગી આપી. સ્થાનિક લોકોની જેમ ભાઈ-બહેનો પણ નદીમાં નાહવા ગયા.
ત્યાંથી ભાઈ-બહેનો ટ્વીંકે ગામ તરફ ગયા. ત્યાં કોઈનું મરણ થયું હોવાથી લોકો શોકમાં ડૂબેલા હતા. આ સફરની ગોઠવણ કરનાર એરીકે જણાવ્યું: “ત્યાંના આદિવાસી લોકોના મુખી ‘ગ્રાંડ મેન’ હતા. તેમણે અમને શોકમાં ડૂબેલા લોકોની મુલાકાત કરવાની પરવાનગી આપી. મુખી અને તેના કુટુંબીજનોને અમે વેઆના ભાષામાં બાઇબલની કલમો વાંચી આપી એ તેઓને ખૂબ ગમી. મરણ પામેલા લોકોને ફરી ઉઠાડવામાં આવશે એ વિશે ખાતરી આપતા વીડિયો પણ અમે તેઓને બતાવ્યા.”
ગ્રાંડ-સાંતિ અને એપટાઉમાં
ત્યાર પછી ભાઈ-બહેનોએ મેરીપસુલાથી નદીની નીચેના ભાગે આવેલા ગ્રાંડ-સાંતિના નાનકડા શહેર સુધી પહોંચવા અડધો કલાક વિમાનમાં મુસાફરી કરી. મંગળ અને બુધવારે સ્થાનિક લોકોને બાઇબલનો સંદેશો જણાવ્યો. ગુરુવારે એપટાઉ ગામમાં પહોંચવા મરોની નદીમાં બીજા સાડા પાંચ કલાકની મુસાફરી કરી.
સફરનાં છેલ્લા બે દિવસોમાં ભાઈ-બહેનોએ મરોનના ગામોની મુલાકાત લીધી, જેના પૂર્વજોને આફ્રિકાથી દાયકાઓ પહેલાં સુરિનામ દેશમાં ગુલામી માટે લાવ્યા હતા. ત્યાં એક મોટો તંબુ બનાવવામાં આવ્યો. ભાઈ-બહેનોએ દરેકને એ જગ્યાએ આવવાનું આમંત્રણ આપ્યું. ક્લોડે જણાવ્યું: “જ્યારે મોટી સંખ્યામાં લોકોને તંબુમાં જોયા, ત્યારે અમારું હૃદય ખુશીઓથી ઝૂમી ઊઠ્યું. અમે હજી તો સવારે જ આમંત્રણ આપ્યું હતું, તોપણ તેઓએ હાજરી આપી!” ગામના અમુક વિસ્તારો થોડા દૂર હતા. કર્સટેને એવા વિસ્તારોની સૌથી પહેલા મુલાકાત લીધી. તેમણે જાહેર પ્રવચન આપ્યું જેનો વિષય હતો: “જીવન કેમ આટલું ટૂંકું?” એ સાંભળવા અલગ અલગ ગામોમાંથી ૯૧ જેટલા લોકો આવ્યા હતા.
“અમે ફરીથી જવા તૈયાર છીએ!”
આખરે તેઓ સેન્ટ-લોરેન્ટ ડી મરોની પાછા આવ્યા. ત્યાંના લોકોએ યહોવાના સંગઠને તૈયાર કરેલાં ઘણાં સાહિત્ય સ્વીકાર્યાં હતાં અને ઘણા વીડિયો પણ જોયા હતા. એ સારા પરિણામોને લીધે તેઓ બધા જ ઘણા ખુશ હતા.
લીસેટ જણાવે છે: “આ સફરમાં ભાગ લેવાથી જે ખુશી મળી એ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી.” સિન્ડી પણ કહે છે: “જો મને પાછો મોકો મળે તો હું એ છોડીશ નહિ. આવો આનંદ મેળવવા તમારે જાતે અનુભવ કરવો પડે!”
આ સફરમાં ભાગ લેનારા પાછા જવા આતુર છે! માઈકલ જણાવે છે: “અમે પાછા જવા તૈયાર છીએ!” વિન્સલે, સેન્ટ-લોરેન્ટ ડી મરોની રહેવા જતા રહ્યાં. ક્લોડ અને લીસેટ જેઓ આશરે ૬૦ વર્ષના છે, તેઓએ એપટાઉ સ્થાયી થવાનું નકકી કર્યું છે.
a jw.org પર અંગ્રેજીમાં પ્રાપ્ય છે.